કટ ઑંફ જિંદગી – પ્રકરણ-29…

અવાવરુ કૂવામાં બૂમો પાડવાથી પડઘાતા અવાજ સિવાય બીજું કાંઇ હાથ લાગતું નથી….
સન્ડે ધારાવાહિક – અનિલ રાવલ
રાતે ઇલિયાસે આંખો ખોલી. બ્લ્યુ રંગના ઝાંખાપાંખા અજવાસમાં એણે નિર્મલને જોયો. એ સૂતો હતો. એના મોં પર માસ્ક ન હતું. ઓક્સિજનનો બાટલો નહતો. ઇલિયાસ ધીમેથી ઊભો થઇને એની પાસે ગયો. એના જમણા હાથના પંજાની નસમાં આઇવીની નિડલ ભરાવેલી હતી. બેડની બાજુના સ્ટેન્ડ પર લટકતી બોટલમાંથી થોડી થોડીવારે એક ટીપું ટપકતું હતું. ઇલિયાસે ડો. ત્રિવેદીને નર્સને સૂચના આપતાં સાંભળેલા : ‘જરૂર પડ્યે આઇવી મારફત તોસિલિઝુમેબના બે ઇન્જેક્શન પણ આપી શકાય.’ આઇવી મારફતે અપાતું આ બીજું ઇન્જેક્શન હતું.
‘દોસ્ત’, એણે ધીમે સાદે કહ્યું. કોઇ જવાબ ન મળ્યો.
‘મૈં ઇલિયાસ….કૈસે હો?’
નિર્મલે આંખો પટપટાવીને ખોલી, પણ કાંઇ બોલ્યો નહીં. ફક્ત જમણો હાથ ઊંચો કર્યો. ઇલિયાસે નિડલ ખસી જશે એની બીકે એનો હાથ પકડી લેતાં પૂછ્યુ:
‘કૈસે હો દોસ્ત?’
‘અચ્છા હું…એસા લગ રહા હૈ…’
‘અસલી ઇન્જેક્શન કા અસર હૈ….બાકી તો તૂમ અલ્લાહ કો પ્યારે હોનેવાલે થે….’ ઇલિયાસ બોલ્યો. નિર્મલ સહેજ હસ્યો.
‘તૂમ કૈસે હો?’ નિર્મલે બેઠા થવાની કોશિશ કરતા કહ્યું.
‘લગતા હૈ મૈં ભી અચ્છા હું…’ થોડીવાર અટકીને પછી બોલ્યો: ‘મૈં નિકલુંગા દો-દિન મેં….ડોક્ટર બોલે કિ કૂછ રિપોર્ટ્સ બાકી હૈ.’
‘મૈંને અબ જિંદગી ઔર મૌત કે બારે મેં સોચના હી બંધ કર દિયા હૈ…’ નિર્મલે કહ્યું.
‘દોસ્ત, તુમ ભી ઠીક હો કર બાહર નીકલોગે. યહાં સે છુટને કે બાદ હમ મિલતે રહેંગેં.’ ઇલિયાસે કહ્યું.
અચાનક રાતપાળીના એક ઇન્ટર્ન ડોક્ટરે પૂછ્યું:
‘ક્યા….કિસી કો કૂછ તકલીફ હો રહી હૈ?’
‘કોઇ તકલીફ નહીં…બાતેં કર રહે હૈ…’ ઇલિયાસે કહ્યું.
‘સો જાઓ…રાત બહુત હો ચુકી હૈ.’ ઇન્ટર્ન ડોક્ટર બોલીને ચાલતો થયો.
‘બહતરીન લોગ ઇત્તફાક સે મિલતે હૈ, ઔર
ઇત્તફાક હર કિસી કે નસીબ મેં નહીં હોતે હૈ…’
ઇલિયાસ શેર કહીને નીકળી ગયો.
*
ડો. શાહે નિર્મલનો જીવ બચાવ્યો હોવાની હકીકત જાણ્યા બાદ પવિત્રા વિચારતી થઇ ગઇ કે નિર્મલની હાલત દિવસે દિવસે વધુ કથળતી જાય છે. મનને મુંઝવી નાખતા મુંઝારાનું શું….? પળેપળની વેદનાનું શું….? માથા પર લટકતી અનિશ્ર્ચિતતાનું શું…..? ગૂંગળાવી નાખતા ધુમાડાથી ગૂંગળાતા માયલાનું શું….?
