ક્યારેય માછલીનો વરસાદ જોયો છે ખરો?

હેં… ખરેખર?! – પ્રફુલ શાહ
દુનિયામાં કાયમ કંઇક વિસ્મયજનક બનતું રહે છે, જેના કારણ કે તર્ક સામાન્ય જનથી માંડીને વિજ્ઞાનીઓને ય હાથ લાગતાં નથી. આવી એકદમ આશ્ચર્યજનક ઘટના હોન્ડુરાસ દેસના યોરો શહેરમાં બનતી રહે છે, નિયમિતપણે.
સ્થાનિક ભાષામાં એ ઓળખાય છે લુવિયા દે પેસેસ’ (Lluvia de Peces) તરીકે. એનો અર્થ થાયમાછલીઓનો વરસાદ’. હા, તમે સાચું જ વાંચ્યું હોં: માછલીઓનો વરસાદ!
શું આ કોઈ દંતકથા, માત્ર માન્યતા કે એક કપોળકલ્પિત વાત છે? ના, આ અનોખી ઘટનાએ વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચ્યું છે અને અમેરિકાની હિસ્ટ્રી ચેનલે તેના પર દસ્તાવેજી કાર્યક્રમ પણ પ્રસારિત કર્યો છે.
ખરેખર, એક અદ્ભુત કુદરતી ઘટના છે. ભારે ગાજવીજવાળા વરસાદ પછી, ખાસ કરીને મે થી જુલાઈ વચ્ચે, રસ્તાઓ પર નાની માછલીઓ જોવા મળે છે. કેટલીક માન્યતા મુજબ આ ઘટના પાણી ઉપર બનતા વાવાઝોડા (વોટરસ્પાઉટ) અથવા ભૂગર્ભ નદીઓમાં પૂરની નિપજ છે. સ્થાનિક પ્રજા આને ફક્ત આશીર્વાદ જ નથી માનતી પણ એની ઉજવણી ય કરે છે.
આની સામે વિજ્ઞાનીઓનું માનવું છે કે શક્તિશાળી પવન નજીકનાં જળસ્ત્રોતોમાંથી માછલીઓને ઉઠાવી લાવે છે અથવા પૂરથી દબાઈને ભૂગર્ભ નદીઓમાંથી માછલીઓ જમીન ઉપર આવી જાય છે. જો કે આ એક અભિપ્રાય જ છે અને એ બનવા પાછળની કોઈ નિશ્ચિત ને સર્વસ્વીકૃત પ્રક્રિયા હજી સ્પષ્ટ નથી.
છતાં અમુક બાબતો નક્કી છે: માછલીઓનો વરસાદ દર વર્ષે થાય છે, મોટાભાગે મે-જુલાઈ મહિના દરમિયાન અને ભારે તોફાની વરસાદ પછી. ત્યારે હજારો નાની, ક્યારેક જીવતી, માછલીઓ રસ્તા અને ખેતરોમાં પડેલી જોવા મળે છે. યોરો વિસ્તારમાં એક સદીથી વધુ સમયથી દર વર્ષે આવું બને છે. દાવા પ્રમાણે માછલીઓ આકાશમાંથી વરસે છે. આ ઘટના વર્ષમાં ચાર વખત સુધી પણ બની શકે છે.
આ સ્થળ દરિયાથી ખાસ્સું દૂર છે. અમુક વૈજ્ઞાનિક થિયરી મુજબ અત્યંત શક્તિશાળી વોટરસ્પાઉટ્સ (પાણી ઉપર બનતા વાવાઝોડા) નદીઓ અથવા સમુદ્રમાંથી માછલીઓને ઉઠાવી માઈલો દૂર ફેંકે છે.
