ઈકો-સ્પેશિયલ : SME ને મજબૂત આર્થિક ટેકાની જરૂર… IPOમાં વધુ શિસ્તની જરૂર…

- જયેશ ચિતલિયા
નાની અને મધ્યમ કદની કંપનીઓ (જે માર્કેટમાં SME નામે ઓળખાય છે, અર્થાત્ ‘સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈસિસ’)નું સેગમેન્ટ જોરમાં ચાલી રહ્યું છે, પરંતુ તેના જોઈતા લાભ રોકાણકારો ને જોરદાર નહીં,પણ નબળો મળી રહ્યો હોવાનું નોંધાયું છે, કારણ કે આ કંપનીઓ જેટલી ગાજે છે તેટલી વરસતી નથી.
વર્ષ 2025માં SME એ બહાર પાડેલા પબ્લિક ઈશ્યૂઓમાં તીવ્ર વિરોધાભાસ જોવા મળ્યો, જેમની શરૂઆત ધમાકેદાર રહી, પણ ત્યાર પછીનો દેખાવ નિરાશાજનક રહ્યો. મતલબ કે ‘આરંભે શૂરા’ જેવો ઘાટ જોવા મળ્યો. આ વર્ષ 2025માં અત્યાર સુધીમાં 94 એસએમઈ આઈપીઓ લોન્ચ થયા, એમાંથી માત્ર નવ આઇપીઓના કેસમાં જ લિસ્ટિંગ બાદ ભાવમાં 100 ટકાથી વધુ વૃદ્ધિ જોવા મળી. 7 જુલાઈ સુધીમાં, છ આઈપીઓમાં 50 થી 100 ટકા વૃદ્ધિ નોંધાઈ, જયારે અન્ય 16 આઈપીઓમાં 20-50 ટકા જેટલો ભાવ લાભ નોંધાયો. અને 14 આઈપીઓના શૅરમાં 1થી 20 ટકા વચ્ચેનો મામૂલી લાભ મળ્યો છે.
શરૂઆતનો જુસ્સો જાળવી રાખવામાં નિષ્ફળ ગયા હોય એવા લિસ્ટિંગ્સનો આંકડો ઉલ્લેખનીય રહ્યો. આશરે 15 જેટલા આઈપીઓએ આ ક્ષેત્રે પદાર્પણ કર્યું ત્યારથી 30-50 ટકાની વૃદ્ધિ વચ્ચે ઝઝૂમતા જોવા મળ્યા, જ્યારે આઠ આઈપીઓ માંડ 50 ટકા સુધી પહોંચી શક્યા. અન્ય સાત આઈપીઓ 20-30 ટકા વચ્ચે સપડાયેલા રહ્યા, અન્ય આઠ આઈપીઓ 10-20 ટકા વચ્ચે તો 11 આઈપીઓ 1-10 ટકાની રેન્જમાં જ રહ્યા હોવાનું જોવા મળ્યું છે.
આંકડા શું કહે છે?
આ બધા આંકડા એવો ટ્રેન્ડ દર્શાવે છે કે ઈન્વેસ્ટરોના જોરદાર પ્રતિસાદ છતાં મોટા ભાગની એસએમઈ કંપનીઓના શૅર લિસ્ટિંગ થયા પછીના દિવસોમાં એમની ભાવ વૃદ્ધિ જાળવી શકી નથી. આ ટ્રેન્ડ પાછળનાં કારણો સમજવા જેવાં છે. આ કારણો છે: મર્યાદિત પ્રવાહિતા, સીમિત ડિમાંડ અને આવકના સપોર્ટ વિનાનું મૂલ્યાંકન.
માર્કેટ એકસપર્ટ કહે છે, ઘણા ઈન્વેસ્ટરોએ લાંબા ગાળાના બિઝનેસ ભાવિમાં ભરોસો રાખ્યા વિના માત્ર લિસ્ટિંગનો લાભ લેવા ખાતર એસએમઈ આઈપીઓમાં ઝુકાવ્યું હતું, પરિણામે આ સેગ્મેન્ટનો દેખાવ આરંભે ઝમકદાર રહ્યા બાદ નિરાશાજનક બની ગયો. લિસ્ટિંગ થયા બાદ સૌથી વધારે લાભ મેળવનાર કંપનીઓમાં મોખરે રહેનારી કંપનીઓ મર્યાદિત રહી, જેમાં એક કંપનીના શૅરમાં 360 ટકા જેટલો ઉછાળો જોવાયો હતો.
ત્યારપછીના ક્રમે બે કંપનીના શૅરમાં અનુક્રમે 164 ટકા અને 161 ટકા જેટલા ઊંચે ગયા હતા. ઉલ્લેખનીય દેખાવ કરનાર અન્ય કંપનીઓના શૅરમાં આશરે 100 ટકા જેટલું રિટર્ન નોંધાયું હતું. બીજી બાજુ, સૌથી ખરાબ દેખાવ કરનાર શૅરોમાં લિસ્ટિંગ બાદ 50 થી 70 ટકા જેવા કડાકા જોવાયા હતા. એસએમઈ આઈપીઓમાં રોકાણને એક ‘બેફામ જુવાળ’ તરીકે જોવાય છે, જેમાં અસ્થિરતા વધુ અને ઈન્વેસ્ટમેન્ટ સુરક્ષા નબળી હોય છે. આમાં ભલે રકમ માર્કેટની ગતિશીલતાને ધક્કો પહોંચાડે એટલી મોટી હોતી નથી, પરંતુ વ્યક્તિગત ઈન્વેસ્ટરો માટે તો હજી પણ મહત્ત્વની છે.
