ઝબાન સંભાલ કે: રળે રામપર ને ખાય ખોડુ

- હેન્રી શાસ્ત્રી
ઈતિહાસનો વિશિષ્ટ સંદર્ભ ધરાવતી આ કહેવત સમજવા ગુજરાત રાજ્યની થોડી ભૂગોળ સમજવી જરૂરી છે. આમ પણ શાળામાં ઈતિહાસ – ભૂગોળના પિરિયડ અલગ અલગ રહેતા પણ પરીક્ષા તો સાથે જ આપવી પડતી એ બધાને યાદ હશે. આમ પણ ઈતિહાસ – ભૂગોળ એકબીજા સાથે સંકળાયેલા છે. ભૂગોળ ઐતિહાસિક ઘટનાઓ માટે સ્થાનિક સંદર્ભ પૂરો પાડે છે, જ્યારે ઇતિહાસ ભૌગોલિક વિસ્તારનો ભૌતિક વિકાસ દર્શાવે છે. હવે રળે રામપર ને ખાય ખોડુ કહેવત પર આવીએ. હાલ રામપર અને ખોડુ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં છે. અગાઉ વઢવાણ રજવાડું હતું અને એના શાસકો રાજપૂત કુળના હતા. અગાઉ વર્ધમાનપુરી તરીકે જાણીતું હતું. આ નામ જૈન તીર્થંકર, ભગવાન વર્ધમાન પરથી ઊતરી આવ્યું હતું. આ બંનેમાંથી રામપર આર્થિક રીતે સમૃદ્ધ અને સાધનસંપન્ન ગામ હતું જ્યારે ખોડુ ગામના લોકો આર્થિક ગરીબી ભોગવતા હતા.
બીજી એક નોંધવાની વાત એ પણ છે કે રાજાશાહી દરમિયાન લશ્કરનો વસવાટ ખોડુ ગામમાં કરવામાં આવતો હતો. સ્વાભાવિક છે કે એની જાળવણી માટેનો ખર્ચ નિર્ધન ગામ ખોડુ કરી શકે એમ નહોતું. એટલે એ આર્થિક બોજો રામપર ગામે વેંઢારવો પડતો હતો. એકંદરે બનતું એવું કે રામપર ગામની ઊપજ અને આવકની અમુક માત્રા ખોડુ માટે ખર્ચાઈ જતી હતી. રળવું એટલે કમાણી કરવી અને રળે રામપર ને ખાય ખોડુ કહેવતમાં રામપરની આવકનો લાભ ખોડુ ગામને થતો એ દર્શાવવામાં આવ્યું છે. કોઈની કમાણી કોઈ ખાય કે વાપરે એવી પરિસ્થિતિમાં પ્રસ્તુત કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, ત્રણેક વર્ષ પહેલાં ખોડુ ગામે કૃષિ ક્રાંતિ કરી રળે રામપર ને ખાય ખોડુ કહેવત ખોટી સાબિત કરી હતી એ આનંદ આપનારી વાત છે.
આવો જ ભાવાર્થ ધરાવતી અનિલ જોશીની એક કવિતાની પંક્તિ છે કે પુલ ઉપર તકતીમાં નામ કોઈ બીજાનું, હું તો છુંદણા નામ લખી બેઠી, કામ કરે કોઠી ને જશ ખાય જેઠી. એવો જ ભાવાર્થ ધરાવતી અન્ય ગુજરાતી કહેવત છે ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ. ઉંદર મહેનત કરી દર તૈયાર કરે પણ એમાં રહેવા જતો રહે ભોરિંગ એટલે કે સાપ. ટૂંકમાં કામ કોઈ કરે અને ફળ બીજા કોઈને મળે. આવા જ ભાવાર્થની અન્ય કહેવતો છે કીડી સીંચે અને તેતર ખાય અને પોપટી પ્રસવે સૂત ને હુલાવે હોલી. અહીં પારકી આશ સદા નિરાશ કહેવત ખોટી પડતી હોય એવું નથી લાગતું?
