ઉત્સવ

ગણેશ પાટ બેસાડિયે (સાંજીનું ગીત)

ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી

માગશર મહિનો ચાલી રહ્યો છે. લગ્ન ગાળા માટે આ સમય ઉત્તમ ગણાયો છે. લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે લગ્નગીતોનો વૈભવ અને એના ભાષા માધુર્યને માણીએ. પહેલાના સમયમાં લગ્ન લેવાતા આજે તો ફાઈવ સ્ટાર વેડિંગ થાય છે. પાર્ટી પ્લોટ, પ્રિ – વેડિંગ, ડ્રોન ફોટોગ્રાફી, ડીજે અને બીજાં અનેક આધુનિક રસાયણો મેરેજનો અભિન્ન હિસ્સો બની ગયાં છે. અગાઉના લગ્નની જે કેટલીક ખાસિયતો હતી એમાં એક હતી લગ્ન ગીતની પરંપરા. લગ્ન લખતી વખતનું, પીઠીનું, કુળદેવીને આમંત્રણ આપતું, જાન પ્રસ્થાન અને જાન પહોંચે એના ગીત એમ અનેક વિધિના એવા સુંદર સુંદર ભાવના ગીત છે કે એ માહોલ સામે ફાઈવ સ્ટાર વેડિંગ પાણી ભરે. લગ્નગીતોમાં એક ખાસ પ્રકાર જોવા મળતો (જોવા મળતો એટલા માટે કે આજે એ લુપ્ત થવાને આરે છે) જે સાંજી તરીકે ઓળખાય. સાંજી એટલે સાંજે ગાવાનાં લગ્ન ગીત.

પરથમ પહેલા ગણેશજીના સ્મરણ સાથે ગણેશ પાટ બેસાડિયે (સાંજીનું ગીત) ગીતથી શરૂઆત કરીએ. આ ગીતમાં વ્યક્ત થતી લાગણીથી હરખ બેવડાય છે અને એમાં રહેલા શબ્દો ભાષા જ્ઞાનનો વિસ્તાર કરે છે. ગણેશ પાટ બેસાડીએ વા’લા નીપજે પકવાન, સગાં સંબંધીને તેડીએ જો પૂજ્યા હોય મોરાર. ગણેશજીની હાજરીથી પકવાન સારા તૈયાર થશે એવી ભાવના વ્યક્ત કરી મોરાર એટલે કૃષ્ણનું સ્મરણ કરી સગા સંબંધીને યાદ કરવામાં આવે છે. જેને તે આંગણ પીપળો તેનો ધન્ય ધન્ય અવતાર, સાંજ સવારે પૂજીએ જો પૂજ્યા હોય મોરાર. આ પંક્તિમાં આંગણામાં પીપળાનું વૃક્ષનું શું મહત્ત્વ છે એનું વર્ણન છે. જેને તે આંગણ ગાવડી તેનો ધન્ય ધન્ય અવતાર, સાંજ સવારે દોણું મળે જો પૂજ્યા હોય મોરાર. આ પંક્તિમાં પશુધનનું મહત્ત્વ સમજાવી ઈશારો અર્થશાસ્ત્ર તરફ પણ કરવામાં આવ્યો છે. ગાવડી એટલે ગાય, ધેનું. ટૂંકમાં દુધાળા પ્રાણીની વાત છે. આંગણામાં ગાય હોય તો બેઉ ટાણે દૂધ મળી રહે, એ ખરીદવા ન પડે. જેને તે પેટે દીકરી તેનો ધન્ય થયો અવતાર, સાચવેલ ધન વાપરે જો પૂજ્યા હોય મોરાર. જેને તે પેટે દીકરો તેનો ધન્ય થયો અવતાર, વહુઆરુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર. આ પંક્તિઓમાં દીકરીનો મહિમા તો ગાવામાં આવ્યો છે અને દીકરાના જન્મના વધામણા પણ કરી પગે પડતી વહુ એટલે કે સંસ્કારી પુત્રવધૂ વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાતો ચૂડો તે રંગભર્યો ને કોરો તે કમખો હાર, ઘરચોળે ઘડ ભાંગીએ જો પૂજ્યા હોય મોરાર. પુત્રવધૂના ઉલ્લેખ સાથે એના શણગાર ચૂડો (બલ્લૈયું અથવા કાંડાનું ઘરેણું) કમખો (ચોળી)ની વાત પણ આવે છે. કાંઠા તે ઘઉંની રોટલી માંહે ઢાળિયો કંસાર, ભેગા બેસી ભોજન કરે જો પૂજ્યા હોય મોરાર. ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન, સગાં સંબંધીને તેડીએ જો પૂજ્યા હોય મોરાર. અંતે પકવાનની વાત સાથે સાંજી પૂરી થાય છે. આવા ગીત પ્રસંગના વર્ણન સાથે વાતાવરણને હર્યુંભર્યું બનાવી દે છે. કાંઠા એક પ્રકારની ઘઉંની જાત છે.

