ઝબાન સંભાલ કેઃ ઘરની ધોરાજી હાંકવી

હેન્રી શાસ્ત્રી
ગુજરાતી કહેવતોનો ઈતિહાસ સાથે જોડાણનો સિલસિલો આગળ વધારીએ. ઘરની ધોરાજી હાંકવી કહેવત તમારા વાંચવા કે સાંભળવામાં આવી હશે. આ કહેવતમાં જે ધોરાજીનો ઉલ્લેખ છે એ હાલ રાજકોટ જિલ્લાનો વિસ્તાર છે. સુંદર નગર આયોજન ધરાવતું ધોરાજી નગર આઝાદી પૂર્વે ગોંડલ રાજ્યનું વિસ્તાર હતું. જૂના ગોંડલ રાજ્યનું ધોરાજી નગર મૂળ જૂનાગઢના નવાબના અખત્યાર હેઠળ હતું.
નવાબ બહાદુરખાન જૂનાગઢના સાતમા નવાબ હતા. 1882થી 1892 એમ 10 વર્ષ તેમણે શાસન કર્યું હતું. 1730માં મોહમ્મદ શેરખાન બાબીએ જૂનાગઢની સ્થાપના કરી હતી અને બહાદુર ખાન એમના વંશજ હતા. નવાબ બહાદુર ખાન સાથે ધોરાજી અને ઉપલેટાના જાગીરદાર તેમજ લશ્કરની ટુકડીના માથાભારે અને બળવાખોર સરદાર વસંતરાય પુરબિયાને ઘર્ષણ થયું હતું.
આ પણ વાંચો: ઝબાન સંભાલ કે : બાબાશાઈ ખાતું: કહેવતોમાં ઈતિહાસ
પુરબિયા પાસે આરબોની મોટી ફોજ તૈનાત રહેતી હતી. ચતુર પુરબિયા પ્રસંગોપાત બાદશાહને આર્થિક મદદ સુધ્ધાં કરતો હતો. આવી જ કોઈ મદદના બદલામાં પુરબિયાએ નવાબ પાસેથી ધોરાજી ઉપરાંત બીજા ચાર ગામ પણ કુનેહપૂર્વક મેળવી લીધા હતા. ત્યારબાદ રાજ્યમાં આંતરિક ખટપટો થતા વસંતરાય બળવાખોરની મદદે આવ્યા અને તેમનું સમર્થન કર્યું.
જોકે, કપરા કાળમાં ગોંડલના કુંભાજી હાલોજી ઠાકોર નવાબની મદદે આવ્યા. કુંભાજીનું આક્રમક વલણ જોઈ પુરબિયા ગભરાયો અને નાસી જઈ ઉપરકોટ વિસ્તારમાં સંતાઈ ગયો. કુંભાજીએ ત્યાં પણ એની પૂંઠ પકડી અને તેને તગેડી મૂક્યો. કુંભાજીની કુનેહ અને શૌર્યથી ખુશ થઈ નવાબ બહાદુર ખાનએ તેને શિરપાવ પેટે ધોરાજી સહિત પાંચ ગામ ભેટ આપ્યા. આમ કુંભાજીએ ધોરાજી ઘરની કરી મતલબ કે પોતાની કરી. એ સમયથી ‘ઘરની ધોરાજી’ લોકોક્તિ પ્રચલિત થઈ.
જોકે, વર્તમાન સમયમાં આ કહેવત સાવ જુદા અર્થમાં વપરાય છે. ઉપજાવી કાઢેલી વાત કે ડિંગ મારવી એના માટે ઘરની ધોરાજી હાંકવી એમ કહેવાય છે. કોઈ માણસ વ્યક્તિગત સિદ્ધિના બણગાં ફૂંકતો હોય જે માની ન શકાય એમ હોય ત્યારે ઘરની ધોરાજી હાંકવી રહેવા દે એમ કહી ટપારવામાં આવે છે.
આ પણ વાંચો: ઝબાન સંભાલ કે: રોટી તનસ્વી બનાવે, પૈસા મનસ્વી
ઘર સંબંધિત અનેક રૂઢિપ્રયોગ અને કહેવત છે. જોકે, એમાં સૌરાષ્ટ્રની ધરતી પર અવતરેલી કહેવતનો જોટો જડવો મુશ્કેલ છે. લોકસાહિત્યમાં દુહા સ્વરૂપે વણાઈ ગયેલી કહેવત છે ઘર વખાણીએ બારથી ને ઓરડો વખાણીએ છત. સૌરાષ્ટ્રના ખમતીધર રહેવાસીની ડેલીમાં પગ મૂકતા કાષ્ઠ કોતરણીવાળાં બારણાં અને બારસાખ (ઘરના બારણાનો ભીંત સાથે ચણેલો ઉમરા સાથેનો લાકડાનો ઘડેલો ઘાટ, બારણાનું ચોકઠું) ઊડીને આંખે વળગે.
બારસાખ માથે ગણપતિબાપા કંડારાયા હોય, ઉપર હીર-ભરતનું તોરણ, ચાકળા અને લટકણિયાં ટાંગ્યાં હોય. થોડું ચીતરકામ પણ હોય. છત પણ એવી કામણગારી હોય કે જોઈને હૈયે ટાઢક થાય. આવા ઘરમાં હસતે મોઢે આવકાર આપતા મીઠાબોલા જણ રહેતા હોય અને એમના અનન્ય આવકારને કારણે ચોમેર એમની પ્રશંસા થતી હોય.