ફોકસ : લિવિંગ રૂમને નવા ઓપની સાથે રાખો કૂલ…

- અનુ આર.
ગરમી જ્યારે માઝા મૂકે છે ત્યારે આપણે એ.સી.ની ઠંડી હવાનો આનંદ લઈએ છીએ. સાથે જ ઠંડક અને તરોતાજા પ્રદાન કરતાં ઠંડાં પીણાં અને ફળો આરોગીએ છીએ. એવામાં વધુ સમય સુધી એ.સી.ની ઠંડી હવા પર આધાર ન રાખતાં લિવિંગ રૂમને જ ઠંડો બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
મહાનગરોમાં તેજીથી બહુમાળી ઈમારતો બની રહી છે. એમાં રહેતા લોકો ફ્લેટમાં મોંઘા ઇન્ટિરિયર્સ કરે છે. એથી ઘરમાં રંગ અને પ્રકાશનું ખાસ મહત્ત્વ છે.
લિવિંગરૂમમાં કલર એવો કરવો જે શાંતિ અને ઠંડક પ્રદાન કરે. મોટા ભાગે લાઈટ કલર હોવા જોઈએ. ઘરમાં થોડાઘણું અંધારું રાખવાથી ગરમી ઓછી લાગે છે. સાથે જ આંખોને પણ નાહક લાઈટથી રાહત મળે છે.
હવે વાત કરીએ પરદાંની. તો ઘરમાં આવતા સૂર્યપ્રકાશને પરદાથી અટકાવી શકાય છે. ગરમીમાં તો તડકો વધતા પરદાંનું મહત્ત્વ વધી જાય છે. એવામાં પરદા થોડા ભારે અને ડાર્ક રંગના હોવા જોઈએ. એવું મનાય છે કે ભારે રંગના પરદાથી પ્રકાશ ઓછો આવે છે. જેથી ગરમી લાગવાની શક્યતા ઓછી હોય છે.
જોકે એક વાતનું ધ્યાન એ પણ રાખવું કે ઘરમાં ગભરામણ ન થવા લાગે. ઘરમાં જો હવાની અવર-જવર ન હોય તો એ પણ એક સમસ્યા ઊભી કરી શકે છે. એથી ઘરની બારી થોડી ખૂલ્લી રહે એ પણ અગત્યનું છે. સાંજના સમયે જ્યારે પવન વાતો હોય ત્યારે બારી-બારણા ખૂલ્લા રાખવા જોઈએ જેથી ઘરમાં તાજગીનો એહસાસ થાય.
આપણ વાંચો ટૅક વ્યૂહ : ક્લાઉડ સ્ટોરેજની હરીફાઈ…ફાયદો અંતે આપણો જ છે!
હવે વાત ઘરના ઈન્ટિરીયર્સની. સોફાના કવર, સોફા પર રાખવામાં આવેલા તકિયાના કવરને પણ હળવા રંગોથી સજાવી શકાય છે. એનાથી ઘરનો લૂક તો બદલાશે જ પરંતુ સાથે જ મનને પણ શાંતિ મળશે. તમામ ફેશન નિષ્ણાતોનું પણ માનવું છે કે શક્ય હોય એટલું હળવા રંગોનો ઉપયોગ કરવામાં આવે.
આ સિવાય ઘરમાં છોડ પણ વાવવા જોઈએ. ઋતુ કોઈપણ હોય ગ્રીન રંગ હંમેશાં આંખોને સારો લાગે છે. એનાથી આપણે કુદરત સાથે પણ જોડાઈ જઈએ છીએ. માર્કેટમાં ઈન્ડોર પ્લાન્ટ્સ સરળતાથી મળી જાય છે. આ બધા ઉપાયો અજમાવી જુઓ ઘરમાં નક્કી પરિવર્તન દેખાશે.