વ્યંગ: અમારી માગણી પૂરી કરો, નહીંતર… | મુંબઈ સમાચાર

વ્યંગ: અમારી માગણી પૂરી કરો, નહીંતર…

-ભરત વૈષ્ણવ

‘કોણ આટલો ઘોંઘાટ કરે છે?’ બાબુલાલે ગણપત ગાંગડાને પૂછયું. ગણપત ગાંગડો પેન્શન ઓફિસમાં સિનિયર પટાવાળો હતો. બાબુલાલ સિનિયર પેન્શન પેમેન્ટ ઓફિસર હતા.

‘સાહેબ, બહાર પંદર વીસ લોકો આવ્યા છે. તમને મળવા માગે છે.’ ગણપતે જવાબ આપ્યો.
‘એ લોકો કેમ આવ્યા છે?’ બાબુલાલે પૂછયું.
‘એમને કાંઇક રજૂઆત કરવી છે.’ ગણપતે કહ્યું

‘ઠીક છે. એ લોકોના મોબાઇલ રેક પર મુકાવી… અંદર મોકલ.’ બાબુલાલે ગણપતને સૂચના આપી. સરકારી ઓફિસોના વીડિયો વાયરલ થવાના કિસ્સા વધતા જતા હોવાથી ઓફિસરની ચેમ્બરમાં મોબાઇલ બહાર રખાવવામાં આવતા હતા.
‘સાહેબ, અંદર આવીએ?’

હાથમાં કાગળનો થોકડો લઇ ઉંમરલાયક લોકો આવ્યા. એમના ચહેરાના ચામડા લબડી ગયેલા હતા. પેન્ટ-શર્ટ કોથળા જેવા ઢીલાઢસ દેખાતા હતા. માનો કે હવા નીકળી ગયેલા ચિમળાયેલ બલૂન. વાળ કાબરચીતરા હતા, નિવૃત્તિએ એમની જિજીવિષા માનો કે છીનવી લીધી હતી. નોકરીમાં હતા ત્યારે ઓવરલોડેડ ગન જેવા હતા.

‘આવો… બેસો. સંભાળીને બેસજો પડતા-આખડતા નહીં. નહિંતર પેન્શન વિેભાગને મેડિકલના ખર્ચો ભોગવવો પડશે.’ બાબિલાલે આગંતુકોને આવકાર આપ્યો.

‘સાહેબ, તમે મુલાકાત આપી તમારો આભાર.’ પ્રમુખ જેવી વ્યક્તિએ ધ્રૂજતા અવાજે આભાર માન્યો.
‘એ તો મારી ફરજ છે. બોલો સાહેબો, શું કામ આવવું પડ્યું?’ બાબુલાલે પેપરવેઇટ ટેબલ પર રમાડતા રમાડતાં પેન્શનરોને રમાડવાનું ચાલુ કર્યું. કેટલાક ઓફિસર કશું ન કરે, પરંતુ અરજદાર સાથે મીઠી મીઠી વાત કરે સામેવાળાને સાહેબ બહુ સારા લાગે.

આ પણ વાંચો…વ્યંગ : બેસણામાં ઉઠમણું…!

‘સાહેબ, અમે ‘પેન્શન સેના’ નામની સંસ્થાના હોદ્દેદાર છીએ. હું નાથાલાલ સંસ્થાનો મહામંત્રી ને અમે આ અમારા આ મૃત્યુપર્યંત પ્રમુખ પ્રસન્નભાઇ છે.’ નાથાલાલ એક લબડેલ ચહેરાનો પરિચય આપ્યો.
‘મળીને આનંદ થયો.’ બાબુલાલે વિવેક કર્યો.
‘સાહેબ, અમારે થોડીક રજૂઆત કરવી છે.’ નાથાલાલે બગાસું ખાતાં ખાતાં કહ્યું.
‘બોલો બોલો, કંઇ કંઇ લેખિત રજૂઆત લાવ્યા છો?’
‘સાહેબ, અમને ઇન્ક્રિમેન્ટ મળતું નથી. એનું કાંઇક કરો.’ નાથાલાલને નિવૃત્ત થયા પછી પણ ઇન્ક્રિમેન્ટના અભરખા હતા.
‘ઓકે, નેકસ્ટ?’ બાબુલાલે ટૂંકી પ્રતિક્રિયા આપી.
‘અમને લિપસ્ટિક એલાઉન્સ કે બ્યુટી પાર્લર એકસપેન્સ આપવાનું વિચારો જેથી અમે બોલ્ડ અને બ્યુટીફૂલ રહી શકીએ.’ છાંસઠ વરસે છમકછલ્લો રહેવાની કોશિશ કરતી છાયાએ માગણી રજૂ કરી. પછી માદક સ્મિત કર્યું .
‘ડિયર, તમારી આ માગણી મંજૂર. પરંતુ, મારું સેટિંગ કરજો.’ બાબુલાલે લાળ પાડી
‘અમને ઘરભાડું, વાહનભથ્થુ મળતું નથી. એ મંજૂર કરો.’ પ્રસન્નભાઇ પ્રમુખે રજૂઆત કરી.

‘ઠીક છે. એ અંગે વિચારણા કરીશું’ બાબુલાલે માગણી પર પાણી ઢોળ્યું.
‘સાહેબ, છાંટા પાણી માટે એલાઉન્સ આપો તો સારું .અમારા ગળા કોરા રહે છે. અમારા ગળા ભીના થશે તો તમને મદિરાશિષ મળશે.’ પરાગ પોટલીએ બે હાથ જોડીને લથડતા અવાજે ગુહાર લગાવી. પરાગની અટક પટેલ હતી. પોટલી પીવાની લતને લીધે પરાગ પોટલી તરીકે જ ઓળખાતો હતો.

