આ છે 2025ની ટોપ 10 સફળ નારી…

ફોકસ – ડૉ. અનિતા રાઠોર
સ્મૃતિ મંધાના
નારીઓની પ્રગતિ અને જાતીય સમાનતાના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યાં છે. જેમાંના કેટલાંક સફળ પણ રહ્યાં છે. જો કે ટીમલીઝના તાજેતરના એક અહેવાલ અનુસાર ભારતમાં એન્ટ્રી-લેવલનાં પદો પર 46 ટકા મહિલાઓ છે. એટલે કે ઉચ્ચ નેતૃત્વ સ્તરે તેમની ભાગીદારી નોંધપાત્ર રીતે ઘટતી જોવા મળે છે. જો કે કેટલીક હિંમતવાન મહિલાઓ, સામાજિક ભેદભાવ અને પ્રણાલીગત સમસ્યાઓ હોવા છતાં તેમની સ્થિતિસ્થાપકતાને લીધે કોર્પોરેટ નેતૃત્વનાં ઉચ્ચ પદો પર પહોંચી રહી છે. આ રીતે ભાવિ પેઢીઓને પ્રેરણા આપી રહી છે.
ફોર્બ્સ ઇન્ડિયાએ 2025માં મહિલાઓ અને યુવતીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનેલી બિઝનેસ, ફાઇનાન્સ, રમત-ગમત અને મનોરંજન જેવાં ક્ષેત્રોમાંથી 10 મહિલાઓની પસંદગી કરી છે. આ નારીઓ વિવિધ ક્ષેત્રોમાંથી આવતી હોવાથી તેમને કોઇ ચોક્કસ ક્રમ આપવામાં આવ્યો નથી. આ તમામ પોતપોતાના ક્ષેત્રોમાં ટોચ પર છે. આ બધી આપબળે કાઠું કાઢનાર મહિલાઓ છે.
ગીતા ગોપીનાથ: આઇએમએફના પ્રથમ મહિલા મેનેજિંગ ડિરેક્ટર 53 વર્ષીય ગીતા ગોપીનાથે ગ્લોબલ ફાઈનાન્સ અને માઇક્રોઇકોનોમિક્સના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેઓ વેપાર, રોકાણ, ધિરાણ અને વ્યાજ દરો સંબંધિત મુખ્ય નીતિગત નિર્ણયોને પ્રભાવિત કરે છે. તેમણે શિકાગો યુનિવર્સિટીના બુથ સ્કૂલ ઓફ બિઝનેસમાં સહાયક પ્રોફેસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં જોડાયા હતા. તેમણે વિકસિત અને ઊભરતા બજારોમાં નીતિગત મુદ્દાઓ અને નાણાકીય સંકટો પર અસંખ્ય સંશોધન પત્રો લખ્યા છે. તેઓ આઇએમએફના પ્રથમ મહિલા મુખ્ય અર્થશાસ્ત્રી પણ રહી ચૂક્યાં છે. તેમના અનુભવ અને કુશળતાએ કોવિડ-19ના કારણે સર્જાયેલા વૈશ્વિક આર્થિક સંકટને નિયંત્રિત કરવામાં મદદ કરી હતી.
લીના નાયર: 55 વર્ષીય લીના નાયર ચનેલના ગ્લોબલ સીઇઓ છે. નાયર એક મુખ્ય આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રાન્ડનું નેતૃત્વ કરતી એકમાત્ર અશ્વેત મહિલા છે. તેમણે હિન્દુસ્તાન યુનિલિવર સાથે મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. નાયરના નેતૃત્વ હેઠળ આવકની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી લક્ઝરી બ્રાન્ડ બની હતી. જે ગત વર્ષની સરખામણીએ 16 ટકાની વૃદ્ધિ સાથે 19.7 બિલિયન ડૉલર થઇ હતી. તેમણે સ્થિરતા અને રીન્યુએબલ એનર્જીના પણ પ્રયાસો કર્યા. જે મહિલાઓ અને યુવતીઓને તેમની પ્રોફેશનલ મહત્ત્વાકાંક્ષાઓ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
સ્મૃતિ મંધાના: 28 વર્ષીય સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન અને ઓપનિંગ બેટ્સમેન છે. તેણીએ આ વર્ષે ભારતને વિશ્વ કપ(ઓડીઆઇ)નો ખિતાબ અપાવવામાં અને પહેલી વાર ઇંગ્લેન્ડને ઇંગ્લેન્ડમાં ટી-20 શ્રેણીમાં 3-2થી પરાજિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગત વર્ષે તેણી ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહી હતી. તેણી બે વાર આઇસીસી ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય છે.
