તમને એકલા રહેવું ગમે…?

- જૂઈ પાર્થ
એકલાં ઊગવું, રહેવું, એકલાં આથમી જવું:
સ્નેહથી છલકાતા આ સંસારે એમ શે થવું?
ન્હાનાલાલ દલપતરામ કવિ.
વર્ષાબહેન પચાસ પંચાવનની આસપાસ, એકવડો બાંધો, લાંબો ચોટલો, હંમેશાં ઈસ્ત્રી ટાઈટ વસ્ત્રોમાં સજ્જ. ઘર સુઘડ ને સ્વચ્છ. જોકે ઘર બગાડવાવાળું કોઈ હતું પણ નહીં ને. પતિ રિટાયર બેંક ઓફિસર, દીકરી પરણાવી દીધી’તી, દીકરાનાં લગ્ન બાકી. એ પોતાનાં નવા ધંધામાં મગ્ન. વર્ષાબહેન દરરોજ સાંજ પડે કોઈને શોધીને પોતાનો બળાપો કાઢતાં. કહેતાં કે આ રાત પડેને એટલે ઘર ખાવા દોડે છે. ઊંઘ આવાનું નામ જ નથી લેતી. કેટકેટલાય ઉપચારો કરી જોયા, કંઈ ફેર નથી પડતો. પહેલ વહેલું આવું ત્યારે લાગ્યુ હતું જ્યારે નજીકનાં સગાનાં મૃત્યુનાં સમાચાર અચાનક આવ્યા હતાં. આઘાત નહોતો લાગ્યો, પણ એમના વિચારો કેટલાય દિવસો સુધી આવતાં રહ્યા હતાં. દિવસે તો કામમાં મન પરોવાય, પણ રાત્રે? રાત્રે તો મન અને સમય બંનેનાં માલિક આપણે પોતે. કરવું પણ શું? કહેવું કોને?
બીજા કિસ્સામાં એકવાર કાર્તિકનાં પરિવારનાં બધા સભ્યો ત્રણ દિવસ માટે બહારગામ ગયા હતાં. નોકરીનાં કારણે એ ના જઈ શક્યો. આ પહેલાં કાર્તિક ક્યાકેય એકલો નહોતો રહ્યો. આ વખતે એને એમ કે એ કોઈ ભાઈબંધને ઘેર બોલાવી લેશે તો કંપની રહેશે અને આ બહાને ભાઈબંધ સાથે સમય વિતાવી શકાશે. પણ થયું એવું કે છેલ્લી ઘડીએ ભાઈબંધ ના આવી શક્યો. કાર્તિકની ખરી ચિંતા હવે શરૂ થઈ. એકલા સમય કેવી રીતે વિતાવવો એ સમજ નહોતી પડી રહી. ટીવી અને મોબાઈલમાં મન નહોતું લાગતું.
છેવટે એ સૂવા ગયો. ઘરમાં પોતે એકલો છે એ વિચાર એના માટે અસહ્ય હતો. હંમેશાં બધાની સાથે રહેવા ટેવાયેલા કાર્તિકને બેચેની થવા લાગી. કપડાં બદલી સોસાયટીના નાકે ચાની લારી પર જઈ એણે ચા પીધી, અજાણ્યા લોકો સાથે થોડી વાતો કરી પછી મન શાંત થયું, નબળી ક્ષણ નીકળી ગઈ અને કાર્તિક સ્વસ્થ થઈ ઘેર જઈ સૂઈ ગયો.
કવિશ્રી ગૌરાંગ ઠાકર લખે છે :
‘એકલાં આવ્યાં જવાનાં એકલાં,
પણ અહીં ક્યાં એકલાં જીવાય છે?’
