કટ ઑંફ જિંદગી - પ્રકરણ-14 ખોટું કહેવાથી હકીકત બદલાઇ નથી જતી અને જે બદલાઇ જાય તે હકીકત નથી હોતી… | મુંબઈ સમાચાર
ઉત્સવ

કટ ઑંફ જિંદગી – પ્રકરણ-14 ખોટું કહેવાથી હકીકત બદલાઇ નથી જતી અને જે બદલાઇ જાય તે હકીકત નથી હોતી…

  • અનિલ રાવલ

‘શું થયું હશે નિર્મલને?’ અમંગળ વિચારો પવિત્રાના મનને ઘેરી વળ્યા.

એના કપાળ પર પરસેવાની બુંદોની સાથે એની નિ:સહાયતા અને ચિંતા બાઝી ગઇ. કિનુના રડવાનો અવાજ ઘરના ખુણેખુણે ફરી વળ્યો.

મમ્મીના હિબકાં શાંત પડી ગયાં, પણ આંસુ દડદડ વહેતાં રહ્યાં. આંખોમાં ઝળઝળિયાં ભરીને બેઠેલા પપ્પાજી કિનુના આંસુ લૂછી રહ્યા હતા. મમ્મીજીએ પવિત્રાના પીઠ પર હાથ ફેરવ્યો ને એના કાનમાં જાણે શ્રદ્ધા અને પોઝીટીવીટીનો નાદ ગૂંજી ઉઠયો. પવિત્રાએ હથેળીઓ વડે પાંપણે થીઝેલા આંસુઓ લૂછ્યા. એણે સુકેતૂને ફોન લગાડ્યો.

‘હેલ્લો…સુકુ.’ સ્વસ્થ રહેવા મથી રહેલી પવિત્રાએ આખી વાત કહી.

‘હું તપાસ કરીને કહું તને.’ સુકેતુએ કહ્યું


સુકેતુએ નિર્મલના મોબાઇલ પર ફોન જોડ્યો. ઇલિયાસે તરત જ ફોન ઉપાડી લીધો.

‘આપ કૌન?’ સુકેતુએ પૂછ્યું.

‘ઇલિયાસ….બાજુવાલા બેડ…નિર્મલ કા મોબાઇલ ઇધર હી હૈ.’ એણે મોબાઇલના સ્ક્રીન પર જોયું. પછી બોલ્યો: ‘બેટરી ડાઉન હૈ. કભી ભી ફોન બંધ હો જાયેગા.’

‘હેલો મેં નિર્મલ કા દોસ્ત સુકેતૂ….નિર્મલ કો ક્યા હુઆ હૈ…તબિયત કૈસી હૈ?’ બેટરીનું સાંભળતા જ સુકેતુ ઉતાવળે બોલ્યો.

‘ઉસકો સાંસ લેને મેં તકલીફ હો રહી થી. ડોક્ટર મેડમ બોલી કી ઓક્સિજન લેવલ કમ હોય ગયા હૈ!’

સુકેતુને નિર્મલની કન્ડિશનનો અંદાજ મળી ગયો. વાત ઓક્સિજન લેવલે પહોંચી છે. સંકેત સારા નથી. શું કહેવું એની મૂંઝવણ સાથે એણે ફોન કટ કરીને પવિત્રાને કોલ લગાડ્યો.

‘પવિત્રા, નિર્મલનું ઓક્સિજન લેવલ ઓછું થયું છે, પણ સમયસર ઓક્સિજન આપવાથી લેવલ નોર્મલ પણ થઇ શકે છે.’

કોણ જાણે કેમ પણ પહેલીવાર પવિત્રાને સુકેતુની વાત ખોખલી હૈયાધારણ લાગી. એ ચૂપ રહી.

‘જો મારી વાત સમજ, કદાચ આમાં ઓક્સિજન લેવલ ઘટી જવું સામાન્ય છે. ઓક્સિજન લેવલમાં આવી જશે.’ સુકેતુએ સમજાવવાની કોશિશ કરી.

‘સૂકુ, જે હોય તે મને સાચું કહી દે…’

‘પવિત્રા, હું તને સાચું જ કહી રહ્યો છું.’

ખોટું કહેવાથી હકીકત બદલાઇ નથી જતી અને જે બદલાઇ જાય તે હકીકત નથી હોતી..સુકેતુને એ ઘડીએ પવિત્રાને ખોટો દિલાસો આપવાનું સૂઝ્યું.