ક્યારેક આપણા મનમાં ઊઠતા સવાલોના આપણી કે કોઇની પાસે જવાબ નથી હોતા. અવાવરુ કૂવામાં બૂમો પાડવાથી પડઘાતા અવાજ સિવાય બીજું કાંઇ હાથ લાગતું નથી… ેબંધ ઓરડાના એક ખૂણામાં બેસીને રડવાથી વેદના એક ખૂણેથી બીજે ખૂણે અફળાયા કરે, બસ એટલું જ. એનાથી પીડા કે વેદના ઘટતા નથી. ખાલીખમ કૂવો કે ગૂમસૂમ ખૂણો આપણી સાથે રડતાં નથી…હિબકે નથી ચડતાં.
સૂકેતુનો ફોન આવ્યો. ક્યાંય સુધી રીંગ વાગી. પવિત્રાને થયું જાણે કૂવામાંથી પોતાનો જ અવાજ ઘૂમરાઇને પાછો ફરી રહ્યો છે. એણે કાન પર હાથ મૂકી દીધા.
‘મમ્મી, ફોન વાગે છે…’ કિનુએ દોડતી આવીને એને ઢંઢોળતાં કહ્યું.
‘હં….હં…હા…હા…’ એણે ફોન ઉપાડ્યો. કિનુ પાછી રૂમમાં જતી રહી.
‘પવિત્રા, તને ખબર પડી નિર્મલની….? ખોટું ઇન્જેક્શન અપાઇ ગયું હોત તો…..’ સૂકેતુ અટકી ગયો.
‘નિર્મલ બચી નથી ગયો. એ હજી સિરિયસ છે એટલે તો ડો. શાહે એને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવાની ના પાડી.’ પવિત્રાએ કહ્યું.
‘એ ડોક્ટર છે… આવી પરિસ્થિતિમાં શું કરવું ને શું ન કરવું એમને જ ખબર હોય.’
‘પણ સૂકેતું, મને નથી ખબર પડતી કે મારે શું કરવું…?’ પવિત્રાએ કહ્યું.
‘આપણને ખબર હોય કે આપણે કાંઇ કરી શકવાના નથી… ત્યારે આપણી પાસે છેલ્લી કક્ષાનો વિચાર કરવાનો ઉપાય છે કે વધુમાં વધુ શું થશે?’
‘સૂકેતુ, તું આ શું બોલે છે? મૃત્યુની બાબતમાં અને એ પણ પોતાના માણસના કેસમાં હું આવું કઇ રીતે વિચારી શકું? હું રોબોટ નથી. હું માણસ છું….નિર્મલની પત્ની છું.’
‘તો પછી તું બીજો એક્સ્ટ્રીમ વિચાર કર કે નિર્મલને કાંઇ નહીં થાય….’ સૂકેતુએ કહ્યું.
‘કેસની ગંભીરતા જાણતી હોવા છતાં હું આવું કઇ રીતે વિચારી શકું? તું મારી કશ્મકશ સમજ.’
‘તું બે અંતિમોની વચ્ચે ઊભી રહીને વિચારે છે. પીડા, દુ:ખ કે યાતનામાંથી તત્કાળ મુક્તિ મેળવવા તારે કોઇ એક અંતિમ બિંદુ પર રહેવું પડે.’ સૂકેતુએ કહ્યું.
*
નકલી ઇન્જેક્શનોને મામલે મુખ્ય પ્રધાને ત્રણેય સામે કચકચાવીને ખટલો ચલાવવાનો આદેશ આપ્યો હોવાથી સંબંધિત દરેક ડિપાર્ટમેન્ટ હરકતમાં આવી ગયું હતું. પોલીસ ખાતાએ આકરી સજા અપાવવા કાયદાની કડક કલમો લગાવીને કેસના કાગળિયા તૈયાર કર્યા… સરકારી વકીલે રાત જાગીને પેપરવર્ક કરી નાખ્યું. સ્થળ પરથી એકઠા કરાયેલા પુરાવાઓના ખડકલા તૈયાર રખાયા…ટીવી મીડિયાએ આખા દેશમાં હલચલ મચાવતા ન્યૂઝનો મારો ચલાવ્યો. કેસની ગંભીરતા અનેક ગણી થઇ ગઇ. એક મજાની વાત એ બની કે ત્રણેયમાંથી એકેયનો કેસ લડવા કોઇ વકીલ તૈયાર થયો નહીં. આનું કારણ સમજી શકાય એવું હતું. દુનિયાભરને ભરડો લેનારા…માનવજાતને ભરખી જનારા કોરોનાના કપરા કાળમાં ત્રણેયના અમાનુષી કારનામા. ત્રણેયને સદોષ માનવવધની આકરામાં આકરી સજાનો માચડો તૈયાર થઇ ગયો હતો. ત્રણેયના કોફીનમાં આખરી ખિલ્લો ઠોકાવાનો બાકી હતો……અને એ આખરી ખિલ્લો હતો ડો. શાહની જુબાની, પરંતુ એ પહેલાં એમનું વિધિવત નિવેદન લેવાનું હતું. ડો. શાહ એના માટે તૈયાર હતા.