એક અન્ય નવી થિયરી મુજબ યોરો શહેર ભૂગર્ભ નદીઓની વ્યવસ્થા ઉપર વસેલું છે; જ્યાં ભારે વરસાદથી પૂર આવે છે અને માછલીઓ કુદરતી છિદ્રો મારફતે થઈને જમીન સુધી પહોંચી જાય છે. માછલીઓનો સૌથી નજીકનો સમુદ્રી સ્ત્રોત એટલાન્ટિક મહાસાગર છે, જે અંદાજે 72 કિમી (45 માઇલ) દૂર છે. છતાં, આ સંભવ ઓછું લાગે કારણ કે દર વર્ષે મે અથવા જૂનમાં ખુલ્લા સમુદ્રમાંથી માછલીઓને જળસ્તંભ દ્વારા સીધા યોરો સુધી લાવવી અશક્ય છે.
એવું પણ શક્ય છે કે માછલીઓ તાજા પાણીમાં ઉત્પન્ન થતી હોય અને ઋતુ પરિવર્તનના કારણે નજીકની કોઈ નદીમાંથી વહેતી જઈને ભૂગર્ભ જળધારા અથવા ગુફા પ્રણાલીમાં પહોંચી ગઈ હોય. બાદમાં ભારે વરસાદના કારણે માછલીઓ તેમના આ વસવાટ-સ્થાનમાંથી વહેતી ઉપર આવી જાય છે અને પાણી ઓછું થતાં ફસાઈ જતી હોય.
આ ઘટનાનું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ કોઈ ચમત્કાર જેવું છે. સદીઓથી સ્થાનિકો આને દૈવી ચમત્કાર માને છે. આનો આરંભ 19મી સદીના એક ખ્રિસ્તી પાદરીની પ્રાર્થનાથી થયાનું મનાય છે. સ્પેનિશ પાદરી ફાધર જોઝે મેન્યુઅલ દે જીસસ સુબિરાના હોન્ડુરાસમાં ખ્રિસ્તી ધર્મના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હતા. તેઓ 1855માં હોન્ડુરાસ પહોંચ્યા અને 1864માં તેમના અવસાન સુધી ત્યાં સેવા આપી.
આજે ફાધર સુબિરાનાનું નામ યોરોમાં થતી માછલીઓની વરસાદની દંતકથા સાથે જોડાયેલું છે. એ મુજબ ફાધર સુબિરાનાએ હોન્ડુરાસના લોકોની ગરીબી જોઈ. તેમણે સતત ત્રણ દિવસ તથા ત્રણ રાત સુધી પ્રાર્થના કરી, પ્રભુને આજીજી વિનંતી કરી કે ગરીબોને મદદ કરો અને તેમની ભૂખ મિટાવો. જાણે તેમની પ્રાર્થના સંભળાઈ હોય એમ એક કાળું વાદળ આવ્યું.
આકાશમાંથી ઘણી માછલીઓ વરસી અને બધાના પેટ ભરાઈ ગયા. ત્યારથી આ ચમત્કાર દર વર્ષે ફરી ફરી થતો રહે છે.
આની ઉજવણી તરીકે પ્રજાજનો માછલીઓને ભેટ અને ખોરાકના સ્ત્રોત તરીકે ભેગી કરે છે. તેઓ આ જ થીમ આધારિત તહેવાર સાથે ઉજવે છે. આ ઉત્સવની તારીખ નિશ્ચિત હોતી નથી. તે મે અથવા જૂનમાં પડતાં પહેલા ભારે વરસાદ સાથે સંકળાયેલી હોય છે. આ ઉત્સવમાં પરેડ અને કાર્નિવલનો પણ સમાવેશ થાય છે.
આ ઘટના પાછળનાં વૈજ્ઞાનિક કારણો શોધીને સાબિત ન થાય ત્યાં સુધી શ્રદ્ધા કે ચમત્કાર માનીશું?
આ પણ વાંચો…હેં… ખરેખર?!: અલ્લાઉદ્દીન ખિલજીએ શ્રી રંગનાથ સ્વામીની લૂંટેલી મૂર્તિ કેમ પાછી આપી?



