સુખનો પાસવર્ડ : કોણ કેટલો ધનવાન છે એના આધારે એનું મૂલ્ય ન અંકાય…

- આશુ પટેલ
થોડા દિવસો અગાઉ સોશ્યલ મીડિયા પર અભિનેતા આમિર ખાનનો એક વીડિયો જોયો, જ એમાં તેણે પૈસાના અને પૈસા કમાવાના સંદર્ભમાં ખૂબ સરસ વાત કરી હતી.
એ વીડિયોમાં સવાલ કર્યો હતો: ‘પૈસા શું છે?’
એનો જવાબ તેણે જ આપ્યો: ‘જરૂરત.’ અને પછી કહ્યું: ‘ખરેખર વિચારીએ તો પૈસા માત્ર કાગળ છે. આ દસ રૂપિયાની નોટ, આ પાંચસો રૂપિયાની નોટ,આ એક લાખ રૂપિયાનો ચેક… એ બધા કાગળ જ છે, પણ આપણે એમાં મૂલ્ય આપ્યું છે, વિશ્વાસ આપ્યો છે, અને એ વિશ્વાસથી જ દુનિયા ચાલે છે. પણ સવાલ એ છે કે શું પૈસા માણસની કિંમત નક્કી કરે છે?’
આમિર ખાને એ વીડિયોમાં આગળ કહ્યું કે ‘ઘણા એવા લોકો હોય છે, જેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે, ટેલન્ટેડ હોય છે અને બીજી પણ કમાલની ક્વોલિટી ધરાવતા હોય છે, પણ સિસ્ટમમાં ફિટ ન થવાને કારણે એ પૈસા કમાઈ શકતા નથી. એટલે એનો અર્થ એ નથી કે એવા માણસોની કિંમત ઓછી છે. તેમનામાં એક નહીં, આઠ-દસ કમાલની ક્વોલિટી મળશે. એવા માણસો હોય છે જેમનામાં બહુ કમાલની ક્વોલિટી હોય છે, પણ એ પૈસા કમાવાનું નથી જાણતા.
કેટલાક માણસો અદ્ભુત કલાકાર હોય છે, કોઈને ખૂબ સારું લખતા આવડે છે, કોઈને વિચારો વ્યક્ત કરવાનું ફાવે છે, કોઈને બીજાને માર્ગદર્શન આપતા આવડે છે, પણ એ લોકોને પૈસા કમાતા આવડતું નથી. હું પણ એવા ઘણા માણસોને મળ્યો છું. હું ક્યારેય માણસને એ રીતે ક્યારેય જજ નથી કરતો કે આ માણસ કેટલું કમાઈ રહ્યો છે? કે આ માણસ કમાઈ રહ્યો છે કે નહીં? કોઈ માણસને માત્ર તેની કમાણીના આધારે જજ કરવો, તેની આવકના આધારે તેનું મૂલ્યાંકન કરવું એ સમાજની સૌથી મોટી ભૂલ છે.’
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : એક નર્સે કેટલાય દર્દીઓને સુખનો પાસવર્ડ આપ્યો!
આમિર ખાનની આ વાત સાથે મોટા ભાગના લોકો સહમત નહીં થતાં હોય અને બાહ્ય રીતે સહમત થાય તો પણ તેમની માનસિકતા તો લોકોનું મૂલ્ય પૈસાને આધારે જ આંકવાની હશે. જે લોકો પૈસાને બાજુ પર રાખીને માણસનું મૂલ્ય આંકી શકે એવા માણસો લઘુમતિમાં છે એ કડવી વાસ્તવિકતા છે.
