ઈકો-સ્પેશિયલ: વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સબકથી લઈને સફળતા સુધીનું વરસ…

- જયેશ ચિતલિયા
આ વિતેલા વરસમાં આર્થિક જગતમાં શું બન્યું ? ચાલો, તેની ઝલક મેળવીને એમાંથી શું તારવવું એ પણ જાણી લઈએ.
વાતની શરૂઆતમાં તો આપણે ટ્રમ્પસાહેબને જ યાદ કરવા પડશે. ટૅરિફ દ્વારા વેપારીજગતને – વીઝા દ્વારા આઈટી ફિલ્ડના નોકરિયાતોને અને વિદ્યાર્થી જગતમાં એમણે કાળો કેર વર્તાવી દીધો.
આયાતકાર-નિકાસકાર વર્ગને નવું વિચારવા પર મજબુર કરી દીધા. તેમ છતાં ‘જો હોતા હૈ અચ્છે કે લિયે હોતા હૈ’ એવો પોઝિટિવ અભિગમ રાખીએ.
હવે ટ્રમ્પે લીધેલા ટેરિફિક પગલાંની ઊંધી ચત્તી અસરોની વાત કરીએ. ચીન, રશિયા, જપાન અને બ્રિટન સહિત અન્ય દેશો સાથેની. ભારતની મિત્રતા વધી. ભારત માટે નવાં બજારો ખુલ્યાં, જેના લાભ ભારતને લાંબે ગાળે ચોકકસ થશે. યુવા ટેલેન્ટ-વિદ્યાર્થી જગત માટે પોતાના દેશમાં જ નવી તકો ઊભી થશે યા કરવી જ પડશે. આમાં ખરા અર્થમાં આત્મનિર્ભર થવું પડશે. વિદેશી કંપનીઓને ભારતમાં આઉટસોર્સ વધારવાની ફરજ પડશે. હાલના સતત અનિશ્રિત સંજોગોમાં પણ ભારતે તેની ઈકોનોમીને વિકાસની દિશામાં આગળ લઈ જવા વધુ જહેમત કરવી પડશે,. ભારતે નવેસરથી સ્વદેશી બનવા તરફ વધુ જોર કરવું પડશે. એના માટે અર્થતંત્રને સતત વધુ સક્ષમ બનાવવા આર્થિક સુધારા( ઈકોનોમિક રિફોર્મ્સ)ને જોર આપવાનું થશે.
આ તમામની અસર જોઈએ-સમજીએ તો દૂર-દૂર વિકસિત ભારતની-આત્મનિર્ભર હિંદુસ્તાનની ઝલક દેખાઇ શકે. વિશ્વના ટોચના અર્થતંત્રોમાં ભારતનું પ્રથમ ત્રણમાં સ્થાન જોઈ શકાશે. નરસિંહરાવ અને ડૉ. મનમોહન સિંહના સમયકાળમાં જે આર્થિક સુધારા થયા તેને એક દાયકાથી મોદી સરકાર આગળ વધારી રહી છે, જેથી કુલ યશ આ ત્રિપુટીને આપવો રહ્યો. અલબત્ત, મોદી સરકારના કાળમાં ઈકોનોમીક રિફોર્મ્સની ગતિવિધિ વધુ પ્રભાવશાળી રહી. આ સમય દરમિયાન વૈશ્વિક પડકારોનો સામનો કરતાં-કરતાં મહત્ત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. ભારત ખરાં અર્થમાં પડકારોને તકમાં ફેરવી નાખતું નજરે પડે છે. GSTના બીજા તબકકાના ક્રાંતિકારી સુધારાએ ઈકોનોમી અને ક્ધઝમ્પશન સેગમેન્ટને નવી દિશા આપીને વેપાર-ઉદ્યોગને નવું બળ આપ્યું છે. આ સાથે દેશના મધ્યમ વર્ગ અને નિઓ મિડલ કલાસને પણ રાહત મળે એવાં પગલાં ભરાયાં છે, જેમ કે બજેટમાં સરકારે આવકવેરામાં રાહત આપી હતી. આમ સરકાર સતત સુધારા સાથે વિકાસ તરફ દેશ આગળ વધે એ લક્ષ્ય પર કામ કરતી રહી છે.