એક ઊંચો તે વર ના જોશો રે દાદા (સાંજીનું ગીત)

આ સાંજીમાં દાદા – પૌત્રી વચ્ચે સંવાદ છે જેમાં પૌત્રી કેવો વર પસંદ નહીં કરતા એ કારણ આપી સમજાવે છે. અંતે પોતાની પસંદગી પણ દર્શાવે છે. એક તે રાજને દ્વારે રમતા બેનીબા, દાદાએ હસીને બોલાવ્યા, કાં કાં રે દીકરી તમારી દેહ જ દુબળી, આંખલડી રે જળે તે ભરી. પૌત્રી માટે વપરાયેલા શબ્દ બેનીબામાં કેવી મીઠાશ, કેવો પ્રેમ ટપકે છે એ બોલશો તો એનો અનુભવ થશે. દાદા બેનીબાને બોલાવીને પૂછે છે કે આજે તું કેમ ઉદાસ દેખાય છે અને કેમ તારી આંખોમાં આંસુ છે? જવાબમાં પૌત્રી નથી નથી દાદા મારી દેહ જ દુબળી, નથી રે આંખલડી જળે ભરી એમ કહી પોતાને કોઈ વ્યથા નથી એવું સ્પષ્ટ કરે છે. એટલું કહી વર પસંદ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખજો એ દાદાને જણાવે છે. એક ઊંચો તે વર ના જોશો રે દાદા, ઊંચો તો નિત્ય નેવાં ભાંગશે. વર બહુ ઊંચો હશે તો ઘરમાં દાખલ થતા નેવાં (ઘરના છાપરાં પર બેસાડેલાં નળિયાં) તૂટી જશે અને નુકસાન થશે એવી શંકા વ્યક્ત કરે છે. એક નીચો તે વર ના જોશો રે દાદા, નીચો તો નિત્ય ઠેબે આવશે. કદમાં નીચો વર પણ પસંદ ન કરવા માટે નજરે ન પડવાથી કાયમ અડફેટે ચડશે એવું કારણ આપે છે. ત્યારબાદ વાત વર્ણ પર પહોંચે છે. એક ધોળો તે વર ના જોશો રે દાદા, ધોળો તે આપ વખાણશે, એક કાળો તે વર ના જોશો રે દાદા, કાળો તે કુટુંબ લજાવશે. ગોરો રૂપાળો વર પસંદ નહીં કરતા, કારણ કે એ પોતાની જ પ્રશંસા કર્યા કરશે અને શ્યામવર્ણો એટલા માટે નહીં કે એનાથી પરિવારની નાલેશી થશે એમ બેનીબા દાદાજીને સમજાવે છે. તો બેનીબાને જોઈએ કેવો વર? દાદાજીની આંખમાં રહેલો સવાલ સમજી પૌત્રી કહે છે કે એક કેડે પાતળિયો ને મુખે રે શામળિયો, તે મારી સૈયરે વખાણિયો, એક પાણી ભરતી તે પાણિયારીએ વખાણ્યો, ભલો તે વખાણ્યો મારી ભાભીએ. બેનીબાને શારીરિક બાંધા કે રૂપરંગ સાથે નિસ્બત નથી. એને તો એની સખીએ અને ભાભીએ પ્રશંસા કરી એવો ભલો વર જોઈએ છીએ. આ સાંજીમાં સાદગી ઝળહળે છે અને ભાષા વૈભવ છલકાય છે.

