કટઑફ જિંદગી – પ્રકરણ-24

થીજી ગયેલી પળમાં ફફડતા જીવની રોમાંચક કથા
`સર, અત્યાર સુધીમાં નકલી ઇન્જેક્શનોથી આપણા હાથે ન જાણે કેટલાંના મોત થયાં હશે…’ ડો. સાળુંખે પસ્તાવા લાગ્યાં.
સન્ડે ધારાવાહિક – અનિલ રાવલ
`નકલી ઇન્જેક્શન…?’ ડો. સાળુંખે ધ્રૂજી ઉઠ્યાં. ડો. શાહે તરત જ નિર્મલને ફરી ઓક્સિજન પર મૂકીને જયમાલાને બધા જ ઇન્જેક્શનો લાવવા કહ્યું. જયમાલાએ રીતસર દોટ મૂકી.
`આ વાંચો.’ ડો. સાળુંખેએ લખાણ વાંચ્યું.
`ઓહ માય ગોડ….ઇન્ટ્રાવિનસને બદલે ઇન્ટ્રામસ્ક્યુલર લખ્યું છે. મસલમાં આપવાનું ઇન્જેક્શન વેઇન્સમાં અપાઇ ગયું હોત તો?’ ડો. સાળુંખે નિર્મલને જોતાં બોલ્યા.
`મારે એ જોવું છે કે હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી આવેલા બધા જ બનાવટી છે.?’
જયમાલા બધાં જ ઇન્જેક્શનો લાવી…ત્રણેય ચેક કરવા માંડ્યાં. થોડી ક્ષણો બાદ ત્રણેય એકબીજા સામે જોતાં ઊભાં હતાં. બધા જ ઇન્જેક્શન નકલી હતા.
`સર, હવે શું કરીએ….?’ ડો. સાળુંખેએ કહ્યું.
`આપણી પાસે નિર્મલને ઓક્સિજન પર રાખવાનો આ એક જ માર્ગ છે. હાઇપોક્સિયાની (જેમાં ઓક્સિજન લેવલ સતત ચડ-ઊતર થયા કરતું હોય) સિચ્યુએશન ઇઝ ડેન્જરસ. જયમાલા, તું અહીં જ રહે…લેવલ ચેક કરતી રહે. કંઇ પણ થાય તો મને મોબાઇલ કર.’
વોર્ડમાંથી બહાર નીકળતી વખતે જ એમણે સોલંકીને કોલ લગાડ્યો.
`જી સર, સામેથી સોલંકીનો અવાજ આવ્યો.
`સોલંકી, મારી કેબિનમાં આવો.’ એમણે ફોન કટ કર્યો. સોલંકી ડો. શાહની કેબિનમાં ગયો ત્યારે એની સામે ટેબલ પર નકલી તોસિલિઝુમેબ ઇન્જેક્શનોનો ઢગલો પડ્યો હતો અને ડો. શાહ એની સામે પ્રશ્નાર્થ નજરે જોતા હતા. સોલકીને કાંઇ સમજાયું નહીં.
`શું થયું સર.?’ એણે ડો. સાળુંખે અને પછી ડો. શાહની સામે જોયું.
`સોલંકી, આ બધાં ઇન્જેક્શનો નકલી છે……એની પરનું લખાણ વાંચો.’
`ઇન્ટ્રાવિનસની જગ્યાએ ઇન્ટ્રામસ્કયુલર લખ્યું છે ને ફાર્મા કંપનીનું નામ ઝેડિયસ ફાર્માની જગ્યાએ ઝેડેયસ ફાર્મા લખ્યું છે…જેથી વાંચવામાં સિમિલર લાગે.’ ડો. શાહ ગુસ્સામાં હતા. સોલંકીએ ઇન્જેક્શન લઇને વાંચ્યું.
`સાં થયું કે નિર્મલ પરીખને ઇન્જેક્શન આપતી વખતે સરનું ધ્યાન ગયું નહીંતર…’ ડો. સાળુંખેએ કહ્યું.
`તો નિર્મલ પરીખે જીવ ગુમાવ્યો હોત…ઇટ્સ એ સિરિયસ ક્રાઇમ.’ ડો. શાહ બોલ્યા.
`સર, નક્કી આ કૌભાંડ હેલ્થ ડિપાર્ટમેન્ટનું જ છે. આની પાછળ મોટા ચમરબંધીનો બચ્ચો કેમ ની હોય, હું એનો પર્દાફાશ કરીને રે’વાનો….’
`સોલંકી, પર્દાફાશ કરતા સુધીમાં આપણા કેટલા દરદીઓના જીવ જશે એનું શું. અત્યારે આપણને જેન્યુઅન ઇન્જેક્શનોની તાતી જરૂર છે…’ ડો. શાહે કહ્યું.
