કેનવાસ: માણો, સ્વાદ- આસ્વાદ કેરી પુરાણનો…!

-અભિમન્યુ મોદી
કેરીના ગરવાળા ભીના પીળા હાથોમાં લોહીનો લાલ રંગ….ઘરે જમણવાર હોય અને કોઈ એક પરિવારજન કેરીની આખી પેટી સુધારવા માટે બેઠું હોય તો છરી વાગી જતા આવું દૃશ્ય જોવા મળે. પીડાની દ્રષ્ટિથી આ દુ:ખમય અણગમતું લાગે, પણ પીડામાં સૌંદર્ય હોય છે. ઘાટા પીળા અને ઘાટા લાલ રંગનું જ્યાં સંયોજન થાય એ સૌંદર્યશાસ્ત્રનું એક સુંદર પ્રકરણ બની શકે.
કેરીની સિઝન આખા વર્ષને ચાર્જ કરી દે. મોટા ભાગે વેકેશન હોય. વેકેશન દરમિયાન આખો દિવસ ચોરના માથાની જેમ ક્રૂર રીતે રખડવાનું ને સમય બગાડવાનો થતો. મોબાઈલ ન હતો એટલે સમયનો વેડફાટ પણ ગુણવત્તા સભર થતો. પોતાની જાત અને દુનિયાની અવનવી ભાત સરસ રીતે એક્સપલોર થઇ શકતી. એક ડઝન ઇન્ડોર ગેમ્સ ને એક ડઝન આઉટડોર ગેમ્સ રમી શકાતી. રાતે મમ્મી-પપ્પા પરાણે ઘરે બોલાવે ત્યારે માંડ માંડ પરાણે સૂવું પડતું. ટમટમતા તારલા નીચે હવાની લહેરખીઓની રાહ જોતા ક્યારે આંખ મળી જતી એ ખબર ન રહેતી. ચયાપચય એટલું સારું હતું કે ઋજુતા દિવાકરોની મદદ વિના સવારે આંખ ખુલે એ ભેગી કકડીને ભૂખ લાગી જતી. ધાબેથી નીચે ઊતરીએ ને ઘરમાં પ્રવેશ કરીએ એ ભેગી કેરીની અવર્ણનીય સોડમ નાકમાં પ્રવેશીને આખા અસ્તિત્વને ભરી દે. કેરીની સુગંધ એટલે ઘરની સુગંધ. ઘર એટલે તમારું સ્વર્ગ…. તમારું રજવાડું.
ઘરના વડીલોએ આખાય ઘરમાં સર્વે કરીને એક સરસ જગ્યા શોધી હોય, જ્યાં કેરીનો ’દાબો’ નાખવામાં આવે. કાચી કેરીઓને જ્યાં એક જ દિશામાં હારબંધ ગોઠવીને પકવવામાં આવે. મમ્મી શીખવાડે કે બધી કેરીનું મોઢું એક જ દિશામાં રાખવું. બધી કેરી અડકાડીને રાખવી. એક હરોળ પછી બીજી હરોળ એની નીચે ચોક્કસ પદ્ધતિથી કરવી. કેરી બહુ કાચી હોય તો કેરીના દાબા ઉપર સૂકું ઘાસ લઈને તેને ગરમાટો આપવો. તેની ઉપર ઓછાડ ઢાંકવો. બીજે દિવસે કોઈ કેરી પાકી છે કે નહીં એ ચેક કરવા અવશ્ય જવું.
કેરીને કઈ રીતે દાબીને તે પાકી ગઈ છે કે નહીં તે શિક્ષા પણ પદ્ધતિસર લેવી પડે. દાબો નાખ્યો હોય એમા રોજિંદુ કામ એ હોય કે રોજ કેરીઓ પલટવી પડે. કેરીની સાઈડ બદલવાની. ડાબા પડખે હોય તો જમણા પડખે ફેરવવી. આ કામ બાળકોને સોંપવામાં આવે. જાણે જમીનમાંથી સોનાની ખેતી કરતા હોઈએ એ અદાથી અને એટલી જ ગંભીરતા સાથે એ કામ કરવામાં કઈંક અનેરો સંતોષ થતો.
આ પણ વાંચો…કેનવાસ: જરા ઓળખી લો, આપણા આ ખૂનખાર પાડોશી વિલનને…
એ પછી પસંદ કરેલી કેરી આરોગવી કઈ રીતે?
