ઉત્સવ

ઊડતી વાત: ટેસ્ટ મેચ મેચ જીતવા છતાં ?..

  • ભરત વૈષ્ણવ

‘યુ ઓલ આર બન્ચ ઓફ જોકર્સ.’ ચેરમેને પોતાની દાઝ ઉતારી. ચેરમેન ગ્રીનબર્ગ ભયંકર ગુસ્સામાં હતો. તે પોતાના વાળ ખેંચતો હતો. તેની સામે અગિયાર જણા ઊભા હતા. જે ચેરમેનના ગુસ્સાનો શિકાર બન્યા હતા.

‘તમે અમારું અપમાન કરી રહ્યા છો, મિસ્ટર સીઇઓ.’ કેપ્ટન જેવા સ્મિથે ચેરમેનના વિધાનનો વિરોધ કર્યો.

‘હું ફરીથી કહું છું કે તમે બન્ચ ઓફ જોકર્સ છો.’ ચેરમેને વિવાદ વકરાવવા વાયડું સ્ટેટમેન્ટ દેહરાવ્યું.

‘અમે મહેનત કરીને મેચ જીતી છે.’ કેપ્ટને સસ્મિત કહ્યું. ‘તો તમને મારા માથા પર બેસાડું?’ ચેરમેને લાલચોળ થઇને પૂછયું.

‘તમારો સ્વભાવ ખડ્ડુસ છે એટલે તમે અમારા વખાણ ન કરો એની અમને ખબર છે..એટલીસ્ટ અમને ધમકાવવાનું બંધ કરો.’ કેપ્ટને મક્કમ થઇને કહ્યું.

‘તમે તો ઇચ્છતા હશો કે હું તમારી આરતી ઉતારું? ચેરમેને કટાક્ષ કર્યો.

‘એની કોઇ જરૂર નથી. બસ, અમારી ઇજજતનો આ રીતે ફાલૂદો ન કરો.’

‘તમે લોકો એક ટેસ્ટ મેચ જીત્યા છો. ટ્વેન્ટી ટ્વેન્ટી કે વન ડે મેચનો વર્લ્ડ કપ જીત્યા નથી કે તમારા અછોવાના કરું. સમજ્યા?’

‘ખેલાડીની ટીકા કરવી સહેલી છે. મેદાન પર એકસો પચાસ કિલોમીટરની સ્પિડે આવતા બાઉન્સર કે યોર્કરનો સામનો કરવો કેટલું દુષ્કર છે એની ખબર પડી જશે. જીવનમાં કદી બેટ પકડ્યું ન હોય કે બોલ ન પકડ્યો હોય અને ક્રિકેટનો સ્પેલિંગ સાચી રીતે લખી શકતા ન હોય તેવા લોકો ક્રિકેટ બોર્ડના માંધાતા બની જાય છે.’ કેપ્ટને પણ તેના મનની ભડાશ કાઢી.

‘એટલે કહેવા શું માંગો છો?’ ચેરમેન બગડ્યા .

‘તમે જે સાંભળ્યું એ જ કહેવા માગું છું,’

‘ટેસ્ટ મેચ કેટલા દિવસની હોય?’ ચેરમેને યોર્કર જેવો સવાલ કર્યો. ‘ટેસ્ટ મેચ પાંચ દિવસની હોય.’ કેપ્ટને ફટાક દઇને જવાબ આપ્યો.

‘તમે લોકો ક્રિકેટર બન્યા એ પહેલાં ચૂનો ચોપડવાનું કે કોઇનું ગબન કરવાનું કામ કરતા હતા?’ ચેરમેને આંખ ચૂંચી કરીને ખંધા મુન્શીની જેમ સવાલ કર્યો.

‘તમે એમ કેમ જેમતેમ પૂછો છો?’ કેપ્ટન બગડ્યો.

‘જસ્ટ રિલેકસ યંગ મેન. ચિલ્ડ બિયર પી ચિલ થા.’ ચેરમેને સિગારેટ સળગાવતાં કેપ્ટનને સ્વસ્થ રહેવાની સલાહ આપી.

‘અમે ક્રિકેટર બન્યા તે પહેલાં લોન્ડ્રીમેન, ફાઉન્ડ્રીમેન, બાઉન્ડરીમેન, ફાર્મર, ટીચર, ક્લાર્ક , એનિમલ ઝૂ કીપર હતા..અંધારામાંથી એક પણ કલરમેન એટલે રંગરેજ ન હતા.’

‘તમે લોકોએ ક્રિકેટ બોર્ડનો ભઠો બેસાડી દીધો છે.’

‘અમારો વાંક શું? અમે શું ગુનો કર્યો છે?’ કેપ્ટન સહિત અગિયાર જણાએ રડમસ અવાજે પૂછયું.

‘વાંક શું? ગુનો શું? વાહ તમારી માસૂમિયત .’ ચેરમેને કટાક્ષમાં બોલ્યો.

‘અમને ખરેખર ખબર નથી. તમે કાંઇક ફોડ પાડો તો ખબર પડે.’ કેપ્ટને સરન્ડર થઇ પૂછયું. :

‘માની લઇએ કે અમારો વાંક છે. અમારા લીધે નુકસાન થયું છે તો એ નુકસાનીની રકમ અમારી ફીમાંથી કાપી લેજો.’ અગિયાર જણા ટીમ તરીકે ખખડીને બોલ્યા.

