ઉત્સવ

ઈકો-સ્પેશિયલ : ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગનાં જોખમોથી નાના ટ્રેડર્સ દૂર રહે…

...એમની સાથે નિયમન તંત્રએ પણ સજાગ રહેવું પડશે

-જયેશ ચિતલિયા

તાજેતરમાં શેરબજારમાં અને ફાઇનાન્સિયલ માર્કેટમાં એક ઘટના ચર્ચાનો વિષય બની છે. નિયમન સંસ્થા ‘સેબી’ Securities and Exchange Board of India ) એ ગ્લોબલ ટ્રેડિંગ કંપની ‘જેન સ્ટ્રીટ (JANE STREET) ટ્રેડિંગ’ અને તેની સાથે સંબંધિત ત્રણ કંપની વિરુદ્ધ પગલાં લીધાં એ વાત ચર્ચાનો વિષય બની છે.

આ મુદ્દો ડેરિવેટિવ્ઝ માર્કેટ માટે સંબંધિત છે. ઝટપટ કમાણી માટે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં-ખાસ કરીને ઓપ્શન્સ ટ્રેડિંગમાં ઝંપલાવતા નાના રોકાણકારો માટે આ ઘટના એક ગંભીર સબક સમાન પણ છે.

આ સંદર્ભમાં ઈકોનોમી-માર્કેટ એકસપર્ટ નીલેશ શાહના મંતવ્યો સમજવા જેવાં છે.

ભારતીય ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ચાલતા સટ્ટા સામે આમ તો ઘણાં સવાલ તાજેતરમાં થઈ રહ્યા છે. આ સટ્ટાકીય પ્રવૃત્તિ સામે ખુદ નિયમનતંત્ર ‘સેબી’ને પણ સવાલ છે. હાલ તો ‘જેન સ્ટ્રીટે’ કરેલા સોદાઓ બદલ ‘સેબી’એ તેને ભારતીય શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.. આ કંપનીઓ ડેરિવેટિવ્ઝ માર્કેટ અર્થાત ફયુચર્સ-ઓપ્શન્સ માર્કેટમાં કથિત રમત દ્વારા માર્કેટમાં મેનિપ્યુલેશન કરતી હોવાનો આરોપ ‘સેબી’એ તેના ઈન્ટરિમ ઓર્ડરમાં મૂકયો છે. એટલું જ નહીં, ‘સેબી’એ આ કંપનીઓના 4843 કરોડ રૂપિયાથી વધુ રકમના કથિત ગેરકાનૂની નફાને પણ કબ્જામાં લીધો છે. એના બેંક એકાઉન્ટસને પણ ડેબિટ માટે ફ્રીઝ કરવાનો આદેશ અપાયો છે.

(જોકે, છેલ્લાં સમાચાર અનુસાર: સેબીના પ્રતિબંધના ઓર્ડર સામે જેન સ્ટ્રીટ અપીલ કરવાની તૈયારીમાં છે, જેનની દલીલ છે કે અમે કરેલા સોદા એ નિયમિત માર્કેટ પ્રવૃત્તિ છે, અમે કશું જ કંઈ ગેરકાનૂની કર્યું નથી.)

આ કેસનો અહીં ઉલ્લેખ કરવાનો ઉદ્દેશ એ જ છે કે રોકાણકારો કઈ કઈ રીતે માર્કેટમાં ગેરમાર્ગે દોરાય છે અને નાણાં ગુમાવે છે તેમ જ માર્કેટ પણ કઈ રીતે તેનો ભોગ બને છે.

‘સેબી’ એ પણ આવી ઘણી બાબત પર ધ્યાન આપવા સાથે સમયસર અને સમય પહેલાં પણ એકશન લેવાની જરૂર છે. યાદ રહે, ઓપ્શન્સ-ફયુચર્સના સોદા નાના, બિનઅનુભવી અને અજ્ઞાન રોકાણકાર વર્ગ માટે ભયંકર જોખમી છે, જેની ચેતવણી ખુદ સ્ટોક એકસચેંજીસ અને નિયમનકાર ‘સેબી’ પણ અવારનવાર આપતા રહ્યા છે. ‘સેબી’ એ તો વારંવાર કહ્યુું છે કે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં દર દસ ખેલાડીમાંથી નવ જણાં ખોટ કરે છે.

જોકે નવાઈની વાત એ છે કે તેમ છતાં આ સેગમેન્ટ ધુમ ચાલે છે અને : ‘સેબી’ તેને ચાલવા પણ દે છે. પરિણામે મોટે પાયે ઝડપથી નાણાં કમાઈ લેવાની લાલસામાં અનેક રોકાણકારો આનો ભોગ બની રહ્યા છે, જે માટે એ રોકાણકારો- ખેલાડીઓ પણ ખુદ જવાબદાર તો ગણાય.

આ સમસ્યાના ઉપાય શું હોઈ શકે?

