સ્પોટ લાઈટ : ઈશ્વર ધ્યાન પણ રાખે ને કસોટી પણ કરે!

-મહેશ્વરી
આપણી સંસ્કૃતિમાં દીકરી વિદાય વખતે વાતાવરણ એકદમ ઈમોશનલ, એકદમ ભારેખમ બની જતું હોય છે. દીકરી વિદાયનાં ગીતોમાં કરુણરસ છલકાતો હોય છે. કબૂલ કે હૈયાનો હાર, કાળજાનો કટકો જેવી દીકરી કાયમ માટે ઘર છોડી જવાની હોય ત્યારે ખાલીપાનો અહેસાસ થાય, હૈયું ભારે થઈ જાય. દીકરીની વિદાય વખતે આપણે શોકાતુર થઈ જઈએ છીએ. તટસ્થ ભાવ નથી રાખી શકતા. વાસ્તવિક જીવન – રિયલ લાઈફ ઉપરાંત નાટક સિનેમાની રીલ લાઈફમાં પણ મેં આ જોયું છે, અનુભવ્યું છે. મારું એવું માનવું છે કે લગ્ન સુધી દીકરી મા – બાપની છત્રછાયામાં ઉછરે છે. લગ્ન પછી એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નિર્માણ કરવા જઈ રહી હોય છે. જીવનના એક નવા પડકારને પહોંચી વળવા એ નીકળતી હોય ત્યારે એને હસીને શુભેચ્છા આપીને વિદાય કરવી જોઈએ. એટલે મને રડવું ક્યારેય નથી ગમ્યું. ગમે એવી વિકટ પરિસ્થિતિ હોય, હું ક્યારેક ધ્રુજી ગઈ હોઈશ, પણ ક્યારેય મારી આંખોમાંથી શ્રાવણ – ભાદરવો નથી વરસી પડ્યા.
આ પણ વાંચો: સ્પોટ લાઈટ : ‘મહેશ્વરીએ સરિતા જોશીને ટક્કર આપી’
આજે પરિસ્થિતિ બદલાઈ છે, પણ 30 – 40 વર્ષ પહેલા દીકરી પરણીને સાસરે ગયા પછી પોતાની આગવી, અનોખી અને અલગ દુનિયા વસાવવાનાં સપનાં સેવતી હતી. નવા વાતાવરણમાં, નવા લોકો વચ્ચે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નિર્માણ કરવાના એના અરમાન રહેતા. તૈયારી માટે બહુ ઓછો સમય હોવા છતાં ઈશ્વરની કૃપાથી દીકરીનાં લગ્ન સરસ રીતે પાર પડ્યા. પ્રસંગ પૂરો થયા પછી મેં હસતા મોઢે દીકરીને વિદાય આપી સાસરે વળાવી. વૈવાહિક જીવનમાં સરસ રીતે ગોઠવાઈ જાય એ માટે આશીર્વાદ અને શુભેચ્છા પણ આપ્યા. સાંસારિક જીવનની એક જવાબદારી પૂરી થઈ. દીકરાનું કોલેજ ભણતર ચાલી રહ્યું હતું અને નાની દીકરી તો ભણતરની સાથે કામ કરી થોડી કમાણી પણ કરી રહી હતી. સરિતાબહેન જોશી સાથેના ‘દેવકી’ નાટકના શો પણ થઈ રહ્યા હતા. અંગત જીવન અને વ્યવસાયિક જીવન વચ્ચે સમતુલા જળવાઈ રહી હતી.
દેશી નાટક સમાજ છોડ્યા પછી મને મરાઠી નાટકોમાં કામ કરવાની તક મળી હતી એની વાત મેં અગાઉના હપ્તામાં કરી હતી. એમાં કામ કરવાના આર્થિક ફાયદા ઉપરાંત મરાઠી રંગભૂમિમાં મારું નામ જાણીતું બન્યું એ મોટો ફાયદો હતો. એક દિવસ મરાઠી નાટકના પ્રોડ્યુસરનો મને ફોન આવ્યો. ‘કિનારા’ નામના નાટકમાં રિપ્લેસમેન્ટનો રોલ કરવાનો હતો. નાટકની હિરોઈન અને સાઈડ હિરોઈન વચ્ચે કોઈ વાંધાવચકા પડ્યા અને એનો આપસી ઉકેલ ન આવવાથી નિર્માતાએ હિરોઈનનો રોલ મને ઓફર કર્યો. મારા નામનું વજન પડતું હતું એટલે 200 રૂપિયા નાઈટ (એક શો કરવાનું મહેનતાણું) નક્કી થયા. મરાઠી નાટક કરવાનો એક ફાયદો એ થાય કે લગભગ દરરોજ શો હોય અને ક્યારેક તો એક જ દિવસમાં બે કે ત્રણ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હોય. હું વિચાર કરવા લાગી કે ઈશ્વર કેટલું ધ્યાન રાખે છે. મોટી દીકરીનાં લગ્ન પૂરા કરી જવાબદારીમાંથી નવરાશ મળ્યા પછી જ આ નવી ઓફર આવી. લગ્નની વાત ચાલી રહી હતી ત્યારે જો આ ઓફર આવી હોત તો એ હું કોઈ કાળે સ્વીકારી ન શકી હોત.
