મિજાજ મસ્તી: ‘પ્રાર્થના’થી ‘પાસ’ના જુગાડ સુધી… નોરતાની ધમાલ

સંજય છેલ
‘બા’ ને ‘ગરબા’ વિના ગુજરાતી ડિક્શનેરી અધૂરી. (છેલવાણી)
‘પૃથ્વી સૂરજની આસપાસ ગોળ ગોળ ફરે છે’ એ થિયરીની જગતમાં જ્યારે શોધ પણ નહોતી થઇ એ પહેલાંયે ગુજરાતીઓ ગરબામાં ગોળ ગોળ નર્તન કે થિરકન કરતાં જ હશે એની અમને ખાતરી છે.
જગતમાં 9-9 રાત સુધી સતત ચાલતો ભક્તિનો કે સંગીત-નૃત્યનો આ સૌથી મોટો રોક-શો કે ડાન્સ-ફેસ્ટિવલ છે, જેમાં સેંકડો-અસંખ્ય લોકો એક સાથે, એક તાલે નાચતા હોય. રંગત-સંગતનો આવો અદ્ભુત ઉત્સવ, જેમાં ફકત ભાગ લેનારા માટે જ નહીં પણ એ દિલખુશ દ્રશ્ય નિહાળનારા માટે પણ એકજાતની અલગ જ રોમાંચની રસ-સમાધિનો રંગોત્સવ છે.
અમારા મુંબઇમાં, 80ના દાયકામાં આપણાં ગુજરાતી ફિલ્મ સંગીતકાર કલ્યાણજી-આણંદજીના ફેમિલી-મેંબર બાબલાના ડિસ્કો-ડાંડિયાથી શરૂઆત થઇ હતી, પણ હવે એ જ મુંબઇમાં નવરાત્રિ અમુક પોકેટ્સ પૂરતી સીમિત થઇ ગઇ છે ને ગરબા સાંજે શરૂ થાય ન થાય, ત્યાં તો 10.30 વાગે આટોપાઈ જતા હોય છે, પણ ગુજરાતમાં નોરતાનો ઉન્માદ અલગ જ એનર્જી-પ્રચૂર આવેશાત્મક ઘેનભરી ઘટના છે.
આજકાલ તો લગભગ નવરાત્રિ પતે પછી તરત જ આવનારી નવરાત્રિ માટે સ્પે. ગરબા ક્લાસીસ શરૂ થઈ જાય છે. એમાં 4 વર્ષની છોકરીથી લઈ 40ની ઉંમરની કે ઇવન 60 વરસની સ્ત્રીઓય હોંશે હોશે જાય. જોકે એક અનઓફિયલ સર્વે મુજબ, મોટેભાગે છોકરાઓમાં 4થી લઈને 24 સુધીના જ લગભગ જોવા મળે, કારણ કે એ બિચારાઓ તો ઓફિસમાં બોસના ને ઘરમાં પત્નીના ઈશારે આખું વરસ એટલું નાચતા હોય છે કે એમના આયખાંના ગમગીન ગરબા આખા વર્ષ ચાલતા જ રહે છે!
છોકરીઓ દ્વારા નવરાત્રિ માટે કપડાની ખરીદી- બ્યુટી પાર્લરનું બૂકિંગ- મફત પાસનું સેટિંગ કેવી રીતે કરવાનું એ બધાનું કોઇ યુદ્ધ લેવલનું પ્લાનિંગ લગભગ મહિનાઓ પહેલાં જ શરૂ કરી દેવામાં આવે છે. જેટલો ટાઈમ ગરબા કરવામાં લાગે એનાથી વધારે ટાઈમ 9 દિવસના જુદા જુદા ટ્રેડિશનલ ચણિયાં-ચોળી માટે એક જાતનું સેંસેશનલ સેટિંગ છોકરીઓ ચાણક્ય જેવી વ્યૂહ રચનાથી કરે. એમાં હવે નવો ટ્રેન્ડ શરૂ થયો છે : બેકલેસ ચોલી પહેરીને, જાતજાતના ટેટુ કે છૂંદણાં કરાવવાનો.
આ પણ વાંચો…મિજાજ મસ્તી : સમસ્યા ઓફ સેકંડ ઓપિનિયન: એક સવાલ મૈં કરું?
આમ પણ એ દિવસોમાં કોઈ પણ નોર્મલ છોકરી સ્વર્ગમાંથી ઊતરેલી અપ્સરા જેવી જ દેખાતી હોય છે. હા, એ અલગ વાત છે કે, દસમા દિવસે એ છોકરી સામેથી પસાર થાય તો તમે એને ઓળખી પણ ન શકો!