`સર, મને તો એ વાતનું દુ:ખ છે કે અત્યાર સુધીમાં આવા નકલી ઇન્જેક્શનોથી આપણા હાથે ન જાણે કેટલાંના મોત થયા હશે…’ ડો. સાળુંખે પસ્તાવા લાગ્યાં.
`એનો મતલબ એ કે હેલ્થ ડિપાર્મેન્ટે અત્યાર સુધી આપણને બધાં જ નકલી ઇન્જેક્શનો આયપાં છે.?’ સોલંકી બોલ્યો.
`નહીં, એ લોકોએ ચાલાકીથી મિકસ લોટ આપ્યો જેથી શંકા ન જાય…’ ડો. શાહે કહ્યું.
`સર, હું અબી હાલ માં ઓપરેશન તોસિલિઝુમેબ શરૂ કં છું.’
સોલંકી, નકલી ઇન્જેક્શનોના કૌભાંડનો પર્દાફાશ કરવાનું વિચારતો બહાર નીકળી ગયો. ડો. શાહ નકલી ઇન્જેકશનથી નિર્દોષ લોકોના થતા મોત વિશે વિચારતા હતા… ડો. સાળુંખેને નિર્મલના જીવની ચિંતા હતી. બંનેનું ધ્યાન બનાવટી ઇન્જેક્શનો પર હતું.
સોલંકીનું દિમાગ ચકરાવે ચડી ગયું હતું. નકલી ઇન્જેક્શનોના કૌભાંડનું મૂળ બૃહન્મુંબઈ મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટમાં હોવાનું એને સમજાઇ ચૂક્યું હતું. હવે આ કૌભાંડના મૂળિયા ઉખેડવાની શરૂઆત ક્યાંથી કરવી એની ગડમથલમાં હતો. એણે મોબાઇલ સ્ક્રોલ કરવાનું શરૂ કર્યું. એ ક્યાંય સુધી મોબાઇલ સ્ક્રોલ કરતો રહ્યો. એની નજર એક નંબર પર અટકી…એણે એ નંબર લગાવ્યો. કાંડા ઘડિયાળમાં જોયું
`અત્યારે અડધી રાતે…?’ બોલીને કિસને ફોન લીધો.
`બોલો સોલંકી સાહેબ.’
`મારો અવાજ ઓળખી ગયા…?’ સોલંકી બોલ્યો.
`તમારો નંબર સેવ કરેલો છે…આપણે અગાઉ વાત પણ થઇ છે, સાહેબ.’
`હા, મને યાદ છે તમે નિર્મલ પરીખ માટે મને ફોન કરેલો.’
`હા, શું થયું એને….?’
`એને કાંઇ નથી થયું. મારે તમાં બીજું એક કામ છે.’
કિસનને લાગ્યું કે પપ્પા હોસ્પિટલમાં ડોક્ટર બનીને ગયા એનો ગુનો નોંધાયો હશે….વાત વધી ગઇ હશે.
`શું કોઇ ગંભીર બાબત થઇ છે સાહેબ. મને ફોન પર કહી શકો છો તમે…’
`એમ ફોન પર ની પતે…રૂબરૂ મલવું પડે…’ સોલંકીએ કહ્યું.
`તો કાલ મળીને વાત કરીએ.’ કિસને કહ્યું.
`કાલ હવાર હુધી મારાથી રાહ ની જોવાય…અત્યારે જ મલો અને એ પણ તમારા મેડિકલ સ્ટોરમાં….’
કિસન ખરેખર ગભરાયો. અડધી રાતે હેલ્થ ડિપાર્ટમેન્ટનો માણસ મેડિકલ સ્ટોરમાં મળવા માગે છે.
`તમારા મેડિકલ સ્ટોરનું સરનામું આપો….’ કિસને સરનામું આપ્યું.
`કોનો ફોન હતો….? શું થયું….?’ કાશ્મીરાએ પૂછ્યું.
`હમણાં જ મેડિકલ સ્ટોર જવું પડશે….હેલ્થ ઓફિસર આવે છે.
સોલંકીએ મહાનગરપાલિકાની કારમાંથી કિસનની દુકાનનું બોર્ડ વાંચ્યું: હેલ્થવેલ્થ મેડિકલ સ્ટોર્સ. કિસને દુકાનના પારદર્શક કાચમાંથી કાર પરનું લખાણ વાંચી લીધું: બૃહન્મુંબઇ મહાનગરપાલિકા-ઓન સ્પેશિયલ ડ્યૂટી.
`કિસન ગજેરા, તમે આ મેડિકલ સ્ટોરના માલિક છો.?’ એણે અંદર પ્રવેશતા રૂઆબદાર અવાજે કહ્યું.