જોકે, બીજી તરફ દેશના ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ની સફળતા હાલ હજી અધુરી ગણાય. આ વિષયમાં સાવચેતી રાખવી પણ જરૂરી છે, કારણ કે લેભાગુઓ પણ તક જોઈને બેઠાં જ હોય છે. અહી ઈશારો IPO તરફ છે, શેરબજારમાં સટ્ટાકીય માનસિકતાનો ફેલાવો તંદુરસ્ત ગણાય નહીં. દરમિયાન, સરકારે રિઅલ એસ્ટેટ સેકટરમાં રોકાણ માટેનો માર્ગ પણ રિટેલ રોકાણકારો માટે સરળ બનાવ્યોં છે. સોના-ચાદીમાં હાલ ચાલી રહેલી વિક્રમી તેજી ગ્લોબલ અનિશ્ર્ચિતતાના સંકેત સમાન ગણાય. અહીં ફુગ્ગો ફુલી રહયો હોવાથી ચોકકસ અંશે સાવચેતી આવશ્યક છે.
આમ વિતેલા વરસમાં આપણે સંઘર્ષ સાથે સફળતા પણ જોઈ, પડકાર સાથે તક પણ જોઈ. આપણે વૈશ્વિક બનવા શું જરૂરી છે તેના સબક પણ પ્રાપ્ત કર્યા છે.
નિરાશાજનક અનેક બાબત પર પણ ધ્યાન જરૂરી
આ બધી ઉજળી વાતો વચ્ચે દેશમાં હજી અનેક નબળી બાબત પણ પ્રવર્તી રહી છે. દેશમાં હજી માળખાકીય સુધારા મામલે ઘણું કામ બાકી છે. કયાંક તો આ સુવિધાઓ એટલી કંગાળ છે કે શું આ જ વિકાસ છે એવો સવાલ થવા લાગે. દેશમાં 75 વરસ બાદ પણ સાદા રસ્તાઓથી લઈ હાઈ-વે સુધી ભયંકર શરમજનક સ્થિતિ જોવા મળે છે. શહેરોની ભયાનક ગીચતા સાથે ઉદ્ભવતી આરોગ્યની સમસ્યાઓ બહુ જ ગંભીર છે, પણ તેના ઉપાય પર ખાસ કંઈ ધ્યાન અપાતું નથી. કહેવાતા મહાનગરોની મહા સમસ્યા ભાવિ પેઢીને કેવા દિવસો બતાવશે એ કલ્પના ભયભીત કરે એવી છે. સર્વાગી કાયદાકીય માળખું હજી કરુણ અવસ્થામાં છે. રોજગારીના મામલે જે દુર્દશા હજી છે તે પણ નિરાશાજનક ગણાય. ધર્મ – ભાષા કે પ્રાંતના નામે હજી ચાલી રહેલા વિવાદ દેશ માટે ગંભીર ચિંતાનો વિષય ગણવો પડે. માત્ર આર્થિક વિકાસ કે શેરબજારની તેજી, જીડીપીનો ઊંચો વૃદ્ધિદર, ફુગાવાનો નીચો દર, વધતો મૂડીવાદ, સંપત્તિવાનોની મોટી થતી યાદી એ જ માત્ર વિકાસ નથી. સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ, અસમાનતાનો ઘટાડો. નીચલામાં નીચલા વર્ગ સુધી પહોંચતા લાભ, ગ્રામ્ય અને કૃષિ વિકાસ સાથે-સાથે પ્રજાનો માનસિક વિકાસ પણ આવશ્યક છે.
બાય ધ વે, હાલ તો નવા વરસની શુભેચ્છા વ્યકત કરીએ અને દેશના વિકાસમાં પ્રજા તરીકે આપણે પણ કંઈક બહેતર પ્રદાન કરીએ…..
આપણ વાંચો: મિજાજ મસ્તી : આજની દિવાળી… ત્યારની દિવાળી: થોડી ખરબચડી… થોડી સુંવાળી!