ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૧૦
સીમા મને મળેલી એક તક છે….‘મારું આકર્ષણ છે….મારી થાકેલી રાતોનું સુકૂન છે…વિસામો છે. એ મને સાચવી લેશે…. બધી રીતે.’

સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ
સીમા અભિની પહોળી છાતી પર મોં રાખીને સૂતી હતી. એની સ્થિર આંખોમાં સુખ અને સંતૃપ્તિની ઝલક હતી, એક અનોખી ચમક હતી. એનું પંખીના પીછાં જેવું હળવુંફુલ મન કંઇ કેટલાય વિચારોમાં વિહરીને એના ચહેરા પર સ્મિત લાવી દેતું હતું ને એ મોં ઊંચું કરીને નાઇટ લેમ્પના આછા અજવાસમાં અભિની આંખોમાં જોઇ લેતી હતી. અભિની અપલક આંખોમાં આયખાની પહેલી અચાનક થયેલી સુખદ અનુભૂતિનું વિસ્મય હતું. અભિ થોડીવાર પહેલાની એ અકલ્પનીય ઉત્તેજક ક્ષણોને યાદ કરીને સીમાની આંખો, ગાલ અને કપાળ ચુમી લેતો હતો. એને આવી અવિસ્મરણીય ઘડીની સપનેય કલ્પના નહતી. હા, એ પ્રેમ નહીં…આવેગ હતો. અચાનક કિનારે ધસી આવીને કોરાકટ ખડક સાથે ટકરાતા મોજાં જેવો આવેગ….જીવનમાં બનતી અન્ય ઘટના જેવી જ એ એક સહજ ઘટના હતી અને અભિ માટે એ આવેગના વેગમાં તણાઈ જવું સહજ હતું…..સ્વાભાવિક હતું, પણ સીમા…એના કેસમાં શું હતું.? સ્ત્રી પ્રેમ વિના પહેલ ન કરે…સ્ત્રી આવેગના વેગમાં સહજ રીતે તણાઇ ન જાય. અભિ સીમા અને ચંદનના અચરજભર્યા અને શંકાસ્પદ લગ્નસંબંધ વિશે વિચારતો હતો ત્યાં જ સીમાએ આઇ લવ યુ કહીને અભિના મનમાં ઘૂમરાતા વિચારોને ચાકડે ચડાવી દીધા. બીએ વિથ સાઇકોલોજી ભણેલી સીમાના મોંમાંથી નીકળેલા આઇ લવ યુથી અભિને આશ્ર્ચર્ય ન થયું. અભિએ સીમાના કપાળ પર હળવું ચુંબન કરીને આઇ લવ યુનો જવાબ આપ્યો.
‘તું અને ચંદન ક્યાં મળ્યા.?’ અભિનો તુંકારો એને રોમાંચિત કરી ગયો, પણ એના પ્રશ્ર્નથી ખળભળી ગઇ. એના હુંફાળા રોમેન્ટિક મૂડ પર ઠંડું પાણી ફરી વળ્યું. થોડીવારનું મૌન એને ભૂતકાળમાં લઇ ગયું.
હું અને મારા પપ્પા મલાડના કુરાર વિલેજમાં રહેતાં. મા મરી ગઇ પછી બાપ દારૂ પીને રૂમ પર રોજ કોઇને કોઇ બાઇને લાવતો. હું વિરાધ કરું તો મને મારતો. એ વખતે અમારી ચાલીમાં રહેતો ચંદન જ મને બચાવતો…મને મારવા માટે ઉપડેલો હાથ ક્યારેક એના ગાલે પડતો…તો ક્યારેક એણે મારા માટે મારા બાપને પણ માર્યો હતો. બાપના કરનામા વધતા ગયા એમ ચંદન પ્રત્યેનું મારું આકર્ષણ વધતું ગયું. હું લાગણીના વહેણમાં એના તરફ તણાતી ગઇ. હું સતત મારી સિક્યોરિટી માટે વિચારતી રહી. એક તબક્કે મને લાગ્યું કે ચંદન સિવાય આ દુનિયામાં મારું કોઇ નથી. ચંદન જ મને સિક્યોરિટી આપી શકશે. હું એ ઘરમાંથી ભાગી છૂટવા માગતી હતી….મારું બીએ ફાઇનલ ખતમ થાય એની રાહ જોતી હતી. મને એ તક મળી ને હું મંજિલની પરવા કર્યા વિના….એક લગભગ અજાણ્યા કહી શકાય એવા ટેક્સી ડ્રાઇવર ચંદન સાથે ભાગી નીકળી. ચંદન કદાચ મારો પ્રેમ નહતો, મારી સલામતી હતી, મારું આકર્ષણ હતું. એક નાપસંદ અને અસહ્ય જગ્યાએથી ભાગી છૂટવા માટે આપમેળે…અનાયાસ ઊભું થઇ ગયેલું આકર્ષણ.’
