ગુરૂ ફેઇલ?
ટૂંકી વાર્તા -બી. એચ. વૈષ્ણવ
એ સમય બહુ નાજુક હતો. તૂટેલી ફૂટપાથ જેવી મારી હાલત હતી. સૂકા પર્ણની જેમ આમતેમ રઝળપાટ કરતો હતો. ષડરિપુ પર જીત મેળવી જિતેન્દ્રિય થવા મન અજગરની જેમ ફૂંફાડા મારતું હતું!! કામવાસના પર વિજય મેળવવાના સંકલ્પની હાર થતી હતી. આંતરચક્ષુ સમક્ષ અપ્સરા સાથે અપલક કામમૈત્રક રચાઇ જતું અને વીર્યસ્ખલન થઇ જતું હતું. માળા કરતી વખતે રામને બદલે રમ્યાનો જાપ જપાઇ જતો. મન મહાપાતક કરે. કયાં જન્મે ભવાટવિમાંથી ઉગરીશ ?? મન અશાંત હતું. પળપળ મન વિહવળ હતું. મન આહત હતું.બધું કામ યાંત્રિક. ચેતનાનો અભાવ હતો. તૂટેલાં સ્વપ્નોની કરચો બેચેની વધારતી હતી. ચાદરના સળ જેવી દિમાગી હાલત. ઉદ્વેગ, અશાંતિ નિરાશા ઘર કરી ગઇ હતી . એક પ્રેમી કે ગોપીની દશા સારી હશે!! એક એક દિવસ જિંદગીમાંથી ઓછો થાય છે, આધ્યાત્મિક ઉન્નતિ થતી નથી. સાધનાનો માર્ગ પ્રસસ્ત થતો નથી. કુંડલિની જાગૃત થતી નથી . શરીરનાં સાત ચક્રો કાર્યરત થતાં નથી. ધ્યાન- સમાધિ લાગતી નથી. પ્રાણ ચક્ર ચિકિત્સા શિખાતી નથી. શરીરમાંથી સ્થૂળ શરીર નીકળી પરિભ્રમણ કરી શકતું નથી. શક્તિપાત દીક્ષા મળતી નથી.આત્મ સાક્ષાત્કાર થતો નથી. સદગુરૂ મળતા નથી.આ ભવ એળે જશે કે શું?
હું મારો પરિચય આપવાનું ભૂલી ગયો. હા, હું ભૂલકણો પામર જીવ છું. બનારસનો પંડિત છું. મારું નામ વિજય દિનાશંકર પાંડે. ચુસ્ત સનાતની બ્રાહ્મણ છું. બાબુજી સંસ્કૃતના પ્રકાંડ પંડિત. દાદા બનારસના મશહૂર જ્યોતિષી. ગ્રહો, નક્ષત્રો , ચોઘડિયા, મુહૂર્તો દાદાના ટેરવે વસે!!મુરલી મનોહર જોશી, અટલ બિહારીની જન્મકુંડળી દાદાએ બનાવેલ. દાદાનો ફળાદેશ વિધાતા ખોટો ન પાડી શકે.આધ્યાત્મિક ઉન્નતિ માટે બે વરસથી ઘર છોડેલું મન જયાં લઇ જાય ત્યાં જઉં આખો દિવસ રજળું. સાંજે ત્રણ ઈંટોનો મંગાળો કરી માટીના કાળા પાટિયામાં મૂઠ્ઠી ચોખા- મગની દાળ ઓરી ખીચડું ખાઇ પાણી પીને કોઇની દુકાનના ઓટલે લંબાવું કે વહેલી પડે સવાર.મુંબઈમાં દસ વરસ રિક્ષા ચલાવી. જર્મન હોમિયોપેથ બેકરના ઘરે ઘરનોકર બની કામ કર્યું. તેમણે હોમિયોપથી શીખડાવી. બેકરે પુત્રી એલેકઝાન્ડ્રાના લગ્ન જર્મનીમાં કર્યા. મને પાસપોર્ટ વિઝા કઢાવી બર્લિન લઇ ગયો. દીકરીના લગ્નની બધી જવાબદારી ઉઠાવી. બેકરે મુંબઈમાં એક ફલેટ અને વીસ લાખ રૂપિયા શિષ્યદક્ષિણા પેટે આપ્યા!! જીવનનું ગોલ શોધવા ફૂટબોલની જેમ એક શહેરથી બીજા શહેર, કોઇના આશ્રમ, કોઇનો મઠ, મંદિર ભટકતો રહ્યો. સદગુરૂના નામેપાખંડ, અનાચાર,ધર્મના નામે વેપાર, કઠલા, શિથિલ બ્રહ્મચર્ય , વાસનાતૃપ્તિનો નગ્ન નાચ જોયો!!