‘આપણું સ્ટેટ ડ્રાય સ્ટેટ છે એની તમને ખબર છે?’ બાબુલાલે પરાગ પોટલીને તતડાવ્યો..
‘સાહેબ, મોંઘાઇ બહુ વધી છે. દવા, દૂધ, પેટ્રોલ, કરિયાણું અને પોટલીના ભાવ પણ ખૂબ વધી ગયા છે.’ પરાગ પોટલીએ પ્રસ્તાવના મુકી.

‘પણ હું ભાવ વધારતો હોય તેમ તમને લાગે છે?’ બાબુલાલે મોટી મજાક કરી હોય તેમ હસ્યા.
‘સાહેબ, પહેલાં અમને પગાર મળતો હતો. એ સમયે પગારમાં પૂરું થતું ન હતું. એ સમયે નોકરી ચાલુ હતી તો કટકીબટકી લઇને માંડ માંડ ઘર ચલાવતા હતા. પગારમાં પૂરું ન થતું હોય તો પેન્શનમાં કેવી રીતે પૂરું થાય? ઉપરથી હવે કટકીબટકી પણ ન મળે. ઘર ચલાવવામાં મુશ્કેલી પડે છે. તો પેન્શનબેન્શન વધારવાનું કાંઇક કરો,’ પરાગ પિયકકડે રજૂઆતની પૂર્ણાહુતિ કરી.
‘આમાં તો સરકાર કાંઇ મદદ ન કરી શકે, વડીલ. સરકારમાં કર્મચારી કરતાં પેન્શનરોની ફોજ વધુ છે. સરકાર પર મોટો નાણાકીય બોજ વધે.’ બાબુલાલે પેન્શન વધારાની સંભાવનાનો છેદ ઉડાડ્યો.

આ પણ વાંચો…વ્યંગઃ બે પાકિસ્તાનીએ કંઇ ફતેહની પાર્ટી કરી?

‘સાહેબ, તમારી જેની સાથે સલાહ-મશવરા કે પરામર્શ કરવો હોય તે કરી લો. પછી કહેતા નહીં કે.’ નાથાલાલે ધમકીભરી ભાષામાં કહ્યું.
‘અરે તમે તો ફૂટેલી કારતૂસ છો. તમે શું કરી લેશો? બહુ બહુ તો રેલી કાઢશો, ધરણા પર બેસશો? તમે આમરણાંત ઉપવાસ પર બેસશો? તમે આમ પણ મરવાની કગારમાં છો.’ બાબુલાલે સોઇ ઝાટકીને કહી દીધું. ઉભયપક્ષે ઉશ્કેરાટ અને ઉન્માદ વધી ગયા.
‘સાહેબ, તમે કલ્પના ન કરી હોય તેવો ખેલા કરીશું.’ સૌ નિશ્ર્ચયાત્મક અવાજે બોલ્યા. સૌ અગાઉ સંતલસ કરીને આવ્યા હશે. નહીંતર આવી મક્કમતા શક્ય જ નથી.
‘શું કરશો ? સરકાર ઉથલાવી દેશો?’ બાબુલાલ ઉપહાસ કરતા હોય તેમ બોલ્યા.
‘સાહેબ તમે છાપાં બાપાં વાંચો છો કે નહીં?’ પ્રસન્નભાઇ પ્રમુખે આંખ મિંચકારી પૂછયું.
‘કેમ,એમાં તમારા વિજયના સમાચાર છે?’ બાબુલાલ બોલ્યા.
‘સાહેબ, તુર્કીમાં 1.6 મિલિયન પેન્શનર છે. એમણે જૂની સરકારને ધૂળ ચાટતી કરી દીધી છે. નવી સરકારે પેન્શનમાં પચાસ ટકા વધારો કરવો પડ્યો છે.’

નાથાલાલે સદરાનો કોલર ઉંચો કરીને ક્લીનશેવ કરેલા ચહેરા પર મૂંછે તાવ દઇને કહ્યું. બાબુલાલ ધીંસ ખાઇ ગયો.
‘તુર્કીને તડકે મેલોને. તમે શું કરશો એ કહોને?’ બાબુલાલે મૂંછ ચાવતાં ચાવતાં પૂછયું.
‘સર, અમને ફેમિલી પેન્શન મળે છે. અમારી પત્નીને પણ અમારા મૃત્યું પછી આજીવન પેન્શન મળશે. સરકારના બંધ મગજનું કટાયેલું તાળું ખોલવાની આજ માસ્ટર કી છે.’ પરાગ પોટલી લથડતા અવાજે બોલ્યા.
‘એટલે? તમે શું કહેવા માગો છો?’ બાહોશ બાબુલાલ ગૂંચવાયા.

‘અમે અમારી ઉંમરથી ચાલીસ વરસ નાની સ્ત્રી સાથે લગ્ન કરીશું ઘરનો બળ્યો ગામ બાળે એ ઉક્તિને અમે સાર્થક કરીશું. તમે પેન્શન ન વધારો તો કાંઇ વાંધો નહીં. અમે અમારાથી નાની ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરીને સરકારની લંકામાં આર્થિક બોજની આગ લગાડીશું તમને એટલે કે સરકારને આઠ આની બચાવવાની લ્હાયમાં આઠસો અબજનો ચૂનો લાગશે.’ પ્રસન્નભાઇ પ્રમુખે પોતાની છાતી સરસા રાખેલા પાના ઓપન કર્યા.

કહેવાની જરૂર છે કે સરકારે આઠ આની બચાવવાની જહેમત અને મહેનત પડતી મૂકી. પેન્શનરોની પૂરી માગણી મંજૂર કરી.

આ પણ વાંચો…વ્યંગ : એક બે વાર નહીં, પણ છ વાર આદર્યાં અધૂરાં?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button