અભિની આંગળીઓ અનાયાસે સીમાના વાળમાં ફરી રહી હતી, પણ મનની ગૂંચ વધી રહી હતી.
તક. સીમાએ બોલેલો લક્ષ્યવેધી તક શબ્દ તીર બની એના મનને વિંધી ગયો. ઓહ, તો સીમા એક તકની રાહમાં હતી…તક મળી કે તરત જ સારાનરસાનો વિચાર કર્યા વિના ભાગી છૂટી. દરેક માણસ તકના જ ફિરાકમાં હોય છે. હું પણ તક જ શોધું છુંને…તકનો લાભ કે ગેરલાભ લઉં છું. સીમા મને મળેલી એક તક છે…. મારું આકર્ષણ છે. મામાજી પૈસા મોકલવાના નથી. નોકરી મળી છે, પણ કેટલા પૈસા મળશે ને બીજે ભાડે ઘર મળશે કે નહીં એની ખબર નથી. બાકી વાત રહી ભાગેડુઓના જોખમની તો….જો હોગા વો દેખા જાયેગા. સીમા મને સાચવી લેશે….બધી રીતે. સીમા મારી થાકેલી રાતોનો વિસામો છે…સૂકુન છે. અભિ થોડીવાર પહેલા સીમાએ કરાવેલા અલૌકિક આનંદની પળોમાં ખોવાઇ ગયો. એણે સીમા નામની તકને બાહુપાશમાં જકડી લીધી. બંને પથારીમાંથી ઊઠ્યાં ત્યારે સફેદ પોશ ચાદરમાં સળ પડી ગઇ હતી.
અભિ એડ એજન્સીમાં સમય કરતા થોડો વહેલો પહોંચી ગયો હતો.
સમય થતો ગયો તેમ તેમ બીજા ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીઓ આવતા ગયા. કોઇએ એને વિચિત્ર નજરે જોયો. કોઇએ સ્માઇલ આપ્યું…તો કોઇએ વેલકમ કહ્યું. સૌથી છેલ્લે પ્રિયા પહોંચી. પ્રિયા એક હાથમાં કોફી ને બીજા હાથમાં ચાનો મગ લઇને અભિના ટેબલ સામે બેઠી.
ગુડ મોર્નિંગ અભિ. એના મીઠા ને માદક લહેકામાં સવારની તાજગી હતી. અભિ ગુડ મોર્નિંગ કહે તે પહેલાં જ એણે કહ્યું: ‘લે સ્ટ્રગલર, આ તારી ખુમારીના પ્રતીક જેવી ચા.’ અભિ હસ્યો. એને પ્રિયાનું તું કહેવું ગમ્યું. એમાં ફિલ્મી આડંબર નહીં, આત્મિયતા હતી.
‘અભિ, પિન્ટો સરે કહ્યું કે તું કાંઇ થિયેટર વ્યેટર કરે છે.’
‘મેડસ, આ થિએટર વ્યેટર વળી શું છે, એને થિયેટર કહેવાય.’
‘આઇ મીન, એક્ટિંગ બેક્ટિંગ કરે છે.’
‘એક્ટિંગ હોય મેડમ, બેક્ટિંગ નહીં.’ અભિ જરા અકળાયો.
‘અભિ, ચૌબેજીએ મને ઘણીવાર કહ્યું, પણ મેં હજી સુધી એકપણ નાટક જોયું નથી. તારું નાટક…તારી એક્ટિંગ જોવી છે.’
‘તને અને પિન્ટો સરને બોલાવીશ. બીજું પણ કોઇ છે જેને મારું નાટક જોવામાં રસ છે.’ અભિની આંખ સામે સીમાનો ચહેરો આવી ગયો.
‘ઓહ, તો મુંબઈમાં પગ મૂકતા જ તારા જીવનમાં કોઇ ચોક્કસ વ્યક્તિ પણ આવી ગઇ.’ પ્રિયાએ કહ્યું ને અભિએ ફેરવી તોળતા કહ્યું: ‘અકબર પીઆરની વાત કરું છું…જેણે પિન્ટો સરને મારી ભલામણ કરી એ.’
‘ચાલ, તને હું આપણા બીજા અતરંગી, તરંગી ને ધૂની નમૂનાઓની ઓળખાણ કરાવું.’
પ્રિયાએ ટેબલે ટેબલે ફરીને અભિની બધા સાથે ઓળખાણ કરાવી. એમાંના મોટાભાગના કર્મચારીઓને એનું નામ ગમ્યું. ‘અરે વાહ…નામ ભી અભિનય, કામ ભી અભિનય.’ કેટલાકે નામ અને કામનો મેળ જામી ગયો હોવાનું પણ કહ્યું. ટેબલ પર પાછા ફરતા જ પ્રિયા બોલી: ‘એડ એજન્સીમાં કામ કરનારા બધા આવા લઘરવઘર….બેફિકરા લોકો જ હોય….તું એમાં અલગ તરી આવે છે. તારે પણ અતરંગી વેષ કાઢવા પડશે. તું આવા ફોર્મલ કપડાંમાં એડમેન નહીં, પણ ઑડમેન લાગે છે.’
