ઉત્સવ

કટ ઑંફ જિંદગી – પ્રકરણ-16

  • સન્ડે ધારાવાહિક – અનિલ રાવલ

‘સર, લાગે કે ટીવી ન્યૂઝની અસર પડી પણ અવળી અસર.’ સોલંકીએ કહ્યું. ડો. શાહ અને સોલંકીની પાછળ જયમાલા, રમેશ, ગોપાળ અને હરિ પણ હતાં. બધાં વોર્ડની બહાર ઊભા રહી ગયાં. જયમાલાએ વોર્ડનો દરવાજો ખોલ્યો. ડો. શાહ અને સોલંકી અંદર ગયા…એની પાછળ જયમાલા ગઇ. બાકી બધા બહાર ઊભા રહ્યા.

મિસ એક્સના બેડની આસપાસ બીજી મહિલા દરદીઓ ઊભી હતી. મિસ એક્સ બે ગોઠણની વચ્ચે માથું નાખીને હિબકાં ભરી રહી હતી.

‘પતા નહીં કોઇ બુરખેવાલી કો દેખ કર યે ચિલ્લાઇ.’ એક દરદી બોલી.

‘બાદ મેં રોને લગી….તબ સે રો રહી હૈ….બિચારી ગૂંગી ક્યા બોલેગી…’ બીજી એક દરદીએ કહ્યું. જયમાલાએ એની પીઠ પર હાથમોજાં પહેરેલો હાથ મૂક્યો. મિસ એક્સે ઊંચું જોયું.

‘કૌન થા વો…તુમ્હારા ક્યા લગતા હૈ….?’ જયમાલાએ ઇશારેથી પૂછ્યું. જવાબમાં માત્ર એની રડતી આંખ જોવા મળી.

‘બધાની હાજરીમાં કહેવા માગતી ઓહે તો પણ ની બોલે…’ સોલંકી બોલ્યો.

‘આપ સબ સો જાઓ.’ જયમાલાએ બીજી બધી દરદીઓને પોતપોતાના બેડ પર જતા રહેવા કહ્યું.

‘એ તારો હસબન્ડ હતો?’ સોલંકીએ હાથ વડે અભિનય કરતા પૂછ્યું.

‘ના, એ મારો હસબન્ડ નહતો….મારે એની સાથે નથી જવું…મને પ્લીઝ એની સાથે નહીં મોકલતા.’ મિસ એક્સે આંખમાં આંસુ, હાથના ઇશારે અને મૂક વાણી થકી લાચારી ભરી વિનવણી કરી.

‘તને અહીંથી કોઇ ક્યાંય નહીં મોકલે. તું અહીં અમારી પાસે સુરક્ષિત છો બિલકુલ ચિંતા ન કર.’ ડો. શાહે ધીરજ બંધાવતા શબ્દોમાં કહ્યું.

‘જયમાલા તું થોડીવાર એની પાસે રહે’ કહીને ડો. શાહ ચાલતા થયા.

‘સોલંકી, અગર બુરખાધારી માણસ એનો પતિ નહતો તો એ કોણ હતો?’ ડો. શાહે પૂછ્યું.

‘સર, આનો જવાબ હો આપણને એટુઝેડ ચેનલવાળો સંજુ જ મેળવી આપહે.’

‘સોલંકી, યુ ટેક રેસ્ટ નાઉ…હું આવું છું.’ ડો. શાહે કહ્યું.


ડો. શાહ હોસ્પિટલના ગેટ પર પહોંચ્યા ત્યારે મિશ્રા ઝોકાં ખાતો બેઠો હતો.

‘મિશ્રાજી, અબ તો જાગો.’

‘સાહબ, હમ તો જાગ હી રહે હૈ, બસ સસૂરી ઉસી વક્ત જરા આંખ લગ ગઇ.’ કાયમ નિંદરને શરણ રહેતો નિંભર મિશ્રા બોલ્યો.

‘એક રાત દો લોગ મિસ એક્સ કો મરને કે લિયે યહાં છોડ કર ચલે ગયે ઔર આજ એક આદમી મિસ એક્સ કો શાયદ મૌત સે ભી બદ્તર જિંદગી દેને કે લિયે ઘૂસ આયા. તુમ જાગ જાઓ…જાગતે રહો. તુમ્હારે જાગને સે શાયદ કિસી કી જિંદગી બચ જાયે.’

