ઊડતી વાત: ખબરદાર, આવાં ફાલતુ કામ માટે મને ફોન કર્યો છે તો!

- ભરત વૈષ્ણવ
‘ટ્રિન ટ્રિન ટ્રિન’
મંત્રીના મોબાઇલની રિંગ વાગતી રહી. સામેના છેડેથી કોઇ પ્રતિભાવ નહીં. રાજુ રદીએ કલેક્ટર સામે શેખી કરેલ કે ‘તમારા પર અડધી કલાકમાં ગાંધીનગરથી ફોન આવશે અને તમને સૂચના મળી જશે…’ આને કહેવાય રેતીમાં વહાણ ચલાવવા. રાજુએ ફોન કટ કરી ફરીવાર મોબાઇલમાં નંબર ડાયલ કર્યો.
‘ટ્રિન ટ્રિન ટ્રિન’
‘હેલ્લો, કોણ બોલે છે?’ મંત્રીએ સવાલ પૂછયો.
‘સાહેબ, અત્યાર સુધી તો માણસ જ પ્રયત્ન કરતો હોય છે. કૂતરા કરડી શકે છે, પરંતુ બોલી શકતા નથી. હું રાજુ રદી બોલું છું.’ રાજુએ જવાબ આપ્યો.
‘ભઇ કેટલાક બે પગવાળા કૂતરા ભસવાની એક પણ તક છોડતા નથી.’ મંત્રીએ ઊખડેલ અવાજે આરોપ મૂકયો.
‘સાહેબ, મને ઓળખ્યો કે નહીં?’ રાજુએ મંત્રી ડાંડને પૂછયું.
‘ભૈ, અમે મંત્રી મૂંઆ છીએ. એટલે દિવસ અને રાત કેટલાય માણસો ફોન કરતા હોય. હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો છું નહીં કે બધાના નામ યાદ રહે.’ મંત્રી ડાંડે ઊડઝૂડ જવાબ આપ્યો.
‘સાહેબ, હું તમારો ફેન છું.’ રાજુએ માખણ માર્યું.
‘રાજુ ભૈ, હું પેડસ્ટલ, ટેબલ કે સિલિંગ ફેન વાપરતો નથી. હું તો મફતમાં મળતા એસીનો ફેન છું.’ મંત્રી ડાંડે રાજુની વાત કાપી.
‘સાહેબ, દર ચૂંટણીએ હું તમને જ મત આપું છું.’ રાજુએ પાછું માખણ માર્યું.
‘રાજુભાઇ તમારે ગપ્પા મારવાનો બિઝનેસ છે?’ મંત્રી ડાંડે પ્રશ્ન કર્યો.
‘સાહેબ, કેમ આવું પૂછો છો?’ રાજુ મુંઝાયો. ચહેરા પર પસીનો આવી ગયો.
‘રાજુભાઇ, તમે ગપ્પા મારવામાં અમારા સાહેબ કે પાર્ટી સાથે સ્પર્ધા કરી શકશો નહીં.’ મંત્રીએ બાકીનું વાક્ય અધ્યાહાર રાખ્યું.
‘મતલબ સાહેબ? આપ કહેના કયાં ચાહતે હૈ?’ રાજુએ મૂંઝવણને વાચા આપી.
‘રાજુભાઇ, મારા મતવિસ્તારમા કયાં નાગરિકે કોને મત આપ્યો તેનો ઇલેકટ્રોનિક ડેટા ચૂંટણી પંચની મહેરબાનીથી અમારી પાસે હોય છે. તમે દસ ચૂંટણી પૈકી સાડા ત્રણ ચૂંટણીમાં જ મને મત આપ્યો હતો. અડધો મત એટલા માટે કે લોકસભા-વિધાનસભાની ચૂંટણી સાથે થઇ ત્યારે લોકસભામાં અમારી પાર્ટીના ઉમેદવાર અને વિધાનસભામાં તમે પંજા પાર્ટીને મત આપેલો.’ મંત્રીએ રાજુને મતદાનની વિગતો આપી. રાજુ સજજડબમ થઇ ગયો.
‘સાહેબ, ઓણ સાલ વરસાદ બહુ સારો પડે છે. આપણી સરકારે વાઇબ્રન્ટ ગુજરાતમાં વરસાદ સાથે એમઓયું કર્યું છે કે શું? પાક સોળઆની પાકશે’ રાજુએ વરસાદના વાવડ જણાવ્યા.
‘તંબૂરો સારું? વરસાદ પડ્યો એટલે મોકાણ વધી છે.’ મંત્રીએ વિવાહની વરસી કરી.
‘સાહેબ, એમ કેમ વાંકું બોલો છો?’ રાજુ અચરજ પામી ગયો. મંત્રી વરસાદના વિરોધી? વ થી શરૂ થતા શબ્દના જ વિરોધી? વાઇન, વનિતા, વાઇફ, વર્તમાનપત્ર , વિપક્ષના વ થી શરૂ થતા શબ્દોની યાદી લાંબી થતી ગઇ.
