ડ્રીમ સિનેમાસ્કોપ પ્રકરણ – 27
‘આપણા ઘરમાં હિન્દુ વિધિથી શાદી’ અકબર પીઆર ખચકાયો. ‘જગ્યાને ખબર નથી હોતી શાદી કઇ ધાર્મિક વિધિથી થાય છે તે… શફીના બોલી.

સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ
અકબર પીઆર બેચેન હતો. અવ્વલ દરજ્જાના લોકપ્રિય ફિલ્મ કલાકારના ચોરીછૂપીથી લગ્ન ક્યાં કરવાની વાતે. એવી કઇ જગ્યા ક્યાં શોધવી, કે જ્યાં અભિના ચાહકો અને પત્રકારોની નજરથી બચી શકાય ને લગ્નનો વિધિ પાર પાડી શકાય. અકબર પીઆરની બીરબલી અક્કલ કામ કરતી બંધ થઇ ગઇ હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી એ રાતે સૂઇ શકતો નહીં. એની આ હાલત બીવી શફીના જોયા કરતી, પણ દખલ દેવાનું મુનાસિબ માનતી નહીં. એક રાતે અકબર પીઆરને થયું જ્યાં પતિનું દિમાગ ન ચાલે ત્યાં પત્નીનું ચાલે. એણે શફીનાને ઊંઘમાંથી ઉઠાડી, કદાચ એની પાસે કોઇ અકબરી ન્યાય હોય. ‘સાંભળ, અભિ શાદી કરવા માગે છે…દુનિયાની નજરથી છુપાઇને. શું કરવું સમજમાં નથી આવતું. તને કાંઇ સૂઝે છે.?’
અડધી રાતે ઊંઘમાંથી સફાળી જાગેલી શફીનાએ આંખો ચોળ્યા વિના રસ્તો શોધી આપ્યો.‘આપણાં ઘરમાં શાદી કરાવી દે.’ શફીનાએ પાણીનો ગ્લાસ મોંએ માંડતા કહ્યું. ‘આપણા ઘરમાં હિન્દુ વિધિથી શાદી’ અકબર પીઆર ખચકાયો. ‘જગ્યાને ખબર નથી હોતી શાદી કંઇ ધાર્મિક વિધિથી થાય છે તે. લે પાણી પીને આરામથી સૂઇ જા’ શફીનાએ પાણીનો ગ્લાસ ધર્યો. અકબર પીઆર પાણી પીને બોલ્યો: ‘આને કહેવાય અકબરી ન્યાય. હું તો મઝધારે અટક્યો હતો. મારી નાવ….મારી શફીનાએ રસ્તો કાઢી આપ્યો.’
બીજો દિવસે અકબર પીઆર અશોક ટંડનની ઓફિસે પહોંચ્યો. બચુભાઈએ એને બેસાડતા કહ્યું કે ‘અશોકભાઈ તો શૂટિંગમાં બિઝી છે. આજે નહીં આવે.’ ‘હું તમને મળવા આવ્યો છું….અશોકભાઈને નહીં.’ ‘બોલો, બોલો…મારું શું કામ પડ્યું.’ બચુભાઇએ કહ્યું. ‘હિન્દુ વિધિથી લગ્ન કરાવે એવો કોઇ મારાજ જોઇએ છે.’ અકબર પીઆરે કહ્યું. ‘રોલ એકાદ સીન પૂરતો જ છે કે લાંબો છે?’ બચુભાઈએ પૂછ્યું. ‘ના, ના….ફિલ્મ માટે નહીં…સાચા લગ્ન કરાવવા છે. એકદમ વિધિથી…અને વાત ખાનગી રાખે એવો ખાતરીવાળો મારાજ હોવો જોઇએ.’ ‘અકબરભાઈ, તમે બહુ મોટા ફિક્સર છો એની ખબર છે, પણ હવે લગ્ન પણ ફિક્સ કરાવવા માંડ્યા.?’ ‘હું પોતે ફિક્સમાં મુકાઇ ગયો છું, બચુબાઇ….આ કામ કરવું જ પડશે.’ ‘મારાજ મળશે, પણ મને કહો લગ્ન કોના કરાવવાના છે?’ બચુભાઈએ પૂછ્યું. ‘તમે કોઇનેય ન કહેવાના હો તો કહું.’ ‘કોઇને નહીં કહું….અશોકભાઈને પણ નહીં….આ ફિલ્મી જુબાન નથી કે ગમે ત્યાં લપસતી ફરે.’ ‘એક કલાકાર છે…..જેને તમે આ જ ઓફિસમાં એક રાત રાખ્યો હતો.’ ‘પેલો સ્ટ્રગલર…હવે તો એ મોટો કલાકાર થઇ ગયો છે એને ખાનગીમાં લગ્ન કરવાની શું જરૂર પડી.?’ ‘કારણ કે એ જેની સાથે લગ્ન કરવા માગે છે એ કોઇ મોટી કલાકાર નથી. એ જેની રૂમમાં રહેતો હતો એની સાથે એને’ અકબર પીઆર આખું વાક્ય બોલે તે પહેલાં જ બચુભાઈએ કહ્યું: ‘એની સાથે લફરું થયું, અચાનક એક રાતે પેલીનો વર આવ્યો ને એને મારીને કાઢી મૂક્યો.’ ‘હા, એ જ રાતે તમે એને અહીં રાખ્યો…..હવે એ આપણો હીરો એની સાથે જ સંસાર માંડવા માગે છે, પણ દુનિયાની નજરથી બચીને, બચુભાઈ.’ ‘પેલીનો વર ક્યાં છે?’ બચુભાઇએ પૂછ્યું. ‘એનું અકસ્માતમાં મોત થઇ ગયું છે.’ અકબર પીઆરે કહ્યું. ‘ઓય ત્તારીની….આ તો સોલીડ ફિલ્મી પ્લોટ છે.’ ‘બચુભાઈ, હીરોના અંગત જીવનમાંથી ફિલ્મની વાર્તા બનાવવાનું બંધ કરો ને મને મારાજ શોધી આપો.’ ‘થઇ જશે કામ તમારું…જાવ લહેર કરો. બાકી ભડનો દીકરો નીકળ્યો આપણો હીરો..’
ટેલિફોન બૂથ પર બપોરે મરિયા સીમાને બેસાડીને ઘરે જવાની તૈયારી કરવા લાગી. બપોર સુધી ભેગા થયેલા પૈસા બોક્સમાંથી કાઢીને પર્સમાં મૂક્યા….લાકડીને અનફોલ્ડ કરી.‘સીમા, અભિનય બડા સ્ટાર બન ગયા… કભી તેરે કુ યાદ કરતા હૈ કી નહી…?’ ‘તુમકો કૈસે પતા ચલા કિ વો બડા સ્ટાર બન ગયા હૈ.?’ ‘ઝેવિયેર બતાયા. વો ઉસકી ફિલ્મે દેખતા હૈ…મૈં મિલી હૈ ઉસકો…એક દિન ઉસકા અન્કલ કા ફોન આયા થા…. બોલા અબ પૈસે નહીં ભેજેગા…દોનો કા બાત સૂના મૈને.’ એ દિવસે અભિએ કેટલી સિફતથી મામાજીવાળી વાત ઉડાડી દીધી હતી. સીમા વિચારમાં ખોવાઇ ગઇ. ‘સ્ટાર બનને કે બાદ વો તુમકો કભી મિલા કી નહીં.?’ મરિયાએ પૂછ્યું. શું કહેવું સીમાને સમજાયું નહીં….એ ચૂપ રહી. ‘એસા હી હોતા હૈ….સ્ટાર બનને કે બાદ સબલોગ ભૂલ જાતા હૈ. તૂ મિલને ચલી જાતી.’ સીમા અસંમજસમાં મુકાઇ ગઇ હતી. કોઇપણ ઘડીએ જેની સાથે લગ્ન કરવાની હતી…એની જ વાત થઇ રહી હોવા છતાં…..ભેદી મૌન રાખીને બેઠી હતી. આ જ ઘડીએ કહી દઉં કે પછી લગ્નને આગલે દિવસે કે જતી વખતે કહું. શું કરું…શું કરું.? આવા વિચારમંથનની વચ્ચે મરિયાએ બીજો ધડાકો કર્યો. ‘મોતીબાબુ પૈસે કા હિસાબ દેને નહીં આતા….ક્યા હુઆ.?’ ‘મૈને ના કહે દી હૈ…. કહા જબ બુલાઉં તબ આના.’ સીમાએ કહ્યું. ‘મોતીબાબુ અચ્છા આદમી હૈ….ટેક્સી ચલાતા હૈ….કમાતા હૈ….શાદી ક્યું નહીં કર લેતી ઉનસે….કબતક એસે હી બૈઠી રહેગી.?’ ‘મૈં તુમકો ગૂડ ન્યૂઝ દેનેવાલી હું…બસ, એક દો દિન મેં.’ ક્યાં અભિ અને ક્યાં મોતીબાબુ. સીમાના ચહેરા પર ધારદાર વ્યંગાત્મક સ્મિત ઉપસી આવ્યું. કમનસીબે અંધ મરિયા એ જોઇ શકે એમ નહતી. ‘મોતીબાબુ હી હોગા…મૈં સબ જાનતી હૈ?’ એ જ વખતે ફોનની ઘંટડી વાગી. સીમાએ ફોન ઊંચક્યો. ‘હેલ્લો મરિયા.’ ‘મૈં સીમા હું.’ ‘મૈં મોતીબાબુ…..અચ્છા હુઆ તુમ મિલ ગઇ. તુમકો એક બાત બોલને કે લિયે મિલના હૈ…કબ આ જાઉં.?’
‘મિલેંગેં…..મિલેંગેં. બહુત જલ્દ હી મિલેંગેં..’ સીમાએ ફોન કાપી નાખ્યો. ‘કૌન થા?’ મરિયાએ પૂછ્યું. ‘મોતીબાબુ’ સીમા બોલી ને મરિયા લાકડીમાં લગાડેલી ઘંટડી ટ્રીંગ ટ્રીંગ કરતી બોલી: ‘ મેરે કાન મેં વેડિંગ કા શહનાઇ બજતા હૈ.’
જ્યોતિ સ્ટુડિયોના મેકઅપ રૂમમાં અભિ ડાયરેક્ટર અશોક ટંડન સાથે બેઠો હતો. લગ્ન પહેલાં એ જેટલું પતે એટલું શૂટિંગ પતાવવા માગતો હતો. ‘અભિ, આ રીતે મેં ક્યારેય ફિલ્મ બનાવી નથી. તારા દિમાગમાં ન જાણે કેવા કેવા તરંગો ઊઠે છે. હું જાણું છું કે ફિલ્મ બનાવવા માટે ગાંડપણ હોવું જોઇએ, પણ સાવ છેલ્લી કક્ષાનું પાગલપન…કોણ જોશે આ ફિલ્મ.?’ ‘જુઓ ભાઇ, પ્રેક્ષકો ગયા ભાડમાં..આપણે આપણા માટે ફિલ્મ બનાવીએ છીએ…લોકો માટે નહીં. આપણી ફિલ્મ ક્યાં સુધી પહોંચી.?’ ‘એડિટિંગ કરતો જાઉં છું…કચકડાની પટ્ટીના વેરવિખેર ટુકડાઓનું. ‘થોડા મહત્ત્વના સીન શૂટ કરવા છે. કાલે રાતદિવસ એક કરીને પૂરા કરી નાખીએ. પછી હું અવેઇલેબલ નથી. અભિએ કહ્યું. ‘ગામમાં તો છો ને કે બહારગામ જાય છે?’, ટંડને પૂછ્યું. ‘ગામમાં જ છું. શૂટિંગની બધી જ ડેટ્સ કેન્સલ કરું છું. આ ફિલ્મનું બાકીનું કામ પછી પૂરું કરીશું.’
