હેં… ખરેખર?! બે ટાપુ ત્રણેક કિ.મી.ના અંતરે પણ બન્નેમાં દિવસ અલગ!

-પ્રફુલ શાહ
આ દુનિયામાં ઘણું માનવામાં ન આવે એવું છે. એમાં એક ઉદાહરણ છે લિટલ ડાયોમિડ અને બીગ ડાયોમીડ ટાપુ. આમાં લિટલ અને બીગ સમજાય પણ ડાયોમીડ કેમ અને શા માટે! આ બન્ને ટાપુનાં નામ ગ્રીક સંત ડાયોમીડીસ પરથી રાખવામાં આવ્યા છે. ઈ.સ. 1728ની 16મી ઑગસ્ટે ડેનિશ-રશિયન નેવીગેટર વ્હાઈટ બેરિંગ દ્વારા શોધાયેલા આ બે ટાપુના નામમાં વધુ એક શબ્દ-વિશેષણ ઉમેરાયેલું છે. હા, યસ્ટરડેઝ લિટલ ડાયોમીડ અને ટુમોરોઝ બીગ ડાયોમીડ આ વિશેષણમાં જ ટાપુઓની વિશિષ્ટતા સમાયેલી છે.
મજાની વાત એ છે કે બીગ ડાયોમીડ ટાપુ રશિયાનો છે અને લીગલ ડાયોમીડ ટાપુ અમેરિકાનો છે. બન્ને વચ્ચે માત્ર 3.8 કિલોમીટર (2.4 માઈલ) અંતર છે, પરંતુ પેસિફિક (ભુમધ્ય) સમુદ્રમાં આ બેઉ ટાપુ વચ્ચેથી ઈન્ટરનેશનલ ડેટ લાઈન પસાર થાય છે. આને પ્રતાપે બન્ને ટાપુ વચ્ચેના સમયમાં 21 કલાકનો ફરક પડી જાય છે. એટલે એક ટાપુ પરથી બીજા ટાપુમાં જાઓ તો સમય 21 કલાક આગળ થઈ જાય કાં પાછળ થઈ જાય. આ કારણસર બીગ ડાયોમીડને ટુમોરો આઈલેન્ડ કહે છે, તો લિટલ ડાયોમીડને યસ્ટરડે આઈલેન્ડ. દિવસ વચ્ચેની સીમા નક્કી કરતી કેલેન્ડરમાં આંતરરાષ્ટ્રીય તિથિ રેખા (અર્થાત ઈન્ટરનેશનલ ડેટ લાઈન) કાલ્પનિક છે, પણ તે પૃથ્વીની સપાટીને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવથી અલગ પાડે છે. કોઈ વ્યક્તિ પશ્ર્ચિમ દિશા તરફ આગળ વધે તો એને લગભગ એક દિવસનો લાભ થાય, પણ જો પૂર્વ તરફ જાય તો એક દિવસ ઘટી
જાય.
આમાંના બીગ આઈલેન્ડ એકદમ ખાલીખમ છે એ સંપૂર્ણ નિર્જન છે. જ્યારે લિટલ આઈલેન્ડમાં લગભગ એક સો માણસોની વસતિ છે ખરી. હકીકત એ છે કે બીજા વિશ્ર્વયુદ્ધ પછી બીગ આઈલેન્ડના રહેવાસીઓ રશિયા જતા રહ્યા હતા. આજે ય બન્ને ટાપુ પર આસાનીથી અવરજવર શક્ય છે. હકીકતમાં તો આ બન્ને પુલ એટલા નજીક છે કે શિયાળામાં બરફનો પુલ બનવાથી પગપાળા જઈ શકાય પણ એમ કરી શકાતું નથી. બન્ને ટાપુ એકમેકના પાડોશી છે, એક જ સમુદ્રની અંદર છે, પરંતુ બન્નેના ભૌગોલિક-રાજકીય સીમાડા અલગ છે. હા, આ બન્ને વચ્ચે બિયરિંગ સ્ટ્રેટ અર્થાત પાણીનો સાંકડો રસ્તો છે પણ મુસાફરીની મંજૂરી નથી.
