મોર્નિંગ મ્યૂસિંગ : કસમ- સોગંદ- પ્રતિજ્ઞા- વચન લેવાથી માણસ વધુ પ્રામાણિક બની જાય? | મુંબઈ સમાચાર
ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : કસમ- સોગંદ- પ્રતિજ્ઞા- વચન લેવાથી માણસ વધુ પ્રામાણિક બની જાય?

-રાજ ગોસ્વામી

રામાયણ – મહાભારત તાત્ત્વિક રીતે શપથના ગ્રંથો છે. તેની વાર્તાઓમાં પ્રતિજ્ઞા (અને તેનું ઉલ્લંઘન) કેંદ્ર સ્થાને છે. બંને ગ્રંથ એ શીખવાડે છે કે લોકો જીવ આપી દેશે, પણ પ્રતિજ્ઞાનો ભંગ નહીં કરે એટલા માટે જ રાજા દશરથે રાણી કૈકેયી સમક્ષ પ્રતિજ્ઞા લીધી હતી કે એ જ્યેષ્ઠ પુત્ર રામને વનવાસ આપશે.

થોડા વખત પહેલાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ લોકસભા – વિધાનસભાની ચૂંટણીઓમાં મતોની ચોરી કરવાનો આરોપ લગાવ્યો તો ભારતના ચૂંટણી પંચે એમને કહ્યું કે ‘તમે લેખિત કાગળ પર શપથ લઈને તમારો દાવો અમને આપો, નહીં તો જૂઠા આરોપો માટે દેશની માફી માંગો…’ વળતામાં નેતા પ્રતિપક્ષે કહ્યું કે મેં સંસદમાં સંવિધાનના શપથ લીધેલા છે તો શું ચૂંટણી પંચને સંવિધાનના શપથમાં વિશ્વાસ નથી?

આ મામલાનું રાજકારણ તો તેની જગ્યાએ છે, પરંતુ કોઈ દાવો કરવા માટે, સચ્ચાઈ બયાન કરવા માટે અથવા વિશ્વાસ પેદા કરવા માટે શપથ લેવાનું આટલું મહત્ત્વ કેમ છે? એ વાત કેટલી રસપ્રદ છે કે પંચાયતથી લઈને સંસદ સુધી, મંદિરથી લઈને કોર્ટ સુધી અને પરિવારથી લઈને રાષ્ટ્રસંઘ સુધી દરેક સાર્વજનિક સ્થળોએ કોઈને કોઈ શપથ લેવામાં આવે છે.

એવું કેમ કે રાજકારણીઓ સંવિધાનના શપથ લે અને અપરાધીઓ કોર્ટમાં ગીતાના શપથ લે તો તેમાં આપણને સચ્ચાઈ નજર આવે છે? શપથ લેવાથી માણસ વધુ પ્રામાણિક બની જાય ખરો? બે મિત્ર વાતચીત કરતા હોય અને કોઈ વાત પર એક મિત્ર અવિશ્વાસ વ્યક્ત કરે તો, બીજો મિત્ર કેમ એવું કહે છે ‘મારા દીકરાના સમ?’ કોઈ વ્યક્તિ જૂઠું બોલતી હોય તો બાકી લોકો કેમ એને પોતાના સંતાનનાં માથાં પર હાથ મૂકીને બોલવા આગ્રહ કરે છે?

માનવ જીવનમાં, મહાભારતના યોદ્ધા ભીષ્મથી લઈને ગ્રીક સંસ્કૃતિના શરીરશાસ્ત્રી હિપોક્રેટ્સ સુધી શપથની એક લાંબી પરંપરા રહી છે. કસમ, સોગંદ, પ્રતિજ્ઞા, વચન, સમ, વાયદો, ખાતરી, ભરોસો, કોલ વગેરે શબ્દો શપથની જ અર્થછાયા વાળા છે. શપથનું એટલું મહત્ત્વ છે કે જ્યારે સૌથી મુશ્કેલમાં મુશ્કેલ પ્રતિજ્ઞા લેવામાં આવે તેને ‘ભીષ્મપ્રતિજ્ઞા’ કહેવામાં આવે છે.

