આદિ કવિઓ-સંગીતકારો-ગાયકોનુ પ્રદાન ને વર્તમાનમાં પ્રભાવ

- શ્રદ્ધા શ્રીધરાણી
‘રહું ગાતો પ્રણવ લીલા, તવ પ્રસાદે શારદા; તું હિ ગુરુ મધ્યસ્થ વરદા, પ્રણવ તવ હારદ સદા. તું હિ બ્રહ્મા તું હિ વિષ્ણુ, તું હિ શિવ નારાયણ; ધ્યાન ભક્તિ યોગ જ્ઞાને, વિવિધ રૂપે દર્શન.’ – વીર કવિ નર્મદ (નર્મદા શંકર દવે, 1833-1886)
આ યુગપ્રવર્તકની તિથિ અવસરે ‘ગુજરાતી ભાષા દિવસ’ ઉજવવામાં આવે છે, જેમણે ગુજરાતને અને ગુજરાતી ભાષાને ‘જય જય ગરવી ગુજરાત’ ગુર્જરગીત આપ્યું, જે આજે પણ ઘરેઘરે ગુંજે છે.
આપણે પૂર્વેનાં કવિઓ, સંગીતકારો, ગાયકો વિશે વાત કરીએ તો, ગુજરાતી સાહિત્ય-સંગીત જગતનો ઇતિહાસ કેટલો વ્યાપક છે તે સમજાય છે. પ્રાચીન, અર્વાચીન અને આધુનિકકાળમાં સમગ્રતયા શાસ્ત્રીય સંગીત-રાગસંગીત અને લોકગીતસંગીત આ બંને ધારાઓના વિકાસમાં, જે તે કાળનાં કંઈ કેટલાય ધુરંધરો, કળાકારો, યુગપ્રવર્તકોએ કેડી જ નહીં રાજમાર્ગ કંડાર્યો છે. જેમને કારણે આપણાં ગુજરાતનો ભવ્ય અને દિવ્ય કળાવારસો આપણને મળ્યો છે.
આપણાં શાસ્ત્રમાં, ભર્તૃહરિએ સંગીતની વ્યાખ્યા કરતાં કહ્યું છે, ‘ગાયન, વાદન અને નૃત્ય ત્રણેય મળીને સંગીત કહેવાય છે.’ પ્રાચીનકાળમાં ગાયક, કવિ અને સંગીતકાર ત્રણેય ધારાને ધરાવનારા વાગ્યેયકારો હતાં, દા.ત. નરસિંહ મહેતા, મીરાંબાઈ, ગંગાસતી, વગેરે પોતે જ ગીત રચતાં, ધૂન બનાવતાં અને ગાતાં. સમયાંતરે આ ત્રણેય ધારાઓએ સ્વતંત્રરૂપ લીધું. સૃષ્ટિમાં સંગીતનો આવિર્ભાવ ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ,મહેશથી થયેલો ગણાય છે.
માત્ર ગુજરાતનાં જ નહીં કિંતુ સમગ્ર સૃષ્ટિનાં આદ્ય સંગીતકાર તો ભગવાન શ્રીકૃષ્ણ અને આદિશક્તિ મા રાધાજી ગણાય જેમણે પોતાની વાંસળીનાં સૂરથી સૌને મંત્રમુગ્ધ કર્યા, વૈશ્વિકગ્રંથ ‘ભગવદ્ ગીતા’ જેવા મહાન ગીતને ગાયું, અને રાસગરબાનાં હિલ્લોળથી ગુજરાતમાં ફરી સંગીતયુગનો આરંભ કર્યો.
જોકે હવે રાધાકૃષ્ણની રાગરાગિણીઓ, બ્રહ્માજી રચિત વેદકાલીન સંગીત અને શિવ-પાર્વતીનાં નૃત્યનું અપભ્રંશ સ્વરૂપ જ આપણી પાસે રહ્યું છે. સમયાંતરે સંગીતજગતનાં અનેક ફાંટાઓ થયા, શાસ્ત્રીયસંગીત, લોકસંગીત, ભક્તિસંગીત, સુગમગીત, કાવ્ય કે ભાવગીત સંગીત, ગઝલ, નાટ્યસંગીત, ફિલ્મસંગીત, આધુનિક સંગીત વગેરે, પણ એનાંથી વિવિધ સંગીતનો વિસ્તાર થયો.
