ઉત્સવ

ઈકો-સ્પેશિયલ : સોનાનું વર્તમાન અર્થકારણ: ઊંચા ભાવ-ખરીદી-રોકાણ ને વળતરનાં કારણ

-જયેશ ચિતલિયા

હાલમાં સોનાના ભાવ જે રીતે અને જે કારણે વધ્યા છે ત્યારે આ ભાવે પણ સોનું ખરીદાય? તેમાં રોકાણ થાય? એના જવાબ જાણી લેવા સારા

શેરબજારની અતિતેજી વખતે કે અતિમંદી સમયે પ્રવર્તમાન ભાવે શેરો ખરીદાય? એવા સવાલ તો સતત પુછાતા હોય છે, પરંતુ હાલ વર્તમાન ભાવે સોનું ખરીદાય? એવું પુછાઈ રહ્યું છે. શેર કરતાં સોના માટે પૂછનારો વર્ગ મોટો છે કેમ કે આપણા દેશમાં સોનું ખરીદનારા-સંગ્રહ કરનારાઓની સંખ્યા ખાસ્સી મોટી છે. ગરીબમાં ગરીબ માણસ પણ એની અનુકૂળતા મુજબ સોનું તો ખરીદે જ છે. અડધી રાતે પણ સોનું કામ આવે એવું આજે પણ પ્રચલિત છે. હાલ સોનાના દસ ગ્રામના ભાવ એક લાખને સ્પર્શીને આવ્યા છે. અલબત્ત, આ પછી પણ હજી ભાવ તો ઊંચા જ છે. સોનાના ભાવ આટલા ઊંચા શા માટે ગયા તેનાં અનેકવિધ કારણો છે વિશ્વમાં શસ્ત્ર અને આર્થિક યુદ્ધનો તનાવ, અનિશ્ર્ચિતતા અને તેમાં ટ્રમ્પ સાહેબના આગમન બાદ ઉમેરાયેલું ટ્રેડ ટેરિફ યુદ્ધ. આ બધા વચ્ચે આપણો દેશ સોનાનો બહુ મોટો પ્રેમી છે, સંગ્રહખોર અને બાયર પણ છે. ભારતમાં સંભવત્ ઘર-ઘર તિરંગા હોય કે ન હોય, ઘર-ઘર સોનું મોટે ભાગે હોય છે. હાલ ઊંચા ગયેલા ભાવની પાછળ જગતમાં ફેલાતી જતી આર્થિક અનિશ્ર્ચિતતા અને તનાવનો માહોલ સામેલ છે. આવા માહોલમાં વ્યક્તિઓ-પરિવારો તો ઠીક, વિવિધ દેશોની સેન્ટ્રલ બૅન્કો પણ સોનું જમા કરવામાં લાગી જાય છે. હાલ અમેરિકાની તિજોરીમાં સોનાની સૌથી વધુ રિઝર્વ છે, ભારત પાસે પણ સારી એવી રિઝર્વ છે જ્યારે ચીન સતત સોનાની રિઝર્વ વધારતું જાય છે.

શેરબજાર સામે સોનાની બજાર જ્યારે પણ શેરબજાર તૂટે અથવા બજારમાં મંદી ચાલે ત્યારે લોકો સોના તરફ વળી જાય છે. 2024માં તો સોનાએ શેરબજાર કરતાં વધુ વળતર આપ્યું હોવાનું નોંધાયું છે, કારણ કે છેલ્લા છ મહિનામાં શેરબજારની જે દશા બેઠી તેમાં ઈક્વિટી માર્કેટનું વળતર એવું ધોવાઈ ગયું કે સોનાના ભાવ આપોઆપ ઊંચે જવા લાગ્યા અને તેનું વાર્ષિક વળતર શેર કરતાં વધી ગયું.

છેલ્લાં ત્રણ વરસમાં સોના અને સેન્સેકસના વળતરને જોવામાં આવે તો સેન્સેકસે સરેરાશ વાર્ષિક વળતર 11.5 ટકા આપ્યું અને સોનાએ 17 ટકા વળતર આપ્યું છે. જોકે લાંબા ગાળામાં સોનાનું વળતર એકંદરે નીચું રહ્યું છે એ નોંધવું પણ જરૂરી છે.

