ક્લોઝ અપ : આજનાં જુવાન હૈયાંઓનું લીલુછમ્મ ‘ઈલ્લુ…ઈલ્લુુ’!

- ભરત ઘેલાણી
વડીલોની સરખામણીએ આજની યુવાપેઢી છાતી ફાડીને જેમ પ્રેમ કરી જાણે છે તેમ પર્યાવરણ સુરક્ષાની પાઠશાળા પણ ચલાવી જાણે છે!
વર્ષો પૂર્વે મુંબઈથી પ્રકાશિત થતા એક ગુજરાતી અખબાર (‘જન્મભૂમિ પ્રવાસી’)ની રવિવાર આવૃત્તિમાં એક કોલમ પ્રગટ થતી હતી. એ કોલમે શરૂઆતથી જ વાચકોમાં ભારે ઉત્કંઠા જગાડી હતી, કારણ કે એ જમાનામાં એનો વિષય નવો હતો અજાણ્યો હતો.
એ જમાનામાં ડો. રશ્મિ મયુરની એ કોલમમાં વાચકોને સર્વપ્રથમવાર પર્યાવરણ- પર્યાવરણનાં દૂષણ એનું નૈસર્ગિક પ્રકૃતિ અને માનવજીવન પર થતી એની આડ અસરો વિશે માહિતી મળી. ચોંકાવનારી, પણ સરળ ભાષામાં રજૂ કરેલી એ હકીકતસભર કોલમ વાચકોમાં ખાસ્સી લોકપ્રિય બની ગઈ હતી. સમાજશાસ્ત્રીઓથી લઈને કુદરતપ્રેમીઓમાં એની વિશેષ ચર્ચા થતી રહેતી.
એ વખતે સંભવત: એ પ્રથમ ગુજરાતી (કે અંગ્રેજી) અખબાર હતું, જે પર્યાવરણશાસ્ત્રી ડૉ.રશ્મિ મયુરની આ કોલમ દ્વારા વાચકોને પ્રદૂષણ વિશે સવિસ્તર માહિતી આપીને સચેત કરતું હતું. પછી તો ડૉ. મયુરનાં પર્યાવરણનાં જાહેર પ્રવચનો સેમિનાર પણ જાણીતાં થયાં. વાચકોમાં પર્યાવરણ પ્રદૂષણ વિશી નવી જાગૃતિ આવી રહી હતી ત્યાં રશ્મિભાઈનું ક-વેળા અવસાન થયું અને એમણે શરૂ કરેલી પર્યાવરણની પ્રવૃત્તિ છૂટાછવાયા પ્રયાસના અપવાદ સિવાય સમેટાઈ ગઈ…
આજે તો યુગ પલટાઈ ગયો છે. આજની પ્રજા વૃદ્ધથી લઈને યુવા સુધીના રોજિંદા જીવનમાં ‘પર્યાવરણ’ અને ‘પ્રદૂષણ’ શબ્દોથી વધુને વધુ સજાગ થઈ રહ્યા છે અને પ્રકૃતિની સંભાળ લેવા સજ્જ થઈ રહ્યા છે.
આજે ‘પર્યાવરણ -પ્રદૂષણ’ એ સદા બદલાતો વિષય છે. જગત આખામાં આજની બદલાતી પલટાતી પેઢી એમની આગવી રીતે પ્રદૂષણનો સામનો કરવા સાબદી થઈ રહી છે.
છેલ્લાં શ્વાસ સુધી કાર્યરત રહી શતાયુની આવરદા ઉજવનારા વિચક્ષણ રાજકીય સમીક્ષક નગીનદાસ સંઘવી વૃક્ષ કે પર્યાવરણની વાત નીકળે ત્યારે અમને કહેતા :‘આજની પેઢીને વૃક્ષની ખરી કિંમત કે ઉપયોગિતા જલદી નહીં સમજાય. અમે નાનપણમાં નિશાળે જતા ત્યારે પગમાં ચપ્પલ તો હોય નહીં. આકરા ઉનાળામાં ધરતી ધોમ ધખી ગઈ હોય. એના પર ઉઘાડા પગે થોડું ચાલીએ, પછી પગ એવા દાઝવા માંડે કે દોડીને નજીકના ઝાડ નીચે ઊભા રહી જઈએ… એ વખતે એની છાયામાં જે સાતા પહોંચે ત્યારે અમને વૃક્ષની ખરી મહત્તા સમજાતી!’