‘કોપી રાઇટિંગની મસ્ત લાઇન છે.’ અભિ હસી પડતા બોલ્યો ને પ્રિયા ખુશ થઇ કે અભિ એડ એજન્સીના માહોલમાં આવી રહ્યો છે.
અભિ જેટલું ધારતો હતો એટલું એડ એજન્સીમાં કામ કરવું સહેલું નહતું. કોપી રાઇટિંગ કરતા એને વધુ મુશ્કેલી રિહર્સલના ટાઇમિંગ સાચવવામાં પડવા લાગી. ચૌબેજી પરફેક્શનના માણસ. એના રિહર્સલ મહિનાઓ સુધી ચાલે. મોટા ભાગે દિવસ દરમિયાન જ રિહર્સલ કરે. અભિની ઉપાધિ વધી ગઇ. એણે પ્રિયાને વાત કરવાનું નક્કી કર્યું.
‘આજે સાંજે આપણે ચા પીવા માટે મળીએ.’ અભિએ પૂછ્યું.
‘કેમ ઓફિસની ચામાં મજા નથી આવતી.?’ પ્રિયાએ જરા મજાક કરી.
‘ના, એક વાત કરવી હતી.’ પ્રિયાએ ઓકે કહ્યું ને બંને સાંજે એક રેસ્ટોરન્ટમાં બેઠાં.
‘બોલ…’ પ્રિયાએ જાણવામાં ઉતાવળ બતાવી.
મારા રિહર્સલ અને ઓફિસ ટાઇમ ટકરાય છે. નાટક કે નોકરી બેમાંથી એકેયને છોડવું પોસાય એમ નથી.’ અભિએ કહ્યું.
‘તું આખી જિંદગી સ્ટ્રગલર જ રહેવાનો. કોપી રાઇટિંગનું કામ તું ટોઇલેટમાં પણ કરી શકે….એટલે જ એને શૌચાલય કહેવાતું હશે….સોચવિચાર કરવાની જગ્યા.’ પ્રિયા ખડખડાટ હસી પડી. કોપી રાઇટિંગ જેવા ક્રિયેટીવ કામ માટે કોઇ ટાઇમ ફિક્સ હોતો નથી. અને આમેય આપણી ઓફિસ રાતે અગિયાર સુધી ખુલી રહે છે. તું ચા પી અને મોજથી રિહર્સલ પતાવ. હું પિન્ટો સરને કહી દઇશ.’ અભિના આનંદનો પાર નહતો. બિલ આવ્યું. અભિએ પાકિટ કાઢવાનો ઢોંગ કરતા કહ્યું: ‘હું પે કરું છું.’
‘ફરી ક્યારેક….સ્ટ્રગલર.’ પ્રિયાએ બિલ પે કરતા કહ્યું.
અભિ અને પ્રિયા વચ્ચેની નિકટતા વધતી ગઇ. પ્રિયા સાંજ પછી અભિની રાહ જોતી. અભિ કામ પતાવે પછી રાતે અગિયાર વાગ્યે બંને સાથે જ બહાર નીકળતાં. પ્રિયા એને એડવર્ટાઇઝિંગની દુનિયાના અવનવા કિસ્સાઓ સંભળાવતી. અભિને તાળી આપતી…તાળી માગતી પ્રિયા બિન્ધાસ્ત હતી. પોતાને પ્રપોઝ કરનારા કેટલા નમૂનાઓને નકારી કાઢ્યા હતા એની હાંસી ઉડાવતી વાતો કરીને પોરસાતી.
બે દિવસ પહેલાં પ્રિયાએ અભિને આવા ફોર્મલ કપડાં પહેરીશ તો હું તારી સાથે નહીં ફરું … એવું કહીને અભિને એડ એજન્સી અને મીડિયાવાળા પહેરે એવા ભડક રંગના કપડાં અપાવ્યાં હતાં. કંગાળ હાલતમાં સંઘર્ષ કરતો અભિ બહુ મુંઝાયો…બહુ અકળાયો હતો. નવીસવી ઓળખાણમાં પ્રિયાનું આવું આત્મિય વર્તન એને ગમ્યું પણ ખરું, પરંતુ કપડાં અપાવવા સુધીની નિકટતા પસંદ નહોતી પડી. જોકે, અભિ પ્રિયાની પ્રિયતમા જેવી જેવી જિદ સામે ઝુકી ગયો હતો. કદાચ….અભિ પ્રિયાને જીવનમાં મળેલી એક તક સમજીને અભિનય કરતો હતો.