તો નવરાત્રિમાં ચાલાક છોકરીઓ જેમનો મનમોહક લૂક હોય છે એના વડે મફત પાસ મેળવવાથી માંડીને છોકરાઓ પાસે ધારેલું કામ કરાવવાનું કરાવી લેતી હોય છે. જો ગ્રુપમાં કોઇ એકલા છોકરા હોય તો એમની રાજકારણમાં અપક્ષ ઉમેદવારની જેમ કોઈ વેલ્યૂ નહીં! એ લોકો છોકરીને સાથે આવવા મનાવે ને છોકરીઓ પણ હોંશિયાર હોય કે- ‘ફ્રીમાં એન્ટ્રી મળે તો આવું.’ એવું કહીને વિપક્ષમાંથી ખરીદાયેલા સાંસદ કે વિધાનસભ્યની જેમ બહુ ભાવ ખાય. શાણી છોકરીઓ મોટોભાગે પાસનું સેટિંગ કરીને ફ્રીમાં જ ગરબા કરવા જાય.
મફત પાસ માટે જેને વર્ષમાં તો શું 10 વર્ષમાં એકવાર પણ ફોન કરીને હાલચાલ ના પૂછ્યા હોય એમને પણ અવશ્ય યાદ કરીને ‘આવશ્યકતા અવિશ્કારની જનની છે’ એ સિદ્ધાંત મુજબ, છોકરીઓ અદ્ભૂત પ્લાન રચે. સરસ તૈયાર થઈને પાર્ટી પ્લોટ પર પહોંચી જાય, પછી પાસના સેટિંગ માટે આમતેમ નજર કરીને જુએ કે કોણ પાસનું સેટિંગ કરી આપશે. જેવી ખબર પડે કે કોણ ફ્રીમાં એન્ટ્રી કરાવી આપશે તેની પાસે જઈને, ‘પ્લીઝ, આટલું કરી આપોને?’ એવી રીતે કહે કે છોકરો ભાવનાત્મક બરફની જેમ પીગળી જાય ને પેલી પોતાની એન્ટ્રી કરાવીને જ રહે. કેનેડાથી અમેરિકામાં જેમ ગેરકાયદે બોર્ડર પાર કરાવતા હોય એમ એન્ટ્રી કરાવીને જ છોકરો જંપે. જાણે એમનું ધરતી પર અવતરવાનું કારણ જ આ ના હોય!
ગગન મંડલ કે બીચ મેં
ઝિલમિલ ઝલકત નૂર! (તુલસીદાસ)
આ તો થઈ પાસના સેટિંગની વાત પણ અતિશાણી કેટેગરીની ક્ધયાઓ પાસની સાથે સાથે આવવા-જવા ટ્રાન્સપોર્ટનું સેટિંગ પણ કરી નાખે. એવી કમનીય ક્ધયાઓ આવન-જાવનનાં ટ્રાન્સપોર્ટ માટે છોકરાઓને યા તો ભાઈ બનાવી દે અથવા ટેમ્પરરી ફ્રેંડ કે બોયફ્રેંડ બનાવી દે કે પછી આગળ જતાં પ્રેમી પણ બનાવી દે. જેવા જેના નસીબ!
આ બધું કર્યા પછી ગરબા રમવાનું શરૂ થાય એટલે ચંપલ ક્યાં મૂકવા- મોબાઈલ કોણ સાચવશે એને માટે પણ બિચારા છોકરાએ જ બલિદાન આપવું પડે! ગ્રુપમાં એકાદ સેવાભાવી સ્વયંસેવક જેવો છોકરો તો હોય જ , જે ગરબાના કુંડાળામાં ધ્રુવના તારાની જેમ વચ્ચે અવિચળ ઊભો રહે ને બધી રખેવાળી કરે. પછી ગરબા કરીને પાણીની તરસ લાગે તો એ જ છોકરો, ક્ધયાઓ અને એના આભામંડળમાં રચાયેલ ગ્રુપ માટે પાણી પણ લઇને દોડીને જાય. ગરબા પૂરા થયા પછી ‘બકા, બહુ ભૂખ લાગી છે!’ એમ ક્ધયા કહે એટલે રાત્રે ગમે ત્યાં ગમે તે ભોગે ખાવા પણ લઈ જાય.
ઈન શોર્ટ, નવરાત્રિમાં છોકરીઓ જેટલી ગરબાની મજા કરે, છોકરાઓ એટલી જ મહેનત કરે અને વાઇસે વર્સા!
ચલો, હવે નવરાત્રિ શરૂ થઈ રહી છે તો એન્જોય, હાલો હાલો…જય માતાજી!
એન્ડ ટાઇટલ્સ:
આદમ: તને ગરબા ગમે કે રાસ?
ઈવ: જ્યાં તારો સહવાસ!
આ પણ વાંચો…મિજાજ મસ્તી : શબ્દોની સરિતા વહેતી…નવી જનરેશન-નવી ભાષા