મીરા કુલકર્ણી: 69 વર્ષીય મીરા કુલકર્ણી ફોરેસ્ટ એસેન્શિયલ્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓ 40 વર્ષના હતા ત્યારે તેમણે પોતાના શોખને બિઝનેસ આઇડિયામાં ફેરવ્યો હતો. તેણીએ બે લાખ રૂપિયાના રોકાણ અને બે કર્મચારીઓ સાથે ફોરેસ્ટ એસેન્શિયલ્સની શરૂઆત કરી હતી. ધીમે-ધીમે ઉત્પાદનોનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. કંપનીએ પ્રથમ દસ વર્ષ સુધી માર્કેટિંગ અને જાહેરાત પર કંઇ ખર્ચ કર્યો નહીં, માત્ર મૌખિક પ્રચાર કરીને તેની વિશ્વસનીયતા સ્થાપિત કરી હતી. આજે કંપની દેવામુક્ત એક બિલિયન ડૉલરની લક્ઝરી આયુર્વેદિક ત્વચા અને વાળ સંભાળની બ્રાન્ડ છે.
સુનિધિ ચૌહાણ: 41 વર્ષીય ગાયિકા સુનિધિ ચૌહાણે 1999થી અત્યાર સુધીમાં 10થી વધુ ભાષાઓમાં 2500થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. જેમાં દેશી ગર્લ અને શીલા કી જવાની જેવા તેના કંઠે ગવાયેલાં ગીતો બ્લોકબસ્ટર રહ્યાં છે. તે હવે સ્વતંત્ર મ્યુઝિક વીડિયોઝ પણ બનાવી રહી છે. જેને લાખો વ્યૂઝ પણ મળી રહ્યા છે.
મોના ખાણધર: 55 વર્ષીય મોના ખાણધર ગુજરાતના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગમાં મુખ્ય સચિવ છે. તેણી જટિલ કામો પૂર્ણ કરવા માટે જાણીતાં છે. 1996 બેચના આઇએએસ અધિકારી મોના આ પદ સંભાળનાર પ્રથમ મહિલા છે. હાલમાં તેઓ ગુજરાતમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર(જીસીસી) નીતિ 2025-30 અને ગુજરાત સેમીક્ધડક્ટર નીતિ 2022-27ના અમલીકરણ માટે જવાબદાર છે. તેણી 1.24 લાખ કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી રહ્યા છે.
પાયલ કાપડિયા: મુંબઇમાં જન્મેલા 39 વર્ષીય પાયલ કાપડિયા ફિલ્મ નિર્માતા છે. એફટીઆઇઆઇમાંથી સ્નાતક થયા પછી તેણીએ દસ્તાવેજી અને ટૂંકી ફિલ્મો બનાવીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. હવે તેણીને તેની પ્રથમ ફીચર ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ’થી આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. આ ફિલ્મને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ મળ્યો છે. જે કોઇ અન્ય ભારતીય દિગ્દર્શકને ક્યારેય મળ્યો નથી. આ ફિલ્મને ગોલ્ડન ગ્લોબ્સ અને બાફ્ટા વગેરેમાં પણ નોમિનેટ કરવામાં આવી હતી.
પ્રેરણા સિંહ: પ્રેરણા સિંહ પોતાની પ્રતિભાના બળે ભણસાલી પ્રોડક્શન્સના સીઇઓ બન્યા છે. અગાઉ તેણી રિલાયન્સ બિગ પિક્ચર્સ અને બાલાજી મોશન પિક્ચર્સમાં બિઝનેસ, ફાઇનાન્સ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગનું સંચાલન કરતા ટોચના પદો પર કામ કરી ચૂક્યા છે. તેમની સફર 2009માં રિલાયન્સની ફિલ્મ ‘પા’થી શરૂ થઇ હતી. તેમણે ભણસાલી પ્રોડક્શન્સમાં ‘ગંગુબાઇ કાઠિયાવાડી’(2022) હિટથી ડેબ્યુ કર્યું અને પછી ‘હીરામંડી’ના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર બન્યાં હતાં.
રોહિણી અય્યર: 43 વર્ષીય રોહિણી અય્યરે પુરુષ પ્રધાન ઉદ્યોગમાં એક બહારની વ્યક્તિ તરીકે પ્રવેશ કર્યો હતો. રેઇનડ્રોપ મીડિયાની સ્થાપના કરી અને તેને બોલિવૂડની સૌથી પ્રભાવશાળી પબ્લિસિટી ફર્મ બનાવી હતી. રેઇનડ્રોપે પ્રિયંકા ચોપરાથી લઇને શાહિદ કપૂર સુધીના લગભગ દરેક એ-લિસ્ટ કલાકારો સાથે કામ કર્યું છે. હવે તેઓ પોતાની ઓટીટી અને ફિલ્મ પ્રોડક્શન કંપની શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જેથી ભારતીય વાર્તાઓને દુનિયાભરમાં સાંભળી શકાય. ે