જનમથી મરણ સુધીની જીવનયાત્રામાં આપણે સૌ કેટલા બધા લોકોની વચ્ચે ઘેરાયેલા રહીએ છીએ. માણસો નહીં તો ટીવી, ટીવી નહીં તો લેપટોપ કે મોબાઈલ જેવાં કોઈ ને કોઈ બાહ્ય પરિબળો આપણને શારીરિક અને માનસિક રીતે વ્યસ્ત રાખે. જ્યારે પણ આવાં કોઈ બાહ્ય પરિબળો આપણી આસપાસ નથી હોતા ત્યારે આપણું મન શાંત પડવાને બદલે આપણે કોઈ પણ પ્રવૃત્તિ શોધવામાં વ્યસ્ત થઈ જઈએ છીએ. એકલા હોઈએ ત્યારે શું કરવું, શું વિચારવું એ સમજ નથી પડતી કેમ કે આપણે એકલા પડતાં શીખ્યા નથી- પોતાનાં માટે જીવતાં શીખ્યા નથી. જાણતા- અજાણતા, પોતાના સુધી પહોંચાડતી બધી લાઈનો વ્યસ્ત રાખી છે અને કદાચ સારા વિચારો કરવા માટે મન જરા ઓછું ટેવાયેલું ને કેળવાયેલું હોય છે.
કામમાં મન પરોવાય એટલે ફક્ત વિચારથી મન દૂર થાય છે, વિચાર તો હજીએ છે જ…જ્યાં હતો ત્યાં ને ત્યાં જ. જેવું મન નવરું પડે કે તરત જ વિચારો પાછા એને ઘેરી વળે છે. ખાસ કરીને રાત્રે કેમકે હોશિયાર મન જાણે છે કે હવે ડિસ્ટર્બ કરનાર કોઈ નથી! અને કદાચ એટલે જ દિનચર્યાથી લઈને ભૂત અને ભવિષ્ય બધાં વિષે વિચારતાં વિચારતાં અડધી અરે કોઈ વાર તો આખી રાત નીકળી જાય છે ને ધીરે ધીરે તે આદતમાં ફેરવાય છે. અને આપણે આ બધું જ જાણવા છતાં વિચારોને તાબે થઈ જઈએ છીએ એમ સ્વીકારીને કે આમાં કંઈ કરી શકાશે નહીં. ડોક્ટર પાસે જઈએ તો ઊંઘની ગોળીઓ આપશે, એમ તો કોઈ દવાની આદત થોડી પડાય?
મને હંમેશાં મનમાં પ્રશ્ન થાય છે કે જો આપણને કોઈ ફક્ત બે કલાક સાવ એકલા એક ઓરડામાં રહેવાનું કહે તો શું આપણે રહી શકીએ? આપણે પોતાની જાતનો સામનો કરી શકીએ? શું આપણામાં એટલી ધીરજ કે સમજ શક્તિ છે ખરી? અહીં વાત એકલા રહેવાની છે એકલપટ્ટા થવાની નહીં, પણ પોતાની જાત સાથે, પોતાનાં મન સાથે સુમેળ સાધવાની વાત છે. મનનાં પડ એક પછી એક ખોલી તેનાં મૂળ સુધી પહોંચવાની વાત છે. સારા-નબળા પાસા બિરદાવવાની વાત છે. જાતને ક્યાં પંપાળવી ને ક્યાં ઠપકારવી તે સમજ કેળવવાની વાત છે. મનુષ્ય પોતાની જાતથી, પોતાના સ્વભાવથી હારતો જોવા મળે છે. માટે જ સ્વયંની ઓળખ અને સ્વયંનો સ્વીકાર એ જીવનનાં ઘણા પ્રશ્નોનું સમાધાન આપમેળે જ કરાવી દેતું હોય છે માટે જ જાત સાથે સમય વિતાવવો, પોતાની સાથે જ પ્રેમમાં પડવું એ કોઈ અકસીર ઈલાજથી ઊતરતું નથી.
નવા વર્ષમાં નવી શરૂઆત આપણે આ રીતે ન કરી શકીએ?
બોલો, તમે શું કહો છો?
આપણ વાંચો: ફોકસ : શું આ વૃક્ષો દુનિયાને ગ્લોબલ વોર્મિંગથી બચાવી શકશે?



