જ્વાળામુખીની ટોચે બેઠેલી માનવજાત: ડૂમ્સ-ડે નજીક છે?

કેનવાસ – અભિમન્યુ મોદી
ગજબનો વિચિત્ર વર્તમાન આપણે જોઈ રહ્યા છીએ. આવો સમય તો વડીલોએ પણ નહીં જોયો હોય. સવાર પડે ને આખી દુનિયામાં કઈંક અજુગતું થયું હોય. દુનિયા કાળરાત્રીની નજીક છે. આ કવિતા નથી પણ શાબ્દિક હકીકત તો છે જ… કાળરાત્રી એટલે વિનાશનો સમય, જે બહુ જ નજીક આવી ગયો છે. એવું કોઈ નેતા નહીં કે લેખક નહીં, પણ આ ડૂમ્સ- ડે કલોક કહે છે. દુનિયાભરમાં આ કલોક સૌથી વધુ મશહૂર છે.
હમણાં જ દુનિયાભરના છાપાની હેડલાઇનમાં આ સમાચાર આવેલા કે ડૂમ્સ-ડે ક્લોક ભયજનક સમય બતાવી રહી છે. બાર વાગવામાં માત્ર નેવું સેક્ધડની વાર છે. ડૂમ્સ- ડે કલોકનો કાંટો આટલો નજીક ક્યારેય આવ્યો ન હતો જેટલો હવે આવી રહ્યો છે. આવું ઇતિહાસમાં ક્યારેય થયું નથી. તેનો મતલબ થયો કે માનવજાત પ્રતીકાત્મક રીતે સ્વ-વિનાશની નજીક આવી છે.
આ ઘડિયાળ મુજબ મધ્યરાત્રિનો અર્થ નવો દિવસ નથી થતો પણ એનો અર્થ વિનાશ થાય છે. આ સમાચાર નાટકીય કે ફિલ્મી લાગી શકે, પરંતુ તેની પાછળ રહેલી ગર્ભિત ચેતવણી છે.
ડૂમ્સ- ડે ઘડિયાળ એક સમયે અજાણી હતી, પણ હવે લગભગ બધા જાણે છે. તે ક્યાંક દીવાલ પર ટીક ટીક કરતી ડ્રોઈંગ રૂમની સામાન્ય ઘડિયાળ નથી. તે 1947 માં ‘બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સ’ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલ એક પ્રતીકાત્મક ગેજ (માપનું સાધન) છે. આ એ જ વિજ્ઞાનીઓ જેમાંથી ઘણાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પ્રથમ અણુ બોમ્બનું નિર્માણ કરેલું!
આ અણુવિજ્ઞાનીઓ પોતાની જ વિનાશક શક્તિથી ડરતા હતા. તેમને ડર હતો અને વાજબી હતો કે આ અણુબોમ્બ નામનો ભસ્માસુર આપણને સૌને ભરખી જશે માટે આ વૈજ્ઞાનિકો માનવજાતને તેમના પોતાના ઉત્પાદન એટલે કે અણુબોમ્બનાં જોખમો વિશે ચેતવણી આપવા માટે એક સરળ પણ અસરકારક રીત જાહેરમાં મૂકવા ઇચ્છતા હતા. તેના માટે ઘડિયાળ પસંદ કરી, કારણ કે સમય સાર્વત્રિક છે અને દુનિયાનો દરેક માણસ સમય સાથે સંધાન સ્થાપી શકે. તો આ વિજ્ઞાનીઓએ એવી ઘડિયાળની ડિઝાઇન કરી જેમાં પંદર મિનિટનો જ સમયગાળો હોય – 11:45 થી 12:00 સુધીનો.
જો આ ઘડિયાળનો કાંટો બાર વાગવાની નજીક આવે તો સમજવાનું કે ખતરો વધ્યો. આજ સુધી તો આ ઘડિયાળમાં બાર વાગ્યા નથી પણ જે દિવસે પણ એમાં બાર વાગે તે દિવસ ‘કયામતનો દિવસ’ હશે એમ સમજવાનું. તે સમયે માનવજાત બચી નહીં શકે, દુનિયા તહેશનહેશ થઈ ગઈ હશે-નષ્ટ પામશે અને દુનિયાનો અંત કુદરતના પ્રકોપથી નહીં, પરંતુ મનુષ્યોના ખોટા નિર્ણયો જેવા કે – યુદ્ધ, ટેકનોલોજી, ઘમંડ અને બેદરકારી કે અસમાનતાને કારણે આવ્યો હશે.