‘કોટક મ્યુચ્યુઅલ ફંડ’ ના મેનેજિંગ ડિરેકટર-સીઈઓ નીલેશ શાહે આ વિષયમાં આપેલી મહત્ત્વની ચેતવણી ખાસ સમજવા જેવી છે. એમના મતે નિયમનકારી અંતરને કારણે ભારતીય મૂડીબજાર હાઇ ફ્રિક્વન્સી ટ્રેડર્સના મેનીપ્યુલેશનનો ભોગ બને છે. ભારતની સરખામણી ચીન સાથે કરતા, એમણે મજબૂત અમલીકરણથી લઈને નાણાકીય સાક્ષરતા સુધીના પાંચ મહત્ત્વના સુધારા સૂચવ્યા છે, જે ‘જેન સ્ટ્રીટ’ જેવાં સંભવિત જોખમોનો સામનો કરવા અને રિટેલ રોકાણકારોને અનિયંત્રિત સટ્ટા અને પ્રણાલીગત મેનીપ્યુલેશનથી બચાવી શકે.

નીલેશ શાહે ભારતીય અને ચીની બજારો વચ્ચે એક તીવ્ર વિરોધાભાસ અને ત્રણ માળખાકીય અવરોધ દર્શાવ્યા છે, જે એમના મતે ચીનમાં આવા મેનીપ્યુલેશનની પ્રવૃત્તિને લગભગ અશક્ય બનાવે છે.

‘પ્રથમ, ચીની બજારોના દરવાજા મોટાભાગે વિદેશી સટોડિયાઓ માટે બંધ છે અને-અથવા તેમનો ઍક્સેસ મર્યાદિત કરે છે, બીજું, ચીની નિયમનકારો પાસે પ્રચંડ સત્તા છે, જે પ્રતિબંધ અને અનુપાલનના અમલ માટે સામ, દામ, દંડ, ભેદ જેવી યુક્તિઓનો ઉપયોગ કરે છે.’

નીલેશ શાહના મતે નિયમનકારી સત્તા બજારની જટિલતા સાથે મેળ ખાતી હોવી જોઈએ. એ દલીલ કરે છે કે ‘જેન સ્ટ્રીટ’ સામે ‘સેબી’ની તાજેતરની કાર્યવાહી તેની દેખરેખ અને
ફોરેન્સિક ક્ષમતા દર્શાવે છે, પરંતુ ભારતના બજારમાં આવાં અમલીકરણને ખરેખર અસરકારક બનાવવા માટે ઘણું વધુ કરવાની જરૂર છે. એમણે 1992ના સિક્યોરિટીઝ સ્કેમમાંથી વણઉકેલાયેલા કેસો તરફ ધ્યાન દોર્યું છે અને યુ.એસ. કાનૂની પ્રણાલી સાથે સરખામણી કરી છે, જ્યાં રોકાણકારોના નુકસાનને વસૂલવા માટે અસરકારક સિસ્ટમ અસ્તિત્વમાં છે, જે આપણે ત્યાં નથી.

ભારતને હેરાફેરીની રમતનું
બજાર ન બનવા દો…

નીલેશ શાહે ભારતીય ‘એફ એન્ડ ઓ’ બજારને ગામડાના ડેરિવેટિવ્ઝ બજાર સાથે સરખાવ્યા છે, જ્યાં એક શક્તિશાળી વેપારી વારંવાર એક જ પ્રકારે ભાવ ખેંચવાના ચક્રનો દર વખતે ઉપયોગ કરે છે, જે તાજેતરના કિસ્સામાં થયેલા કથિત વર્તન-વલણની સમાનતા દર્શાવે છે. એમણે ચેતવણી આપી છે કે ભારતના સંસ્થાકીય રોકાણકારો, વોલ્યુમ-વેઇટેડ એવરેજ પ્રાઇસ જેવી ટ્રેડિંગ વ્યૂહરચના અપનાવીને આવી એન્ટિટીઝ સામે વિરોધી બળ તરીકે કામ કરી શકે, પણ એમનામાં આવું કરવા માટેની આક્રમકતા અને ચપળતાનો અભાવ જણાય છે.

નીલેશ શાહના અભિપ્રાય મુજબ અદ્યતન ડેટા એનાલિટિક્સ, હાઇ-સ્પીડ કનેક્ટિવિટી અને લીવરેજની ઍક્સેસથી સજ્જ એક નવી સંસ્થાકીય પદ્ધતિની જરૂર છે. ‘જેન સ્ટ્રીટ’ જેવા સંભવિત પ્રયાસોને રોકવા શાહે જે સુધારા સૂચવ્યાં છે એ બજારની અખંડિતતા પુન:સ્થાપિત કરવા, રિટેલ રોકાણકારોનું રક્ષણ કરવા અને ભારત ‘હેરાફેરી કરનારા ટ્રેડર્સ માટે રમતનું મેદાન’ ન બને તેની ખાતરી કરવા માટે આવશ્યક છે…

આપણ વાંચો : ઈકો-સ્પેશિયલ: ‘ઈન્ડિયા ફર્સ્ટ’ એમાં ખોટું શું છે ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button