કેનવાસ: હર પલ યહાં હર પલ જીઓ… કલ હો ના હો!

-અભિમન્યુ મોદી
ભારતીયોના ભારત સિવાયના પ્રિય દેશના ઇતિહાસથી વાત શરૂ કરીએ. ધ ગ્રેટ ડિપ્રેશન. ઇ.સ. 1929નો સમયગાળો. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થઈ ચૂક્યું હતું. બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાને દસ વર્ષની વાર હતી. અમેરિકન સ્ટોક માર્કેટ કડડભૂસ થઈ ગયું. લગભગ આખું અમેરિકા રસ્તા પર આવી ગયું. રાતોરાત ગરીબોની સંખ્યા દસ ગણી થઈ ગઈ. કરોડો અમેરિકનો પાસે બે ટંક જમવાના પૈસા ન હતા. ત્યાંની એ મહામંદીને કારણે આખી દુનિયા એના સપાટામાં આવી ગઈ હતી.
એવા દારુણ સમયે જોસેફ કેનેડીએ રાતોરાત લાખો ડૉલર બનાવ્યા. મફતના ભાવે અમુક કંપનીઓનો માલિક બની ગયો. કેમ? એના પગરખાં પોલિશ કરનારો નાનકડો છોકરો પણ એને સ્ટોકની ટિપ્સ આપતો હતો. જ્યારે બજારની સલાહ રસ્તે ચાલનારાઓ આપવા માંડે ત્યારે સમજવું કે માર્કેટ ક્રેશ થવાનું છે. આખો દેશ જ્યારે રડતો હતો ત્યારે આ માણસ સંપત્તિ સર્જી રહ્યો હતો.
આ જ સમયમાં એક બીજો માણસ હતો. માઈકલ કુલેન એનું નામ. એને આઈડિયા આવ્યો કે અમેરિકન લોકો પાસે નોકરી નથી કે ખાસ પૈસા નથી. આવા ખરાબ સમયમાં એ લોકોને વિશાળ જગ્યાએથી કોઈ પાસે માંગ્યા વિના જાતે જ ખરીદી કરી શકે એવી ફેસિલિટી પ્રોવાઇડ કરીએ તો કેવું રહે? ‘કિંગ કુલેન’ કરીને એણે સુપરમાર્કેટ ખોલીને એણે દુનિયામાં મોલ-કલચરને જન્મ આપ્યો.
લોકોને દુકાનદાર પાસે સસ્તી વસ્તુ માંગતા શરમ આવે એને બદલે ગોડાઉન સ્ટાઇલની મોટી દુકાનમાં જાતે જઈને વિના સંકોચે ખરીદી કરવાની… આ આઈડિયા ત્યારે હાસ્યાસ્પદ લાગ્યો હશે , પણ અત્યારે આવા મોલ કરોડો ડૉલરની ઇન્ડસ્ટ્રી છે. એ અત્યંત ખરાબ સમયમાં બુટલેગરો પણ બહુ કમાયા (હા, અમેરિકામાં વર્ષો સુધી દારૂબંધી રહી છે.) આલ્બર્ટ વિગ્ગીન નામના એક બેંકરે તો પોતાની જ બેંકના શેરને શોર્ટ-સોલ્ડ કરીને બેન્ક કરતાં વધુ પૈસા કમાઈ લીધા. બેંકે દેવાળું ફૂંકયું પણ પોતે પૈસાદાર થઈ ગયો. કેમ? એને પોતાની બેન્ક વહાલી હતી, પણ એ તટસ્થ નજરે વર્તમાન જોઈ શકતો હતો એટલે એ નજીકનું ભવિષ્ય કળી શક્યો.
આ બધાં ઉદાહરણો અમેરિકન છે. એ માત્ર સંયોગ છે. ડોનલ્ડ ટ્રમ્પ આવી સ્થિતિનું અત્યારે નિર્માણ કરી રહ્યા છે . આ દ્રષ્ટાંતો કોઈ બોધપાઠ નથી. એ એક યાદી છે જ્યારે દુનિયાભરમાં અફરાતફરી મચી પડી હોય ત્યારે પોતે નિષ્ઠા સાથે કરેલું હોમવર્ક કેટલું કામ લાગે. હોમવર્ક બહુ જરૂરી છે.
સ્થિરતા અતિ અગત્યની છે. તૈયાર માણસને ઝંઝાવાત પણ ડગાવી શકતો નથી એવાં કેટલાંય ઉદાહરણ આપણી આસપાસ પણ મળે. આના પરથી એ સત્ય દોહી શકાય કે દુનિયા (કે જિંદગી) તકવાદીઓની નથી, પણ તૈયાર માણસોની છે. ‘તકસાધુ’ આમ તો નેગેટિવ શબ્દ છે, પણ આપણા મનમાં તો એવું જ હોય છે કે સારી તક મળે એ ઉઠાવી લે એ હોશિયાર અને સફળ. આ માન્યતા બાળકની નજરે દેખાતી વાસ્તિવિકતા છે. અસલમાં તૈયાર માણસો જ તક ઝડપી શકે, જેને કંઈ ન પડી હોય એ નહીં. કૂદકાબાજ નહીં. એને માટે સમજ શક્તિ જોઈએ, જે વર્ષોના અનુભવ, ઠરેલપણું, સાહજિક વૃત્તિ અને હિમ્મત સાથે આવે.
