ઉત્સવ

ક્લોઝ અપ: ડાર્ક વેબ- ડીપફેકના ડરામણા અપરાધોનું A to Z

સાયબર ક્રાઈમની દુનિયા ઝડપભેર વિસ્તરી રહી છે. અનેક સેલેબ્સના નકલી ચહેરા ઓનલાઈન પેશ કરીને જબરી ઠગાઈ કરતા સાયબર લૂટારા…આ ઠગ ટોળકી
બે વિજાતીય પાત્ર વગર પણ ઉત્તેજક ફિલ્મ કે વીડિયો તૈયાર કરી શકે છે. આવા ડાર્ક ડીપ વેબ અને ડિપ ડાર્ક ફેકના ખતરનાક ડિજિટલ કસબનો હેરતભર્યો એકસ-રે…

ડીપફેકના શિકાર બનેલા અને ભાવિ શિકાર બનવાના ભય સાથે `પર્સનાલિટી રાઈટસ’ માટે કોર્ટના દ્વારે પહોંચે છે કેટલીક સેલેબ્સ

  • ભરત ઘેલાણી

છેલ્લા કેટલાક દિવસોથી તમે અખબારોમાં એક સમાચાર વાંચતા હશો ટીવી અને ડિજિટલ મીડિયા અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ એ ન્યૂઝ તમારી નજરે ચઢતા હશે… એમાંના બે શબ્દ તમારું ખાસ ધ્યાન ખેંચતા હશે. આ શબ્દ છે : ડીપ ડાર્ક વેબ અને ડીપફેક…

થોડા સમય અગાઉ સમાચાર આવ્યા હતા કે ઈન્ટરનેટનો સૌથી મોટા ડેટા લીક થયો, જેમાં 16 અબજથી બધુ પાસવર્ડ ચોરાય છે… પરિણામે એના વપરાશકર્તાઓના ઈ-મેલ સહિત ફેસબુક ઈન્સ્ટાગ્રામ જેવાં વિવિધ સોશ્યલ પ્લેટફોર્મ્સની અંગત માહિતીની ઉઠાંતરી થઈ છે. આજ રીતે, ગત નવેમ્વર મહિનામાં વોટસએપ વાપરતા આશરે 350 કરોડ લોકોની અંગત માહિતી જોખમમાં મુકાઈ હતી.

આવી ઓનલાઈન ચિલઝડપમાં આશરે 81 કરોડ 50 લાખ ભારતીય નાગરિકોની અંગત માહિતી, જેમ કે એમનાં આધાર-પાન કાર્ડથી લઈને એમની બેન્કનાં નામ -ઍકાઉન્ટ નંબર-એમાં કેટલી રકમ બેલેન્સ છે ઉપરાંત એમના પાસપોર્ટ -ઈન્કમ ટેકસની બારીક વિગતો તેમજ ફોન નંબર સહિતની માહિતી વેચાણ માટે `ડાર્ક વેબ’ પર વહેતી કરવામાં આવી હતી!

ડીપ ડાર્ક વેબ' વિશે જાણતા પહેલાં આપણે વેબ એટલે શું એની પ્રાથમિક માહિતી મેળવી લઈએ, એટલેવર્લ્ડ વાઈડ વેબ’ પરથી આપણે ઈન્ટરનેટ દ્વારા જોઈતી માહિતી મેળવી શકીએ. આ વેબના ત્રણ વિભાગ છે. ગૂગલ -બીંગ- ફાયરફોક્સ જેવાં સર્ચ એન્જિન દ્વારા સરળ રીતે માહિતિ મેળવીએ એને સરફેસ વેબ' કહે છે. દાખલા તરીકે, તમેગૂગલસર્ચ એન્જિનને કામે લગાડીને પૂછો કેકઈ ભારતીય વ્યક્તિ વડાપ્રધાન પદે પહોંચી એ પહેલાં સ્ટેશન પર ચા વેંચતી હતી?’ તો તમને એનો ફ્ટાક દઈને જવાબ મળી જશે

બીજો પ્રકાર છે : `ડીપ વેબ’, જે હકીકતમાં સરફેસ વેબ કરતાં 500 ગણો મોટો વિભાગ છે, જ્યાં ઠસોઠસ માહિતી એકઠી થઈ હોય છે, પણ ચીલાચાલુ- રોજિંદા સર્ચ એન્જિનથી ત્યાં પહોંચી શકાતું નથી. એમાંથી માહિતી મેળવવા માટે વિશેષ સર્ચ એન્જિન-યોગ્ય બ્રાઉઝર અને પાસવર્ડની જરૂર પડે. એ મળે તો જ તમે જોઈતી માહિતી સુધી પહોંચી શકો, કારણ કે અહીં તમારા ઈ-મેલ ઉપરાંત બીજા પાસવર્ડ- તમારી અને તમારી ક્ંપનીના આર્થિક હિસાબ-કિતાબ- મેડિકલ રિપોર્ટ્સ-તમારા ફેસબુક-ઈન્સ્ટાગ્રામ- એક્સ ( ટિ્વટર ) જેવાં સોશ્યલ મીડિયાની વિગતો સંઘરાયેલી હોય છે. માત્ર ગૂગલ કરવાથી આ માહિતી હાથ ન લાગે.