શપથ શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે. તે ‘શપ’ ધાતુથી બનેલો છે, જેનો અર્થ થાય છે ‘કહેવું’ અથવા ‘બોલવું.’

સંસ્કૃતમાં શપ ધાતુનો ઉપયોગ અલગ અલગ પ્રકારના ‘બોલવા’ માટે થાય છે અને એમાંથી જ તેનો અર્થ ‘કહેલું વચન’ અથવા ‘પ્રતિજ્ઞા’ના રૂપમાં વિકસિત થયો. જ્યારે તે વચનને કોઈ પવિત્ર ચીજના નામ પર લેવામાં આવે, જેમ કે ઈશ્વર, તો તે એક શપથ બની જાય છે.

એ એક આશ્ર્ચર્ય છે કે વિશાળ માનવ ઈતિહાસમાં આખી દુનિયાના સમાજો અને સંસ્કૃતિઓને આકાર આપવામાં શપથની પરંપરાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : બોડીગાર્ડનો સશક્ત ઈતિહાસ, મુઘલોનાં હરમની ઉર્દૂ બેગીસથી સલમાનના શેરા સુધી…

કેમ? કારણ કે મનુષ્યને સામાજિક વ્યવસ્થા જાળવી રાખવા માટે વિશ્વાસ અને ઉત્તરદાયિત્વની અનિવાર્યતા મહેસૂસ થઇ હતી અને તે ભાવના મનુષ્ય કરતાંં ઉચ્ચતમ સત્તાના નામે જ આવે તેમ હતી.

જેવો જેનો ઈતિહાસ, મૂલ્યો, નિયમો અને સંસ્કૃતિ હતાં, તેવી રીતે વિભિન્ન સમાજોમાં શપથની પરંપરા વિકસી હતી, પરંતુ તે સૌના પાયામાં એક વાત સામાન્ય હતી- પરસ્પર ભરોસો જળવાઈ રહેવો જોઈએ. અન્ય પ્રાણીઓની સરખામણીમાં માનવજાતિ જબરદસ્ત પ્રગતિ કરી શકી અને સશક્ત બની તેનું કારણ અંદરોઅંદર મોટી સંખ્યામાં સહકાર સાધી શકવાની તેની અનન્ય ક્ષમતા. આ સહકાર ત્યારે જ ટકાઉ બને તેમ હતો જ્યારે સૌ સચ્ચાઈ અને જવાબદારીનું પાલન કરે. આ કામ કામ શપથથી આસન બન્યું હતું.

ભારત, ગ્રીક, રોમન, ચીન જેવી પ્રાચીન સભ્યતાઓ પ્રામાણિકતા અને નિષ્ઠાને ટકાવી રાખવા માટે શપથને બહુ મહત્ત્વ આપતી હતી એટલા માટે શપથને ઈશ્વરની સત્તા સાથે જોડી દેવામાં આવી હતી, જેથી સામાન્ય લોકો આસાનીથી તેનું પાલન કરી શકે. પ્રાચીન સમાજોમાં ઈશ્વર કે અન્ય દૈવી સત્તાઓ સમક્ષ શપથ લેવામાં આવતા હતા, એવી માન્યતા સાથે કે શપથ તોડવાથી દૈવી સજા મળશે. આવી ધાર્મિક માન્યતાઓએ કપટ અને વિશ્વાસઘાતને રોકવાનું કામ કર્યું હતું.

પવિત્ર અવશેષો અથવા ગ્રંથો જેવી ભૌતિક ચીજોના નામે શપથ લેવાની શરૂઆત મધ્ય યુગીન યુરોપમાં બિનસાંપ્રદાયિક ચળવળ વેળા થઇ હતી. તે વખતે પણ દૈવી સજામાં વિશ્વાસ તો હતો, પણ યુરોપિયનોએ નક્કર ચીજોના નામે શપથ લેવાનું શરૂ કર્યું હતું, જેથી શપથની ગંભીરતા જળવાઈ રહે. આજે કોર્ટોમાં ગીતાના નામે કે સંસદમાં સંવિધાનના નામે શપથનો રિવાજ યુરોપની એ પરંપરામાંથી આવ્યો છે.