સૌપ્રથમ શાસ્ત્રીય કે રાગસંગીત વિશે વાત કરીએ તો, વેદકાલીન ઋષિઓનાં ઋચાગાન, ઉદગીતમાંથી શાસ્ત્રીય કે રાગસંગીતનો ઉદભવ થયો, સંગીત ક્ષેત્રે પણ ગુજરાતે પ્રથમ ખેડાણ કર્યું છે તે ગૌરવની વાત છે. પછી ભરતમુનિ, નારદ, સારંગદેવ પછી પ્રાચીનકાળમાં ગુજરાતનાં વિવિધ પંથ સંપ્રદાયો જેવાકે, બ્રાહ્મણ, વૈષ્ણવ, શૈવ, શક્તિ, જૈનમુનીઓ વગેરે પાસે સંગીત જુદા જુદા સ્વરૂપે સચવાયું, ત્યારબાદ ગુજરાતનાં વલ્લભીપુરમાં વલ્લભી રાજાઓમાં ગૃહસેન, ધ્રુવસેન રાજવી પંડિતો ગુજરાતનાં પ્રથમ વાગ્યેયકારો હતાં.
પછી રાજા ક્ષેમપાલના પુત્ર હરીપાલ સોલંકી (1074), પછી સ્વામી હરિદાસના શિષ્ય, ગુજરાતનાં ચાંપાનેરનાં બૈજુ (વૈજનાથ) બાવરા અને વડનગરની બે દીકરીઓ તાના અને રીરી થયાં જે ફક્ત ગુજરાત જ નહીં સમગ્ર ભારતનું ગૌરવ છે. બૈજુએ તાનસેનને હરાવ્યા, અને તાનારીરીએ તાનસેનનો દાહ મલ્હાર રાગ ગાઈને શમાવ્યો. જેમનાં ધ્રુપદ આજે પણ પુષ્ટિસંગીતમાં ગવાય છે તે કવિ જયદેવ, જેનું ‘ગીત ગોવિંદ’, અષ્ટપદીઓ ઉપરથી કેટલાય સ્તોત્ર, ભજન, રાસ રચાયા.
પછી આદિત્યરામ, ગુજરાત જ નહીં ભારતનાં આફતાબ-એ-મૌસિકી કહેવાતાં ઉ. ફૈયાઝ ખાં, અને અર્વાચીનકાળમાં ગુજરાતનું વિશ્વસ્તરે જેમણે નામ ગુંજતું કર્યું તે પં.ઓમકારનાથ ઠાકુર, તેઓ વિશિષ્ટ સંગીતશક્તિના સાધક હતા, સંગીતથી તેઓ મરજીમુજબ વાતાવરણ ખડું કરી દેતાં! તેઓ પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરના શિષ્ય રહ્યા, જેમણે વિશ્વ પરિષદમાં સૌપ્રથમવાર ‘વંદે માતરમ્’ ગાયું, જે ભારતમાતાની સ્તુતિ છે. ત્યારબાદ હવેલી કે પુષ્ટિસંગીત કીર્તનમાં વિઠ્ઠલદાસ બાપોદરા, બાબુલાલ, રસિકલાલ અંધારિયા વગેરેએ શાસ્ત્રીય સંગીતને આગળ ધપાવ્યું.
