સુખનો પાસવર્ડ : …તો દરેક માણસ આજુબાજુના લોકો માટે સુખના પાસવર્ડ સમો બની શકે!

-આશુ પટેલ
થોડા સમય પહેલાં એક હોટેલમાં એક શિક્ષિત જણાતી મહિલા એની પુત્રવધૂને અંગ્રેજીમિશ્રિત ભાષામાં ધમકાવી રહી હતી કે `હવે તું તારા પિયરની જેમ જીવી નહીં શકે. હવે તું તારાં મા-બાપના ઘરે નથી. હવે તું તારા સાસરે છે એટલે તારે અમારા ઘરના નિયમો પ્રમાણે જ વર્તવું પડશે. તારે અમારા પહેલાં અહીં પહોંચી જવું જોઈતું હતું.’
પહેલાં તો પેલી યુવતી ડઘાઈને એની સાસુ સામે જોઈ રહી. પછી એણે બચાવની કોશિશ કરતાં કહ્યું: `મને ટ્રાફિક નડ્યો એટલે સહેજ મોડું થઈ ગયું.’
આ સાંભળીને એની સાસુએ ઊંચા અવાજે એને ધમકાવી નાખી:
`સામે જવાબ આપે છે? તારા મા-બાપે આવા જ સંસ્કાર આપ્યા છે!’
યુવતી થોડી મોડી પડી હતી એવા સાવ મામૂલી મુદ્દે એની સાસુએ બધાની વચ્ચે એને ખખડાવી નાખી હતી.
મને આશ્ચર્ય થયું અને સાથે આઘાતની લાગણી પણ થઈ કે એક શિક્ષિત વ્યક્તિ આવો વર્તાવ કઈ રીતે કરી શકે!
પેલી મહિલા પુત્રવધૂને ધમકાવી રહી હતી એ વખતે એના અવાજમાં એવા પાવરનો નશો વર્તાતો હતો કે `હું સાસુ છું. મારા ઘરમાં મારી સત્તા ચાલશે, પુત્રવધૂની ઇચ્છા નહીં ચાલે.’
મને એ પુત્રવધૂની સાથે તે મહિલાની પણ દયા આવી ગઈ કે આજના સમયમાં પણ લોકો કેવી માનસિકતા સાથે જીવતા હોય છે.
આવા તો કેટલાય કિસ્સાઓ આપણે જોતાં હોઈએ છીએ. માથાભારે સાસુ (કે સસરા) પુત્રવધૂ પર જુલમ કરતાં હોય (હવે તો એવા કિસ્સાઓ પણ બનવા લાગ્યા છે જેમાં પુત્રવધૂ સાસુને હેરાન કરતી હોય) એ ધાર્મિક હોય તોપણ એમને ઉપરવાળાનો બિલકુલ ડર નહીં લાગતો હોય! એમને એવો વિચાર નહીં જ આવતો હોય કે એક દિવસ અમારા જીવનનો અંત આવવાનો છે… કોઈ પતિ પત્નીને આખી જિંદગી ત્રાસ આપતો રહે છે (અપવાદરૂપ કિસ્સાઓમાં પત્ની પતિને ત્રાસ આપે એવું પણ બને છે). પુત્રના હાથમાં ધંધો આવી જાય પછી એ કરોડપતિ કે અબજપતિ પિતાને પણ અવગણવા માંડે, એનું અપમાન કરવા માંડે એવા કિસ્સાઓ પણ અવારનવાર અખબારોમાં છપાતા રહે છે. એવા માણસોને તો એમ જ હશે ને કે અમે અમર છીએ!
આપણે એવા કેટલાય કિસ્સાના સાક્ષી બનતા હોઈએ છીએ અથવા તો આપણને એવા કિસ્સાઓ વાંચવા કે જાણવા મળતા હોય છે, જેમાં કોઈ વ્યક્તિ માટે સ્વજન જ તકલીફનું મોટું કારણ હોય. ઘણા કિસ્સામાં ભાઈ ભાઈની સામે, બહેન ભાઈની સામે કે ભાઈ બહેનની સામે કોર્ટમાં જાય અને આખી જિંદગી એકબીજાં સામે લડીને આર્થિક રીતે ખુવાર થઈ જાય, પરંતુ સંપત્તિનો મોહ કે અહંકાર છોડી શકતાં નથી એવી વ્યક્તિ જો એટલું જ યાદ રાખે કે એક દિવસ અહીંથી જવાનું છે તો અદાલતોમાં કેસોનો ભરાવો ઓછો થઈ જાય.
