ઉત્સવ

ઈકો-સ્પેશિયલ: વીમા પોલિસીમાં કયા કયા લાભ કવર થયા છે એ તમને ખબર હોય છે ખરી?

  • જયેશ ચિતલિયા

આપણા દેશમાં કોઈ ફાઈનાન્સિયલ પ્રોડકટ કહો કે યોજના કહો તેનું મિસ-સેલિંગ થતું હોય તો તેમાં વીમા પોલિસી (ઈન્સ્યુરન્સ પોલિસી) અગ્રક્રમે આવે. મોટાભાગના એજન્ટો-મધ્યસ્થીઓ મિસ-સેલિંગમાં માસ્ટર હોય છે. એ બધા એટલી કુશળતાથી પોલિસી વેચતા (પધરાવતા વાંચો!) હોય છે કે જાણે પોલિસી લેનાર પર બહુ મોટો ઉપકાર કરતા હોય!

અલબત્ત, આમાં અપવાદરૂપ સારા ને સાચા એજન્ટ પણ હોય છે, તેથી જ કોઈપણ વીમા પોલિસી લેતી વખતે પોલિસી એજન્ટની પસંદગી પણ બહુ જ મહત્ત્વ ધરાવે છે. અહીં કરૂણતા એ છે કે આપણા સમાજમાં વીમા પોલિસીને લઈને એટલી બધી અજ્ઞાનતા કે અજાગૃતિ પ્રવર્તી રહી છે કે તેના લાભ કરતાં નુકશાનમાં રહેનારની સંખ્યા વધી જાય.

હજી આ વિષયમાં જાગૃતતા વધી રહી છે, છતાં અજ્ઞાનતાનું પ્રમાણ ઘણું ઊંચું છે ખાસ કરીને નાના-મધ્યમ શહેરોમાં અને ગામોમાં. એમાંય વીમા કંપનીઓ વચ્ચે આ ક્ષેત્રે સ્પર્ધા વધી રહી છે એટલે સહેજ છે કે અહીં ગેરરીતિ પણ વધી રહી છે. ખાસ કરીને આરોગ્ય વીમા (હેલ્થ ઈન્સ્યુરન્સ-મેડિકલેમ પોલિસી) મામલે બહુ બધાં ગરબડ-ગોટાળા કે ગોરખધંધા ચાલી રહયા છે. ગ્રાહકો પોતે જ જાગ્રત નહીં બને તો કોઈ એમની રક્ષા નહીં કરે.

સહી કરતાં પહેલાં વાંચો-સમજો…
વડીલો કાયમ કહેતાં હોય છે કે કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતાં પહેલાં લખેલું વાંચવું… વાંચ્યા વગર સહી ન કરાય. જોકે આજના આ યુગમાં લોકોને પૂરુ વાંચ્યા વગર સહીઓ કરી દેવાની આદત પડી ગઇ છે.

એમાં પણ એજન્ટો, વકીલો, દલાલો, બેન્ક કર્મચારીઓ ઇત્યાદિ સૌ કોઇ ગ્રાહક પૂછે તો પણ પૂરતી સમજ આપવા ટાઇમ નથીનું બહાનું કાઢીને ક્લાયન્ટને પૂરી વાત સમજાવ્યા વગર જ સહીઓ લઇને ધંધો વધારવાના ટાર્ગેટ પૂરા કરવા પ્રયત્નશીલ હોય છે.

આ પરિસ્થિતિમાં ‘આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય’ એ ઉક્તિ યાદ કરીને જે કોઇ વીમાની પોલિસી હોય કે અન્ય કરાર હોય એની પૂરેપૂરી શરતો વાંચીને પછી જ સહીસિક્કા કરવા જોઇએ. એટલું જ નહીં એ વિશે કુટુંબના સભ્યોને પણ પૂરેપૂરી સમજાવવા જોઇએ, જેથી ખરેખરી ઘટના બને ત્યારે એ મળનારા લાભથી વંચિત ન રહી જવાય.