‘નુકસાન કેટલું છે તેનો અંદાજ છે?’ ચેરમેને ટેબલ પર ગુસ્સાથી હાથ પછાડ્યો.

‘બે પાંચ હજાર ડૉલર તો બોર્ડ માટે કાનખજૂરાના પગ જેવું કહેવાય.’ હેડ નામના ખેલાડીએ કહ્યું.

‘તમારી સૌની બેવકૂફીને લીધે બોર્ડને હજારો ડૉલરનું નુકસાન થયું છે.’ ચેરમેને વટાણા વેર્યા.

‘એ તો સ્ટોલવાળો બે ચાર બર્ગર, પાંચદસ સેન્ડવિચ કે દસબાર હોટડોગ કે સોડા વેચી ન શકે તો આટલું મોટું નુકસાન થોડું થાય? તમે એવું ઇચ્છો કે બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ કે વિકેટકીપિંગ પડતું મેલીને અમે ખેલાડીઓ સેન્ડવિચ કે બર્ગર વેચીએ?’ કેપ્ટને ચેરમેનને સ્ટમ્પની અણી જેવો સવાલ પૂછયો.

‘હં ચોરી પર સિનાજોરી?’ ચેરમેન કુટિલ હસ્યો .

‘આ બધી લપ્પનછપ્પન મુકો અને મૂળ મુદા પર આવો. તમે નોળિયો નથી અને અમે સાપ નથી.’ કેપ્ટને ઇનફ ઇઝ ઇનફ કર્યું.

‘ટેસ્ટ મેચ પાંચ દિવસની હોય. ઇંગ્લેન્ડ જેવા પરંપરાગત હરીફ સાથે એશીઝ ટ્રોફીની મેચ નોર્મલ ન હોય. એશીઝ ટ્રોફીની મેચ હાઇ વોલ્ટેજ ડ્રામા જેવી હોય. પ્રેક્ષકો મેચની પળોપળ માણવા પાંચ પાંચ દિવસની ટિકિટો ખરીદે. ક્યારેક બ્લેકમાં પણ ટિકિટ એડવાન્સમાં ખરીદે’ ચેરમેને પ્રસ્તાવના કહી. જો કે, તે શું કહેવા માંગતા હતો તેની સ્મિથને ખબર પડી નહીં.

‘તેનું શું છે?’

‘હમણા ભારતની ક્રિકેટની ટીમ સાઉથ આફ્રિકા સામેની મેચ ચારસો આઠ રને હારી ગઇ.પણ ભારતની ટીમ પૂરા પાંચ દિવસ મેચ ખેંચી ગઇ.’ ચેરમેને વિગતો આપી. ‘પણ આપણે તો જીતી ગયા છીએ.’ કેપ્ટને કોલર ઊંચો કરી જવાબ આપ્યો.

હમણા ઓસ્ટ્રેલિયાના પર્થ ટેસ્ટ મેચ ખાતે રમાયેલ. જે બે દિવસમાં જ પૂરી થયેલી. પહેલાં દિવસે પચાસ હજાર પ્રેક્ષકોની હકડેઠઠ પ્રચંડ ભીડ હતી. બીજા દિવસે એકાવન હજાર… ત્રીજા, ચોથા અને પાંચમા દિવસે તો આના કરતાં વધારે દર્શકો મેચ જોવા આવશે તેમાં કોઇ મીનમેખ ન હતો, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે રેપિડફાયર રાઉન્ડ જેવી ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ જેવી રમત ખેલી. ટીમ જીતી ગઇ. પરંતુ, બોર્ડને ત્રીજા, ચોથા અને પાંચમા દિવસની રમત માટે વહેંચાયેલ ટિકિટનું રીફંડ આપવાને લીધે 30.00.000 મિલિયન ડૉલરનો ધુંબો લાગી ગયો. મતલબ કે ભારતીય ચલણમાં રૂપિયા 17,35,00,000નું નુકસાન વેઠવું પડ્યું. ઓસ્ટ્રેલિયન ટીમ પાંચ દિવસની રમત રમી હોત તો બોર્ડને ટિકિટ રીફંડ કરવાનું નુકસાન સહન કરવું પડ્યું ન હોત… !

ક્રિકેટમાં કોઇ ટીમની હાર થાય તો પરાજિત કેપ્ટન, ખેલાડી, કોચ, સિલેકટર, પીચ કયુકયુરેટર એમ તમામ પર માછલાં ધોવાય. જગતમાં એકમાત્ર ઓસ્ટ્રેલિયન ટીમ એવી ટીમ હશે કે તે ટેસ્ટ મેચ જીતી ગઇ તો પણ તેના પર માછલાં ધોવાયા. એટલું નહીં. પરંતુ, કેપ્ટને મેચ વહેલી પૂરી કરવા માટે પ્રેક્ષકોની માફી માગવી પડી!

આપણ વાંચો:  મિજાજ મસ્તી: ઇશ્વર આવશે? નાઇલાજ જીવન- લાજવાબ સવાલ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button