હિંદુ પરંપરામાં, રામાયણ અને મહાભારત તાત્ત્વિક રીતે શપથના ગ્રંથો છે. તેની વાર્તાઓમાં પ્રતિજ્ઞા (અને તેનું ઉલ્લંઘન) કેંદ્ર સ્થાને છે. બંને ગ્રંથ એ શીખવાડે છે કે લોકો જીવ આપી દેશે પણ પ્રતિજ્ઞાનો ભંગ નહીં કરે એટલા માટે જ, રાજા દશરથે (મંથરાના આગ્રહથી) રાણી કૈકેયી સમક્ષ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ જ્યેષ્ઠપુત્ર રામને વનવાસ આપશે.

મહાભારતમાં, કુરુ સામ્રાજ્યના યોદ્ધા દેવવ્રતે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી જેથી સત્યવતીનો વિવાહ રાજા શાંતનુ સાથે થાય. એમણે એવી પણ પ્રતિજ્ઞા લીધી હતી કે એ રાજસત્તા નહિ સંભાળે અને સત્યવતીના વારસને વફાદાર રહેશે એટલા માટે જ એ ભીષ્મ કહેવાયા હતા- જે ભીષણ પ્રતિજ્ઞા કરે તે.

અમેરિકન આદિવાસી સમાજો મૌખિક કરારો અને ખાતરીઓમાં વિશ્વાસ રાખતી હતી. એનો જો ભંગ થાય તો વ્યક્તિને નાતબહાર મૂકવામાં આવતી હતી. ઇસ્લામિક પરંપરામાં શપથની શરૂઆત પવિત્ર કુરાનથી થઇ હતી. કુરાનને પયંગબરની વાણી ગણાતી હતી અને તેના નામે લીધેલો શપથ પયગંબરને આપેલો કોલ ગણાતો હતો.

આધુનિક કાનૂની પ્રક્રિયા આ પ્રાચીન શપથ વિધિનું જ સુધારેલું સ્વરૂપ છે. કોર્ટમાં ગીતા પર હાથ રાખીને સાચું બોલવાના શપથ લેવા, સંસદમાં સંવિધાનની કસમ ખાઈને નીતિ-નિયમોનું પાલન કરવાનું વચન આપવું, કોર્ટમાં એફિડેવિટ કરવું, નોટરી પાસે કરાર કરવો અથવા ગામમાં પંચ સમક્ષ ખાતરી આપવી તે વિશ્વાસ ઉત્પન્ન કરવા અને ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરવાની જ પરંપરાનો હિસ્સો છે.

ચાહે કાનૂનના રક્ષક સામે ઊભા રહીને શપથ લેવામાં આવે કે પછી ઘરમાં સંતાનના માથે હાથ મૂકીને વિધાન કરવામાં આવે, શપથ આજે પણ ઘરથી લઈને સમાજમાં ન્યાયી વ્યવસ્થા, સંવાદિતા અને સહિયારાં મૂલ્યોનું રક્ષણ થાય તેનું શક્તિશાળી માધ્યમ છે. માનવજાતિ અનેક વિરોધાભાસો વચ્ચે પણ એકજૂથ રહી શકી છે તેનું કારણ ખાતરીવાળો વ્યવહાર કરવાનું છે.

શું શપથ માત્ર સારાં કામો માટે જ હોય છે? ના. અપરાધની દુનિયામાં પણ એટલી જ એકતા અને વ્યવસ્થા જરૂરી હોય છે અને અપરાધીઓ પણ શપથ હેઠળ કામ કરે છે. સંગઠિત અપરાધની દુનિયામાં ‘ઓમેર્ટા’ નામનો એક ઈટાલીયન શબ્દ મશહૂર છે. તેનો અર્થ થાય છે ‘ચુપ રહેવાનો નિયમ’. માફિયાઓ પોલીસ દ્વારા તેમની પૂછપરછ થાય ત્યારે ચુપ રહેવાના શપથ લે છે. જે શપથનો ભંગ કરે તેને મૃત્યુની સજા આપવામાં આવે છે.

આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : તારાશંકર બંદોપાધ્યાય: નોબેલ પુરસ્કારના હકદાર એવા એક શાનદાર સર્જક…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button