
- જયેશ ચિતલિયા
આ સર્વેની પહેલી જ વાત ચોંકાવનારી છે. કહે છે કે 60 ટકાથી વધુ ભારતીય મહિલાઓને ખાતરી નથી કે એમણે પોતાની વ્યક્તિગત જરૂરિયાત અને ધ્યેય માટે પૂરતી બચત કરી છે કે નહીં!
જોકે 31 ટકા હજુ પણ ઓછા વળતરવાળા ફિક્સ ડિપોઝિટ (એફડી), વીમા પોલિસીમાં રોકાણ કરે છે. એ ખરું કે મહિલાઓ વધુને વધુ જાગૃત અને વ્યક્તિગત નાણાકીય બાબતોનું સંચાલન કરવામાં કુશળ બની રહી છે, તેમ છતાં આત્મવિશ્વાસ, ઍક્સેસ અને અનુરૂપ સહાયના અભાવના કારણે હજુ પણ બચતની બાબતમાં પુરુષ-મહિલા વચ્ચેનો તફાવત યથાવત છે.
નાણાકીય સાક્ષરતા પર અભ્યાસ અને સંશોધન કરતી કંપનીના રિપોર્ટમાં ભારતીય મહિલાઓની નાણાકીય સ્વતંત્રતા અને એ જે જે અવરોધોનો સામનો કરે છે અને એમની નાણાકીય બાબતોની સમજ કેવી છે તેની તપાસ કરવામાં આવી છે. મહિલા નાણાકીય સ્વતંત્રતાને કેવી રીતે ડિફાઇન કરે છે-સમજે છે એનું પણ સર્વેક્ષણ થયું છે.
આ સર્વેમાં અન્ય એક રસપ્રદ તારણ એ જોવામાં આવ્યું કે માત્ર 10 ટકા ભારતીય મહિલાઓ જ ઇક્વિટીમાં રોકાણ કરે છે. આ સર્વેમાં આવરી લેવાયેલી મહિલાઓમાંથી 57 ટકાએ જણાવ્યું હતું કે એમની વ્યક્તિગત જરૂરીયાત અને ધ્યેય માટે એમની પાસે પૂરતી અસ્ક્યામતો છે. 11 ટકાએ આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે માસિક ખર્ચ અને કેટલાંક આકસ્મિક ખર્ચને પહોંચી વળે એટલું એમની પાસે બેલેન્સ હોય છે. 10 ટકાએ જણાવ્યું હતુ કે એમના માથે દેવાનો કોઇ બોજો નથી અને 22 ટકાએ સ્પષ્ટતા કરી હતી કે કોઇપણ જાતના નાણાકીય સપોર્ટ વગર એ પોતાનું ગુજરાન ચલાવી શકે છે.
નાણાકીય સ્વતંત્રતા એટલે ખરેખર શું?
નિવૃત્તિ અથવા બાળકના શિક્ષણ જેવા લાંબાં ગાળાનાં લક્ષ્યો માટે આયોજનયુક્ત ભંડોળ જરૂરી હોય છે. કટોકટી કે નોકરી ગુમાવવાની સ્થિતિમાં ઘરખર્ચ ચાલે તેટલું અનામત ફંડ પણ આવશ્યક ગણાય. માત્ર કરવા ખાતર જ બચત ન કરીને, જાણકારી મેળવીને યોગ્ય રોકાણના નિર્ણય લેવાની ક્ષમતા કેળવવી જરૂરી છે.
જોકે આવો આત્મવિશ્વાસ કમાણી કરતી અથવા બચત કરતી મહિલામાં પણ ઓછો જોવા મળે છે. આવી મહિલા પોતાની નાણાકીય અસલામતીથી ભયભીત રહે છે. નાણાકીય બાબતને મેનેજ કરવાની પોતાની પૂરતી તૈયારી ન હોવાની લાગણી અનુભવે છે. દર મહિને ખર્ચાનો વહીવટ ખૂબ જ સારી રીતે કરતી હોવાનું 39 ટકા મહિલાઓ જણાવે છે, આ બાબતમાં હજુ સુધારાને અવકાશ છે એવું 50.4 ટકા મહિલા કહે છે.