ડો. શાહની ગહન ફિલસૂફી મિશ્રાને પલાળી ગઇ કે નહીં એ તો કળી શકાયું નહીં, પરંતુ એણે ઊભા થઇને બાટલીમાંથી પાણીની છાલકો મોં પર મારીને ઊંઘ ઉડાડવાની કોશિશ કરી.


કેશુકાકા હાથમાં મોબાઇલ લઇને રૂમમાં આંટા મારી રહ્યા હતા. ‘નિર્મલને આટલું બધું થઇ ગ્યું ને મને ખબર ય નો પડી. ઇમર્જન્સી વોર્ડમાં છે. મેં ફોન નંબર નો લીધો ઇમાં ગોટાળો થૈ ગ્યો. એની બૈરી હાર્યે વાત હું કરવી. હું પૂછવું. એ બિચારી ય દુ:ખી હશે. એને પૂછીને દુ:ખમાં વધારો કરવો હારું નૈ લાગે.’ કેશુકાકાને કોઇના મૃત્યુ પર ખરખરો કરવા કરતા પવિત્રા સાથે વાત કરવાનું અઘરું લાગી રહ્યું હતું. ‘ના, પણ એની હાર્યે વાત કરું તો એને થોડું હારું લાગશે….ને મારા મનને ય થોડી રાહત થાશે.’ કેશુકાકાએ ફોન જોડ્યો. થોડીવારે પવિત્રાએ ઉપાડ્યો.

‘હેલો…કોણ?’

‘હું કેશુભાઇ ગજેરા. હું અને નિર્મલ વિમાનમાં હારે જ હતા. બાજુ બાજુમાં જ બેઠા’તા.’

પવિત્રાને કોઇની સાથે વાત કરવામાં રસ નહતો, પણ પ્લેનમાં સાથે હોવાનું જાણીને એની ઇન્તેજારી વધી.

‘નિર્મલને રસ્તામાં કોઇ તકલીફ થતી હતી?’ પવિત્રાએ પૂછ્યું.

‘ના ના ઇને કાંઇ કરતા કાંઇ નો’તું. ઉલ્ટાનું એણે મને બઉ હાંચયવો આખે રસ્તે. આંઇ એરપોર્ટ પર ચેકિંગ કયરું એમાં બધો ગોટાળો થૈ ગ્યો. પેલા મારું ચેકિંગ થ્યું. મને કીધું જાવ તમે, પણ હું તો ન્યા જ ઊભો રિયો નિર્મલની વાટ જોતો. પછી ઇનું ચેકિંગ કરીને એને સીધો બેહાડી દીધો એમ્બ્યુલેન્સમાં ને લઇ ગ્યા…મેં બૂમો મારી પણ..કોણ હાંભળે…એમ્બ્યુલેન્સ મારી મૂકી. પાછો બીજો ગોટાળો ઇ થૈ ગ્યો કે અમે એકાબીજાના મોબાઇલ નંબર નો લીધા. મારા છોકરાએ માંડમાંડ ક્યાંકથી ઇસ્પિતાલનો નંબર ગોયતો ને ન્યાંથી કોઇ ભલા માણહે તમારો નંબર આયપો.’

‘તમારો ખૂબ ખૂબ આભાર તમે ખબર પૂછ્યા.’ પવિત્રાએ કહ્યું.

‘હું તને ઇના ખબર પૂછતો રઇસ અને બેટા, તું કોઇ વાતે મુંઝાતી નૈ…આ કેશુકાકો બેઠો છે.’

એક અજાણ્યા માણસના શબ્દો પવિત્રાની આંખ ભીની કરી ગયાં.


ઇલિયાસના કાર્ડિયોગ્રામનો રિપોર્ટ લઇને ડો. ત્રિવેદી ડો. શાહ સામે ઊભા હતા.

‘માઇલ્ડ અટેક હતો.’ એમણે કહ્યું. ઇલિયાસની હાલત જોઇને ડો. શાહે એ જ વખતે કરેલું નિદાન સાચું પડ્યું.

