ફટાણાં: લગ્નપ્રસંગે ટીખળની મોજ

ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી
ભારતીય લગ્ન અને એમાંય ગુજરાતી પરિવારમાં લગ્ન એટલે અનેક રીત રસમનો શંભુમેળો. ગીત – સંગીત લગ્ન પ્રસંગનું આભૂષણ ગણાય છે. આપણે ત્યાં કંકોતરી લખાય ત્યાંથી શરૂ કરી ક્ધયા વિદાય થાય ત્યાં સુધી દરેક પ્રસંગને અનુરૂપ લગ્ન ગીત છે. ફટાણા લગ્ન ગીતનો એક એવો પ્રકાર છે જેમાં વર ક્ધયા અને જાનમાં સામેલ તમામ જાનૈયાઓની ટીખળ કરાય છે. મહત્ત્વની વાત એ છે કે મજાક – હાંસી થતી હોવા છતાં કોઈ એનું માઠું ન લગાડે, એનો આનંદ માણે. આજની તારીખમાં ફટાણા ભાગ્યે જ સાંભળવા મળે છે, પણ કોઈ કોઈ પરિવારમાં પરંપરા જીવંત રાખતા ફટાણા સાંભળવા મળે છે ખરા. પહેલાના સમયમાં વર અને ક્ધયા પક્ષના જાનૈયાઓ લગ્નના દિવસો દરમિયાન આયોજિત અલગ અલગ પ્રસંગને અનુરૂપ મહિલાઓ લગ્ન ગીત ગાતી હતી જેમાં ફટાણાની પણ હાજરી જોવા મળતી.
સોશ્યલ મીડિયા પર એક ફટાણું ખાસ્સું વાઇરલ થયું છે. શહેરની ભણેલી ગણેલી દીકરીના લગ્ન ગામમાં થયા પછી ઉદ્ભવેલી પરિસ્થિતિમાં એની રચના થઈ હોય એવું લાગે છે. ‘મેટ્રિક ભણેલા બીએ પાસ વહુરાણીથી કંઈ કામ ન થાય. નદીએ જવાય નહીં, લૂગડાં ધોવાય નહીં ને સાબુ તો સરકી સરકી જાય, વહુરાણીથી કંઈ કામ ન થાય. રોટલા ઘડાય નહીં ને રોટલી વણાય નહીં, તેલ તો સરકી સરકી જાય, વહુરાણીથી કંઈ કામ ન થાય.’ આના અન્ય વર્ઝન પણ ઉપલબ્ધ છે અને એમાં અલગ કડી જોડવામાં આવી છે. મુખ્ય વાત એ છે કે લગ્નગાળો ચાલી રહ્યો છે ત્યારે ગાયબ થઈ ગયેલા ફટાણાં આજની – મોડર્ન સન્નારીઓ એન્જોય કરી રહી છે. એક સમયના અત્યંત લોકપ્રિય એવા ફટાણાંની એક ઝલક
ગોર કરો ને ઉકેલ ગોર લટપટિયા
લગ્ન લેવાના હોય ત્યારે અનેક બાબતોની વ્યવસ્થા કરવી પડે. એમાં ખૂબ જ મહત્ત્વનું અને અગ્રતા ધરાવતું કામ છે ગોર મહારાજ નક્કી કરવાનું. ગણેશ સ્થાપન, માંડવા મુહૂર્ત, ચોરીમાં મંગળફેરા જેવા શુભ કાર્યો ગોર મહારાજ પાર પાડતા હોય છે. પુરોહિત કે શુક્લ તરીકે પણ ઓળખાતા ગોર મહારાજ વિવિધ વિધિ પરંપરા અનુસાર પાર પાડતા હોય છે. કોઈ કારણોસર લગ્ન જલદી આટોપવા પડે એવું હોય ત્યારે ‘મહારાજ ફટાફટ બધું પતાવી દેજો’ કે પછી ‘મહારાજ શોર્ટકટ મારજો’ જેવા સૂચનો પણ કાનમાં કહેવામાં આવે છે. મોટાભાગના ગોર આ બાબતે સહકાર પણ આપતા હોય છે. આજના મોડર્ન ગોર હાથમાં મોબાઈલ અને સ્કુટી પર આવતા હોય છે, પણ અસલના વખતમાં ગોર એટલે માથે ચોટલી, પેટ ગોળમટોળ અને ખુશામતથી લપેટાઈ જાય એવા રહેતા. આવા ગોર મહારાજ માટે એક મજેદાર ફટાણું છે જેમાં એમના શારીરિક દેખાવની ઠેકડી ઉડાવવાની સાથે વરપક્ષ તરફથી ઉતાવળ કરવાની વિનંતી પણ કરવામાં આવી છે. ફટાણાંની