આ રઝળપાટના ભાગરૂપે અનાયાસે અમદાવાદ પહોંચેલો.અહીં સંતશ્રી પંછીરામ બાપુની પંચદિવસીય ધ્યાન શિબિર ચાલતી હતી. હોર્ડિંગમાં બાપુનો વિશાળકાય ફોટો ચિપકાવેલો. લાંબી સફેદ દાઢી. સફેદ વસ્ત્રો ધારણ કરેલાં. આંખો સંમોહનકારી!
શિબિરાર્થીનું રજિસ્ટ્રેશન કરાવી ફી ભરી દાખલ થયો. ચકાચૌંધ કરી તેવું લાઇટિંગ, ભવ્ય સ્ટેજ, શમિયાણામાં ચાર સાડા ચાર લાખ શિબિરાર્થી એકચિત થઇ પંછીરામ મહારાજની પુનિત વાણીનું સેવન કરી કૃતકૃત્ય થયાની લાગણી અનુભવે. બ્રહ્મ વિશે બાપુએ સત્સંગ કરેલો. ઓશો રજનીશની નબળી ઝેરોકસ લાગે!!ચાલુ પ્રવચને માથે મોરપીંછ લગાડી કાગડાની જેમ ઢંગધડા વિનાનું નર્તન કરવા લાગે. પ્રવચન દરમિયાન મોટા અવાજે હરિઓમ કે જય શ્રી કૃષ્ણ કહેવા પડેગા તેમ કહે. તિહાર જેલની મુલાકાત લેવા અગર હેલિકૉપ્ટરમાં તિહાર જેલનો એરિયલ વ્યુ લેવાનું કહે!!! બાપુ બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જન્મજન્મના ફેરા, મોક્ષ, સંચિત કર્મ અને કર્મો નિવારવા સાધના જરૂરી, નારી નરકની ખાણ છે, જેણે સત્સંગ શરાબ પીધો તેનો બેડો પાર થઇ જાય એવો અર્ધદગ્ધ આધ્યાત્મિક લવારો કરતા હતા. રસ્તાની કિનારે ફૂટપાથ પર પોપટ ચિઠ્ઠી ઉપાડે અને ટીડા જ્યોતિષી ગ્રહોના વર્તારા જણાવે એવો દિનદયાળ ગ્રાહક ભંડારના રદી ભંડારા જેવું બોલનારની ઔરા ક્યાંથી હોય?? સાલ્લો ઝોલાછાપ. હળદરના ગાંગડે તીર્થંકર થવા હાલી નીકળેલ!!
પંછીરામનું ધનનીય પ્રવચન પૂરું થયા પછી પ્રશ્ર્નોતરી ચાલુ થઇ. મેં હાથ ઊંચો કરી પરવાનગી મેળવી સવાલ કર્યો કે રામાયણની આ ચોપાઈ છે.
