ઉત્સવ

ઝબાન સંભાલ કે: ગુરુ કહે તેમ કરવું, ગુરુ કરે તેમ ન કરવું

-હેન્રી શાસ્ત્રી

ગુરુ. બે અક્ષરનો આ શબ્દ વિશાળ પરિમાણ ધરાવે છે. વિદ્યાભ્યાસ કરાવી જીવન ઉત્કર્ષમાં નિમિત્ત બનતા ગુરુથી લઈને લુચ્ચા કે નાલાયક ગુરુ ઘંટાલ સુધી આ શબ્દના અર્થ સામ્રાજ્યનો વિસ્તાર છે. યોગાનુયોગ 10મી જુલાઈએ ગુરુવારના દિવસે જ ગુરુ પૂર્ણિમા છે તો એ નિમિત્તે ભાષામાં ગુરુ કેવા વણાઈ ગયા છે એ જાણવા અને સમજવાની કોશિશ કરીએ. અઠવાડિયાના સાત વાર છે એમાં એક ગુરુવાર આવે છે.

અઠવાડિયાનો આ પાંચમો દિવસ બૃહસ્પતિવાર પણ કહેવાય છે. ગુરુ અથવા બૃહસ્પતિ સૂર્યમાળાનો એક ગ્રહ છે. બધા ગ્રહોમાં સૌથી મોટો હોવાને કારણે જ ગુરુ કહેવાયો હશે, કારણ કે સૌથી મોટું કે સૌથી વજનદાર માટે ગુરુ શબ્દ વપરાય છે. ભગવદ્ગોમંડલ લખે છે કે ગુરુ એટલે આચાર્ય કે શિક્ષક અને ગુરુ એટલે પૂજ્ય, વડીલ, માન આપવા લાયક વ્યક્તિ. જોકે, સાથે ગુરુ એટલે શઠ અથવા ધૂર્ત માણસ એવો અર્થ પણ કરવામાં આવ્યો છે.

સાક્ષરો દ્વારા ગુરુ વિશે ભિન્ન મત વ્યક્ત થયા છે. કબીરના દોહામાં આદર વ્યક્ત કરી કહેવામાં આવ્યું છે કે ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. અહીં ગુરુને ગોવિંદ એટલે કે ઈશ્વર કરતા વિશેષ દર્શાવ્યા છે. ગુરુ વિના ઉદ્ધાર નથી એવી ભાવના વચ્ચે હવે અખો શું કહે છે એ જાણો: ગુરુ થા તારો તું જ, જૂજવા કો નથી ભજવા; બાહેર બુદ્ધિ તું ટાળ, વળ અંતર પેસવા. અખો બાહ્ય બુદ્ધિ ટાળી અંતર્મુખ બનવાની સલાહ આપે છે. ગુરુને શોધવાને બદલે આત્મનિર્ભર થવાની વાત અખો કરે છે.

ગુરુ વિશે એક અત્યંત પ્રચલિત કહેવત છે કે ગુરુ કરતા ચેલો સવાયો. ગુરુએ આપેલી શિક્ષા મેળવી ચેલો જ્યારે ગુરુ કરતા આગળ વધી જાય ત્યારે આ કહેવત વપરાય છે. ઈતિહાસના પૃષ્ઠો પરથી આના અનેક ઉદાહરણો મળી આવશે. એક માર્મિક કહેવત પણ જાણવા જેવી છે કે ગુરુ કહે તેમ કરવું, ગુરુ કરે તેમ ન કરવું. ગુરુએ આપેલી વિદ્યાને અનુસરવું, પણ ગુરુના આચરણને નહીં એવી સ્પષ્ટતા આ કહેવતમાં કરવામાં આવી છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે શું કરવું એ શીખવનારા ગુરુજન અને શું નહીં કરવું એ બતાવનારા ’સવાયા ગુરુ’ને નમસ્કાર.

આ પણ વાંચો…ઝબાન સંભાલ કે : રે આજ અષાઢ આયો, મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો!

Idioms About Teachers

શિક્ષકો વિશે રૂઢિપ્રયોગો

ગુરુની ભાવના અંગ્રેજીમાં નથી, કારણ કે ગુરુ-શિષ્ય પરંપરા, ગુરુકુળ એ આપણી સંસ્કૃતિ છે. એટલે ગુરુ કે શિક્ષક માટે અંગ્રેજીમાં એક જ શબ્દ છે ટીચર. One who teaches is a Teacher. Teacher is a neuter gender. ક્લાસમાં સર અને ટીચર ભણાવે છે એ નર્યું અજ્ઞાન છે. ટીચર એટલે મહિલા શિક્ષિકા અને સર એટલે પુરુષ શિક્ષક એ ખોટી સમજણ છે. ટીચર એટલે ભણાવનાર વ્યક્તિ જે પુરુષ કે મહિલા એ બેમાંથી કોઈ પણ હોઈ શકે.

Teachers play an important role in the lives of students as they teach so many useful lessons to them. વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકનું મહત્ત્વનું યોગદાન હોય છે, કારણ કે ઘણા પાઠ તેમની પાસેથી ભણવા મળે છે. Experience is the best teacher. અનુભવ એ સર્વશ્રેષ્ઠ શિક્ષક ગણાય છે.

You will learn more from things that happen to you in real life than you will from hearing about or studying things that happen to other people. જીવનના 20-22 વર્ષમાં શિક્ષકો પાસેથી મેળવેલા આગળ જ્ઞાન સામે ક્યારેક વ્યવહારુ જીવનના એક વર્ષમાં શીખેલી વાત ચડિયાતી સાબિત થાય એવું બને છે.

Teacher’s Pet એટલે શિક્ષકનો લાડકો કે માનીતો એવો એનો ભાવાર્થ છે. Siddhesh is the teacher’s pet. He always gets special treatment. સિદ્ધેશ શિક્ષકનો ખાસમખાસ છે. એને કાયમ સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે છે.

Teaching Moment એટલે એવી ક્ષણ કે એવો સમય જ્યારે વિદ્યાર્થીને જ્ઞાન, માર્ગદર્શન કે જીવનનો પાઠ શીખવવાની તક શિક્ષકને મળે. An opportunity to impart knowledge, guidance, or a life lesson to a student. બાળકને ગોળ ખાવાની ના પાડતા પહેલા ગુરુજીએ ગોળનો ત્યાગ કર્યો એ વાર્તા તમે સાંભળી હશે. Practice What You Preach કહેવતમાં એ જ વાત સિદ્ધ થાય છે. સામી વ્યક્તિને આપેલી સલાહ કે સિધ્ધાંતનું સ્વયં પણ પાલન કરવું જોઈએ એના પર ભાર આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો…ઝબાન સંભાલ કે : રમતની ભાષા સાથેની રમત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button