
- ઉમેશ ત્રિવેદી
એક-એકથી ચઢિયાતી ફિલ્મ આપનારા આદિત્ય ધરની આગામી ફિલ્મ ‘ધૂરંધર’માં રણવીર સિંહની સાથે એક નવી અભિનેત્રી પોતાની કારકિર્દી શરૂ કરી રહી છે. નામ છે સારા અર્જૂન અને એની ઉંમર છે માત્ર 20 વર્ષ … એ રણવીર સિંહની હીરોઈન છે. રણવીર સિંહ એનાં કરતાં ‘ડબલ’ ઉંમરનો એટલે કે 40 વર્ષનો છે તેથી થોડી ચર્ચા આછો વિવાદ ઊભો થયો. જોકે, બોલિવૂડ માટે આ કાંઈ નવું નથી.
દિલીપ કુમાર અને સાયરા બાનુએ અનેક ફિલ્મો કરી, પણ એમની વચ્ચે ઉંમરનો ખાસ્સો તફાવત હતો. જોકે, સૌથી વધારે ઉંમરનો તફાવત હોય એવો કિસ્સો રામગોપાલ વર્માની ‘નિશબ્દ’ ફિલ્મનો છે. આ 2007માં રજૂ થયેલી એ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનારા અમિતાભ બચ્ચનની ઉંમર 64 વર્ષની હતી અને એમની સાથે પ્રણય દૃશ્યો ભજવનારી જિયા ખાનની ઉંમર માત્ર 18 જ વર્ષની હતી અને જિયા ખાનની અભિનયની કારકિર્દીની એ પહેલી જ ફિલ્મ હતી. તે સમયે પણ હીરો-હીરોઈનની ઉંમરમાં તફાવતને કારણે વિવાદ ઊભો થયો હતો. અમિતાભ બચ્ચન અને જિયા ખાનની ઉંમરમાં ત્યારે ખાસ્સો 46 વર્ષનો તફાવત હતો, પણ ફિલ્મની વાર્તામાં આ ઉંમરનો તફાવત ભૂંસાઈ ગયો હતો.
બીજી તરફ, સારા માત્ર 18 મહિનાની હતી ત્યારથી જ અભિનયના ક્ષેત્રમાં પ્રવેશી છે. હા, હીરોઈન તરીકે એની આ પ્રથમ ફિલ્મ છે, પણ સારાએ માત્ર 18 મહિનાની ઉંમરે એક જાહેરખબરમાં કામ કર્યું હતું અને ત્યારથી જ એ બાળ કલાકાર તરીકે સતત અભિનય કરી રહી છે.
આદિત્ય ધરની આ ફિલ્મ એક મલ્ટિ સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મ છે. ફિલ્મમાં રણવીર સિંહ-સારા અર્જૂનની સાથે આર. માધવન, સંજય દત્ત, અક્ષય ખન્ના અને અર્જૂન રામપાલ જેવાં ઘડાયેલા કલાકારો પણ છે.
2005માં મુંબઈમાં જન્મેલી સારા ફિલ્મ અભિનેતા રાજ અર્જૂન અને ડાન્સ ટીચર સાન્યાની પુત્રી છે. એના લોહીમાં જ અભિનય વણેલો છે અને માત્ર 18 મહિનાની ઉંમરે પહેલી કમર્શિયલ કરનારી સારા અર્જૂને ત્યાર બાદ 100 જેટલી જાહેરખબર કરી છે.
છ વર્ષની ઉંમરે એણે દક્ષિણના ખૂબ જ જાણીતા અભિનેતા વિક્રમ સાથે પહેલી ફિલ્મ ‘દૈવા થિરૂમંગલ’ કરી હતી. બાળ કલાકાર તરીકેની આ પહેલી જ ફિલ્મ હોવા છતાં એનાં અભિનયના ખૂબ જ વખાણ થયા હતા. આ ફિલ્મ માટે એને સૌપ્રથમ ઍવોર્ડ પણ મળ્યો હતો. ત્યાર પછી સારાએ તમિળ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે.
આપણ વાંચો: મિજાજ મસ્તી : શબ્દોની સરિતા વહેતી…નવી જનરેશન-નવી ભાષા
એની ઉલ્લેખનીય ફિલ્મોમાં શૈવમ, એક થી ડાયન, જઝબા, સાંડ કી આંખ અને અજીબ દાસ્તાંનો સમાવેશ થાય છે. નાનપણથી જ એ વિવિધ પ્રકારની ભૂમિકાઓ કરવામાં માહેર છે.
આદિત્ય ધરની આ ફિલ્મ એક જાસૂસની કામગીરી સાથે સંકળાયેલી વાર્તા ‘રિયલ લાઈફ’ આધારિત આ ફિલ્મ છે. રણવીર સિંહે 2010માં ‘બેન્ડ બાજા બારાત’ નામની ફિલ્મથી અભિનયની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે સારાએ બાળ કલાકાર તરીકેની કારકિર્દી શરૂ પણ કરી નહોતી. જોકે, એણે કેમેરાનો સામનો કરવાનું શીખી લીધું હતું.
સારા અર્જૂન માટે આ ખૂબ જ મોટી તક છે. પોતાનાથી 20 વર્ષ મોટા એવા સુપરસ્ટાર રણવીર સિંહ સાથેની આ પહેલી ફિલ્મ એનાં માટે મોટો પડકાર લઈ આવી છે. ટોચના આટલાં મોટા કલાકારોના કાફલા વચ્ચે સારા પોતાની હાજરી કઈ રીતે દર્શાવી શકે છે તેનાં પર બધાની નજર ટકેલી, પણ આ ફિલ્મના પ્રાથમિક અહેવાલ મુજબ ફિલ્મ સમીક્ષકોએ સારાના અભિનયને વધાવી લીધો છે.