આ પણ વાંચો…ઝબાન સંભાલ કેઃ ઘરની ધોરાજી હાંકવી
A to Z
‘મુંબઈ સમાચાર’ના વાચકોનો અખબાર પ્રત્યેનો તેમજ માતૃભાષા માટે લગાવ જાણીતો છે. એટલે જ અખબારના તંત્રી દ્વારા આયોજિત પુસ્તકમેળો તેમજ ગુજરાતી ભાષા સંબંધિત કાર્યક્રમોમાં ઉમળકાભેર હાજરી આપી એને માણતા જોવા મળે છે. આવા જ એક ઉત્સાહી વાચકે અંગ્રેજી ભાષા સંબંધિત સરસ માહિતી મોકલી છે જે અન્ય વાચકમિત્રો માટે પ્રસ્તુત છે. આ રજૂઆતમાં અંગ્રેજી આલ્ફાબેટ એ ટુ ઝેડ સુધીના દરેક અક્ષરને ક્રમવાર સાંકળી અર્થપૂર્ણ વાક્યો બનાવ્યા છે. એ વાંચવામાં તો મજેદાર લાગે જ છે, પણ એમાં રહેલી ભાવના પણ હૃદયને સ્પર્શી જાય છે. Always Be Cool. કાયમ શાંતિપૂર્ણ સ્વભાવ રાખો. Don’t have Ego with Friends and Family. મિત્રો અને પરિવાર સાથેના સંબંધમાં અભિમાન આડે આવવા ન દેવું. Give up Hurting Individuals. અંગત કે અન્ય કોઈ વ્યક્તિને ઠેસ પહોંચાડવાનું છોડી દ્યો. Just Keep Loving Mankind. માનવજાત સાથે સ્નેહના સંબંધ રાખો. Never Omit Prayers. પ્રાર્થના કરવાનું ક્યારેય ભૂલશો નહીં. Quietly Remember God. શાંતિથી ભગવાનનું સ્મરણ કરો. Speak Truth. સત્ય વાણી બોલો. Use Valid Words. ઉચિત શબ્દોનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો. Xpress Your Zeal. ઉત્સાહ અને ઉમંગ વ્યક્ત કરો.
અંગ્રેજી ભાષાની લિજ્જત દર્શાવતું સોશિયલ મીડિયા પર વાયરલ થયેલું એક ઉદાહરણ પણ જાણીએ અને મોજ લઈએ. આ રજૂઆત કમ્પ્યુટર અને એનું ઉત્પાદન કરતી એક અમેરિકન કંપની સંબંધિત છે. The oldest Computer was owned by Adam and Eve. It was an Apple with very limited memory. Just 1 byte and everything crashed. અહીં પૃથ્વી પરના માનવામાં આવતા પહેલા બે માનવ સ્ત્રી અને પુરુષ આદમ અને ઈવની વાત કરવામાં આવી છે. એમની પાસે સફરજન હોય છે જે ખાવા પર પ્રતિબંધ હોય છે. એનું એક બટકું ભરવાથી માનવજાતને પાપ – પુણ્યનો કે સારા – નરસાનો ખ્યાલ આવે છે અને પૃથ્વી પરના જીવનમાં સુખ – દુઃખની શરૂઆત થાય છે. અહીં એપલ શબ્દ પર રમત કરી અમેરિકન કંપનીના કમ્પ્યુટર તરફ ઈશારો કરવામાં આવ્યો છે અને જેને ફળનું બટકું ભરવા સાથે પણ સંબંધ છે અને કમ્પ્યુટરની મેમરી સાથે પણ નિસ્બત છે એ બાઈટ (Bite – Byte) શબ્દ સાથે રમત કરવામાં આવી છે.
સફરજનનું એક બટકું ભરવાથી જીવન સદંતર બદલાઈ ગયું એમ મેમરી બહુ ઓછી હોવાથી દુનિયાનું પહેલું કમ્પ્યુટર ક્રેશ થઈ ગયું એવી રજૂઆત કરવામાં આવી છે. આવી જ એક શબ્દ રમત AGRI – AGREE સંબંધે કરવામાં આવી છે. Every Husband is a Farmer by default. His survival solely depends on ‘agrre’culture and ‘agrre’culture increases GDP (Gross Domestic Peace). દરેક પતિમાં એક ખેડૂતનો વાસ હોય છે. એ કેટલું ટકશે એનો આધાર એગ્રીકલ્ચર પર આધારિત છે. અલબત્ત અહીં Agriculture – ખેતીવાડીને બદલે Agreeculture – કાયમ (પત્ની સાથે) સહમત થવું એની વાત કરવામાં આવી છે. આમ કરવાથી GDP: Gross Domestic Peace – ઘરમાં શાંતિ જળવાઈ રહેશે એની તરફ ઈશારો કરવામાં આવ્યો છે. અલબત્ત આ બધું હળવાશમાં લેવાનું, તલવાર તાણીને ઊભા નહીં થઈ જવાનું.