પ્રાચીનકાળમાં કલિકાળસર્વજ્ઞ આદિ હેમચંદ્રાચાર્ય, શાલિભદ્રચાર્ય, ભક્તિયુગમાં, ‘જાગને જાદવા’ કહી કૃષ્ણને જગાડનારા, 14-15મી સદીના સૌરાષ્ટ્રનાં નરસિંહ મહેતા ગુજરાતના પ્રાચીનકાળના ‘આદિ ભક્તકવિ’ તરીકે સ્થાપિત થયા છે, તેમનાં ભક્તિગીતો, રાસગરબા-ગરબીઓ આજે પણ ગવાય છે, તેમનાં સમકાલીન વ્રજભાષામાં પ્રથમ રચનાકાર, આખ્યાનના પિતા ભાલણે ગરબીઓ દયારામ પહેલાં આપણને આપી,
તો દયારામે ગરબી ઉપરાંત ઉર્દૂ ગઝલો અને મરાઠીમાં અભંગ પણ રચ્યા, ભક્ત કવિઓમાં કવિ જયદેવ, મીરાંબાઈ, સુરદાસ વગેરે અષ્ટ્સખા કવિઓ, વલ્લભાચાર્ય, દયારામ, વલ્લભ મેવાડા, પ્રેમાનંદ, નિષ્કુળાનંદ, વગેરે.
આપણું લોકસંગીત, રાસગરબા આજે પણ જેનાં થકી જ રળિયાત છે એવાં લોકગીત સાહિત્યમાં, દાસી જીવણ, અભરામ ભગત, પીપા ભગત, રવિ, ભાણ, ત્રિકમ, ધીરા ભગત, અખા, શામળ, સતી તોરલ, ગંગાસતી, પાનબાઈ, સતી લોયણ, ઢેલીબેન, રાજકવિ પિંગળશી, કવિ દુલા કાગ તો લોકસંગીતનાં વાગ્યેયકાર હતાં, અને ‘મન મોર બની થનગાટ કરે’ અષાઢીલાં આવાજમાં લલકારનાર હેમુ ગઢવી અને ‘કસુંબીનો રંગ’ જેવાં પ્રખ્યાત ગીતના રચયિતા રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામેલાં ઝવેરચંદ મેઘાણીએ ગુજરાત સહિત ભારતને ઝંઝોળ્યું.
ત્યારબાદ આધુનિકકાળમાં બારોટ, ચારણો, પ્રફુલ્લ દવે, પ્રાણલાલ વ્યાસ, ભીખુદાન ગઢવી, અભેસિંગ રાઠોડ, દિવાળીબેન ભીલ, દમયંતી બરડાઈ, હેમંત ચૌહાણ ઘણાં લોકસાહિત્યકારોએ આ દિશામાં કામ કર્યું છે.
નાટ્યસંગીતમાં, જૂની રંગભૂમિના સુવર્ણકાળમાં ગુજરાતમાં 13-24મી સદીમાં પ્રાચીનકાળમાં ગુર્જર કવિ, સંગીતકાર, ગાયક અસાઈત ઠાકોર ‘ભવાઈ’ના જનક ગણાય છે, ભાવનગરના રાજગાયક કવિ, સંગીતજ્ઞ, નાટ્યકાર દલપતરામ ઠાકોર, વાડીલાલ અને ડાહ્યારામ શિવરામ નાયક, ભગવાનદાસ નાયક (સંગીતરત્ન), વાઘજી ઓઝા, નાથાલાલ ભોજક, અશરફ ખાન, રાષ્ટ્રીય ગાયક ગણાતા મા.
વસંત અમૃત, શોરાબજી, માસ્તર મોહન, ફેનીવાલા, જયશંકર ‘સુંદરી’, પ્રભુલાલ દ્વિવેદી, કવિ કાન્ત, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, અને રાજવી કવિ કલાપી, તો ગુજરાતનાં પહેલાં ગઝલકાર બાલાશંકર કંથારિયા, પછી નવી પેઢીમાં શયદા, ઘાયલ, બેફામ, શૂન્ય, વગેરે શાયરો આવ્યા, ‘મે ત્યજી તારી તમન્ના’ ગાયિકા બેગમ અખ્તરે, ગાયક સંગીતકાર પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય રચિત જેની ગઝલ ગાઈ તે શાયર ‘મરીઝ’ વધુ લોકપ્રિય થયાં, તો ‘કાવ્ય ગાયન’ પ્રકારનો પ્રથમ પ્રયોગ કરનાર કવિ લલિતજી ગુજરાતી હતાં.