હરેશને એટુઝેડ ચેનલ પર ન્યૂઝ સાંભળ્યા પછી સંજુને ફોન કરવાની ઇચ્છા થઇ, પણ પછીથી એવો વિચાર આવ્યો કે આ રીતે ચેનલવાળાને ફોન કરવાથી પોતે ફસાઇ જશે, મૂંગીને પાછી લાવવી પડે…અને બચીબાઇ મૂંગીને રાખવા તૈયાર નથી…એટલે સીધું જી. જી. ભોય હોસ્પિટલે જ પહોંચી જવું પડે. મૂંગી સાજી થઇ જાય પછી સમજાવી-પટાવીને એની સાથે ઘર માંડી લઉં, ધંધો કરાવું ને એયયય પછી જલસા જ જલસા. આમેય સાલી બચી હવે સાવ ટાઢી થઇ ગઇ છે. સાલ્લું આ લૉકડાઉનમાં હૉસ્પિટલે પહોંચવું કઇ રીતે. એના મનમાં જાગેલો સવાલ કોરોનામાં ઘરાકને અડ્ડામાં તાણી લાવવા કરતાય વધુ અઘરો હતો. જોકે હરેશ દલાલ હતો અને એ પણ બાઇઓનો દલાલ. એણે ઝટ દઇને સવાલને હલાલ કરી નાખ્યો. બચીબાઇ નહાવા ગઇ કે તરત જ એ ત્યાંની એક છોકરીની ઓરડીમાં ગયો. કોઇ સાંભળે નહીં એમ એના કાનમાં કંઇક કહ્યું. છોકરીએ હકારમાં માથું ધુણાવ્યું. હરખાતો હરેશ ટીવીની ચેનલ ફેરવવામાં મશગુલ થઇ ગયો.


સુકેતુને જવાબ આપ્યા પછી ક્યાંય સુધી ઇલિયાસ ચૂપચાપ બેસી રહ્યો. એની નજરની સામે એણે નિર્મલને ઇમરજન્સી વોર્ડમાં લઇ જતા જોયો હતો, એને તરફડતો જોયો હતો, ઉપરનીચે થતો શ્વાસ, મોઢેથી શ્વાસ લેવા માટેનો તડફડાટ, અદ્ધર ચડી ગયેલી આંખો…‘અલવિદા દોસ્ત’ કહેતી એની નજર…બધું એની નજર સામે તરવા લાગ્યું.

કોરોનામાં આવું બધું થતું હશે? એને આ ચેપી રોગની ભયંકરતાનો ખ્યાલ આવ્યો. થોડી થોડીવારે એ ગભરાઇને પથારીમાં બેઠો થવા લાગ્યો. નિર્મલની હાલત કેવી હશે? પોતાના આ દોસ્ત વિશે કોણ કહેશે? નર્સ કે વોર્ડબોય દેખાય તો પૂછી લઉં. વોર્ડનો દરવાજો ખુલતો નથી. કોઇ આવતું જતું નથી. ઇલિયાસની બેબસી વધી રહી હતી. ‘કોઇ તો બતાવો…મારો દોસ્ત કેમ છે. કોઇ તો બતાવો…’ એણે મોટેથી બૂમ મારી. આસપાસ ફફડતી કેટલીક આંખોએ એને તાકતી રહી. એ દરવાજાની બહાર ધસી ગયો. લોબીમાં પણ કોઇ ન મળ્યું. ઉપર જઇને જોઇ આવવાની એને ઇચ્છા થઇ. અચાનક એણે હરિને ઓક્સિજનના બાટલા સાથે ઉતાવળે લિફ્ટનો દરવાજો ખોલતા જોયો. હરિએ ઓક્સિજનનો બાટલો અંદર ધકેલ્યો. ઇલિયાસની નજર ઓક્સિજનના બાટલા પર પડી. એના પેટમાં ફાળ પડી. એ દોડતો ત્યાં પહોંચી ગયો.

‘ઠહેરો, ઠહેરો’ ઇલિયાસે બૂમ મારી.
‘બાદમેં બાદમેં અભી ઇમરન્સી હૈ…’ લિફ્ટના દરવાજાની જાળી ખેંચાઇ અને ઑક્સિજનના બાટલા સાથે ડચકાં ખાતી લિફ્ટ ઉપર જવા લાગી.

લિફ્ટની જાળીમાંથી ઉપર જોઇને એ બૂમ મારતો રહ્યો: ‘નિર્મલ, મેરા દોસ્ત નિર્મલ કૈસા હૈ…?’