लगीन गीत

મહારાષ્ટ્ર અને ગુજરાત સહોદર રાજ્યો હોવાથી બંનેમાં ઘણું સાંસ્કૃતિક સામ્ય જોવા મળે છે. લગ્ન વિધિમાં કેટલોક ફરક જરૂર અને આનંદ કરવાની – કરાવવાની શૈલી સુધ્ધાં જુદી પણ કેટલીક બાબતે હરખનું પ્રમાણ લગભગ સરખું. લગ્નગીતનો સમાવેશ આ યાદીમાં અવશ્ય થાય. मराठी मध्ये लग्नला लाडात लगीन म्हणतात. पूर्वीच्या काळात देवाचा लगीन गाणं लोकांना आवडायचं। મરાઠીમાં લગ્ન માટે લાડમાં લગીન શબ્દ વપરાય છે. અસલના વખતમાં ‘દેવાચા લગીન’ ગીત ખાસ્સું પસંદ કરવામાં આવતું હતું. આ ગીત પેઢી દર પેઢી ચાલતું રહ્યું છે અને આજની તારીખમાં પણ ટકી રહ્યું છે. એની કેટલીક પંક્તિઓ પરથી આ લગ્ન ગીતની સરળતા અને મીઠાશ નજરે પડે છે. पाऊसराजा भोळा तो भरतो शेताच भाग रे,अन् पाण्याच्या काठावर बेडूक वाजवतो बाजा रे, बेडूक वाजवतो कसे देवाचे लग्न लावी रे. ખેડૂતો માટે વરસાદનું આગમન એ લગ્ન ઉત્સવ જેવો અનેરો આનંદનો અવસર છે. વરસાદ પડે ત્યારે ખેતરમાં પાણી ભરાય અને દેડકા ડ્રાઉં ડ્રાઉં કરતા જાણે કે લગ્ન પ્રસંગે ગવાતા ગીતમાં ઢોલ વગાડતા હોય એવી લાગણી જન્મે છે.

મરાઠીમાં વાર – વધૂ માટે नवरा – नवराई असे दोन शब्द आहे. પરણેતર – વધૂ માટે એક ખુબસુરત લગ્ન ગીત છે. नवराई माझी लाडाची लाडाची ग, आवड़ हिला चंद्राची चंद्राची ग. नवराई माझी नवसाची-नवसाची ग, अप्सरा जशी इंद्राची-इंद्राची ग. નવરાઈ એટલે વધૂ અને આ વધૂને લાડકી વિશષણથી સજાવી એના સૌંદર્ય અને એના નાજુક સ્વભાવનું વર્ણન આ લગ્ન ગીતમાં કરવામાં આવ્યું છે. આમારી લાડકી વધૂને ચંદ્રમા પ્રિય છે અને આ તો અમારી માનતાની વધૂ છે અને એનું સૌંદર્ય ઈન્દ્રના દરબારની અપ્સરા જેવું છે એવા શબ્દોમાં એની સ્તુતિ કરવામાં આવી છે. આપણો બૌદ્ધિક – સામાજિક વિકાસ ભલે ગમ્મે એટલો થયો હોય, આજે પણ પુત્રવધૂ તો ગોરી અને રૂપાળી હોય એવી જ કામના રાખવામાં આવે છે. લગ્ન ગીતમાં એનું પ્રતિબિંબ પડે છે. गोऱ्या-गोऱ्या गालावरी चढली लाजची लाली, गं पोरी, नवरी आली. सनईच्या सुरामंदी चौघडा बोलतो दारी, गं पोरी, नवरी आली. સનઈ એટલે શેહનાઈ અને ચૌઘડા એટલે ઢોલ – નગારા. લગ્નના માહોલના વર્ણન સાથે વધૂને આવકાર આપતા આ ગીતમાં શરમાઈ જવાથી એના ગાલ પર છવાયેલી લાલી અને એકંદરે એના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે. ગીતમાં આગળ સખીઓ અને બીજા ઉલ્લેખ સાથે વધૂના ગુણગાન ગવાયા છે.

આપણ વાંચો:  રેજ-બેઇટ : વૈશ્વિક લાગણીનો ઉગ્ર પડઘો વત્તા એક ચેતવણી!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button