`હા, મારા નામે લાઈસન્સ છે…મેં ફાર્મસી કરેલું છે…ફાઇલ બતાવું..?’ કિસનના ઢીલા અવાજમાં સોલંકીના આવવાનું કારણ જાણવાની ઉતાવળ હતી. સોલંકીએ કંઇક શોધતો હોય એમ આસપાસ નજર કરી. એણે દુકાનના કાઉન્ટરની પાછળ આંખો ચોળતા ઊભેલા માણસને વિચિત્ર નજરે જોયો.
`મારો માણસ છે…ડે એન્ડ નાઇટ મેડિકલ સ્ટોર ખુલ્લો રાખીએ છીએ. એની પણ પરમિશન છે સાહેબ.’
`આપણે ખાનગીમાં વાત કરવી છે’ એણે કહ્યું. કિસનના ધબકારા તેજ થઇ ગયા.
`અંદર આવો સાહેબ, સ્ટોર રૂમમાં…’
સોલંકીએ ખિસ્સામાંથી ઇન્જેક્શન કાઢીને એને દૂરથી બતાવ્યું.
`આ ઇન્જેક્શન મળશે….?’ સોલંકી કરડાકીભર્યા અવાજે પૂછ્યું. કિસનનો ચહેરો ફિક્કો પડી ગયો.
`અમારા મેડિકલ સ્ટોરમાં નથી સાહેબ…’ એણે અચકાતા કહ્યું.
`રેડ પડહે ને માલ પકડાહે તો બઉ મુશ્કેલી થૈ જવાની એના કરતા સાચું કહી દેની યાર…’
`ના સાહેબ નથી…સાચું જ કહું છું.’
`તારા બાપા કેશુકાકાના કસમ ખાયને કેય છે…?’
`હા, પપ્પાના સમ…મારા સ્ટોરમાં નથી…મેં આ ઇન્જેક્શનો માગ્યા છે, પણ હજી સુધી મળ્યા નથી.’
સોલંકીએ થોડો પોઝ લીધો. `અચ્છા એક વાત મને કે….તને મારો નંબર કોણે આયપો તો.?’
`રસિકભાઈ દવાબજારવાળાએ….’ કિસને કહ્યું.
રસિકભાઈ, દવાબજારનું મોટું માથું…પહોંચેલી માયા….સોલંકી ગાલને જમણી બાજુ સહેજ તાણીને હસ્યો.
`હવે તું એક કામ કર…રસિકભાઈ પાહેથી આ ઇન્જેકશનો મંગાવ….એને કહે કે બહુ ડિમાન્ડ છે…બ્લેકમાં ફટાફટ વેંચાઇ જવાના…’
`ના, ના, સાહેબ..તમે આવું બધું કામ મારી પાસે નહીં કરાવો…હું ક્યાંય ફસાવા નથી માગતો.’
`બેટા, હકીકત તો એ છે કે તું માં આ કામ ની કરે તો ફસાઇ જવાનો..’ સોલંકીએ કહ્યું.
`હું કેમ ફસાઇ જવાનો….સમજ્યો નહીં.’
`હું તારા મેડિકલ સ્ટોર પર ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની રેડ પડાવીશ ને પછી કહીશ કે નિમર્લની વાઇફે અહીંથી ઇન્જેક્શન ખરીદીને અમને આયપું જે નકલી નીકયળું.’ સોલંકીએ ઇન્જેક્શન બતાવ્યું.
`સાહેબ, આવું નહીં કરતા…..હું બધા રેકોર્ડ રાખું છું…ચોખ્ખો ધંધો કં છું….’
`તો તું હવે વધુ એક ચોખ્ખું કામ કર. આપણે નકલી ઇન્જેક્શનોનું અસલી કૌભાંડ પકડવાનું છે….’ એણે કિસનના ખભા પર હાથ મૂકીને કાનમાં કહ્યું.
કિસનને વિશ્વાસમાં લીધા બાદ સોલંકીએ સીધો બાગ્વેને કોલ લગાડીને કાંડા ઘડિયાળમાં જોયું. બાગ્વેને મોડી રાતે સોલંકીના ફોનથી આશ્ચર્ય થયું.
એણે ફોન કટ કર્યો. સોલંકીએ ફરી લગાડ્યો…..બાગ્વેએ ફરી કટ કર્યો.
બે-ચાર વાર આવું થયા પછી કંટાળીને બાગ્વેએ ફોન લીધો.
`ક્યા હૈ….? ક્યું બારબાર ફોન કરતા હૈ…?’ બાગ્વે ચીડાયો.
`ઇન્જેક્શન ચાહિયે…ઇમર્જન્સી હૈ…..’
`કલ સુબહ ફોન કર કે ઓફિસ આ જાના…ઘર પે ઇન્જેક્શન નહીં રખતા મૈં….’ બાગ્વેએ કહ્યું.