કોઇ જવાબ આવ્યો નહીં. ઇલિયાસ વોર્ડમાં પાછો ફર્યો. નમાઝની તૈયારી કરી. આંખો મીંચી. માથું જમીન પર ટેકવીને બોલ્યો: ‘યા રબ્બા, મૈં મેરે લિયે કૂછ નહીં માગ રહા હું. મેરે દોસ્ત કો અચ્છા કર દો. મેરે દોસ્ત કો અચ્છા કર દો.’ નમાઝ અદા કરી રહેલા ઇલિયાસનું શરીર અચાનક ડાબી બાજુ નમી ગયું. એ ઢળી પડ્યો.


નિર્મલના બેડ પર પડેલો મોબાઇલ વાગ્યો. ક્યાંય સુધી વાગતો રહ્યો. કોઇ જવાબ નહીં મળતા બેબાકળી બનેલી પવિત્રાએ સોલંકીના મોબાઇલ પર ફોન કર્યો. સોલંકી પવિત્રા સાથે વાત કરતા કરતા ઇલિયાસના વોર્ડમાં જઇ રહ્યો હતો.

‘હા, હા, પવિત્રાબેન ડોક્ટરો લાગેલા જ છે. બધું ભગવાન પર છોડી દો. હું તાં જ ચાયલો, નિર્મલભાઇનો મોબાઇલ મારી પાસે લઇ લેવા….હમણાં જ લઇ લેવા…સોલંકી વાત કરતા અટકી ગયો. એણે ઢળી પડેલા ઇલિયાસને જોયો.
‘બેન, બેન, પછી વાત કરું ઇમરજન્સી છે.’ એણે ફોન કટ કર્યો. પવિત્રા થરથર કાંપવા લાગી.

‘ઇમરજન્સી? શું થયું હશે નિર્મલને?’

સોલંકીએ નીચે વળીને જોયું. ઇલિયાસ બે પલંગની વચ્ચે પડ્યો હતો…. ડાબી બાજુ ઢળેલો. સોલંકીને એના ઊંહકારા સંભળાયા.

‘જ્યોતિ, હરિ, ગોપાળ, કોણ છે….જલ્દી આવો.’ સોલંકીએ બૂમ મારી.

રમેશ દોડતો આવ્યો. ‘રમેશ, ડોક્ટરને જલદી બોલાવ.’ નવોસવો ગભરાઇ ગયેલો રમેશ ડોક્ટરને બોલાવા દોડી ગયો. તરત જ આવી પહોંચેલી જ્યોતિને જોઇને: ‘જ્યોતિ, ટ્રીટમેન્ટ ચાલુ કરાવ. હું ચાયલો ઇન્જેક્શનનો સ્ટોક લેવા બીએમસી ઓફિસે.’


સોલંકી મહાનગરપાલિકાની હેડ ઓફિસે પહોંચ્યો. એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસર સંજય બાગ્વે એની રાહ જોઇને જ બેઠા હતા. દરવાજે ટકોરો મારીને એ કેબિનમાં દાખલ થયો. એના આશ્ર્ચર્યની વચ્ચે કેબિનમાં અન્ય એક જણ પણ હતો. સોલંકીએ એની સામે જોયું કે તરત જ બાગ્વેએ ઓળખાણ કરાવી: ‘યે રસિકભાઇ હૈ….દવા બાઝાર કે મહારથી…ઔર યે મેરા સબ સે કાબિલ હેલ્થ ઓફિસર ઔર મેરા ખાસ સોલંકી.’

‘જાનતા હું….યે મુઝે નહીં જાનતે. અમારો ગુજરાતી જણ છે.’ રસિકભાઇએ માસ્ક હટાવતા કહ્યું. સોલંકીએ માસ્ક પાછળનું મોં મલકાવ્યું. બાગ્વેએ ટેબલની નીચે મૂકેલું નાનું બોક્સ કાઢીને ટેબલ પર મૂકયું. ‘દસ ઇન્જેક્શન હૈ…’
‘સર, બહુત કમ હૈ…પેશન્ટ્સ બઢ રહે હૈ…’ સોલંકી બોલ્યો.

‘ઔર ભી મિલેગા.’ બાગ્વેએ થર્મોસમાંથી ચા કપમાં રેડવાની શરૂઆત કરી.

‘સર, મુઝે ચાય નહીં ચાહિયે. ઘર કી બનાઇ હુઇ ચાય હૈ…બાગ્વે બોલ્યો.

‘નહીં સર, મૈં નીકલતા હું…ઔર સર, ઓક્સિજન બોટલ્સ કા સ્ટોક ભી ચાહિયે.’

