કેનવાસ : ગુજરાતી-મરાઠી-તમિલ-બંગાળી… ભાષાને શું વળગે ભૂર?

-અભિમન્યુ મોદી
આંદામાન નિકોબાર ટાપુસમૂહના સેન્ટિનેલીઝ આદિવાસીઓ સાથે સંપર્ક સાધવાની મનાઈ ફરમાવવામાં આવી છે. દુનિયા પાસે તે ટાપુ ઉપર વસતા આદિવાસીઓ વિષે ખાસ કોઈ માહિતી નથી. ત્યાં બહુ પાંખી વસતિ છે. એ લોકોની પણ કોઈ ભાષા હશે ને?
દુનિયાભરનાં જંગલોમાં જુદી જુદી જાતના આદિવાસીઓ રહે છે. દરેકની અલગ અલગ ભાષા છે. દુનિયાના ઘણા દેશોમાં એવા પ્રાંત પણ છે, જે પ્રાંતમાં કોઈ ચોક્કસ ભાષા બોલનારા બહુ ઓછા લોકો બચ્યા હોય શકે… સમય જતા ત્યાં બોલાતી ભાષા લુપ્ત થઇ જશે. ઘણી ભાષાઓ તો કયારની કાયમ માટે ભૂંસાઈ ગઈ છે.
જે ભાષા બોલતા લોકો ઓછા એમ એ ભાષા પાસે શબ્દો ઓછા ભાષાશાસ્ત્રનો એવો નિયમ છે. ભાષાશાસ્ત્ર એટલે કે લિંગ્વિસ્ટિક્સનો બીજો એક નિયમ એ પણ છે જેમ ભાષા વધુ જૂની એમ તેનું શબ્દભંડોળ વધુ હોવાની શક્યતા પ્રબળ, પણ જો કોઈ ભાષા કોઈ એક પ્રદેશ પૂરતી સીમિત રહી જાય તો એ ભાષાની વૃદ્ધિ અને વિકાસ અટકી જાય. આ ત્રણેય નિયમોને સાથે રાખીને ઉદાહરણ પૂરતું કોઈ ટાપુ પરની ભાષાનો અભ્યાસ કરીએ તો સમજાય કે તે વિસ્તારની ભાષામાં શબ્દો ઓછા છે અને તેમની ભાષા સમૃદ્ધ થઇ નથી. તેની સામે છેલ્લી બે સદીમાં સૌથી વધુ વિસ્તારમાં ફેલાયેલી ઈંગ્લિશ ભાષા જુઓ તો તે સતત સમૃદ્ધ થતી રહે છે- તેમાં નવા નવા શબ્દો ઉમેરાતા રહે છે.
ઈંગ્લિશ ભાષા ગ્રીક, લેટિન અને ફ્રેંચ કરતાં પ્રમાણમાં ઘણી નવી ભાષા કહેવાય તો પણ એની શબ્દસંખ્યા ઈંગ્લિશની મધર લેંગ્વેજિસ કરતાં વધી ગઈ છે. સંસ્કૃત પાસે જેટલા શબ્દો છે એટલા શબ્દો ભાગ્યે જ બીજી કોઈ ભાષા પાસે હશે, પણ સંસ્કૃતમાં છેલ્લા એકસો વર્ષમાં નવા શબ્દો કેટલા ઉમેરાયા? ફરીથી ભાષાશાસ્ત્રના આપણે ચર્ચેલા ત્રણ નિયમો યાદ કરો.
ભાષા વાતચીતનું માધ્યમ છે એ બધા જાણે છે, પણ એ સમજવાની જરૂર છે કે એ માધ્યમ માત્ર છે. ‘મારે બાથરૂમ જવું છે’ આ ચાર શબ્દોનું વાક્ય બોલવું કે ફક્ત પોતાની ટચલી આંગળી દેખાડીને ચાલતી પકડવી- બંનેનું અંતિમ પરિણામ એક જ આવે.
આ પણ વાંચો…કેનવાસ: માનવ ઇતિહાસનું સૌપ્રથમ પોડકાસ્ટ કયું હતું?
ભાષાની જરૂર એટલા માટે પડે છે કે માણસની અંદર અભિવ્યક્તિની ઘણી બધી સરવાણીઓ ફૂટી છે, ઉત્ક્રાંતિના ચાકડે. વિકસિત દિમાગ ધરાવતા હોમો સેપીયન્સને જિંદગીમાં પ્રજનન અને આરોગવા સિવાય બીજું પણ ઘણું કરવું છે માટે એને ભાષાની જરૂર પડવાની. જે તે પ્રદેશમાં તબક્કાવાર બહુ ધીમી પ્રક્રિયાના પરિણામ સ્વરૂપ કોઈ ભાષા આકાર લેતી હશે.
દરેક ભાષા તેના પ્રારંભિક તબક્કામાં તો ન સમજાય એવા એકસરખા લાગતા ધ્વનિનો સમૂહ જ હોય. ગળામાંથી નીકળતા જુદા જુદા અવાજ શબ્દરૂપે વિકસિત થયા અને ભાષા ઘડાતી ગઈ. ભાષા ઘડવામાં પૂર્વજોની અનેક પેઢીઓનો ફાળો છે, કોઈ એકલ દોકલનો નહિ. ભાષાની જરૂર માણસને પડી માટે ભાષાની શોધ થઇ અગર તો કરવામાં આવી.