આવા આઈપીઓ સંસ્થાકીય રોકાણકારો પૂરતા મર્યાદિત રહે તો એ આદર્શ ગણાશે, જેથી છૂટક ઈન્વેસ્ટરો આમાં પ્રવેશ કરતા અટકે અને મોટી ખોટ કરવામાંથી બચે, કારણ કે આ એવું સંવેદનશીલ ક્ષેત્ર છે જેમાં ભાવમાં હેરાફેરી અને પ્રમોટર-સંચાલિત અટકળોનું જોર વધારે રહેતું હોય છે.
નિયમન તંત્રના સંભવિત નવાં ધોરણ
એસએમઈ આઈપીઓ બાબતે નિયમન તંત્ર ‘સેબી’ નવા નિયમો ઘડવાની વિચારણામાં હોવાના અહેવાલ છે, જેનો ઉદ્દેશ્ય ગુણવત્તા અને ઈન્વેસ્ટરોની સહભાગીતામાં સુધારો લાવવાનો છે. જેમ કે, લઘુતમ અરજીનું કદ વધારવું, કટ-ઓફ પ્રાઈસ યંત્રણાને દૂર કરવી, બહોળા પાયે વિતરણ થઈ શકે એ માટે શૅરોની ફાળવણી મેળવનારાઓની લઘુતમ સંખ્યાને વધારવી અને લિસ્ટિંગની અપેક્ષા રાખતી કંપનીઓ માટે પાત્રતાના નિયમોને વધારે કડક બનાવવાનો સમાવેશ થશે. આ નિર્ણયોનો હેતુ ફંડામેન્ટલી સધ્ધર હોય એવી કંપનીઓને મૂડી બજારમાં પ્રવેશ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે તેમજ જાણકાર-માહિતગાર ઈન્વેસ્ટરો જ એમાં ભાગ લે એની તકેદારી રાખવાનો છે.
આમ તો એસએમઈ સેગ્મેન્ટે આકર્ષણ જાળવી રાખ્યું છે, પરંતુ તેની સ્થિર સફળતાનો આધાર ઈન્વેસ્ટરોની માનસિકતામાં ટૂંકા ગાળાની અટકળોને બદલે લાંબા ગાળાના બિઝનેસ મૂલ્યાંકનમાં પરિવર્તનને આધારિત છે અને રહેશે.
એસએમઈ સેકટરને મજબૂત ટેકો જોઈએ
એસએમઈ સેકટરનું ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે, તેની મૂડીની જરૂરીયાત પૂરી કરવામાં બેંકો-નાણાં સંસ્થાઓનો પર્યાપ્ત સહયોગ કે ટેકો મળતો હોતો નથી અને મળે તો ય તે મોંઘો હોય છે. મૂડીબજાર તેમને સારો અને સોંઘો સહયોગ આપી શકે છે. આ કંપનીઓને સારા-મજબૂત ટેકાની જરૂર છે. કેપિટલ માર્કેટ તેમની માટે મજબૂત માર્ગ છે, પરંતુ આ માર્ગમાં જયારે ખોટી કંપનીઓ ઘૂસે, લેભાગુ પ્રમોટર્સ ઘૂસે અને રોકાણકારોને પ્રલોભન આપી અથવા તેના ભાવો ઉછાળવાની રમત રમી આ વર્ગને છેતરે ત્યારે તે વિશ્વસનીયતા ગુમાવે છે.
આપણ વાંચો: આજે આટલું જ : આખર પછીની અદલાબદલી…
આ આઈપીઓને માર્કેટમાં લાવવાની કામગીરી બજાવતા મર્ચન્ટ બેન્કર્સ પોતાના સ્વાર્થ ખાતર રોકાણકારોને ઊંચા ભાવે શૅરો પધરાવવાની ચાલાકી કરે ત્યારે લાંબે ગાળે બજારને પણ નુકસાન પહોંચાડતા હોય છે.
‘સેબી’એ આ સેગમેન્ટને કે આ સેકટરને વધુ શિસ્તબદ્ધ બનાવવા અને તેમાં રોકાણકારોનો વિશ્વાસ વધે એવા નિયમો લાવી તેના વિકાસને તંદુરસ્ત બનાવવાની દિશામાં લઈ જવાનું લક્ષ્ય રાખીને આગળ વધવું જોઈએ.
આમ તો એસએમઈ સિવાયના આઈપીઓમાં પણ સારા-નબળાના કિસ્સા જોવા મળે છે, તેમાં પણ લિસ્ટિંગ બાદના સંજોગો બદલાયેલા જોવા મળે છે. વાંક માત્ર એસએમઈનો નથી, કંપનીઓના સ્થાપકો, મેનેજમેન્ટ, ઈરાદા અને લક્ષ્યમાં પણ પ્રમાણિકતા હોવા આવશ્યક છે. આ ક્ષેત્રમાં વિકાસની સંભાવના ભરપૂર છે, પણ તેમાં ચાલતાં દૂષણોને દૂર કરવા અત્યંત જરૂરી છે.