બાંદરાના એક બિલ્ડિંગની બહાર એક ટેક્સી આવીને ઊભી રહી. એમાંથી એક બુરખાધારી મુસ્લિમ બાઇ ઊતરી. સિક્યોરિટીએ એને કોઇપણ જાતની પૂછપરછ વગર અંદર છોડી. એની દસ-પંદર મિનિટ પછી એક ટેક્સીમાંથી બુરખો પહેરેલી એક સ્ત્રી ઊતરીને સડસડાટ અંદર જતી રહી. થોડી જ વારમાં ફરી એક ટેક્સી બિલ્ડિંગની બહાર ઊભી રહી. એમાંથી એક ઠીંગણી બુરખાધારી છોકરી ઊતરી. સિક્યોરિટીએ એને અટકાવી. ‘કિધર જાના હૈ મેડમ.?’ છોકરીએ હાથના ઇશારે પોતે મૂંગી હોવાનું જણાવ્યું. ‘હાં…હાં…ફ્લેટ નંબર બતાઓ.’ છોકરીએ આંગળાથી નંબર ગણાવ્યો. ગ્યારહ… ઝીરો…. તીન…. ‘ગ્યારાસો તીન મેં જાના હૈ…જાઓ જાઓ..’ છોકરી ફટાફટ નીકળી ગઇ. એણે લિફ્ટમાં ઊંડો શ્વાસ લીધો. ફ્લેટને દરવાજે શફીના ઊભી જ હતી. ‘મારાજ કિતના ટાઇમ લગા દિયા આપને.’ ‘સિક્યોરિટી કે સામને મુજે ગૂંગે કી એક્ટિંગ કરની પડી. બોલતા તો પકડા જાતા’ મારાજે બુરખો હટાવ્યો. ‘ચલો…ચલો જલ્દી કરો…યે દોનો આ ગયે હૈ.’ મારાજ શફીનાની પાછળ અંદર ગયો. અંદર અભિને જોઇને દંગ રહી ગયો. એણે વારાફરતી અકબર, સીમા અને શફીના પર નજર ફેરવી. ‘હાં મારાજ ઇન દોનોં કી શાદી કરની હૈ.’ શફીનાએ અભિ અને સીમાને બતાવતા કહ્યું. ‘જલ્દી કરો. સબ સામાન લાયે હો ના?’ અકબર પીઆરે પૂછ્યું. ‘હાં હાં…સબ લાયા હું.’ મારાજના ચહેરા પર અભિ નામના મોટા સ્ટારના લગ્ન કરાવી રહ્યો હોવાનો ગર્વ છલકાતો હતો. ‘આપ જૈસે બડે સ્ટાર કી શાદી મૈં કરવાતા હું, યે મેરા સૌભાગ્ય હૈ.’ મારાજની નજર અભિ પરથી હટતી નહતી. ‘ઠીક હૈ….આપ સૌભાગ્ય પ્રાપ્ત કરના શૂરૂ કરો.’ અભિએ કહ્યું ને મારાજે પૂજાપાનો સામાન ગોઠવતા શ્ર્લોકોચ્ચાર શરૂ કર્યા. ‘મારાજ, આહિસ્તા….આવાઝ બહાર નહીં જાની ચાહિયે..’ શફીના બોલી. ‘કોઇ બાત નહીં…મૈં ધીમી આવાઝ મેં બોલતા હું…મેરા વન ટેક મેં શોટ ઓકે હો જાયેગા…આપ બાદ મેં ડબિંગ કરવા લેના.’
(ક્રમશ:)