આ પણ વાંચો: સ્પોટ લાઈટઃ મને સવા શેર લોહી ચડ્યું…
મરાઠી નાટકના નિયમિત શોમાં હું ગૂંથાઈ ગઈ. કેટલાક મહિના પસાર થયા હશે ત્યાં ખબર પડી કે પરણીને સાસરે ગયેલી મોટી દીકરી પ્રેગ્નન્ટ છે. આપણે ત્યાં દીકરીની પ્રથમ સુવાવડ પિયરમાં કરવાનો રિવાજ છે. એટલે હું દીકરીને ઘરે લઈ આવી અને ખોળો ભરવાની વિધિ પાર પાડી. માતૃત્વ ધારણ કર્યું ત્યારે મારા માથે કેવી વીતી હતી એ હું નહોતી ભૂલી. મેં જે કંઈ વેઠ્યું હતું એનો પડછાયો પણ દીકરી પર ન પડે એની તકેદારી રાખી. દીકરીની તબિયત સારી હતી એટલે ચિંતાનું કોઈ કારણ નહોતું. ડોક્ટરે ડિલીવરીની તારીખ આપી હતી, પણ એ જ સમયે મરાઠી નાટક માટે મારે ટુરમાં જવાનું થયું. મેં દીકરી ચેરીને બધી વાત કરી તો તેણે મને હૈયાધારણ આપી કે ‘મમ્મી, તું જરાય ચિંતા નહીં કરતી. મારી તબિયત એકદમ સારી છે. કોઈ વાંધો નહીં આવે.’
દીકરીના જવાબથી મને ધરપત થઈ અને થોડી હિંમત પણ બંધાઈ. ટૂર માટે મેં બેગ તૈયાર કરી, પણ હું નીકળવાની તૈયારી કરતી હતી ત્યાં જ ચેરીને દુખાવો ઊપડ્યો. મારે એની પાસે હાજર રહેવું જરૂરી હતું, પણ છેલ્લી ઘડીએ નિર્માતાને નાટક માટે હું ના ન પાડી શકું. હોસ્પિટલમાં ચેરીને એડમિટ કરી હું પુણે જવા ઊપડી. નાટકનો શો હું પુણેમાં કરી રહી હતી, પણ મારું મન તો મુંબઈમાં દીકરી પાસે હતું. બે શો કર્યા પછી મેં નિર્માતા સમક્ષ મારી હાલતનું બયાન કર્યું અને તેઓ મારી માનસિક અવસ્થા સમજી ગયા અને મને જવાની રજા આપી. રાતના બે વાગ્યે હું મુંબઈ ઘરે પહોંચી. પહોંચતાની સાથે ખબર પડી કે હું નાની બની ગઈ છું. દીકરીને ઘરે દીકરો આવ્યો છે. મુસાફરીનો બધો જ થાક ઉતરી ગયો અને હૈયામાં હરખની હેલી ઊપડી. માનું હૈયું કાબૂમાં રહે? તરત હોસ્પિટલ પહોંચી અને મને જોઈ હોસ્પિટલના બેડ પર સૂતેલી મારી દીકરીના ચહેરા પર ચમક આવી ગઈ.
આ પણ વાંચો: સ્પોટ લાઈટ : મડિયાના ભરોસાથી ગદગદિત થઈ ગઈ
હું ફરી મારા રૂટિનમાં ગોઠવાઈ ગઈ. મરાઠી નાટક ‘ેકિનારા’ના શો મુંબઈમાં પણ ચાલુ હતા અને બહારગામના પણ શો કરી રહી હતી. જોકે, ઘરની જવાબદારી થોડી વધી ગઈ હતી. નાની દીકરી અને કોલેજમાં ભણતા દીકરાની સાથે હવે ચેરી અને એના દીકરાનું પણ ધ્યાન રાખવાનું હતું. નવજાત શિશુની કાળજીમાં વિશેષ ધ્યાન આપવું પડે. બાળક ઉછેરનો અનુભવ હોવાથી મને કોઈ મુશ્કેલીનો અનુભવ નહોતો થઈ રહ્યો. એ વખતે મારે નવું રેશનકાર્ડ બનાવવાનું હતું. એટલે હું માસ્તર રહેતા હતા એ જોગેશ્વરીના ઘરે ગઈ. ત્યાંથી નામ કઢાવ્યા પછી જ બોરીવલીમાં નવું રેશનકાર્ડ મળી શકે એમ હતું. જોગેશ્વરી જઈને જોયું તો મારો દીકરો શાંગ્રિલ ગલીના નાકે બેઠેલો જોયો.