આપણે ટાઈમ ટ્રાવેલ વિશે કેટલું નવું વાંચીએ, વિચારીએ છીએ એ વિજ્ઞાનીઓ દાયકાથી ભેજાનું દહીં કરી રહ્યા છે, પણ આ બે ટાપુ પર અવરજવર કરવામાં ખરેખર ટાઈમ ટ્રાવેલ થઈ જાય છે. આપણી સમજ એવી છે કે કાયમ એકમેક પર છવાઈ જવાની મથામણમાં ગળાડૂબ બે મહાસત્તા, અમેરિકા અને રશિયા એકમેકથી ઘણી દૂર છે, પરંતુ પૃથ્વી ગોળ હોવાથી અહીં બન્નેની સરહદ ખૂબ નજીક છે. કહો કે એકમેકના પાડોશી જેવા છે. અલાસ્કા અને સાઈબીરિયા વચ્ચે આ બન્ને ટાપુ બેરિંગ સ્ટ્રેટ પર છે.
આ પણ વાંચો….હેં… ખરેખર?! : વિશ્વની સૌથી મોટા પક્ષીની પ્રતિમા ભારતના કેરળમાં છે…
રસપ્રદ હકીકત એ છે કે આ યસ્ટરડે અને ટુમોરો ટાપુ વચ્ચેના માર્ગને આઈસ કર્ટેઈન (બરફીલો પડદો) પણ કહેવાય છે. આ નામ ટાઢાબોળ હવામાનને લીધે નહીં પણ બંને મહાસત્તા વચ્ચે ખૂબ લાંબો સમય ચાલેલા કોલ્ડ વોર-શીત યુદ્ધને લીધે પડયું છે.
શિયાળામાં તો પાણી જામી જાય એટલે બરફ પર ચાલીને એક ટાપુ પરથી બીજા ટાપુમાં જઈ શકાય પણ મંજૂરી નથી હોતી એ અલગ બાબત છે.
કલ્પના કરો કે બે ભાઈ, મિત્ર, પતિ-પત્ની કે પ્રેમીયુગલ અલગ-અલગ ટાપુ પર બેસે તો એક પર રવિવારના બપોરના ત્રણ વાગ્યા હોય ત્યારે બીજા માટે સોમવારના બપોરના 12 વાગ્યા હોય! આમ તો બન્ને ટાપુ વચ્ચે 21 કલાકનું અંતર હોય જે ઉનાળામાં ઘટીને 20 કલાકનું થઈ જાય છે.
ઈતિહાસમાં થોડા ઊંડા ઊતરીએ તો ભૂતકાળમાં આ બન્ને ટાપુ રશિયાના જ હતા. 1867માં રશિયાએ અલાસ્કા અમેરિકાને વેચી દીધું હતું આને લીધે સ્થાનિક એસ્કિમો પ્રજા માટે એકદમ દુવિધા ઊભી થઈ ગઈ. એ સમયે માત્ર એસ્કિમોને સગા-સંબંધીને મળવા માટે એકથી બીજા ટાપુ પર જવાના વિઝા અપાતા હતા. જોકે લાંબા સમયથી રશિયન ટાપુ પર કોઈ રહેતું નથી.
અહીં નવ મહિનાના આકરા શિયાળામાં રહેવું અશક્ય છે. છતાં અહીં સૈનિકોએ રહેવું પડે અને ત્યારે કેવો અનુભવ થતો હશે! અહીં આપણા સિયાચીન ગ્લેશિયર જેવો જ સીનારિયો લાગે છે ને? વર્ષના 300 દિવસ આકરી ઠંડી અને ધુમ્મસ હોય. બે-ચાર મહિને હેલિકૉપ્ટર ઊડીને આવી શકે ત્યારે ખાદ્યસામગ્રી અને ટપાલ મળી શકે.
એ કે આ વિઘ્ન અને વિપદા વચ્ચે અમેરિકન લોંગ ડિસ્ટન્સ સ્વિમર લિન કોકસે ટાઢા બોળ પાણીમાં બન્ને ટાપુ વચ્ચેનું અંતર તરીને કાપ્યું હતું ખરું! એના ચાર મહિના બાદ બન્ને દેશના તાત્કાલીન વડા મિખાઈલ ગોર્બાચોક અને રોનાલ્ડ રિગને તેમને અભિનંદન આપ્યા હતા.
આ પણ વાંચો…. હેં… ખરેખર?! : પૃથ્વી પરનું એકમાત્ર અજરામર જીવ છે હાઇડ્રા!