પ્રાચીન ગ્રીસમાં કૈરોઝ નામની એક કોન્સેપ્ટ-વિભાવના હતી.‘કૈરોઝ’ શબ્દનો અર્થ થાય ‘પાકેલો સમય.’ સમયની ટર્મિનોલોજીમાં બે શબ્દ છે : ક્રોનોઝ અને કૈરોઝ. ક્રોનો પરથી ક્રોનોલોજી શબ્દ બન્યો – તબક્કાવાર સમયસારણી. કૈરોઝ એટલે ગુણવત્તાસભર સમય. ખરા સમયે ખરી જગ્યાએ હાજરી અને પરફેક્ટ એક્શન. કૈરોઝનો સદુપયોગ એ જ કરી શકે જે તૈયાર છે અને જેમાં કિલર ઇન્સ્ટિનકટ છે.
સમય ખરાબ અને નસીબ નબળા કરીને રડતા માણસો પાંચ સદી આયુષ્ય ભોગવે ને તો પણ કંઈ જ નક્કર ઉકાળી ન શકે એ નક્કી. જાપાનીઝ તીરંદાજને એ જ શીખવવામાં આવે. શ્વાસ એકદમ શાંત પણ મન તીર કરતાં પણ વધુ તીક્ષ્ણ રાખો તો જ લક્ષ્યવેધ થાય. યુદ્ધોમાં એ જ લશ્કર જીત્યું છે જે લડાઈ પહેલા શિસ્તબદ્ધ રહેતું હોય. બાહુબલીમાં કાલકેયનું સૈન્ય જંગલી અને ખૂંખાર હતું, પણ શિસ્તના અભાવે એ જીતી ન શક્યું…
આ પણ વાંચો…કેનવાસ: પ્રોમિસ ને પ્રતિજ્ઞા… તોડવા માટે જ હોય છે?
હવે આજની વાત કરીએ. આજે જેવો સમય છે એવો ઇતિહાસમાં ક્યારેય ન હતો. અત્યારે બહુ સુખ સગવડ ટેક્નોલોજી છે, પણ માહોલ બહુ વોલેટાઇલ છે સમય એવો ચંચળ છે કે ક્યારે બીજો આતંકવાદી હુમલો થશે એ આપણને ખબર નથી. ક્યારે કોરોના જેવો બીજો વૈશ્વિક રોગચાળો ફાટી નીકળશે એની આપણને ખબર નથી. માર્કેટ ક્યારે ક્રેશ થશે કે બૂમ થશે એ આપણને ખબર નથી. સરકારી નોકરી મળશે કે નહીં એ આપણને ખબર નથી. અઈં – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણને નક્કામા ક્યારે કરશે એ આપણને ખબર નથી.
બીજા દેશોમાં ક્યારે ઇકોનોમિક મેલ્ટડાઉન થશે, જેની સીધી અસર આપણાં માર્કેટ પર થશે એનો આપણને જરાય અંદેશો નથી. સોસાયટીમાં ક્યારે નવો ટ્રેન્ડ આવશે ને આપણે આઉટડેટેડ થઈ જશું એ આપણને ખબર નથી…….અત્યારે જે લાઈફ પાર્ટનર સાથે છે, જે સંબંધો છે એ એક દાયકા પછી હશે કે નહીં હોય એની કોઈ ગેરંટી આપણી પાસે નથી. આ એ સમય છે જેમાં ખાતરી કશાની નથી, પણ બદલાવ આવશે એ ચોક્કસ છે.
ગુજરાતના પેલા અંબાલાલ કાકા ફક્ત વરસાદની આગાહી કહે છે – આપણા સંજોગોની નહીં. મનોવિજ્ઞાનમાં માણસની વર્તણુકના ત્રણ પ્રકાર છે – ફ્રીઝ / ફિઅર / ફોકસ. આળસુ બનીને કંઈ ન કરીને ફ્રીઝ થઈ જવું એ આઠ અબજ લોકોનો કમ્ફર્ટ ઝોન છે. અણધાર્યા સંજોગોમાં ડરી જવું એ માનવસહજ પ્રતિક્રિયા છે. ફોકસની આદત જે બહુ ઓછા લોકો કેળવી શકે છે એ લોકો જીતે છે. સર્વાઇવ તો બધા થઈ જાય. અહીં થ્રાઇવ- વિકસવાની સમૃદ્ધ થવાની વાત છે. આર્થિક રીતે નહીં, પણ અસ્તિત્વ જાળવવાની વાત છે. બાકી મૂડ, માહોલ, નસીબ, સંજોગો, સેલ્ફી, રીલ્સ – આ બધા નબળા લોકોના વેસ્ટેજ ઓફ ટાઈમ છે.
બીજા શબ્દોમાં -કટોકટીનો સમય વિજેતાઓ બનાવતો નથી પણ વિજેતા કોણ છે એ બતાવે છે. એના માટે દર મિનિટની સંપૂર્ણ હાજરી, સમર્પણ અને તૈયારી જોઈએ. એ છે? નહીંતર શિયાળામાં ગોદડું ઓઢીને પડયા રહેવું કોને ન ગમે?!
આ પણ વાંચો…કેનવાસ : હેલોવીન ઉજવતા દેશો કરતાં વધુ ભૂતકથા ને ભૂતિયા સ્થળો તો ભારતમાં છે!