કવરેજની જ ખબર નથી હોતી….
આવા દોડતા-ઉડતા સમયમાં એક સર્વેક્ષણમાં રસપ્રદ તારણ નીકળ્યું છે કે મોટાભાગના લોકો પાસે જાતજાતની વીમા પોલિસીઓ હોય છે, પરંતુ એમાં ઉલ્લેખ કરવામાં આવેલી ઘટના વખતે ગ્રાહકને કઈ અને કેટલી મદદ મળશે તે અંગે એ ખુદ સાવ અજાણ હોય છે.

આ સર્વેના તારણ મુજબ લગભગ 80 ટકા ભારતીયોને ખબર નથી હોતી કે એમની વીમા પોલિસીમાં શું-શું કવર થયું છે, પરિણામે ખરા સમયે જાણકારીના અભાવે લાભ ન મળવાનું જોખમ રહે છે.

આ સર્વેક્ષણ કહે છે કે 71 ટકા ભારતીયો પાસે બે થી પાંચ સક્રિય વીમા પોલિસી હોય છે, પરંતુ ફક્ત 35 ટકા લોકોને જ તેની વિગતોની સંપૂર્ણપણે સમજ છે કે તેમાં શું-શું કવર થાય છે. સૌથી વધુ પોલિસીઓ લોકો લે છે એ જીવન વીમા (63 ટકા), ત્યારબાદ આરોગ્ય વીમો (24 ટકા) અને મોટર ઈન્સ્યુરન્સ (13 ટકા) છે, પરંતુ સર્વેમાં જવાબ આપનારા આવા 65 ટકા પોલિસીધારકોએ જણાવ્યું હતું કે એમને પોલિસીના લાભ, એમાં કઇ બાબતો કે રોગો કવર થયા નથી અથવા દાવાની પ્રક્રિયાઓ જેવી વિગતોનું બહુ ઓછું જ્ઞાન હતું, પરિવાર પણ તો સાવ જ અજાણ હતાં.

(60 ટકા) આવી જાગૃતિના અભાવને લીધે ઘણાં ક્લેમ્સ જ થતાં નથી. ઘણી વાર પોલિસી લેપ્સ થઇ જાય છે, પરિણામે વીમાનો હેતુ જ નિષ્ફળ રહે છે. દસ્તાવેજોની યોગ્ય જાળવણી અને તેનો વહીવટ ન થાય તો સમસ્યા વધે છે.

વીમા અંગે આવી સમસ્યા ઊભી થાય ત્યારે 36 ટકા જેટલા ધારક વીમા અધિકારીઓ પાસેથી સલાહ લેવાનું પસંદ કરે છે અને 26 ટકા ડિજિટલ મદદ લેવા તૈયાર હોય છે. નોંધપાત્ર મુદ્દો તો એ છે કે 38 ટકા માને છે કે એમને વીમાની બાબતમાં કોઈ સહાયની જરૂર નથી, જે ખરા અર્થમાં ચિંતાજનક કહેવાય.

આપણ વાંચો:  મોર્નિંગ મ્યૂસિંગ : સીઝફાયર: બંદૂકો વચ્ચે આગ ઓલવવાની એક હજાર વર્ષ જૂની ઈસાઈ ધારણા…

હવે જરૂર છે વીમા સાક્ષરતાની….
કહે છે કે માત્ર ઈન્સ્યુરન્સ પેનિટ્રેશન પર ધ્યાન કેન્દ્રિત કરવું પૂરતું નથી. સાચુંનાણાકીય રક્ષણ ત્યારે જ મળે જ્યારે પોલિસીધારકો અને એમના પરિવારો પોતાના વીમાને બરાબર સમજે.

તાજેતરમાં જ રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસને અનુલક્ષીને બહાર પાડવામાં આવેલા આ સર્વેમાં મહાનગરો અને ટીયર-2 અને 3 શહેરોમાં હજારો વ્યક્તિઓને સવાલો પુછાયા હતાં. વીમા રક્ષણ બહુ સરસ માર્ગ કે યોજના છે, પરંતુ તેનો લાભ ખરો ત્યારે જ મળે જયારે ગ્રાહકો પોતે જાગૃત અને સ્માર્ટ બને.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button