`સા’બ, ઇમર્જન્સી હૈ….ઇસલિયે રાત કો કોલ લગાયા….’ સોલંકી બોલ્યો.
`તુમ્હારી ઇમર્જન્સી મેં મૈં ક્યા કર સકતા હું…. કલ ઓફિસ આના દેખેગા…’
`યે ઇમર્જન્સી અલગ હૈ. આપકો ખતરે કી ઘંટી સૂનાની હૈ….આપ કે મતલબ કી બાત હૈ…અભી મિલના ઝરૂરી હૈ’
સોલંકીએ કહ્યું ને બાગ્વે પથારીમાંથી બેઠો થઇ ગયો.
****
`સા’બ સચ કહું…ઇન્જેક્શન ચાહિયે ઇસલિયે ખતરે કી ઘંટી કી કહાની બનાઇ….’ બાગ્વેને ગુસ્સો આવ્યો, પણ ખતરો નથી એથી હાશકારો થયો.
`ઇન્જેક્શન કલ ઓફિસ મેં મિલેગા. ઘર પે નહીં રખતા…’
`એક-દો ઇન્જેક્શન તો ઘર પે હોગા…’
`દેખો તુમને ખતરે કી ઘંટી બોલ કે રાત મેરે ઘર કી ઘંટી બજાઇ…નીંદ ખરાબ કી….તુમ જાઓ અભી ઔર મુઝે સોને દો….’
બીજાની ઊંઘ ઉડાડીને તમે આરામથી કેમના સૂઇ શકો સાહેબ એવું બબડીને એણે ખિસ્સામાંથી તોસિલિઝુમેબ ઇન્જેકશન કાઢીને ટેબલ પર મૂક્યું.
`યે ક્યા હૈ…?’ બાગ્વેએ પૂછ્યું.
`અરે સા’બ નહીં પહેચાના. ઇન્જેક્શન હૈ…..જો હમારા ડિપાર્ટમેન્ટ સબકો બાંટતા હૈ.’
`હાં, લેકિન મુઝે ક્યું દિખા રહા હૈ…?’
સોલંકીએ બાગ્વેની તરફ જરા ઝુકીને કહ્યુ: `સા’બ, યે ઇન્જેક્શન નકલી હૈ…..’ બાગ્વેનો ચહેરો ઊતરી ગયો. કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઇ ગઇ. ઉઘાડો પડી ગયેલો બાગ્વે બચાવનો વિચાર કરવા લાગ્યો…કેમ કે સામે એક ઈમાનદાર માણસ બેઠો હતો. બેઇમાન માણસને કાયમ ઇમાનદાર માણસનો અંદરથી ભય રહેતો હોય છે.
યે હૈ નકલી ઇન્જેક્શન કી અસલી ખતરે કી ઘંટી… આપ કે લિયે.
બાગ્વે કાન બંધ કરવાની હાલતમાં નહતો.
`દેખ સોલંકી, તું અપના આદમી હૈ…મેરે ડિપાર્મેન્ટ કા હૈ….ઇમાનદાર હૈ….’ એ શબ્દો ગોઠવવા લાગ્યો.
`સા’બ, ઈસ દુનિયા મેં આદમી કબ તક ઇમાનદાર બન કે જી સકતા હૈ…..?’ સોલંકીએ સૂર બદલી નાખ્યો. બાગ્વને થયું કે પાણીમાં ગલ નાખતાં પહેલાં જ માછલી જાળમાં સપડાઈ ગઇ. સોલંકી પોતાની જમાતનો જ છે….એક નંબરનો ઢોંગી ને બનાવટી ઇમાનદાર નીકળ્યો….એકદમ બનાવટી ઇન્જેક્શનો જેવો. એ મનોમન ખુશ થતાં બોલ્યો: `તુ આજ સે હમારી કાર્ટેલ કા સદસ્ય હો ગયા. તેરા ભી ખ્યાલ રખુંગા….બડા પૈસા હૈ…બસ, તુ કિસી સે મત કહેના….’
`અરે સા’બ, અગર એસા કરના હોતા તો ઇતની રાત મેં યહાં ક્યું આતા….કબ સે આપકા ભાંડા ફોડ ડાલતા….’ એ જરા અટકીને પછી બોલ્યો: `આપ બસ મુઝે અભી કા અભી અસલીવાલે ઇન્જેક્શન દે દો. ઔર આગે ભી દેતે રહેના….મૈં અપના મૂંહ બંધ રખુંગા.’ એણે પોતાના હોઠ પર આંગળી મૂકી.
(ક્રમશ:)
આ પણ વાંચો…કટ ઑંફ જિંદગી – પ્રકરણ-23