ગુજરાતી રંગભૂમિ એટલી ઉન્નત હતી કે સ્વામી વિવેકાનંદ ગુજરાતી નાટકો જોવા આવતાં, ગાંધીજીએ ‘હરિશ્ર્ચંદ્ર’ નાટક જોયેલું.
સાહિત્યિક કવિઓમાં, મણીલાલ દ્વિવેદી, દલપતરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ત્રિભોવનદાસ લુહાર, રામ નારાયણ પાઠક, અરદેશર ખબરદાર, કવિ કાન્ત, કવિ નાન્હાલાલ, રસિકલાલ પરીખ, હરજી લવજી દામાણી, નરસિંહરાવ દિવેટિયા, બોટાદકર, કનૈયાલાલ મુનશી, બાલમુકુંદ દવે, પ્રથમ મહિલા શારદા મહેતા, પછી ગવરીબાઈ, જાનીબાઈ, દિવાળીબેન, અમરબાઈ, જેમણે પ્રથમ ‘ગુજરાતી લેડીઝ ક્લબ’ની (1818) સ્થાપના કરેલી.
કાકાસાહેબ કાલેલકર, ચંદ્રવદન મહેતા, ચુનીલાલ મડિયા, કાંતિ મડિયા, ગુલાબદાસ બ્રોકર, પ્રહલાદ પારેખ, કાન્ત, ર.વ. દેસાઈ, જય ભિખ્ખુ, દર્શક, લાભશંકર ઠાકર, મનોજ ખંડેરિયા, ભોગીલાલ ગાંધી, કરશનદાસ માણેક, ઉશનસ, સ્નેહરશ્મિ, કે.સી.ડે, કાસમ, શેખાદમ આબુવાલા, ગની દહીંવાલા, રાજેન્દ્ર શુકલ, ઝીણાભાઈ દેસાઈ, નાનાલાલ, સુન્દરમ્, ઉમાશંકર જોશી, મકરંદ દવે, રમેશ પારેખ, રાજેન્દ્ર શાહ, જ્યોતીન્દ્ર દવે, સુરેશ જોશી, સુરેશ દલાલ, કુન્દનિકા કાપડિયા, વગેરે લાંબી સૂચિ છે,
અને મારા કાકા દાદા, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના શિષ્ય એવાં ભાવનગરના વિખ્યાત કવિ, લેખક, પત્રકાર ડો. કૃષ્ણલાલ શ્રીધરાણીએ તો અમેરિકામાં રહી કવિતા પ્રસ્તાર કરી, ગાંધીજી સાથે રહી, ભારતને આઝાદી અપાવવામાં મોટો ભાગ ભજવી, વિશ્વસ્તરે નામના મેળવી, એમનું પુસ્તક My India, My America’ ApS>¡ ‘Z world best seller book ગણાય છે. તેમનાં ગીતોને મે સ્વરાંકિત કરીને ગુજરાત સાહિત્ય સંગીત અકાદમી, ગુજરાત વિશ્વકોશ વગેરેમાં રજૂ કર્યા છે.
પૂર્વેના ગુજરાતી સંગીતકારો જેમણે હિંદી ફિલ્મમાં સંગીત આપ્યું, તે માસ્તર દીનાનાથ, વસંત દેસાઈ, અભિનેતા, સંગીતકાર અમૃત કેશવ નાયકનું ‘પરદેસી સૈયાં નેહા લગાકે’ ગીત, પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરાં’માં સંગીત આપનાર પ્રથમ ફિલ્મી ગુજરાતી સંગીતકારો ફિરોઝશા મિસ્ત્રી અને આર. બી. ઈરાની, ઝંડે ખાં, છનાલાલ ભોજક (ઠાકુર)નું ફિલ્મ રાણક દેવીનું ‘મારે તે ગામડે એકવાર આવજો’ ગીત આજે પણ ગવાય છે.