‘એમાં એવું છે કે અમે વિકાસનો હાઇપ ઊભો કર્યો છે. વિકાસના કામો એટલા બધા મજબૂત હોય છે કે અમુક કામ તો ઉદ્ધાટન થાય એ પહેલા દમ તોડી દે છે. અમુક ઉદ્ઘાટન સમયે જ મોટા ગામતરે ઉપડી જાય છે. અમારે કોન્ટ્રેકટરને સાચવવા પડે. ચૂંટણી સમયે એ લોકો અમને સાચવે. રસ્તામાં ગાબડાં પડે કે પુલ નદીના પાણીમાં ન્હાવા ડૂબકી મારે કે જનતા અમારી ખો ભૂલવાડી દે. રાજુભાઇ, આ બધું મિત્રતાને ભાવે ઓફ ધી રેકર્ડ કહું છું. ક્યાંક ઓડિયો વાયરલ ન કરી દેતા, પ્લીલીલીવીઇઝ.’ મંત્રીએ વિનંતી કરી.
‘સાહેબ, તમે વરસાદને શું માનો છો?’ રાજુએ ગહન સવાલની ગૂગલી નાંખી.
‘ઓફ કોર્સ વરસાદ એકટ ઓફ ગોડ છે.’ મંત્રીજીએ ઉત્સાહિત થઇ જવાબ આપ્યો.
‘વરસાદને લીધે રોડ પર ખાડાં પડે, ખાડાં ટુરિઝમ પ્રમોટ કરી શકાય એને શું કહેવાય? રાજુનો અણિયાળો સવાલ.
‘રાજુભાઇ તેને એકટ ઓફ ફ્રોડ જ કહેવાય.’ તમે મને શા માટે ફોન કર્યો એ તો કહ્યું નહીં? તમે ખાલી વાતોના વડાં કરવા તો ફોન નહીં જ કર્યો હોય, ખરું કે નહીં?’ મંત્રીએ ફોન કરવા માટેનું કારણ પૂછયું.
‘સાહેબ, મેં પણ વરસાદના કારણે ફોન કર્યો છે.’ રાજુએ મંત્રી ડાંડને જાણકારી આપી.
‘રાજુભાઇ, તમે મેઘલાડુના જમવા આમંત્રણ આપવા ફોન કર્યો છે? લાડું જોડે કાંદા મરચાંના ભજિયા પણ રાખજો.’ પ્રધાનની દાઢ ડળકી.
‘તમારો હુકમ સરમાથા પર. પણ સાહેબ એક શરત છે.’ રાજુએ સશરતી આમંત્રણ આપ્યું.
‘રાજુભાઇ, કંઇ શરત? લાડવા અને ભજિયા વચ્ચે કંઇ શરત હોય, બાપલિયા?’ મંત્રી મફતનું ઝાપટવા તલપાપડ થયા. અમસ્તા મંત્રીને પર-ધાન કીધા હશે?
‘સાહેબ, મારા ઘરના રોડમાં ખાડા, ગાબડાં અને માથોડા મોટા ભૂવા પડયા છે. તમે રોડ રિપેર કરાવી દો એટલે તમારા લાડવા, ભજિયા અને મઘઇ પાનના બીડા પાકકા. આ જેન્ટલમેન પ્રોમિસ છે.’ રાજુએ ખખડધજ છાતી ઠોકીને વચન આપ્યું.
‘રાજુભાઇ, તમે નાતે કેવા?’ મંત્રીએ અચાનક જાતિવાદી સવાલ પૂછી લીધો.
‘સાહેબ અમે ખેતીકામ સાથે પશુપાલન કરીએ છીએ.’ રાજુએ સમજ્યા વિના જવાબ આપ્યો.
‘રાજુભાઇ, તમારે ત્યાં પાવડો, કોદાળી અને તગારું પણ હશે, ખરું કે નહીં?’ મંત્રીએ સાપ અને નોળિયા જેવી રમત આદરી.
‘સાહેબ, તમારે ક્યાંય ખાતમુહૂર્ત કરવાનું હોય અને પાવડા, કોદાળી, તગારાનો મેળ ન પડતો હોય તો મને મિસકોલ મારજો. હું બધું તમારે ત્યાં પોકાડી દઇશ.
‘થેંકસ, રાજુભાઇ. તમે અડધી કલાકથી મારી સાથે ખપાવો છો. તમે રોડની બાજુમાં ટેકરા જેવું હોય ત્યાં ખોદી નાંખો અને જે માટી નીકળે તે ખાડામાં પૂરી દો તો અપના હાથ જગન્નાથ થઇ જાય. આને નાગરિક ધર્મ કહેવાય. તમારે કોઇ કામનું ટેન્ડર મંજૂર કરાવવું હોય, કોન્ટ્રેકટર તરીકે રજિસ્ટ્રેશન કરાવવું, આર્બીટ્રેશનના કેસમાં ફેવર જોઇતી હોય, રોડનો જોબ નંબર મેળવવો હોય તો ફોન કરાય. બે પૈસા તમે કમાવ, બે અબજ રૂપિયા હું કમાવ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપી શકાય. રોડ રિપેરિંગમાં શું મળે? ખબરદાર, આવા ફાલતુ કામ માટે ફોન કર્યો છે તો. રેશન બેસન બધું બંધ કરાવી દઇશ. તમારો તો ઠીક મારો ટાઇમ બગાડ્યો.’ આમ કહી નારાજ થઇ મંત્રી ડાંડે ફોન કાપી નાખ્યો!
રાજુ કરી કરીને શું કરી શકે? આવતી ચૂંટણીમાં મંત્રી ડાંડેને મત નહીં આપીને રાજુએ નાગરિક ધર્મ અદા કરવાનો અડગ નિશ્ર્ચય કરી લીધો.
આપણ વાંચો: ….તો પછી શનિને કોણ નડતું હશે?