એક સાંજે અભિ રિહર્સલ પતાવીને એડ એજન્સીમાં પહોંચ્યો. એની આંખો પ્રિયાને શોધતી હતી. એણે આમતેમ નજર ફેરવી. પ્રિયા ક્યાંય દેખાઇ નહીં. કદાચ બોસની કેબિનમાં હશે એવું માનીને એ પોતાનું કામ કરવા લાગ્યો. થોડીવારે એણે પ્યૂનને બોલાવીને પૂછ્યું તો ખબર પડી કે પ્રિયા બોસની સાથે ક્લાયન્ટ મીટિંગમાં ગઇ છે. રાતે દસેક વાગ્યે આવીને પ્રિયાએ નટખટ અંદાજમાં અભિને સીધું પૂછી લીધું: ‘મારી રાહ જોતો હતો ને. સાચું કહે.?’ અભિનો ચહેરો ચોર પકડાઇ ગયો હોય એવો થઇ ગયો.
‘હા, રાહ જોતો હતો. એક ગુડ ન્યૂઝ આપવા છે.’
‘જલદી બોલ’ પ્રિયા બોલી.
‘બહાર જઇએ ત્યારે કહીશ.’ અભિએ પ્રિયાની ઉત્સુક્તા વધારી.
‘મારે પણ તને એક ગુડ ન્યૂઝ આપવા છે. બહાર જઇએ ત્યારે આપીશ.’ પ્રિયા બોલી. બંને ગુડ ન્યૂઝ આપવાની ઉતાવળે બહાર નીકળ્યા.
‘તું ક્યારેય પબમાં ગયો છે.?’ પ્રિયાએ પૂછ્યું.
‘ના..’
‘ચાલ, આપણે આજે પબમાં બેસીને ગુડ ન્યૂઝ શેર કરીએ.’
‘પબના સુરમયી ઉજાલા અને ચમ્પઇ અંધેરા પાથરતા એક ખૂણામાં બે અલગારી ને અલ્લડ જીવ ગોઠવાયાં.
‘શું પીશ.’ પ્રિયાએ પૂછ્યું.
‘સ્ટ્રગલર રમ પીએગા.’ અભિએ આંખો અને માથું ઝુકાવતી અદામાં કહ્યું.
પ્રિયાએ વાઇન અને રમનો ઓર્ડર કર્યો.
‘ચાલ, ગુડ ન્યૂઝ આપ.’ અભિએ કહ્યું.
‘નહીં, હમણાં નહીં…થોડો નશો ચડવા દે.’
અભિ કોઇ છોકરી સાથે પહેલીવાર શરાબ પી રહ્યો હતો. હકીકતમાં એ શરાબ નહીં, આંખોથી શબાબ પી રહ્યો હતો. વાઇન અને રમનો દૌર ચાલુ રહ્યો. એક હદ પછી પ્રિયાએ નશીલા નેણ નચાવતા કહ્યું ‘ચાલ બતા તેરા ગુડ ન્યૂઝ.’
‘મારા નાટકની ડેટ ફિક્સ થઇ. આવતા રવિવારે શો છે.’ અભિની આંખોમાં હલકું ખુમાર હતું.
‘વાઉ….ક્યા બાત હૈ સ્ટ્રગલર. મૈં પહેલી રો મેં બૈઠ કે તેરી એક્ટિંગ બેક્ટિંગ દેખુંગી.’ ચિયર્સ કહીને એણે અભિને હગ કર્યું.
‘હવે તું કહે’ અભિએ કહ્યું.
શુદ્ધ સીંગતેલ મધુરા….ચાલો પીએ મદિરા. તારી પહેલી કોપી રાઇટિંગ લાઇન ક્લાયન્ટે આજે પાસ કરી દીધી.’ પ્રિયાના અવાજમાં વાઇનના નશાનો હળવો ઉછાળો હતો, પણ એનાથી મોટો ઉછાળો તો અભિના નશામાં હતો. એણે પ્રિયાને ભીંસી નાખતું આલિંગન કર્યું….એના હોઠ ચુમવા આગળ વધ્યો.
‘નહીં અભિ, પ્લીઝ નહીં. હું આગળ વધીશ તો પછી ક્યારેય અટકી નહીં શકું.’
‘પ્રિયા, હવે અટકવું નથી.’ અભિએ પ્રિયાના હોઠ પર હોઠ મૂકી દીધા. રમ અને વાઇનની મદહોશીના આલમનું ખતરનાક કોકટેલ રચાઇ ગયું, પણ પબના સુરમયી ઉજાલા અને ચમ્પઇ અંધેરામાં એક રોમેન્ટીક રંગ જરૂર ઉમેરાયો. (ક્રમશ:)