આજના સમયમાં માણસની કિંમત એના બૅંક બેલેન્સથી મપાય છે. મોટા ભાગના લોકોને લાગે છે કે જે માણસ વધારે કમાય છે તે વધુ બુદ્ધિશાળી છે, પરંતુ હકીકતમાં બુદ્ધિ અને સંપત્તિનો સીધો સંબંધ નથી. ઘણા માનસિક રીતે ગરીબ હોય એવા માણસો કરોડપતિ કે અબજપતિ બની જતા હોય છે અને ઘણા વિચક્ષણ માણસો આજીવન સંઘર્ષ કરતાં રહે છે. અનેક વાર એવા કિસ્સાઓ બહાર આવ્યા છે કે જેમાં કોઈ નામાંકિત ક્રિકેટરના ક્રિકેટના સટ્ટાખોરો સાથેના સંબંધની વાત બહાર આવે અને પછી જે-તે ક્રિકેટરને સસ્પેન્ડ કરવાનું નાટક થાય કે કેટલાક કિસ્સાઓમાં ક્રિકેટરને ક્રિકેટક્ષેત્રમાંથી તગડી મુકાય, પણ એવા ક્રિકેટર્સની ‘ફેસ વેલ્યૂ’ પણ અકબંધ રહે છે. તેમની લાઇફસ્ટાઇલમાં કશો ફરક પડતો નથી અને લોકો પણ તેને ક્યાંય જાહેરમાં જુએ તો તેની સાથે ફોટો પડાવવા કે સેલ્ફી લેવા દોડી જાય છે!
આનાથી વિપરીત રીતે, ડિમોલિશન મેન તરીકે જાણીતા થયેલા ગોવિંદ રાઘો ખૈરનાર જેવા અત્યંત પ્રામાણિક અધિકારીને રાજકીય નેતાઓ કોરાણે મૂકી દે ત્યારે પબ્લિક તેમને ભૂલી જાય છે. ખૈરનાર નિવૃત્ત થયા પછી ડિપ્રેશનમાં સરી પડ્યા હતા ત્યારે તેમના વિષે જાણવામાં પબ્લિકને રસ પણ રહ્યો નહોતો! સ્વામી વિવેકાનંદએ કહ્યું હતું,‘માણસનું સાચું ધન તેનું જ્ઞાન છે, તેનામાં રહેલી કરુણા છે, પૈસા તો માત્ર સાધન છે.’ એ જ રીતે રવીન્દ્રનાથ ટાગોરે પૈસા અને સંપત્તિના સંદર્ભમાં કહ્યું હતું, ‘સંપત્તિ માણસને આર્થિક રીતે સમૃદ્ધ નહીં બનાવે, માણસનો આત્મા જ એને વાસ્તવમાં સાચો ધનિક બનાવે છે.’
જોકે મોટા ભાગના માણસોને આવાં વાક્ય વાંચવામાં કે ટાંકવામાં જ ગમે છે. બાકી એ પૈસાને જ સર્વસ્વ ગણીને જીવતા રહે છે. મોટા ભાગના માણસોને આત્મા-ફાત્મામાં રસ નથી હોતો. તેમના માટે આત્મા કરતાં પૈસાનું મૂલ્ય વધુ હોય છે. કેટલાય માણસો પૈસા કમાવા માટે આત્માને ગીરવે મૂકવા કે વેચવા માટે તત્પર થઈ જતાં હોય છે!
તમે એવા કિસ્સાઓ જોયા જ હશે (કે અનુભવ પણ કર્યો હશે) કે કોઈ માણસ શ્રીમંત બની જાય એ પછી તેનું મૂલ્ય વધી જાય. અને એવા ઘણા શ્રીમંતો તેના ગરીબ કે મધ્યમવર્ગી રહી ગયેલા સગાંસંબંધીઓને તુચ્છ ગણતો થઈ જાય. અને એવો માણસ કોઈ સગાંસંબંધીઓને ત્યાં પ્રસંગમાં હાજરી આપવા જાય તો પણ એ રીતે વર્તતો હોય છે કે જાણે તેણે જે-તે સગાં કે સંબંધીના પ્રસંગમાં હાજરી આપીને ઉપકાર કર્યો હોય!
કોઈ માણસ પાસે કેટલા પૈસા છે તેના આધારે તેનું મૂલ્ય ન આંકવું જોઈએ. માણસને માત્ર તેની કમાણીના કે સંપત્તિના આધારે તેનું મૂલ્યાંકન કરવાની ભૂલ ન કરવી જોઈએ.
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : સફળ માણસ પણ જો માણસ તરીકે સારો ન હોય તો…