એ જ રીતે કોઈ દુષ્ટ પાડોશી એના સીધાસાદા પાડોશીને પરેશાન કરતો રહેતો હોય, કોઈ બોસ એના હાથ નીચેના કર્મચારીનું શોષણ કરતો હોય કે મહિલા કર્મચારીનું જાતીય શોષણ કરતો હોય ત્યારે એને યાદ નહીં આવતું હોય કે એક દિવસ અહીંથી જવાનું છે. ગુંડાઓ નિર્દોષ નાગરિકોને પરેશાન કરે ત્યારે એમને એ યાદ નહીં રહેતું હોય કે એક દિવસ પોતાના જીવનનો અંત નિશ્ચિત છે. રાજકારણીઓ પ્રજાને બેવકૂફ બનાવે, પોતે પણ પ્રજાનું શોષણ કરે અને ઉદ્યોગપતિઓ તથા વેપારીઓને પ્રજાનું શોષણ કરવાની તક આપે ત્યારે એમનેય એ યાદ નહીં રહેતું હોય કે એક દિવસ મરી જવાનું છે. ઘણા પોલીસ કર્મચારીઓ (અને વહીવટી અધિકારીઓ પણ) સામાન્ય નાગરિકોને હેરાન કરતા હોય છે. ડરાવી-ધમકાવીને પૈસા પડાવતા હોય છે, ગુંડાઓને મદદ કરતા હોય છે, પોતાની સત્તાનો અત્યંત વિકૃત રીતે ઉપયોગ કરતા હોય છે એમને ક્યારેય એવો વિચાર શુદ્ધાં નહીં આવતો હોય કે એક દિવસ અમારે આ પૃથ્વી પરથી વિદાય થવાનું છે!
માણસો એ ભૂલી જતા હોય છે કે એક દિવસ અહીંથી જવાનું છે એટલે એ પોતાની પાસે જે કંઈ પાવર હોય એનો દુરુપયોગ કરતા રહે છે. આવા કિસ્સાઓ જાણવા મળે ત્યારે યુધિષ્ઠિર અને યક્ષનો સંવાદ યાદ આવી જાય છે.
યક્ષે યુધિષ્ઠિરને ઘણા સવાલ કર્યા હતા એમાં એક સવાલ એવો હતો કે જીવનનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે?' ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો હતો કે
માણસ પોતાના સ્વજનને સ્મશાનેથી વળાવીને પાછો આવે પછી ફરીવાર એ જ રીતે જીવવા માંડે છે કે જાણે મૃત્યુ છે જ નહીં. પોતે અમર છે.’
માણસ એટલું જ યાદ રાખીને જીવે કે એક દિવસ અહીંથી જવાનું છે તો દુનિયા જીવવા જેવી બની જાય. દરરોજ સવારે માત્ર એટલું જ યાદ કરવાનું કે કદાચ હું આવતી કાલની સવાર ન પણ જોઈ શકું. રોજ સવારે ઊઠીને ઉપરવાળાનો આભાર માનવાનો કે તેં આજે મને વધુ એક વખત ઊઠવાની તક આપી છે અને એ વાત રોજ સવારે એકવાર યાદ કરવાની કે એક દિવસ અહીંથી જવાનું છે.
ગંગા સતી કહી ગયાં છે, વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી' આગળ એમણે કહ્યું છે કે
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી.’
આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલ : સોનાનું વર્તમાન અર્થકારણ: ઊંચા ભાવ-ખરીદી-રોકાણ ને વળતરનાં કારણ
ગંગાસતીના સમયમાં માણસોનું સરેરાશ આયુષ્ય એકવીસ હજાર છસો દિવસોનું (આશરે 60 વર્ષનું) રહેતું હતું અને માણસ દિવસમાં સરેરાશ એકવીસ હજાર છસો શ્વાસ લેતો હોય છે (અત્યારના સમયમાં પણ વિજ્ઞાન કહે છે કે માણસ દિવસમાં (ચોવીસ કલાકમાં) સરેરાશ બાવીસ હજાર શ્વાસ લેતો હોય છે) એટલે એમણે લખ્યું હતું કે `એકવીસ હજાર છસોને કાળ ખાશે જી.’
દરેક માણસ માત્ર એટલું યાદ રાખે કે એક દિવસ અહીંથી વિદાય થવાનું છે એ નિશ્ચિત છે તો એ વાત એના માટે સુખનો પાસવર્ડ' બની રહે. દરેક વ્યક્તિ પોતાને એક દિવસ મરવાનું છે એટલું યાદ રાખીને જીવે તો આજુબાજુના લોકો માટે સુખના પાસવર્ડ સમા બની શકે અને એટલીસ્ટ દુ:ખના પાસવર્ડ સમા તો ન જ બને. શ્વાસ લેતો હોય છે (અત્યારના સમયમાં પણ વિજ્ઞાન કહે છે કે માણસ દિવસમાં (ચોવીસ કલાકમાં) સરેરાશ બાવીસ હજાર શ્વાસ લેતો હોય છે) એટલે એમણે લખ્યું હતું કે
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી.’
દરેક માણસ માત્ર એટલું યાદ રાખે કે એક દિવસ અહીંથી વિદાય થવાનું છે એ નિશ્ચિત છે તો એ વાત એના માટે `સુખનો પાસવર્ડ’ બની રહે. દરેક વ્યક્તિ પોતાને એક દિવસ મરવાનું છે એટલું યાદ રાખીને જીવે તો આજુબાજુના લોકો માટે સુખના પાસવર્ડ સમા બની શકે અને એટલીસ્ટ દુ:ખના પાસવર્ડ સમા તો ન જ બને.