સુખનો પાસવર્ડ : સફળ માણસ પણ જો માણસ તરીકે સારો ન હોય તો… | મુંબઈ સમાચાર
ઉત્સવ

સુખનો પાસવર્ડ : સફળ માણસ પણ જો માણસ તરીકે સારો ન હોય તો…

  • આશુ પટેલ

નવેમ્બર 7, 1913ના દિવસે અલ્જિરિયાના ડ્રીનમાં જન્મેલા અને જાન્યુઆરી 4, 1960ના દિવસે 46 વર્ષની ઉંમરે ફ્રાન્સનાં વિલેબ્લેવિન શહેરમાં મૃત્યુ પામેલા ફ્રેન્ચ ફિલોસોફર, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર, રાજકીય ચળવળકર્તા અને નોબલ પારિતોષિક વિજેતા આલ્બર્ટ કામુએ ‘પ્લેગ’ નામની એક અદ્ભુત નવલકથા લખી હતી. એની કથા એવી છે કે એક શહેરમાં પ્લેગ ફેલાઈ જાય છે. પ્લેગને કારણે ઘણા લોકો મરી ગયા છે અને હજી મરી રહ્યા છે. જેટલા લોકો એ શહેરમાંથી ભાગી શકે છે એ બધા જીવ બચાવીને ભાગી જાય છે. બહુ થોડા લોકો બચી શકે છે. એમાં એક પાદરી છે અને એક ડોક્ટર છે. બંને પોતાની રીતે બચેલા લોકોની સેવા કરી રહ્યા છે. બંનેને પ્લેગ થવાનું પૂરું જોખમ છે. પ્લેગ જેવી અત્યંત ચેપી બીમારીથી એ બંને અકાળે કમોતે મરી શકે છે. એમની પાસે ભાગી જવાનો વિકલ્પ છે, છતા બંને ત્યાં જ રહે છે. કોઈ મરવાનું હોય છે તો પાદરી ત્યાં જઈને સાંત્વન આપે છે કે બીજી આગળની દુનિયા કેવી હશે? ડોક્ટર સાથે મળીને એ લોકોને ક્યાંક પહોંચાડવાના હોય, દવા આપવી હોય તો એ માટે પણ મદદ કરે છે.

એકવાર પાદરીએ ડોક્ટરને પૂછ્યું કે ‘ભાઈ, હું તો આ ભગવાનની સેવા માનીને કરી રહ્યો છું. મને તો આનું પુણ્ય મળી રહ્યું છે, પણ તમે અહીં કેમ છો? તમે કેમ જીવ બચાવીને ચાલી નથી જતા?’

ડોક્ટરે કહ્યું, ‘હું જીવ બચાવવા ભાગ્યો નથી અને ભાગવાનો પણ નથી, કારણ કે હું માણસ છું અને માણસો સારા જીવ હોય છે.’

હવે મુંબઈના એક કિસ્સાની વાત કરીએ.

એક યુવતીના પિતાની તબિયત અચાનક કથળી ગઈ. એના ઘરથી થોડે દૂર જ એક ડોક્ટર ફ્રેન્ડનું ક્લિનિક હતું. પેલી યુવતીએ તે મહિલા ડોક્ટર ફ્રેન્ડને કોલ કરીને વિનંતી કરી કે ‘તું મારા ઘરે આવીને મારા પિતાને ચેક કરી જઈશ, પ્લીઝ? તારી જે પણ ફી થાય એ હું તને આપી દઈશ.’

એ ડોકટરના યુવતી સાથે બે દાયકાના સંબંધ હતાં. છતાં એણે ના પાડી ને કહી દીધું : ‘તું તારા પિતાને ક્લિનિક લઈ આવ હું એની સરવાર કરી આપીશ,પણ તારા ઘરે નહિ આવું. હું કોઈના ઘરે નથી જતી.’

યુવતીના પિતા વૃદ્ધ હતા અને એમની સ્થિતિ એવી નહોતી કે એમને હોસ્પિટલ સુધી લઈ જઈ શકાય યુવતીએ મને કોલ કર્યો. વિસ્તારમાં રહેતા મારા એક મિત્રને વિનંતી કરી.