કચ્છનાં કલ્યાણજી આણંદજીએ તો હિંદી ફિલ્મ જગતમાં વિશ્વસ્તરે લોકપ્રિયતા મેળવી, અને ગુજરાતી ફિલ્મોમાં લોકપ્રિયતાનો કળશ જેમનાં પર ઢોળાયો તે કવિ, સંગીતકાર અમર સદા અવિનાશ વ્યાસ અને મહેશ-નરેશની જોડી, જેમણે કંઈ કેટલીય હિંદી ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું. અજિત મર્ચંટ, વનરાજ ભાટિયા, વગેરે.
સુગમસંગીતનો સુવર્ણકાળ આકાશવાણીના સમયમાં વધુ વિસ્તર્યો. તે પૂર્વે સુગમ સંગીતનાં વિકાસમાં ભાવનગરના મહારાજા તખ્તસિંહજી અને ભાવસિંહજી, વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડનો બહોળો ફાળો છે, ભાવસિંહજીએ ગીતોનો સંગ્રહ બહાર પાડ્યો હતો જેમાં તેમણે પોતાની આગવી નોટેશન પદ્ધતિ વિકસાવી હતી. તો દલસુખરામ ઠાકોર, ડાહ્યાલાલ શિવરામ નાયક, કવિ નૃસિંહ આચાર્ય, જયદેવ ભોજક, રસિકલાલ ભોજક, ગુજરાતના આધુનિકકાળના વાગ્યેયકાર નીનુ મઝુમદાર, કૌમુદી મુનશી, રાજુલ મહેતા, સંગીતકાર દિલીપ ધોળકિયા રચિત ‘તારી આંખનો અફીણી’ ગુજરાતી સુગમ સંગીતનું રાષ્ટ્રગીત સમાન ગણાય છે તેવી ભવ્ય સફળતા મળી છે.
ભાવનગરનાં દક્ષિણામૂર્તિનાં સ્થાપક જેમણે બાળગીતો, કવિતા, સાહિત્યમાં કાર્ય કર્યું તે બાળકોની ‘મુંછાળી મા’ તે ગિજુભાઈ બધેકા, સંગીતકાર જગદીપ વિરાણીની ‘સપ્તકલા’ અને નૃત્યકાર, સંગીતજ્ઞ ધરમશીભાઈ, ઘરશાળા સંસ્થા અને એવાં જ બીજા સંગીતકાર નાઝિર દેખૈયા, અમદાવાદનું ‘શ્રુતિ વૃંદ’ અને ‘સપ્તક’ના નંદન મહેતા, મંજુબેન મહેતા,
વડોદરા, સુરત, રાજકોટ, ભરૂચમાં ભાવસાર બંધુ, અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ, અજિત શેઠ, નિરુપમા શેઠ, જનાર્દન રાવલ, હર્ષિદા રાવલ, પરેશ ભટ્ટ, ક્ષેમુ દિવેટિયા, પિનાકીન મહેતા, રાસબિહારી દેસાઈ, વિભા દેસાઈ, સરોજ ગુંદાણી, મુનિકુમાર દેસાઈ, વિનુ વ્યાસ, અનંત વ્યાસ, મુંબઈમાં પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે, આશિત દેસાઇ, હેમા દેસાઇ, દક્ષેશ ધ્રુવ, ઉદય મઝુમદાર, સુરેશ જોશી વગેરે સર્વે કલાકારોનાં નામોની સૂચિ લાંબી છે, જેમણે સંગીત, સાહિત્ય જગતમાં અમૂલ્ય યોગદાન આપ્યું.
અત્યારે આધુનિકકાળમાં ઘણાં ગાયકો, સંગીતકારો ગુજરાતી ભાષા અને સંગીતવારસો આગળ ધપાવી રહ્યાં છે. આધુનિક સમયમાં, વિદેશી વાયરાનાં વાવઝોડા સામે આપણી ગુજરાતી ભાષા, કલા, સાહિત્ય અને સંગીતનો ભવ્ય અને દિવ્ય વારસો અડીખમ ઊભો રહે અને નવી પેઢી તેનો વિકાસ કરી આગળ ધપાવે તેવાં પ્રયત્નો સાથે મળીને કરીશું, એવી શ્રદ્ધા સાથે…
આપણ વાંચો: ગુજરાતી પ્રકાશકો-વાંચકો: ગઇકાલના ને આજના…