અહીં રજૂ કરેલા મુદ્દાઓમાં બીજી થોડી હકીકત ઉમેરીએ તો થોડી બોટમલાઈન મળે. (1) ભાષા આદાનપ્રદાનનું માધ્યમ માત્ર છે. (2) ભાષાના ઘડતરમાં અત્યારે હયાત એવી કોઈ પણ વ્યક્તિનો ફાળો નથી. (3) દુનિયાના કોઈ પણ લોકશાહી દેશમાં એવો કાયદો નથી કે ત્યાં વસતા માણસને કોઈ એક ભાષા તો આવડવી જ જોઈએ. (4) ભાષા શીખવી શોખ હોઈ શકે.
બીજી ભાષા શીખવી પોતાની કારકિર્દીનો એક ભાગ હોઈ શકે, પણ બીજી કે ત્રીજી ભાષા શીખવાની ફરજ ક્યારેય પાડી ન શકાય. (આજકાલ મહારાષ્ટ્રમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવાને લઈને રાજકીય પક્ષો વચ્ચે ઢીશુમ ..ઢિશુમ ચાલી રહ્યું છે!)
કોઈ ભાષા ન આવડવી એ કોઈ પણ રીતે ગુનો ગણાય નહિં. સાથે સાથે ક્રૂર સત્ય એ પણ છે કે કોઈને એની માતૃભાષા આવડે છે તો એમાં કોઈ મોટું (કે નાનું પણ) અચિવમેન્ટ-સિદ્ધિ નથી, કારણ કે તે માતૃભાષા છે, ગળથૂથીમાં મળેલી ભાષા છે અને નાનપણથી એ જ ભાષાના શબ્દો વાક્યો કાને પડે છે માટે આ લખનારને કે કોઈને પણ ગુજરાતી ભાષા આવડે છે એનું અભિમાન ન હોવું જોઈએ, કારણ કે એના માટે ખાસ મહેનત કે વિશેષ પ્રયત્નો કરવા નથી પડ્યા.
ભારતની વાત કરીએ તો ભારતના નાગરિકને બંધારણ સમાન હક્કો આપે છે. ભારત દેશની કોઈ રાષ્ટ્રભાષા નથી. જગતની સૌથી પ્રાચીન ભાષાઓમાં તમિળનો ય સમાવેશ થાય છે, પણ સાઉથ ઇન્ડિયાના રાજ્યોની જીદ છે કે હિન્દી તો દાખલ નહિં જ થાય. જયારે ભારતમાં સૌથી વધુ બોલાતી અને શીખવામાં ઘણી સરળ એવી હિન્દી છે. હિન્દી પછી બંગાળી ભાષા સૌથી વધુ બોલાય છે, પણ એક જ દેશના નાગરિકોને સરેરાશ એક ભાષા કોમન આવડતી હોય તો વ્યવહારમાં એ બહુ સરળ પડે. જીદ્દી લોકોને આ સમજવું નથી.
આ પણ વાંચો…કેનવાસઃ એક રોગે ઘરની ડિઝાઈન બદલી, હવે ઘરની ડિઝાઈન નવા રોગને નોતરે છે?
રહી વાત ગુજરાતની તો ગુજરાતીઓ ભાષાને લઈને દરિયાદિલ માણસો છે. એક પણ ગુજરાતી એવો નહિં મળે જે બિનગુજરાતી સાથે ગુજરાતી ન આવડતી હોવાના કારણે ગેરવર્તન કરે. ઊલટાનું ગુજરાતી લોકો બિનગુજરાતીને વધુ માન આપે. બીજી ભાષા બોલવા માટે પ્રયત્ન પણ કરે.
કોઈ બિનગુજરાતી ગુજરાતનું મહેમાન બને તો પણ ગુજરાતીઓ એની ભાષામાં વાત કરવાનો પ્રયત્ન કરશે અને જો મહેમાને ગુજરાતી ભાષાના ભાંગ્યા તૂટ્યા બે શબ્દો પણ બોલી નાખ્યા તો ગુજરાતી હરખાઇને એને ખભે બેસાડી દેશે.
મહારાષ્ટ્રથી પાટીલ સાહેબ ગુજરાતના સત્તાપક્ષના પ્રમુખ બને અને એક પણ ગુજરાતી ને એના મૂળ ગુજરાતી નથી કે એમની માતૃભાષા ગુજરાતી નથી તે મુદ્દા પર બિલકુલ વાંધો ન હોય. ભાષાને લઈને કોઈને હેરાન કરે એ વૃત્તિ ગુજરાતીઓમાં આવી નથી. એ જે રીતે, ગુજરાતી પ્રજા ખોટા મિથ્યાભિમાનમાં રાચતા નથી માટે જ યહુદીઓ ઉપરાંતની એકમાત્ર વેપારી પ્રજા બનીને વિશ્વસ્તરે ડંકો વગાડી રહી છે.