દાયકાઓથી, આ ડૂમ્સ- ડે ઘડિયાળના કાંટાઓ આગળ પાછળ ફરતા રહે છે અને તેના કાંટાનું આગળ વધવું કે પાછળ જવું વૈશ્વિક તણાવ અને રાહતને પ્રતિબિંબિત કરે છે. 1953માં યુએસ અને સોવિયેત યુનિયને હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યા પછી ડૂમ્સ- ડે ક્લોકમાં બાર વાગવામાં માત્ર બે મિનિટની વાર હતી. આ સમય અણુ બોમ્બ કરતાં પણ વધુ ખતરનાક હતો. એના પછી 1962માં ક્યુબન મિસાઇલ કટોકટી દરમિયાન, વિશ્વ પરમાણુ યુદ્ધની અણી પર ઊભું હતું.
એક ખોટી ચાલ, એક ખોટું સિગ્નલ અને ઇતિહાસ અલગ રીતે લખાઈ ગયો હોત. આ સમયે પણ ડૂમ્સ- ડે કલોક બાર વાગ્યાની નજીક પહોંચી ગઈ હતી. રાહતનો સમય આવ્યો 1991માં જ્યારે રશિયા અને અમેરિકા વચ્ચે કોલ્ડ વોરનો અંત આવ્યો. અને તરત જ આ ઘડિયાળના કાંટાઓએ પીછેહઠ કરેલી.
1991માં, બાર વાગવામાં 17 મિનિટ સુધીની વાર હતી જે અત્યાર સુધીનો સૌથી સુરક્ષિત સમય કહેવાય છે. થોડા સમય માટે આ દુનિયા માનતી થઈ ગઈ હતી કે સંઘર્ષ પર સહકારનો વિજય થયો છે. જોકે આ આશા લાંબા સમય સુધી ટકી શકી ન હતી.
અત્યારે બાર વાગવામાં ચંદ સેક્ધડો બાકી છે એવું બતાવે છે. પ્રવર્તમાન સમય ખતરનાક છે એવું એટલા માટે કહેવામાં આવે છે કે અત્યારે માત્ર એક જ કટોકટી નથી પણ દુનિયામાં ઘણા બધા ક્રાઇસિસ કે ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થઈ છે. પરમાણુ હુમલાનું ટેન્શન, પાંચ-સાત જગ્યાએ યુદ્ધની સ્થિતિ, બીજા દેશ ઉપર આક્રમણ, કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ, જંગલમાં અચાનક લાગતો દાવાનળ વગેરે જૂનાં કારણો તો ખરા જ, પણ એક મુખ્ય કારણ પણ છે. એ છે માનવજાતનાં નૈતિક મૂલ્યોનું પતન.
આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ, સાયબર વોરફેર, બાયોએન્જિનિયરિંગ અને ફેક ન્યૂઝ અને પ્રોપેગેન્ડા ફિલ્મો લોકશાહીને અસ્થિર કરી શકે છે અને સરકારી સંસ્થાઓ તેની પ્રતિક્રિયા આપે તે પહેલાં જ સિવિલ વોર પણ શરૂ કરી શકે છે. અફવા, ડીપફેક અથવા હેક કરેલી સિસ્ટમ હવે તે ઊહાપોહ સર્જી શકે છે જે એક સમયે સૈન્ય કરતું હતું.
અંતે, દેશો વચ્ચે, સમાજોની અંદર અને નાગરિકો અને સત્યતા વચ્ચે પણ વિશ્વાસનો સેતુ તૂટી રહ્યો છે. ધ્રુવીકરણ, અપપ્રચાર અને ટૂંકા ગાળાની મલિન રાજકીય વિચારસરણીને કારણે દુનિયામાંથી માનવતાનું તત્ત્વ ઓછું થઈ રહ્યું છે. અત્યારે બધા દેશોએ એક થવાની, એકતા લાવવાની અને સમદ્રષ્ટિ રાખવાની બહુ જ જરૂર છે. પણ આજે કોઈને બીજા માણસ ઉપર ભરોસો રહ્યો નથી.
આ ડૂમ્સ- ડે ક્લોક આપણને એક કઠોર સત્યની યાદ અપાવે છે: આજે આપણે જે સૌથી મોટા જોખમોનો સામનો કરીએ છીએ તે ઉલ્કાપિંડ કે ભૂતપ્રેત નથી. તે નિર્ણયો છે જે સરકારો, કોર્પોરેશનો અને સમાજો દ્વારા લેવામાં આવે છે. માનવજાતને ખબર છે છતાં પણ પગ ઉપર કુહાડી મારી રહી છે. આપણે તો એ જ આશા રાખવી રહી કે આ ઘડિયાળમાં ક્યારેય બાર ન વાગે, જો એના બાર વાગશે તો આપણા- દુનિયાના બાર વાગી જવાના!



