હેં… ખરેખર?!: ચાલો, એલિયન માઉન્ટેન પર…

- પ્રફુલ શાહ
સોશ્યલ મીડિયા પર ચીસાચીસ વધી રહી છે: પરગ્રહવાસી આવી રહ્યા છે, એલિયન્સ આર કમિંગ. કોઇક નોસ્ત્રાડમસનો હવાલો આપે, કોઈક બાબા વાંગાને આગળ કરે છે અને અમુક પોતાના ટેરો કાર્ડ ચીપે છે કે જ્યોતિષ જ્ઞાનના ચીપિયા પછાડે છે.
માત્ર ધારણા ખાતર માની લઈએ કે એલિયન લોગ આવશે. પણ ઊતરશે ક્યાં? રહેશે ક્યાં?
શું એલિયન માઉન્ટેન પર લેન્ડિંગ કરશે? સબુર, આપને ખબર છે કે આ એલિયન માઉન્ટેન છે ક્યાં? આપણા પાડોશી દેશ શ્રીલંકામાં છે એ. શ્રીલંકાના પોલોનાવા જિલ્લાના અરલગનવિલા નજીક આવેલો છે.
દાનિગલા સર્ક્યુલર રોક. અનોખી, સપાટ ટોચવાળી ગોળ આકારની રચનાને કારણે તેને એલિયન માઉન્ટેન તરીકે ઓળખાય છે. અહીં વારંવાર જોવા મળતી ઉડતી રકાબીઓ (UFO જે દાનિગલા લાઇટ્સ તરીકે ય જાણીતી છે), પ્રાચીન ગુફાઓ અને પૂર્વઐતિહાસિક શિલાલેખો સાથે જોડાયેલો 280 મીટર ઊંચો અર્ધચંદ્રાકાર પહાડ મહત્ત્વપૂર્ણ છે.
સ્થાનિક લોકોમાં પ્રબળ માન્યતા છે આ પ્રાચીન વિમાનો માટે ઉતરાણનું સ્થળ હતું. બાય ધ વે, એનું બીજું નામ લંકેશ સાથે જોડાયેલું છે: રાજા રાવણનું સ્ટારગેટ.
આ દાનિગલા ઉર્ફે એલિયન માઉન્ટેનની વધુ વિગતો જાણવા લાયક છે. એ પોલોનાવા જિલ્લામાં, મદુ ઓયા પુરાતત્ત્વીય રિઝર્વ નજીક આવેલો છે. એની ભૂગર્ભ રચના અનોખી છે. માનો યા ન માનો, આ પહાડ કુદરતી રીતે ઘોડાનાળાકાર અર્થાત્ horseshoe-shaped છે.
તેની સપાટ ટોચ અને 360 ડિગ્રી દૃશ્ય માટે વિશેષ ઓળખ ધરાવે છે.
આ સ્થળ સાથે એલિયન યાની પરગ્રહવાસી અને ઊડતી રકાબીને લગતી અનેક દંતકથાઓ ઉપલબ્ધ છે. સ્થાનિક લોકકથાઓ અનુસાર આ વિસ્તાર અજાણ્યા હવાઈ પદાર્થોનું ફેવરિટ હોટસ્પોટ છે. અહીં આકાશમાં તેજસ્વી અને ઝડપી ગતિએ હલનચલન કરતી લાઇટ્સ જોવા મળ્યાની ઘણી વાતો થાય છે.
બીજી દંતકથા મુજબ આ સ્થળ રાજા રાવણ સાથે સંકળાયેલું છે. કહેવાય છે કે અહીં રાવણનું ઉડતું યાન (દંડુ મોનારા) ઊતરતું હતું. એક મત મુજબ આ પહાડ કદાચ પ્રાચીન કે અદ્યતન કે હવાઇપટ્ટી યાની એરસ્ટ્રિપ હોઈ શકે અને એ પણ પરગ્રહવાસીઓની!
આ અનોખા સ્થળે પુરાતત્ત્વીય શોધો પણ થઈ છે. અહીં ઈ.સ. પૂર્વે બીજી સદીની 50થી 70 પ્રાચીન, પૂર્વઐતિહાસિક ગુફાઓ મળી છે. સંશોધકોએ આ ગુફાઓમાં ભેદી-રહસ્યમય પ્રાચીન શિલાકોતરણી શોધી છે. અમુક લોકો માને છે કે આકારો પરગ્રહવાસી કે ઊડતી રકાબીના છે.
જ્યાં એલિયન્સે કદી પગ મૂક્યા હોઇ શકે એવી રોમાંચક કલ્પનાના ધણી જેવી જગ્યા પર જવું છે? તો હાઈકિગ કરવું પડે. એ કામ મોટે ભાગે કાંદેગામા રાજમહા વિહારયાથી શરૂ થઈ શકે. ટોચ સુધી પહોંચતા અંદાજે 45 મિનિટ થાય. આ સ્થળ એકસાથે હાંસલ થાય છે કુદરતી સૌંદર્ય, રહસ્યમય વાતાવરણ, સમૃદ્ધ સ્થાનિક લોકકથા અને ઐતિહાસિક દિલચસ્પીનું કોકટેલ.



