શ્રદ્ધાનો અતિરેક એટલે… | મુંબઈ સમાચાર
ઉત્સવ

શ્રદ્ધાનો અતિરેક એટલે…

  • જૂઈ પાર્થ

દિવ્યાબહેનના પરાગને સહેજ ચક્કર આવ્યા અને પછી બેહોશ જેવો થયો ને ત્યાં તો એને આંચકી આવવાની ચાલુ થઈ. આસપાસ ઊભેલા કેટલાકે એના મોઢા પર પાણી છાટ્યું, કોઈએ મોજું સુંઘાડ્યું તો કોઈ શોધીને સડેલી ડુંગળી લાવ્યું ને એય સુંઘાડી પણ કંઈ ફેર ના પડ્યો. એક જણે માતાજીને આજીજી કરી, તો કોઈએ પરાગને ધૂણાવ્યો. અરે, એક વડીલે તો એને પ્રેતપ્રવેશ માની ઝાડુથી બરાબરનો ઝાટકી જ નાખ્યો. કોઈએ દીવા-અગરબત્તી-ધૂપ-કંકુ કર્યાં તો કોઈએ તો વળી એનું શરીર ધ્રુજે ત્યાં સુધી એને સજ્જડ રીતે પકડી રાખ્યો. ત્યાં હાજર સૌ કોઈએ પોતાની સમજ મુજબનાં ઉપાયો કરી જોયા, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. છેવટે કોઈએ પરાગને હૉસ્પિટલ લઈ જવાની સલાહ આપી અને એને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યો….

આ કિસ્સામાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની ટસલમાં અંધશ્રદ્ધા હાવી થઈ હતી આ બંને વચ્ચેની પાતળી ભેદરેખા પરિસ્થિતિ મુજબ મોટો ફાયદો કરાવે કે નહીં, પણ એ કોઈવાર મોટું નુકસાન જરૂર કરાવે છે… તો આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એટલે શું?

શ્રદ્ધા એટલે આસ્થા, ભરોસો, વિશ્વાસ. શ્રદ્ધા કોઈના કે કશાની ઉપર પણ હોઈ શકે છે.બાળકને એનાં માતા-પિતામાં શ્રદ્ધા હોય છે કે એમની સાથે પોતે સુરક્ષિત છે. મોટાભાગે બધાં માણસોને ઈશ્વર પર શ્રદ્ધા હોય છે કે ભગવાન એમનાં બધાં કામ પાર પાડશે તો વળી કોઈને ફક્ત પોતાની જાત અને મહેનતમાં શ્રદ્ધા હોય છે કે જેનાથી એને જીવનમાં સફળતા મળશે તો કોઈ કોઈ એવા પણ હોય કે જેમને અમુક ચોક્ક્સ વસ્તુમાં શ્રદ્ધા હોય છે કે જેને સાથે રાખવાથી કે તેનો સ્પર્શ કરવાથી એનો દિવસ સારો જશે ને ધારેલું કામ પાર પડશે.

જાણીતા શાયર જલન માતરીના શબ્દોમાં કહીએ તો ‘શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?’ વાત સાચી પણ છે. રામના નામે પથ્થરા તરે એમ શ્રદ્ધાનાં બળે મનુષ્ય કેટકેટલી મુશ્કેલીઓમાં ટકી જઈને આગળ વધે છે.

આ તો થઈ શ્રદ્ધાની વાત, પરંતુ ઘણીવાર જીવનમાં કેટલીક વાતમાં અતિરેક થઈ જતો હોય છે. ધારો કે જે માણસ કોઈ વીંટીંને શુકનિયાળ માની તેને પહેરી જ રાખે, આંગળી પાતળી થાય તો દોરો બાંધીને પહેરે ને આંગળી જાડી થાય ને વીંટી નાની પડે તો પણ તેને મોટી કરાવવા ન આપે… એને એવો વહેમ હોય છે કે જો એ આ વીંટી કાઢશે તો એની જરૂર કંઈક અનિચ્છનીય થશે…જે શ્રદ્ધા દાખવીને એણે એ વીંટી પહેરી હતી તે જ શ્રદ્ધા એક સમયે અતિરેકનાં કારણે અંધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે. અહીંયા ફાયદાની તો નથી ખબર પણ એ માણસની આંગળીને જરૂર નુકસાન પહોંચાડે છે. શ્રદ્ધાના આવા અતિરેકને જ કદાચ અંધશ્રદ્ધા કહી શકાય.

યોગાનું યોગ, આ બંને વચ્ચે એક ખૂબ પાતળી ભેદરેખા છે. નક્કી કરવું મુશ્કેલ છે કે શ્રદ્ધા કોને કહેવાય અને અંધશ્રદ્ધા કોને કહેવી?

આમ તો અંધશ્રદ્ધા શબ્દ પોતે જ ઘણો સૂચક છે. જ્યારે પણ જે વારમાં તમને વિશ્વાસ છે તેને અંધ થઈને માનવા માંડો એટલે કે તેનાં સારા- નરસા પાસા ન જોઈ શકો અને કોઈ એ તરફ આંગળી ચીંધે તો એ વાત આપણને ગમતી નથી. કોઈ વાર શ્રદ્ધામાં અહંકાર ભળે તો ખરી શ્રદ્ધાનાં દ્વાર સદંતર બંધ થઈ જાય ને આપણી અજાણતા જ અંધશ્રદ્ધાના દરવાજા ખૂલી જતા હોય છે. બીજા શબ્દોમાં કહો તો વધુ પડતી શ્રદ્ધા જ અંધશ્રદ્ધાનું ઉગમસ્થાન છે.

મનુષ્ય બુદ્ધિજીવી છે. એની શ્રદ્ધા પણ મહદ્અંશે એના જેવી જ છે. કોઈ વાર વિચાર આવે કે શ્રદ્ધાનાં સીમાડા ઓળખવા કેવી રીતે?

વેલ , આસ્થા વિકરાળ સ્વરૂપ લઈ સામી થાય તો સમજવું કે આ પ્રથમ ચેતવણી છે.
શ્રદ્ધા-અંધશ્રદ્ધા વચ્ચેનું અંતર આ રીતે પણ માપી શકાય, જેમકે…

શ્રદ્ધા શાંતિ આપે, અંધશ્રદ્ધા અજંપો આપે
શ્રદ્ધા કાર્ય સિદ્ધી આપે, અંધશ્રદ્ધા નિષ્ફળતા …
શ્રદ્ધા નિષ્ઠા આપે, અંધશ્રદ્ધા નિષ્ઠુરતા…
શ્રદ્ધા પ્રેરણા આપે, અંધશ્રદ્ધા અહંકાર આપે….
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે બોલો, તમે શું કહો છો?

આપણ વાંચો:  બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: રિટેલ તથા ઓનલાઇન છે એકમેકના પૂરક

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button