સુખનો પાસવર્ડ : કોઈની ભૂલને સજાને બદલે માફી આપીને પણ સુધારી શકાય…

તે મિત્રએ તરત જ એક સિનિયર ડોક્ટર મિત્રને કોલ કર્યો ને વિનંતી કરી કે ‘એક ઈમર્જન્સી છે. તમે આ જગ્યાએ જઈ આવશો, પ્લીઝ?’ તે ડોકટર એમડી હતા. પેલી એમબીબીએસ મહિલા ડોકટર કરતા અનેકગણા વધુ અનુભવી હતા, પરંતુ તરત જ એ પેલી યુવતીના પિતાને તપાસવા માટે પહોંચી ગયા. જોઈતી તાત્કાલિક દવા આપીને અને એમને હોસ્પિટલાઈઝ કરવાની સલાહ આપી.

બે દાયકાના સંબંધ હોવા છતાં પેલી મહિલા ડોક્ટરે પોતાની ફ્રેન્ડના પિતાને તપાસવા જવાની ના પાડી દીધી. અને એક અજાણ્યા સિનિયર ડોક્ટરે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને એ વૃદ્ધ દર્દીની સારવાર કરી. આ પણ એક કેવો વિરોધાભાસ છે…
દરેક માણસે સારા માણસ બનવાની કોશિશ કરવી જોઈએ. આ સંદર્ભમાં મહાન ફિલોસોફર સોક્રેટિસના જીવનનો એક કિસ્સો યાદ કરવા જેવો છે.

એક વાર ચાર યુવાન સોક્રેટિસને મળવા ગયા. સોક્રેટિસે એમની સાથે થોડી વાતો કર્યા પછી છૂટા પડતી વખતે એમને પૂછ્યું કે ‘તમે ભવિષ્યમાં શું બનવા ઈચ્છો છો?’

એક યુવાને કહ્યું, ‘મારું સપનું વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક બનવાનું છે. હું નવી નવી શોધો કરીશ અને નામના મેળવીશ.’

બીજાએ કહ્યું, ’મને તો ફિલોસોફીમાં રસ છે. જીવનના ગૂઢ રહસ્યને પામવાની કોશિશ કરતો રહું છું. મારે તમારી જેમ મોટા તત્ત્વચિંતક બનવું છે.’

ત્રીજા યુવાને કહ્યું, ‘મને સાહિત્ય પ્રત્યે બહુ આકર્ષણ છે. સાહિત્યનું સર્જન કરનારાઓને લોકો બહુ માન આપે છે. મારી સાહિત્યકાર બનવાની ઈચ્છા છે અને મારી આ મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે હું રાતદિવસ એક કરીને લખતો રહું છું.’

ચોથો યુવાન અલગારી હતો. એ કહે : ‘મારી કોઈ મહત્ત્વાકાંક્ષા નથી.’

પેલા ત્રણ યુવાનોએ સોક્રેટિસને કહ્યું કે, ‘આ તો ગાંડો માણસ છે. એને જીવનમાં કશું કરી બતાવવાની ઇચ્છા જ નથી એટલે તે લોકોની નજરમાં મજાકનું પાત્ર બની ગયો છે.’

સોક્રેટિસે એમને અટકાવીને ચોથા યુવાનને પૂછ્યું, ‘તને ખરેખર કંઈ બનવાની ઈચ્છા નથી થતી?’

પેલો યુવાને કહે : ‘ના, મારે મોટા માણસ કે મહાન વૈજ્ઞાનિક યા ફિલોસોફર કે બીજું કંઈ નથી બનવું. હું માત્ર એક સારો માણસ બની રહેવા માગું છું.’

સોક્રેટિસ એના પર ખુશ થઈ ગયા. કહ્યું : ‘તેં બહુ મોટી વાત કરી છે. વૈજ્ઞાનિક કે ફિલોસોફર કે સાહિત્યકાર બનવું સહેલું છે, પણ સારા માણસ બનવું બહુ મુશ્કેલ છે. એ જીવનની સૌથી મોટી સફળતા કહેવાય!’

માણસ ભૌતિક રીતે કેટલો સફળ થાય છે તેના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે એ માણસ તરીકે કેવો છે. માણસ ગમે એટલો સફળ હોય પણ જો એક માણસ તરીકે તે સારો ન હોય તો તે સદંતર નિષ્ફળ ગણાય.

આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : જીવનનો ઉત્તરાર્ધ સુખમય પસાર કરવાનું શું છે રહસ્ય?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button