પહેલી પંક્તિ છે ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા, મારે છેટાંની છે જાન ગોર લટપટિયા, મારે થાય છે અહુર ગોર લટપટિયા. જાન બહુ દૂરથી આવી છે અને દિવસ પૂરો થાય એ પહેલા નીકળી જવું હોવાથી એવું કરો જેથી લગ્નવિધિ આટોપી લેવાય અને વહેલાસર નીકળી જવાય એવી વિનંતી આ પંક્તિઓમાં કરવામાં આવી છે. છેટાંની એટલે દૂરથી, અહુર શબ્દ અહુરવેળા – અહોરાત્ર પરથી આવ્યો છે જેનો સંબંધ સમય સાથે છે. ગોર કરોને ઉકેલમાં બધું ફટાફટ પતાવી દેવાનો ગર્ભિત ઈશારો છે. ફટાણામાં આગળ ગોરના શરીર (માથું, નાક, આંખ, કાન, ફાંદ)ની હાંસી ઉડાવવામાં આવી છે. ગોરને હાંડા જેવડું માથું ગોર લટપટિયા, ગોરને નળિયા જેવડું નાક ગોર લટપટિયા, ગોરને કોડા જેવડી આંખ્યું ગોર લટપટિયા, ગોરને કોડિયાં જેવડા કાન ગોર લટપટિયા, ગોરને સૂપડા જેવા હોઠ ગોર લટપટિયા, ગોરને ફળિયા જેવડી ફાંદ ગોર લટપટિયા. ફટાણામાં રજૂ થયેલા બધા વિશેષણો ધરાવતી દેહ્યષ્ટિ ધરાવતા ગોર અગાઉના વખતમાં જોવા મળતા. અલબત્ત, આ ફટાણાંનો આનંદ લેવાનો હોય એનું માઠું લગાવવાનું ન હોય.
હળવે હળવે પોંખજો રે લટકાળી
(પોંખણા વખતે વરપક્ષે ગવાતું ફટાણું)
હળવે હળવે પોંખજો રે લટકાળી, હળવે હળવે પોંખજો રે કામણધીંગી, એ વર છે વેવાઈનો લાડકડો. પોંખવું એટલે પરણવા આવેલા વરને અને પરણી આવેલી વહુને તેમની સાસુ માંડવામાં કે ઘરમાં દાખલ થતાં વધાવી લે એ પ્રથા. કામણધીંગી એટલે દેખાવે આકર્ષક અને ચાલાક – હોશિયાર સ્ત્રી અને વરરાજા કેવો છે તો કહે વેવાઈને એને માટે અનહદ પ્રીતિ છે. અસલના વખતમાં સાસુ – સસરા જમાઈ માટે બહુ હેત રાખતા એનું એક કારણ એ પણ હતું કે પોતાની દીકરીને પણ એવા જ હેત મળશે એવી અંતરની અભિલાષા રહેતી. ફટાણામાં આગળ કહેવાયું છે કે કોકનો ચૂડલો પહેરીને જમાઈ પોંખવા ચાલી. ચૂડલો એટલે લાકડાનો, કચકડાનો કે હાથીદાંતનો સ્ત્રીઓને હાથે પહેરવાના બલૈયાંની જોડ. ચૂડલો પહેરવો એ હોંશની વાત છે અને સાસુ પાસે ચૂડલો નથી, પણ જમાઈ આગળ ઓછા ન ઉતરે એ માટે કોઈકનો ચૂડલો માંગી અને એ પહેરી સાસુ જમાઈને પોંખવા જાય છે. પ્રસંગ સાચવી લેવાની આ કળા છે. પછી જમાઈને સંબોધન આવે છે કે જુઓ રે જમાઈરાજ સાસુજીનો લટકો, લટકો ને મટકો ચડી જાશે ચટકો, હળવે હળવે પોંખજો રે લટકાળી. માંગ્યો સાડલો પહેરી જમાઈ પોંખવા ચાલી, જુઓ રે જમાઈરાજ સાસુજીનો લટકો, લટકો ને મટકો ચડી જાશે ચટકો, હળવે હળવે પોંખજો રે લટકાળી. સાસુને હોંશ એવી છે કે આવા પ્રસંગે પહેરવા સુંદર સાડલો માટે વેંત ન હોવાથી એ પણ માંગી સજી ધજી જમાઈરાજાને પોંખવા પહોંચી જાય છે. આ ફટાણામાં સાસુની ટીખળ કરવામાં આવી છે જે હસ્તે મોઢે ઝીલી લેવાની હોય છે.