‘મૈં જલ્દ હી બંદોબસ્ત કરતા હું ડોન્ટ વરી.’ બાગ્વેએ કહ્યું.

‘આવજો રસિકભાઇ.’ કહીને સોલંકી નીકળી ગયો.


ડો. શાહ અને ડો. સાળુંખે ઇમરજન્સી વોર્ડમાં દાખલ થયા. બન્નેએ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) પહેર્યા હોવાથી તેઓ ઝડપથી ચાલી શકતાં નહતાં, પણ મનની ઉતાવળ એમની ચાલને ઝડપી બનાવવાનો પ્રયાસ કરતી હતી. બંને નિર્મલના બેડ પાસે ઊભા રહી ગયાં જ્યાં નિર્મલને કન્ટિન્યુઝ પોઝિટિવ એર-વે પ્રેશર (સીપીએપી-વેન્ટિલેટર) પર રાખવામાં આવ્યો હતો. ડો. સાળુંખે એમને નિર્મલની છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિથી વાકેફ કરવા લાગ્યાં.

‘સર, અચાનક એમને શ્વાસની તકલીફ થવા લાગી એટલે અત્યારે તો સીપીએપી ટ્રિટમેન્ટ ચાલુ કરી છે. કદાચ નોર્મલ થઇ જાય.’ ડો. શાહ અને ડો. સાળુંખે અર્ધબેભાન અવસ્થામાં પડેલા નિર્મલની ધીમી શ્વસન ક્રિયા જોઇ રહ્યાં હતાં.

‘લેટ્સ હોપ એન્ડ લેટ્સ વેઇટ….’ ડો. શાહે નિર્મલ પરથી નજર હટાવ્યા વિના જ કહ્યું.

‘સર, હી ઇઝ યંગ એટલે સીપીએપી ટ્રિટમેન્ટથી ફરક પડી જવો જોઇએ. ડો. સાળુંખેએ કહ્યું.

‘ડોક્ટર, હી ઇઝ કમિંગ ફ્રોમ અમેરિકા…આપણને એની મેડિકલ હિસ્ટ્રીની ખબર નથી. જોકે હવે એમની મેડિકલ હિસ્ટ્રી મેળવવાનું મોડું પણ થઇ ગયું છે.’

‘સર, એમની વાઇફને પૂછી શકાય.’ ડો. સાળુંખેએ કહ્યું.

‘હા બિલકુલ પૂછી શકાય. ધેટ મે બી હેલ્પફુલ. સોલંકીના કહેવા મુજબ એ છેલ્લાં દોઢેક વર્ષથી અમેરિકા હતા. એટલે એ દરમિયાન એમને ત્યાં બીજી કોઇ તકલીફ થઇ હોઇ શકે. બટ લેટ્સ નોટ લૂઝ ધી હોપ.’

બન્ને ડોક્ટરો આવ્યાં હતાં એ જ ગતિએ બહાર જવા લાગ્યાં એ જ વખતે અચાનક સ્ટ્રેચરના ધક્કા સાથે ઇમરજન્સી વોર્ડનો દરવાજો ખુલ્યો. બન્ને ડોક્ટરો તેજ ગતિએ અંદર લવાયેલા ઇલિયાસને જોઇ રહ્યાં. ડો. શાહે સ્ટ્રેચરની સાથે સાથે ચાલતા રહીને ઇલિયાસને જોયો. એ પરસેવે રેબઝેબ હતો. એણે એક હાથ છાતી પર ડાબી બાજુ દાબી રાખ્યો હતો. દર્દથી કણસી રહેલા ઇલિયાસને જોઇને ડો. શાહ બોલ્યા: ‘કદાચ હાર્ટ અટેક છે. પહેલા કાર્ડિયો કાઢવો પડશે. જલ્દી એને નીચે લઇ જઇને કાર્ડિયો કરો. એને અહીં ઉપર લાવવાનું તમને કોણે કહ્યું?’ ડો. શાહ જ્યોતિની સામે જોઇને તાડૂક્યા. જ્યોતિએ નવાસવા યંગ શીખાઉ ડોક્ટર સચીન સામે જોયું.

‘ડો. ત્રિવેદી ક્યાં છે? જલદી કરો હવે’ પહેલીવાર ડો. શાહનો અવાજ ઊંચો થતા સ્ટાફે જોયો.

(ક્રમશ:)

આપણ વાંચો:  ક્લોઝ અપ : આજનાં જુવાન હૈયાંઓનું લીલુછમ્મ ‘ઈલ્લુ…ઈલ્લુુ’!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button