‘સર, વન મોર પ્રોબલમ ઇઝ હાઇપરટેન્શન, બીપી. એને લઇને સમસ્યા વકરી શકે છે. બ્લડ પ્રેશર ઓછું થતું નથી અને ઓક્સિજન લેવલ ઓછું-વધતું થયા કરે છે. ધીસ વિલ એડ ટુ સમ મોર પ્રોબલમ.’

‘ઓહ, મલ્ટીપલ પ્રોબલમ્સ. સતત મોનિટર કરતા રહો.’ ડો. શાહ માત્ર એટલું જ બોલ્યા.

‘સર, એટ ધીસ સ્ટેજ, ડુ યુ થિંક આપણે એના મા-બાપને જાણ કરવી જોઇએ?’

‘નો નો….નોટ નાવ…આપણે અત્યારે એમને ખબર આપીને એમની ચિંતામાં વધારો કરવા સિવાય બીજું કંઇ કરવાના નથી. ડો. ત્રિવેદી, આપણું કામ દરદીઓના સગાઓને ગભરાવવાનું નથી, ચિંતામુક્ત કરવાનું છે.’

‘સર, બીજા એક બેડ ન્યુઝ છે. આજે એક જ દિવસમાં…અત્યાર સુધીમાં આપણી હોસ્પિટલમાં અઢારનાં મોત થયાં છે. એમના સગાઓને સ્મશાને પહોંચી જવાનું જણાવતા કોલ સોલંકી કરે છે.’

‘હા, મને સોલંકીએ કહ્યું’ ડો. શાહે કાંડું ફેરવીને ઘડિયાળમાં જોયું. ‘સાંજના છ થયા છે. હજી રાત બાકી છે.’ ડો. શાહ ઊંડો નિ:સાસો નાખીને બોલ્યા.


‘મેરે બચ્ચે કો હાર્ટ એટેક આયા હૈ…’ સોલંકીએ વાત કરી ત્યારથી જાફરભાઇને મુંઝારો ચડ્યો હતો. ગળે ડૂમો અટકી ગયો હતો. તેઓ ઝુબૈદાને સાચું કહી શક્યા નહીં ને એના દેખતા સોલંકી સાથે ખુલીને વાત ન થઇ શકી. લોકડાઉનને લીધે નીચે જઇને ફોન કરીને જાણી શકાય એમ પણ નહતું. ઝુબૈદા નહાવા જાય ત્યારે સોલંકીને ફોન કરીશ. એવા ખયાલ સાથે એણે પૂછ્યું: ‘તૂમ પહેલે નહાને ચલી જાઓ, મૈં બાદ મેં જાઉંગા.’

‘તુમ્હારા દિમાગ તો ઠીક હૈ. મૈ કબ સે નહા ચૂકી હું. નમાઝ ભી અદા કી…. આપ કા ધ્યાન કિધર હૈ?’

જાફરભાઇ ઝુબૈદાને કેમ કરીને સમજાવે કે ધ્યાન અને મન ક્યાં ચોટેલાં છે ને શ્વાસ ક્યાં અટકેલો છે. કોઇક રસ્તો કાઢવો પડશે ફોન કરવાનો. આમ દિલ પર પથ્થર રાખીને વધુ નહીં રહી શકાય. જાફરભાઇ સટ્ટાક દઇને ઊભા થયા.

‘મૈં નીચે જા રહા હું. અપને કોર્પોરેટર ફકીરભાઇ સે મિલને. ઇલિયાસ સે મિલને કી બાત કરની હૈ.’

‘અરે ઇસ લોકડાઉન મેં જાઓગે? ચપ્પે ચપ્પે પર પુલીસ હોગી.’

‘ગલી કે નાકે પર તો ઘર હૈ ઉસકા….કૌન સા લંબા જાના હૈ. જાફરભાઇએ કહ્યું.

‘અરે વો નામ કા ફકીર હૈ. ફકીર જૈસા કામ નહીં કરતા વો. આપ કો મુલાકાત ભી નહીં દેગા. ઉસકે પાસ વક્ત કહાં હોતા હૈ?’

‘અબ તો વક્ત હી વક્ત હૈ સબ કે પાસ. મૈં બસ, યું ગયા ઔર યું આયા.’ જાફરભાઇએ મોબાઇલ ખિસ્સામાં મૂક્યો અને ઘરની બહાર નીકળી ગયા. સોલંકીને ફોન કરવાની ઉતાવળમાં એક સાથે બબ્બે દાદર ઉતરવા લાગ્યા. પાછળ જ ઊભેલી ઝુબૈદાએ જોયું.