ઘરમાં નોતી ખાંડ (વેવાઈના ફટાણાં)
લગ્ન કેવળ સ્ત્રી – પુરુષને વૈવાહિક સંબંધથી જોડતી પ્રથા નથી, બલકે બે પરિવાર વચ્ચે સંબંધ બંધાય છે. એ સંબંધમાં સ્નેહ પાંગરે છે અને કયારેક ક્ધયાની બહેન અને વરના ભાઈ પણ વિવાહ બંધનમાં બંધાઈ જાય એવા ઉદાહરણ જોવા મળે છે.
વરવધૂ તરફના સગાં સંબંધી માટે એક બહુ સરસ શબ્દ છે વેવાઈવેલા. ઘણીવાર આર્થિક સંકડામણ હોવા છતાં ખેંચાઈને લગ્ન વખતે કેટલાક વ્યવહાર નિભાવવામાં આવતા હોવાનું જોવા મળે છે. આ સંદર્ભમાં એક મજેદાર ફટાણું છે જેમાં અંત્યાનુપ્રાસ અલંકારથી વેવાઈની ટીખળ કરવામાં આવી છે. આખા ફટાણામાં ગજું નહોતું તો કર્યું શું કામ એવી મીઠી રાવ કરવામાં આવી છે. ઘરમાં નો’તી ખાંડ ત્યારે શીદ તેડી’તી જાન? મારા નવલા વેવાઈ. ઘરમાં નો’તી ખારેક ત્યારે શીદ તેડ્યા’તા પારેખ? મારા નવલા વેવાઈ. ઘરમાં નો’તી ગાગર ત્યારે શીદ તેડ્યા’તા નાગર? મારા નવલા વેવાઈ. ઘરમાં નો’તી જાજમ ત્યારે શીદને તેડ્યું’તું મા’જન? મારા નવલા વેવાઈ. ઘરમાં નો’તી સોપારી ત્યારે શીદ તેડ્યા’તા વેપારી? મારા નવલા વેવાઈ. ઘરમાં નો’તા લોટા ત્યારે શીદ તેડ્યા’તા મોટા? મારા નવલા વેવાઈ. ઘરમાં નો’તા લાડવા ત્યારે શીદ તેડ્યા’તા જમવા? મારા નવલા વેવાઈ.ઘરમાં નો’તા દીવા ત્યારે શીદ માંડ્યા’તા વીવા? મારા નવલા વેવાઈ. ઘરમાં નો’તું મીઠું ત્યારે શીદ બોલ્યા’તાં જૂઠું? મારા નવલા વેવાઈ.
અણવર અવગતિયા (માંડવામાં ગાવાનું ફટાણું)
લગ્નના દિવસે વરરાજાની ઝીણામાં ઝીણી – નાનામાં નાની અને દરેક પ્રકારની જરૂરિયાત – ઈચ્છાનું ધ્યાન રાખે એ વરરાજાનો સોબતી એટલે અણવર. અણવરને પણ સાચવવો પડે, કારણ કે જો એ રાજી રહે તો વરરાજા પણ મોજમાં રહે. અલબત્ત ફટાણામાં અણવરની મીઠી મજાક કરવાની કોશિશ કરવામાં આવી છે. અણવર ખાવાનો શોખીન હોવાથી ટોણો મારવામાં આવ્યો છે કે તું થોડું થોડું જમજે રે અણવર અવગતિયા, તારા પેટડાંમાં દુખશે રે અણવર અવગતિયા. અવગતિયા એટલે અધીરા સ્વભાવની વ્યક્તિ. ઉતાવળે ઝાઝું ઝાપટી લેવાથી પેટમાં દુખશે એવી ચેતવણી આપવામાં આવી છે. પછી ફટાણું જાણે કે આયુર્વેદના જાણકાર વૈદ્ય બની જાય છે. તને ઓસડ ચીંધાડે રે કનુભાઈ પાતળિયા, સાત લસણની કળી માંહે હીંગની કણી. અજમો મેલજે જરી ઉપર આદુની ચીરી, તું ઝટપટ ખાજે રે અણવર અવગતિયા. પેટમાં દુખાવો ઉપડે તો કયું ઓસડ એટલે કે ઔષધ લેવું એની સલાહ આપી લસણની કળી. હિંગની કણી તેમજ આદુ અને અજમોનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે.
આખું ફટાણું અણવરના નામે આનંદ કરાવે છે.
આપણ વાંચો: આનંદો, કાલસર્પયોગ ગરીબોને બહુ પજવતો નથી…!