હવે આ માહિતિના મહાસાગરની સૌથી તળિયે હોય છે ડાર્ક વેબ એટલે કે સ્ફોટક માહિતીનો મહા ખજાનો, જયાં એવી ગુપ્ત માહિતી સચવાયેલી હોય છે, જે મોટાભાગે ગેર કાનૂની છે. ત્યાં સુધી કોઈ સામાન્ય હેકર પહોંચી ન શકે, કારણ કે ત્યાંના ડેટા- માહિતીને `એન્ક્રિપશન’ સોફટવેર દ્વારા કોડમાં એટલે કે એવાં આંકડામાં ફેરવી નાખવામાં આવ્યા હોય છે કે કોઈ એને વાંચી ન શકે- ઉકેલી ન શકે. આ કામ માત્ર ડીપ વેબનો જાણકાર નિપુણ હેકર જ કરી શકે.

આવી જડબેસલાક ગોઠવણને કારણે આ ડીપ ડાર્ક વેબ પર બધા જ પ્રકારના ગોરખધંધા ચાલે છે. નશીલાં પદાર્થોથી લઈને હથિયારોની અહીં મોટા પાયે હેરાફેરી થાય છે. પોર્નોગ્રાફી-અશ્લિલ વીડિયોસનું અહીં મોટું બજાર છે. એ જ રીતે, મોટાભાગની સરકારે હજુ જેને પૂર્ણ માન્યતા નથી આપી એવી બિટ કોઈન્સ-ક્રિપ્ટોકરન્સી દ્વારા અહીં તગડા જુગાર રમાય છે- સોદા થાય છે. અરે, ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી- પ્રોટેક્શન મની પણ આ ડ઼િજિટલ ચલણમાં વસૂલ થાય છે- ચૂકવાય છે… આ ખુફિયા ડાર્ક વેબ પર અપહરણથી લઈને હત્યા સુધીની વરદી લેતાં વ્યવસાયિક અપરાધીઓ પણ હાજર હોય છે. ચોક્ક્સ રકમની સુપારી લઈ કોઈનું પણ કામ કરી આપે…! દાખલા તરીકે,આ છે એમનું મેન્યુ: રાબેતા મુજબની હત્યા કરવાનો ચાર્જ છે 45 હજાર ડૉલર- હત્યા કરીને એની લાશ ગુમ કરવાની કિમત 60 હજાર ડૉલર- મારી મારીને ધોલાઈ કરી હાડકાં ભાંગવાના 12 હજાર -જલદ એસિડથી તમારા દુશ્મનનો ચહેરો બેડોળ કરવાના 18 હજાર ને દગો દઈને ગયેલી પ્રેયસી પર બળાત્કાર કરવાના `માત્ર’ 9 હજાર ડૉલર આપો એટલે કામ તમામ!

એથી આગળ અતિ આધુનિક ડિજિટલ ટેક્નિકના જોરે એ જેટલી સિફતથી જંગી લૂંટ ચલાવી શકે છે એથી વધુ સહજતાથી સુપારી' લઈ કોઈ તગડા રાજકારણીની કિનખાબી કતલ કરી શકે છે અથવા તો તમેવરદી’ આપો તો એની સરકાર પણ ઊથલાવી શકે છે..!

ડાર્ક વેબ -ડીપ વેબ પછી હમણાં નવા પ્રકારના વેબ ક્રાઈમના કિસ્સા વધુ ને વધુ બહાર આવી રહ્યા છે. અપરાધનો આ પ્રકાર છે : ડીપફેક

-તો આ `ડીપફેક’ વળી શું છે?

વેલ, સરળ ભાષામાં સમજીએ તો કમ્પ્યુટર દ્વારા સર્જિત આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ' ( AI - કૃત્રિમ બુદ્ધિ)ની મદદથી કોઈ પણ મૂળ તસવીર કે વીડિયો ક્લિપ્સમાં જોઈતા કે ભળતા ફેરફાર કરવાની પ્રક્રિયાનેડીપફેક` કહે છે. આ ફેરફાર એટલી કુશળતાથી કરવામાં આવે છે કે એ તદ્દન સાચા ભાસે.

ફિલ્મ જગત સહિતની અનેક જાણીતી હસ્તિ- સેલિબ્રિટીસ, જેમકે મુકેશ અંબાણીથી લઈને ઐશ્વર્યા રાય-કેટરિના કેફ- રશ્મિકા મંદાના, સચીન તેંદુલકર- વિરાટ કોહલી – આલિયા- રણબીર કપૂર સલમાન-આમિર ખાન ,અક્ષયકુમાર ઈત્યાદિ,ઈત્યાદિ જેવી માનીતી જાણીતી વ્યક્તિઓ આ ડીપફેકના શિકાર બની ચૂકી છે.