દેખા સાલ ન ઔષધ ચિન્હા સહસા કપિ ઉપારિ ગિરિ લિન્હા॥ (લંકાકાંડ ૫૭ (૪))જેમાં હનુમાનલલ્લાને અંડર એસ્ટિમેટ કર્યા છે. મેઘનાદના બાણથી લક્ષ્મણ મૂર્છિત થાય છે. રાવણના રાજવૈદ્ય સુષુમ્ણુના પ્રિસ્ક્રિપ્સનના આધારે હનુમાનજી મેડિકલ સ્ટોરના બદલે દ્રોણ પર્વત પર સંજીવની લેવા જાય છે. બજરંગબલી સંજીવની ઓળખી ન શકવાના કારણે દ્રોણ પર્વત ઊંચકી લાવે છે તેવો ચોપાઈનો ભાવ છે!!
જ્યારે હનુમાન ચાલીસામાં કહ્યું છે.અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસ બર દિન્હુ જાનકી માતા હનુમાનજી તમામ સિદ્ધિના માલિક હોય તો સંજીવની ન ઓળખી શકે? બંને પંક્તિ તુલસીબાબાની છે. તેનો વિરોધાભાસ છે. મારી શંકાનું સમાધાન કરો. હું આપને ગુરૂ બનાવવા તલપાપડ છું!!
બાપુ મોતના કૂવા જેવા ગોળ ગોળ જવાબો આપવા લાગ્યા!
બાપુ , રામ ભગવાન આજ્ઞાંકિત પુત્ર હતા. પિતૃભક્ત પુત્ર હતા. પિતાજીની આજ્ઞાથી રાજપાટ છોડી ૧૪ વરસનો વનવાસ સ્વીકારેલ હતો. અપિતું, રામાયણમાં પિતા બચન નહી માનત હૈ એમ કહેવામાં આવેલ છે?આપની પાસે કોઇ ઉત્તર કે સમાધાન છે? મેં બીજો બાઉન્સર ફેંક્યો!!
પંછીરામે દ્રૌપદીની જેમ તેનું વસ્ત્રાહરણ થાય એવા સવાલની અપેક્ષા ક્યાંથી રાખી હોય? એ બ્લાઇન્ડમાં રમવાની ટેવવાળા. હકકાબકકા રહી ગયા!!
પંછીરામ હાલકડોલક થઇ ગયા. આવા ગહન સવાલનો જવાબ આપવાનું ગજું ન હતું. મને સ્ટેજ પર બોલાવ્યો. મારી હિંમતની તારીફ કરી. મેં તેમના ચરણસ્પર્શ કર્યો. તેમણે તેમનો જમણો હાથ મારા મસ્તક પર મુકયો. તરત જ મારું માથું ભારે ભારે થઇ ગયું. હું સમજી ગયો કે પંછીરામ મોહિનીમંત્ર( મોહિની શક્તિ) અજમાવ્યો છે. હું પણ સાધક હતો. મારી સાધના સાત્ત્વિક હતી. પંછીરામની સાધના મેલી શક્તિની હતી. મે મોહિનીમંત્ર નિવારણનો મંત્રજાપ શરૂ કર્યો. પળભરમાં તેની અસર થઇ.
મેં પંછીરામને પ્રણામ કર્યાં. તેમને કહ્યું, બાબા તમે ગલત ટ્રેક પર છો. મેલી સાધનાનો અંત પણ મેલો હોય છે. ભવિષ્યમાં તમારું સામ્રાજ્ય તહસનહસ થશે. જાગવું હોય તો જાગી જાવ. સમય તમને ફરી તક આપશે નહીં.!!આટલું કહીને ત્યાંથી નીકળી ગયો.
કહે છે કે ગુરૂઓ ટકોરા મારીને ચેલા પસંદ કરે છે. નબળાને નકારે – રિજેકટ કરે છે. જગતમાં પહેલીવાર કોઇ ચેલાએ નબળા ગુરુને નકાર્યા હોય!
સાંભળ્યું છે કે પંછીરામના પાપની ટાંકી ઓવરફલો થઇ છે. એક કેસમાં પાકા કામના કેદી બની ગયા છે. હરિ ઓમ.