*
પુત્રના પરાક્રમથી કેશુકાકા ફુલીને ફાળકો થઇ ગયા હતા. આખો દિવસ ટીવીની સામે ખોડાઇ રહેતા. આ ઘટનાથી તેઓ સોલંકીની નજીક આવી ગયા હતા…અવારનવાર સોલંકીને ફોન કરીને નિર્મલના સમાચાર પૂછી લેતા. એની પાસેથી મળેલા સમાચાર એ પવિત્રાને ફોન કરીને જણાવતા.
સોલંકીએ નિર્મલને તોસિલિઝુમેબ ઇન્જેક્શનની અસર થઇ રહી હોવાના સમાચાર આપ્યા કે તરત જ એમણે પવિત્રાને કોલ કર્યો.
‘હાંભળ, નિર્મલને ઇન્જેક્શનની સારી અસર થવા લાગી છે. તું જોજે, હમણાં બેઠો થઇ જાસે.’
નિર્મલને કાંઇ નહીં થાય એવા બિંદુ પર આવેલી પવિત્રાની આંખો સજળ થઇ.
‘થેન્ક યુ કેશુકાકા…..’ એ ભીના અવાજે બોલી.
‘અરે એમાં થેન્ક યુ નો કે’વાનું હોય…..દવા દવાનું કામ કરે ને દુવા દુવાનું કામ કરે. એક બાજુ દવાની ને બીજી બાજુ દુવાની અસર થાવા માંડી છે.’ એમણે કહ્યું.
‘કેશુકાકા, નિર્મલ ઘરે આવે પછી સૌથી પહેલા મારે તમને મળવું છે.’ પવિત્રા બોલી.
‘મળસું જલદી મળસું….આ લોકડાઉનનું ઉઠમણું થઇ જાવા દે એટલે મળસું.’ કેશુકાકા બોલીને પોતે જ હસી પડ્યા.
એક હમસફર સાથે લાગણીને તાંતણે બંધાઇ જાનારો આ માણસ કોણ છે….? આ સંબંધને શું નામ આપવું….?’ ફોન કપાઇ ગયા પછી પવિત્રા ક્યાંય સુધી વિચારતી રહી. એણે તરત જ સૂકેતુનો ફોન કર્યો.
‘સૂકુ, બે અંતિમોની વચ્ચેથી નીકળીને એક્સ્ટ્રીમ પર જઇને ઊભી રહી અને નિર્મલના સમાચાર મળ્યા. હી ઇઝ રિકવરીંગ.’
‘ઘણીવાર એક્સ્ટ્રીમિઝમ ફાયદેમંદ હોય છે. એની વે, મારી પાસે પણ એ ન્યૂઝ આવી ગયા હતા. બસ, તને કોલ કરવા જતો હતો.’
‘સૂકુ, હું તને થેન્ક યુ નહીં કહું કેમ કે તું મારો અને નિર્મલનો દોસ્ત છો. તું સાચી દોસ્તીની સાચી મિસાલ છો. તને મળીને ભેટવું છે.’ પવિત્રા બોલી.
આપણે નિર્મલને લેવા સાથે જઇશું. સૂકેતુએ કહ્યું.
*
જાફરભાઈ અને ઝુબૈદા ટીવી પર ન્યૂઝ જોઇને ગભરાઇ ગયાં હતાં. ગભરાટમાં સોલંકીને ફોન કરીને વાત જાણી લીધી. ઇલિયાસના સમાચાર પૂછી લીધા પછી થોડી રાહત અનુભવી હતી. બીજે દિવસે ખુદ ઇલિયાસે ફોન કરીને અમ્મી સાથે વાત કરી હતી.
‘અમ્મી, મૈં ખૈરિયત સે હું….ફિકર ના કરેં….’
‘અલ્લાહ કા શુકર હૈ……બસ, તૂ જલદી ઘર આજા….મૈં તેરા ચાંદ સા મુંહ દેખુંગી…વો મેરી ઇદ હોગી…’
‘ખુદા હાફિઝ…’ ઇલિયાસે ફોન કટ કર્યો.