બાય ધ વે, હાલના ભાવે ઈન્વેસ્ટમેન્ટ માટે સોનું આકર્ષક ગણાય કે નહીં એ સવાલ અદ્ધર છે. આ મામલે પણ વિવિધ મત પ્રવર્તે છે. પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો ફાઈનાન્સિયલ પ્લાનર્સની દૃષ્ટિએ તો રોકાણના પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો દસથી પંદર ટકા જ હોવો જોઈએ, એનાથી વધુ નહીં. હાલનો સમય એસેટ એલોકેશનનું મહત્ત્વ સમજાવે છે, કારણ કે શેરબજારમાં જ્યારે અચાનક મંદી અને કડાકા આવી પડે ત્યારે ઈકિવટી શેર્સ સમાન એક જ એસેટમાં મહત્તમ રોકાણ ધરાવતો વર્ગ ખોટના ખાડામાં ઊતરવા લાગે છે અને તેના પ્લાનિંગ વિખરાઈ જાય છે. આવા સમયમાં સોના જેવી અન્ય એસેટ તેને રક્ષણ આપી શકે છે. આમ પણ વૈવિધ્યસભર પોર્ટફોલિયો દરેક રોકાણકાર માટે જરૂરી હોય છે.

આ પણ વાંચો…વલો કચ્છ: જયુબિલી હૉસ્પિટલ: જૂની ઇમારત સાથે નવી સ્મૃતિઓ ઊભી થાય તે જરૂરી

સંજોગો ને ફંડામેન્ટલ્સ
અર્થશાસ્ત્રીઓના મતે ગોલ્ડની તેજી ઈન્ફલેશન (મોંઘવારી) ને કારણે પણ છે તેમ જ શેરબજારની વોલેટિલિટી તેમાં વધુ જોર પૂરે છે. કરન્સીની વધઘટને ધ્યાનમાં રાખીને પણ સોનાનું આકર્ષણ વધે છે. યુએસ સરકાર વર્તમાન આર્થિક સંજોગોને ધ્યાનમાં રાખીને પણ સોનાની ખરીદી વધારી રહી છે. આમ તમામ સંજોગો હાલ સોનાની તરફેણમાં હોવાનું જણાય છે. જોકે સમય-સંજોગની, ડિમાંડ-સપ્લાયની તેજી એક વાત હોય અને ફંડામેન્ટલ્સની તેજી બીજી વાત હોઈ શકે છે. આપણા દેશમાં સોનાના ઝવેરાતની માગ આખું વરસ રહ્યા કરે છે, જેમાં ભારતીય સામાજિક-ધાર્મિક અને સાંસ્કૃતિક માળખું પણ ભૂમિકા ભજવે છે. જેને લીધે ગોલ્ડમાં રિટેલ માગ ચાલતી રહે છે અને તહેવારો-પ્રસંગોમાં વધતી પણ રહે છે. આવા સોનાની માગ ચાલુ રહેવાની શકયતા ઊંચી છે, પણ ભાવ કયાં સુધી ઊંચાના ઊંચા જ રહેશે એનો જવાબ આગામી સમય અને વૈશ્વિક સંજોગો જ આપી શકશે.

દક્ષિણની અભિનેત્રીના કમરપટ્ટામાં 13 કરોડનું સોનું!

તાજેતરમાં સાઉથ ફિલ્મ ઉધોગની એક જાણીતી એકટ્રેસ રાણ્યા રાવ દુબઈથી પરત થઈ ત્યારે બેંગ્લુરુ ઍરપૉર્ટ પર ગેરકાયદે આશરે 13 કરોડ રૂપિયાની 14 કિલો સોનાની લગડી સાથે એની ધરપકડ થઈ હતી.

આ તો એક કેસ છે, બાકી રોજના હજારો કેસ સોનાની દાણચોરીના બહાર આવ્યા કરે છે. પોલીસના ચોપડે નહીં ચડતા કિસ્સા જુદા. સોનાની સપ્લાય સામે ડિમાંડ વધે અને સાથે-સાથે ભાવ વધે એટલે દાણચોરી ઉર્ફે સ્મગલિંગ વધે એ સહજ ઘટના છે. આજે પણ આ દાણચોરીનો વેપાર બહુ મોટો ગણાય છે. સરકાર પણ આ મામલે કંઈ ઝાઝું કરી શકતી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button