માસિક ખર્ચને પહોંચી વળવા ખૂબ સંઘર્ષ કરવો પડતો હોવાનું આઠ ટકા સ્ત્રીઓ જણાવે છે. 49 ટકા મહિલા જણાવે છે કે એ લોનના હપ્તા ભરે છે. 55 ટકા કહે છે કે એ અન્ય નાણાકીય લક્ષ્ય માટે બચત કરે છે તો 50 ટકાએ જણાવ્યું કે નિવૃત્તિ માટે એ રોકાણ કરે છે.
શું છે એમની મુખ્ય નાણાકીય ચિંતાઓ?
45 ટકા મહિલા સ્વીકારે છે કે કટોકટી માટે પૂરતું ભંડોળ પોતાની પાસે હોવાની એમને ખાતરી નથી. જયારે 63 ટકા મહિલાએ વ્યક્તિગત જરૂરિયાત અને ધ્યેયો માટે એમની પાસે પૂરતું ફંડ હોવાની ખાતરી ન હોવાનો ઉત્તર આપ્યો તો 32 ટકા મહિલાની ટોચની રોકાણ પસંદગીમાં ફિક્સ્ડ ડિપોઝિટ અને વીમા પોલિસી જેવી પરંપરાગત પ્રોડક્ટ્સ આવે છે, જયારે 10-11 ટકાની પસંદગી શેરોમાં રોકાણ અને 39 ટકા મ્યુચ્યુઅલ ફંડો તેમ જ 18 ટકાને સોનામાં રોકાણ પસંદ છે એવું સર્વેમાં જાણવા મળ્યું.
જો કે આ બધા વચ્ચે 46 ટકા મહિલા પોતે સ્વતંત્રપણે નિર્ણય લેતી હોવાનું કહે છે, જયારે 42 ટકા કહે છે કે આવા નિર્ણયો માટે એ પિતા, પતિ, ભાઇ, પુત્ર કે ભાગીદાર કે કુટુંબની વ્યક્તિની મદદ લેતી હોય છે.
સાડા સાત ટકા નાણાકીય સલાહકારની મદદ લેતી હોવાનું જણાવ્યું. પચાસ ટકાથી વધુ મહિલા કટોકટીને પહોંચી વળવા નાણાકીય રીતે સજજ રહેવા માગે છે, 70 ટકાથી વધુ મહિલા હવે રોકાણ શરૂ કરવાનું વિચારે છે…તો 60 ટકા મહિલા ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરીને તેનો અમલ કરવાનો અને 27 ટકા મહિલા કરજનું ભારણ ઓછું કરવાનું લક્ષ્ય ધરાવે છે.
આપણ વાંચો: વાર તહેવાર: દશા માતાની આરાધના: પરંપરાની સાથે આધુનિક સમયની શ્રદ્ધા
હા, મહિલા સક્ષમ બની શકે છે. અહી એ નોંધવું મહત્ત્વનું છે કે મહિલાઓના આ પ્રકારનાં સર્વેમાં શહેરો, મહાનગરો, નાના શહેરો, ગામડાઓ, વગેરેની મહિલાઓની જુદી-જુદી કેટેગરી બને છે, કારણ કે એમના સંજોગો જુદા હોય છે. વિવિધ રાજયો મુજબ પણ મહિલાઓ માટે હજી પણ ચોકકસ નિયંત્રણો અને અવરોધો રહ્યા કરે છે.
મોટાભાગના કેસોમાં મહિલાઓ પોતે જ આ વિષયથી દૂર રહેવામાં માને છે…આમ તો મહિલા સૌથી મોટો વપરાશકાર-ખરીદદાર વર્ગ ગણાય, પરંતુ આર્થિક રોકાણ એમનું દિલ્હી હજુ બહુ દૂર છે,
અલબત્ત, આપણા દેશમાં હજી નાણાંકીય સાક્ષરતા (ફાઇનાન્સિયલ લિટરસી)માં પુરુષો પણ ઘણાં પાછળ છે અને મહિલાઓને બચત-રોકાણ માટે બહુ જ ઓછી તક મળે છે. અન્યથા મહિલાઓ બચત અને રોકાણ ક્ષેત્રે સક્ષમ બની શકે એની સંભાવના ઊંચી છે.