એની જુદી સભા ન ભરાય, પણ સીઝન પહેલા એકાદ-બે વખત ઘરના બધા સભ્યોને એ પ્રેફરન્સ પૂછી લેવામાં આવે. ભીંડા જેવા સુક્કા કે કારેલા જેવા કડવા શાકની સાથે ફરજિયાત કેરીનો રસ કાઢવાનો આવે. ઘરની યુવા બ્રિગેડને રસમાં કેરીના થોડા ટુકડા તરતા હોય એવું ગમે. થેપલા-ભાખરી સાથે કેરીના બટકાને મહત્ત્વ આપવામાં આવે. વસ્તારી ઘર હોય તો કેરીની ફટાફટ ચીર કરી નાખવામાં આવે – છાલ વાળી. બપોર વચાળે ટાઈમપાસ માટે કોઈ ફિમેલ કેરીને ઘોળીને એની જ્યાફત માણતી પણ દેખાય. અમુક પ્રયોગશીલ લોકો કેરીનો ગોટો પણ ખાય એટલે કે છાલ ઉતારેલી પણ સમાર્યા વિનાની આખી હોલસમ કેરી. હાથ અને હોઠ જ્યાં સુધી બગડે નહીં ત્યાં સુધી કેરી ખાવાનો સંતોષ ન થાય. મહેમાન આવે ત્યારે કેરીનો મેંગો શેક પણ બને અને કેરીના ગોટલા ધોઈને અમુક ઘરોમાં કેરીનો ફજેતો પણ બને. મેંગો કસ્ટર્ડ ને મેંગો પાઈ ને એ બધા ફેન્સી ડેઝર્ટ છેલ્લા પંદરેક વર્ષથી વધુ પ્રચલિત થયા. બાકી કેરી ખાવાના આ ચાર-પાંચ તરીકા જ હતા અને તે પ્રોફાઉન્ડ હતા.
કેરી સમારવા માટે ઘરના કુશળ માણસને જ બેસાડવા પડે. કાઢવામાં આવતી છાલ સાથે કેરીનો ગર મિનિમમ અમાઉન્ટમાં ચોંટેલો હોવો જોઈએ. કેરીની છાલ સાથે જ અડધોઅડધ કેરી વેસ્ટ જતી જોવામાં આવે તો તરત તેની પાસેથી એ કામ આંચકી લેતા કોઈને પણ સંકોચ થાય નહીં. કેરી સુધારી લીધા પછી અને તેને ફ્રિજમાં મૂકી દીધા પછી કેરીના ગોટલા બચે.
આ ગોટલા કોણ ચૂસશે? એક મહાન લેખકે કરેલા સર્વે મુજબ કેરીના ગોટલા ચૂસવાનું મુખ્ય કામ મોટાભાગે દરેક ઘરમાં એક જ વ્યક્તિ કરતી હોય છે અને તે જવાબદારી એમણે જ આખી જિંદગી નિભાવવી પડતી હોય છે. ગૃહિણી ઘરમાં હોય તો એ કેરીના ગોટલા ધોઇને સૂકવીને આખું વર્ષ ચાલે એટલો ગોટલીનો મુખવાસ પણ બનાવે. કાચી કેરીના અથાણા બનાવવાનો તો એક અલગ જ અધ્યાય છે.
કેરીને લઈને આવી કેટલી મીઠી ગોઠડી માંડી શકાય. પણ આ પાંચ ફકરાથી વધુ વાત નથી કરવી. અંદર રહેલું સામાજિક પ્રાણીત્વ ના પાડે છે. આપણે ત્યાં કેરી એક ફળ જ નથી પણ એક વ્યવહાર પણ છે. કેરી સમૃદ્ધિનું પ્રતીક છે, કેરી અમીરીનો સિમ્બોલ છે. સમાજનો એક હિસ્સો કેરી માણી શકવા સક્ષમ નથી. તે હિસ્સો મોટો છે, મેજોરીટી છે. એક મોટા વર્ગ માટે કેરી લક્ઝરી છે. આખો દિવસ કામ કરતા અને ચાર વર્ષથી ઘસાયેલું પાકીટ ન ફેંકી શકતો માણસ કેરીનાં સપનાં જુએ છે અને ઓફ સિઝનની રાહ જુએ છે. જે ગામમાં પિત્તળ-કાંસાનાં વાસણો વપરાતા હોય ત્યાં સિલ્વર ડિનર સેટમાં ડિનરનો આગ્રહ રાખવો શોભનીય છે?
આ પણ વાંચો…કેનવાસ : ટોળામાંથી ધણ થવામાં બહુ વાર લાગતી નથી! સંઘભાવનાનો જાદુ અનેરો છે