હું વિચારમાં પડી ગઈ કે મારો દીકરો અહીં કરે છે શું? રોજ સવારે તો કોલેજ જાઉં છું એમ કહી નીકળતો અને કોલેજ છૂટવાના સમયે ઘરે પાછો આવી જાય. એટલે એ બીજે ક્યાંય જતો હશે એની ગંધ પણ મને ક્યાંથી આવે? ઘરમાં જઈ મેં માસ્તર સાથે રહેતા શાન્તાબહેનને પૂછ્યું કે શાંગ્રિલ અહીં કેમ આવ્યો છે? શાંત બહેને એકદમ ઉડાઉ જવાબ આપ્યો કે ‘ક્યારે આવે છે ને ક્યારે જાય છે અમને કશી ખબર નથી.’ મને આશ્ચર્ય થયું અને આઘાત પણ લાગ્યો કે મારો દીકરો અહીં વિના કારણ આવીને બેસી રહે છે એની જાણ મને કરવાની તસ્દી પણ તેમણે ન લીધી? જોકે, એમની પાસે અપેક્ષા રાખવી એ મારી જ ભૂલ છે એમ મેં મન મનાવી લીધું. દીકરાને બધી પૂછપરછ કરતા ખબર પડી કે આઠ મહિનાથી ભાઈસાહેબ કોલેજમાં જ નથી ગયા. હું હેબતાઈ ગઈ. ઈશ્વર મારી હજી કેવી અને કેટલી કસોટી કરવા માગે છે એ વિચાર મને આવી ગયો.
આ પણ વાંચો: સ્પોટ લાઈટ : અલક ચલાણું ઓલે ઘેર ભાણું…
‘વિક્રમ અને શનિ’
પ્રેક્ષક માઈબાપને ક્યારે શું ગમી જાય એના કોઈ ગણિત નથી હોતા. કોઈ નાટક પ્રેક્ષકો વધાવી લે, એને ગળે વળગાડે તો કોઈ નાટકને એવો જાકારો આપે કે વાત ના પૂછો. પહેલા જ શો પછી સુપરફ્લોપનો અંદાજ આવી જાય. કવિ અને નાટ્યલેખક મૂળશંકર મુલાણી સાથે આવું બન્યું હતું. તેમનું નવું નાટક ‘રત્નાવલિ’ શૃંગાર અને હાસ્ય રસનું મિશ્રણ હતું, પણ પ્રેક્ષકોને પસંદ ન પડ્યું. દર્શકોને અચરજ થાય એ માટે તેમણે ટ્રીક સીન આવે એવું ‘વિક્રમ અને શનિ’ નામનું નવું નાટક લખ્યું. નાટકમાં ટ્રીક સીનની મદદથી શનિનો ગ્રહ ઉપરથી ફરતો ફરતો નીચે ઉતારવામાં આવતો હતો. આ શનિના ગ્રહમાંથી તણખા ઝરતા અને અદભુત પ્રકાશ આયોજનથી પ્રેક્ષકો દિગ્મૂઢ બની જતા. કેટલાક લોકો તો આ સીન જોવા જ ફરી ફરી આવતા હતા. વિજ્ઞાનમાં ખૂબ રસ ધરાવતા મૂળશંકર ભાઈએ જ આ દૃશ્યના મંચનમાં રસ લીધો હતો. ‘વિક્રમ અને શનિ’ નાટકને સારી સફળતા મળી.
એક દિવસ કવિશ્રી થિયેટર પહોંચવા ઘરેથી નીકળી ટ્રામમાં ચડવા ગયા ત્યાં તેમનો પગ સરકી ગયો. પડ્યા અને ખભાનું હાડકું ભાંગી ગયું. ફરજીયાત નિવૃત્તિ લેવી પડી. ધાર્મિક વૃત્તિવાળા કવિશ્રી માનવા લાગ્યા કે શનિએ તેમને બરાબરનો પરચો બતાવ્યો અને એટલે તેમના ખભાનું હાડકું તૂટી ગયું. ત્રણ મહિના માંદગી ભોગવી સાજા થયા.