हौंक दिया जाएगा
ઉત્તર પ્રદેશનું કાનપુર શહેર ‘મેન્ચેસ્ટર ઓફ ઈસ્ટ’ તરીકે પ્રખ્યાત છે. અહીં કેમિકલ, ટેક્સટાઈલ અને લેધર ઈન્ડસ્ટ્રીનો ખાસ્સો વિકાસ થયો છે. કાનપુર એના ટિપિકલ ભાષા પ્રયોગ માટે પણ જાણીતું છે. 30મી મેના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાનપુર ગયા હતા ત્યારે એક જાહેર સભામાં કહ્યું હતું કે अगर मैं सीधे-सीधे कानपुरिया में कहूं तो दुश्मन कहीं भी हो, हौंक दिया जाएगा. ભાષણ તો લોકો ભૂલી ગયા, પણ હૌંક દિયા જાએગા પ્રયોગ વાયરલ થઈ ગયો. એ સાથે કાનપુર સાથે જોડાયેલા વિશિષ્ટ શબ્દ પ્રયોગોનો ઉલ્લેખ થવા લાગ્યો. हौंक देंगे… इस शब्द का इस्तेमाल मारने, वार करने के लिए किया जाता है. पीएम मोदी ने कहा दुश्मन कहीं भी हो हौंक दिया जाएगा. मतलब दुश्मन कहीं भी हो, वार किया जाएगा.
હૌંક દેંગે મતલબ આક્રમણ કરવું, હુમલો કરવો. પીએમના કહેવાનો અર્થ એ હતો કે દુશ્મન ક્યાંય પણ હશે, એને ખતમ કરી દેવામાં આવશે. કાનપુરની ભાષામાં એક રુઆબ છે, એક પ્રકારનો નિર્ભય છે અને એટલે એ સીધી હૃદય સોંસરવી ઉતરી જાય છે.ज्यादा बकैती न करो… ज्यादा मत बोलो – आम तौर पर बातचीत में जब कोई किसी बात को बहुत बढ़ा-चढ़ा कर बोलता है तो उसे कानपुर स्टाइल में कहते है- ज्यादा बकैती न करो. કેટલાક લોકોને વાતમાં મીઠું મરચું ભભરાવી બઢાવી – ચઢાવી બોલવાની આદત હોય છે. આવા લોકોને જ્યાદા બકૈતી ન કરો એવું રોકડું પરખાવી દેવામાં આવે છે. ગુજરાતીમાં આપણે નથી કહેતા કે ‘બેસ બેસ હવે, બહુ શેખી કરવી રહેવા દે.’ એવી જ વાત છે.
पुणेरी भाषा
પુણે મહારાષ્ટ્રનું મહત્ત્વનું શહેર છે અને અનેક લાક્ષણિકતા ધરાવે છે. આ શહેરમાં બોલાતી ભાષા પણ વૈશિષ્ટ્યપૂર્ણ છે. मी काय पौडावरून आलो का? એ પ્રયોગ બહુ જાણીતો છે. पौड हे पुण्याजवळच गाव आहे. फक्त कोणी वेड्यात काढत असेल तर त्याला ‘मी काय दुधखुळा वाटलो का’ याऐवजी पुणेकर ‘मी काय पौडावरून आलो का’ असा प्रश्न विचारतात आणि आपणही कमी नसल्याचे दाखवून देतात. પૌડા પુણે નજીક આવેલું ગામ છે. જોકે, સામી વ્યક્તિ આપણને મૂરખમાં ખપાવવાની કોશિશ કરતી હોય ત્યારે શું મને દૂધ પીતું બચ્ચું સમજો છો એવું મોટેભાગે મરાઠીમાં કહેવાતું હોય છે. જોકે, પુણેવાસી ‘શું હું પૌડા ગામથી આવ્યો છું એવું તને લાગે છે?’ એવો સવાલ કરી પોતે સ્માર્ટ છે એ સુણાવી દેતા હોય છે.
મુંબઈની વ્યક્તિ પણ જો કોઈ ભોળવવાના કે ઉલ્લુ બનાવવાના પ્રયત્નો કરે તો ‘શું હું અલીબાગથી આવ્યો છું એવું તને લાગે છે?’ એવો સવાલ કરતા હોય છે. આડકતરી રીતે પૌડા અને અલીબાગમાં જાણે કે મૂર્ખાઓ વસતા હોય એવું આભાસી ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે. भारीच किंवा लई भारी શબ્દપ્રયોગ વાંચી તમને રિતેશ દેશમુખની પહેલી મરાઠી ફિલ્મ યાદ આવી ગઈ હશે. જોકે, આ ફિલ્મ આવી એના અનેક વર્ષો પહેલા પુણેમાં લઈ ભરી શબ્દપ્રયોગ પ્રચલિત થયો હતો. કદાચ એના પરથી જ ફિલ્મના નામની પ્રેરણા મળી હશે. સાથે સાથે ભારીચ શબ્દ પણ વપરાય છે. બહુ જ સરસ કે સુંદર એવી દાદ આપવાની હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. મજાની વાત તો એ છે કે लय भारी या चित्रपटाचं कौतुक करताना लई भारी अस सांगण्यात आलं होतं। લય ભારી ફિલ્મની પ્રશંસા લઈ ભારી શબ્દોથી કરવામાં આવી હતી.