*
એક રાતે એમ્બ્યુલન્સોના અવાજે આખી હોસ્પિટલને જગાડી દીધી. હોસ્પિટલમાં હલચલ મચી ગઇ. અડધી રાતે એક કલાકમાં લગભગ ચાળીસ નવા પેશન્ટ્સ આવ્યા. દિવસની ડ્યૂટી કરીને ઘરે ગયેલાં તમામને પાછા બોલાવી લેવાયા. દરેક દરદીની ફોર્માલિટી પૂરી કરીને દાખલ કરવામાં આખું તંત્ર કામે લાગી ગયું. હોસ્પિટલના સિનિયર ડોક્ટરો, નવા ઇન્ટર્ન ડોક્ટરો, નવી જૂની નર્સ અને વોર્ડબોય સહિત તમામ દોડધામ કરી રહ્યા હતા. આમાંના કેટલાક ગંભીર દરદીઓને સીધા ઓક્સિજન પર રખાયા….કેટલાકને ઇન્જેક્શન આપવાની શરૂઆત કરવામાં આવી.
હોસ્પિટલના આંગણે બાંધેલું શામિયાણું ભરાઇ ગયું. લોબીમાં સામસામે પથારીઓ કરાઇ….પથારીઓ વચ્ચેનું અંતર ઘટાડીને પાથરણાં પાથરી દેવાયા…બે બેડ વચ્ચેની જગ્યામાં પથારીઓ ઊભી કરાઇ.
અચાનક બીજી કટોકટી ત્રાટકી. દરેક વોર્ડમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ વધવા લાગી. દરદીઓ ટપોટપ મરી રહ્યા હોવાના સમાચાર પ્રસરી ગયા. કોલાહલ મચી ગયો. અંધાધૂંધી સર્જાઇ. એક તરફ નવા દરદીઓને ભરતી કરવાની કામગીરી ચાલતી હતી ને બીજી તરફ મૃત દરદીઓના નિકાલનો વિધિ થતો હતો. કોઇ પાસે વિચારવાનો સમય નહતો. ડો. શાહે સોલંકીને સાઇડમાં બોલાવ્યો.
‘સોલંકી, આપણે ઇન્જેક્શનો ચેક કરવા પડશે….કદાચ ઇન્જેક્શનો નકલી હોય.’ સોલંકીને ધ્રાસ્કો પડ્યો.
‘સર, સીએમએ ખાતરી આપીને અસલી ઇન્જેક્શનો મોકલ્યા છે.’ સોલંકી બોલ્યો.
‘ભૂલ કોઇથી પણ થઇ શકે છે સોલંકી….આપણે દૂધના દાઝેલા હતા…છાશ ફૂંંકીને પીવી જોઇતી હતી.’ ડો. શાહે કહ્યું.
સોલંકી અને ડો. શાહ ઉપર જઇને ઇન્જેક્શનોના બોક્સ ખોલીને ચેક કરવા માંડ્યા. લગભગ હજારેક ઇન્જેક્શનો પરનું લખાણ વાંચતા ગયા…..અસલી ઇન્જેક્શનો બાજુ પર મુકતા ગયા.
‘સર, આ છેલ્લું બોક્સ છે જેમાંથી ઇન્જેક્શનો વપરાયા છે.’ સોલંકીએ કહ્યું.
ડો. શાહ ચેક કરવા લાગ્યા. સોલંકી પણ અધ્ધર શ્વાસે એમાં જોડાયો. છેલ્લું આખું બોક્સ ચેક કરી લીધા બાદ બંનેએ નિરાંતનો શ્વાસ લીધો… પણ, ટપોટપ થઇ રહેલા મૃત્યુનો પ્રશ્ન યથાવત રહ્યો. બંને ચિંતિત ચહેરે પાછા ફર્યા. ત્યારે વોર્ડબોયઝ અને ઇન્ટર્ન ડોક્ટરો કાળા પ્લાસ્ટિકમાં પગથી માથા સુધી મુશ્કેટાટ બાંધેલા મૃતદેહોને હોસ્પિટલની બહાર ઝાડ નીચે ખડકવા લઇ જઇ રહ્યા હતા. બહાર ઝાડ નીચે ઊભેલા બે જણ પ્લાસ્ટિક પર દરદીનું નામ અને નંબર ચોંટાડતા હતા. દરદીના નામ કરતાં દરદીનો નંબર મોટા અક્ષરે લખેલો હતો. મૃત્યુ બાદ દરદી નંબર બનીને રહી ગયો હતો….
(ક્રમશ:)