-અને એટલે જ આવા જાણીતા ચહેરા પોતાના નામ સાથે અપરાધ ન થાય એટલે એને રોકવા માટે સાયબર સ્પેસના આવા કસબીઓથી ત્રાહિમામ પોકારીને પોતાના `પર્સનાલિટી રાઈટસ’ની સુરક્ષા માટે કોર્ટ સુધી પહોંચ્યા છે.

આજના ડિજિટલ યુગમાં `ડીપફેક’નો વધુમાં વધુ ઉપયોગ – કહો કે દુરુપયોગ ફેક ન્યૂઝ-ખોટા સમાચાર તૈયાર કરવામાં ઉપરાંત પોર્નોગ્રાફી સામગ્રી તૈયાર કરવામાં વપરાય છે.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના કરોડપતિ પતિ રાજ કુન્દ્રાના જ્યારથી પોર્નોગ્રાફીનાં ઢગલાબંધ સ્કેન્ડલ્સ જાહેરમાં પ્રગટ થયાં છે ત્યારથી આ ડીપફેક' શબ્દ આપણા કાને વધુ અથડાવા માંડયો, કારણ એ જ કે રાજ કુન્દ્રાના કિસ્સામાં કેટલીક મોડલ્સ- નવોદિત એકટે્રસનાં નામ માર્કેટમાં ઉછળ્યાં છે એમાંથી કેટલીકે કહ્યું છે કે એમને આ વિવાદ સાથે કંઈ લાગતું-વળગતું નથી. અમારી ઈમેજડીપફેક’ કરીને આવી પોર્નોગ્રાફી વીડિયો કે શોર્ટ ફિલ્મોમાં વાપરવામાં આવી છે..!

`ડીપફેક’ સાથે પોર્નોગ્રાફીને શું સંબંધ?

વેલ, બે વિજાતીય પાત્ર વગર પણ ઉત્તેજક ફિલ્મ કે વીડિયો તૈયાર કરી શકે છે ડીપફેકક'નો ડિજિટલ કસબ. વિદેશોમાં આડીપફેક’નો વ્યાપક ઉપયોગ અશ્લીલ ફિલ્મો- વીડિયો ક્લિપ્સ બનાવવા માટે થઈ રહ્યો છે. આવી ફિલ્મ્સ આંતરરાસ્ટ્રીય માર્કેટમાં `સિન્થેટિક પોર્ન’ તરીકે ઓળખાય છે.

બીજી તરફ હવે ઓનલાઈન બીજાની બદનામી કરવા ઉપરાંત ખંડણી વસૂલીના અપરાધ વધ્યા છે- વધી રહ્યાં છે. આપણી પોલીસ કે સાયબર ડિટેકશન સેલ માટે ચિંતાનો વિષય એ છે કે આના અપરાધીઓ મોટેભાગે આજની યુવા પેઢી છે. આવા યુવા -અપરાધી મોટેભાગે પ્રેમભંગ પછી સામેની વિજાતીય વ્યક્તિને બદનામ કરીને બદલો લેવા ઈચ્છતા હોય છે. બીજો વર્ગ એવો પણ છે કે જે માત્ર પોતાની આર્થિક તંગી ટાળવા જાણીતી હસ્તી વિશેની `ડીપફેક’ દ્વારા વાંધાજનક સામાગ્રી તૈયાર કરીને એની પાસેથી ખંડણી વસૂલવાના પેંતરા કરે છે.

આવા `ડીપફેક’ની વધુ ફરિયાદ ઉત્તર પ્રદેશ સાયબર સેલને મળે છે. છેલ્લાં સમાચાર અનુસાર 240 જેટલી ફરિયાદ મળી છે. મુંબઈ તો ફિલ્મ, ફેશન -ગ્લેમર ઉદ્યોગનું કેન્દ્ર છે. અહીં પણ 200 જેટલી ફરિયાદ પોલીસ પાસે આવી છે. આમાંથી કેટલા અપરાધી ઝડપાયા એનો ચોક્કસ આંક મળતો નથી. કેટલાક પકડાય છે તો એ ધંધાદારી અપરાધી નથી પણ હોતા.

આવા સાયબર સ્પેસના બાજીગરોથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે ઓનલાઈન પર ખુદ સાબદા રહેવું. આપણા સાયબર ક્રાઈમ સેલની સલાહ મુજબ : કોઈને આપણો પાસવર્ડ કે OTP આપવો નહીં કોઈ અજાણી લીન્ક ક્લિક કરવી નહીં ફોન પર આવતી કોઈ કહેવાતી પોલીસની `હાઉસ એરેસ્ટ’ની ધમકી ફગાવી દેવી…દુનિયાની કોઈ પણ પોલીસ ફોન પર કોઈની ધરપકડ કરતી નથી, કરી શકતી નથી!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button