‘અરે ધીરે ધીરે ઊતરો…કોર્પોરેટર ભાગ નહીં જાયેગા.’

જાફરભાઇએ પાછું વળીને જોયું. ઝુબૈદાને ઊભેલી જોઇને ધીમા પગલે ઉતરવા લાગ્યા, પણ એને ચડેલી હાંફ ઊતરતી નહોતી! ગલીમાં આવીને એણે મોબાઇલ કાઢ્યો અને પાછા વળીને ઉપર જોયું. ઝુબૈદા બારી પકડીને ઊભી હતી. જાફરભાઇએ મોબાઇલ પાછો ખિસ્સામાં સરકાવી દીધો. થોડા આગળ જઇને એક દુકાનને ઓટલે બેસીને ફોન લગાડ્યો.

‘સોલંકી સાબ, મૈં ઇલિયાસ કા વાલિદ….’ અગાઉ સોલંકીને મોઢે જે સાંભળી ચુક્યા હતા એ ફરી સાંભળવાની હિંમત એકઠી કરીને એમણે ફોન કાન પર દાબી રાખ્યો.

‘હાં, હાં, પહેચાન લિયા. ઉસ દિન આપ ક્યા બોલ રહે થે…મુઝે કૂછ સમજ મેં નહીં આયા….’ સોલંકીએ કહ્યું.

‘ઇલિયાસ કી અમ્મી સામને થી. મૈંને અભી તક ઉસકો બતાયા નહીં હૈ. મૈં બેટે કી હાલત સેહ નહીં સકતા ઔર ઉસકી અમ્મી કો સચ કેહ નહીં પાતા’

‘જાફરભાઇ, ઇલિયાસ કો માઇલ્ડ હાર્ટ એટેક આયા હૈ.’ એ આટલું જ બોલીને આગળ કહેવા ગયો, પણ પોતેય જાફરભાઇની જેમ બન્ને બાજુથી ઘેરાયેલો છે એવું લાગ્યું. ઇલિયાસની બીજી બધી હેલ્થની હકીકત જણાવે તો એના માબાપને દુ:ખ થાય અને સાચું ન કહે તો પોતાનું મન ડંખે.

‘સારવાર હો રહી હૈ….ફિકર ન કરો. જવાન લડકા હૈ. ઠીક હો જાયેગા.’ સોલંકી સારી રીતે જાણતો હતો કે પોતે જાફરભાઇની સાથે વાત કરી રહ્યો છે, પણ ઇલિયાસને કોઇ પણ ઘડીએ કાંઇ પણ થઇ શકે એમ છે.
કાળમુખા કાળમાં કમોત સામાન્ય બની ગયા હતા એવા વખતે સોલંકીના ઠાલાં શબ્દો સાંત્વના આપવામાં નિષ્ફળ ગયા, આમછતાં સોલંકીને ખોટું બોલવું જ યોગ્ય લાગ્યું હતું. અંતે તો એ પોતે પણ સાંપ્રત સંજોગોમાં દુનિયાના લાચાર લોકોમાંનો એક લાચાર જીવ જ હતો.

જાફરભાઇ ક્યાંય સુધી દુકાનના ઓટલે બેસી રહ્યા. એમણે નક્કી કરેલું કે રડવું નથી, પણ, પોક મુકાઇ ગઇ. ગળે બાઝેલો ડૂમો ગળું ફાડીને બહાર નીકળ્યો. અવાજ સાંભળીને આસપાસની કેટલીક બારીઓ ઉઘડી. એક નાની છોકરી ઘરની બહાર દોડી આવીને પૂછવા લાગી: ‘જાફરચાચા, ક્યા હુઆ? ક્યોં રો રહે હો?’

અને અચાનક મહોલ્લાની એક ખિડકીમાંથી ચિલ્લાતો અવાજ આવ્યો: ‘સાદિયા, અંદર આઓ…છૂના નહીં…છૂના નહીં…!’ (ક્રમશ:)

આપણ વાંચો:  ટ્રમ્પ આવાં ગાંડાંઘેલા કેમ કાઢે છે… એમાંય એમની કોઈ ચોક્કસ ગણતરી છે કે શું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button