આ તો વૃક્ષ વિશે એક પ્રખર અનુભવીની વાણી હતી. આજની પેઢી પણ પર્યાવરણ વિશે વધુ સચેત થવા લાગી છે.
છેલ્લાં પાંચેક વર્ષથી અચાનક પલટાતી મોસમને લીધે કુદરતી હોનારતો ખાસ્સી વધી ગઈ છે. એમાં માનવસર્જિત હોનારતો પણ ઉમેરાય છે. આ બધાનાં પરિણામે કુદરતી સંપત્તિનો ન ધારી હોય એટલી ખુવાર થાય છે. જે વૃક્ષોને ઉગતાં પાંગરતાં વર્ષોનાં વર્ષો લાગ્યાં હોય એ નજર સામે નષ્ટ થઈ જાય છે. જળવાયુ પરિવર્તનથી થયેલી કુદરતી આફતોને લીધે એકલા 2024માં જ વિશ્વભરમાં અધધધ…રૂપિયા 25 લાખ કરોડથી પણ વધુ સંપત્તિનું સ્વાહા થઈ ગયું છે!
આમ તો પર્યાવરણશાસ્ત્રીઓ પણ સ્વીકારે છે કે અમુક તબક્કે ‘કલાઈમેટ ચેન્જ’ એટલે કે બદલાતી મોસમ પૃથ્વીની તબિયત માટે ઉપકારક છે, છતાં યુવાનોના એક વર્ગ એ વિશે વધુ પડતી ચિંતા કરે છે. એ માટે ‘અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન’ (APA)એ અંગ્રેજીમાં એક નવો શબ્દપ્રયોગ યોજ્યો છે. એ શબ્દ છે ‘ઈકો ઍગ્ઝાયટિ’…જળ-વાયુ દૂષણની ચિંતાથી પીડાતા વધુ પડતા સંવેદનશીલ યુવાનોનો ભય એક રીતે સાચો પણ છે.
આમ છતાં આવી ચિંતામાંથી મુક્ત થવા આ સંસ્થા કેટલાક ઉપાય પણ સૂચવે છે, જે પાછો એક સાવ અલગ ચર્ચાનો વિષય છે, જેને આપણે અહીં સ્થળ: સંકોચનને કારણે નહીં ઉખેળીએ…
આજના યુવાનની પોતાની એક આગવી એવી એન્ટિટી છે અસ્તિત્વ છે, જેની પાસે બોલવાની ભાષા છે અને લખવાની લિપિ છે. અને એ ખરા અર્થમાં પોતાના ‘મન કી બાત’ વિવિધ માધ્યમમાં બોલીને લખીને વ્યક્ત કરી શકે છે, જેમાં જોગ-સંજોગનો પ્રત્યક્ષ- પરોક્ષ પડઘો એમની વિચારણસરણી પર પડે છે. ઉદાહરણ તરીકે, વન નાઈટ સ્ટેન્ડ- ફીટનેસ – ફેશન – સ્ટાર્ટઅપથી લઈને સોશ્યલ મીડિયા અને પર્યાવરણ સુધ્ધાંની વાતમાં એ પેઢી પાછી પાની કરતી નથી. એમની વાત-વિષયમાં કોઈ છોછ નથી. નવીનતા છે-પ્રામાણિકતા છે. હવે તો યુવા પેઢી પાસે નવી ઓળખ-મૈત્રી-પ્રેમના સંદેશની આપ-લે માટે નવી નવી ઍપ્સ આવી ગઈ છે.
કોરોના પછીની ઘરબંધીના માહોલમાં આવી બધી ઍપ્સનો વપરાશ ઘણો વધી ગયો છે. આમ છતાં જુવાન હૈયાં માટે જેટલો ગમતીલો વિષય પ્રેમ છે એટલી જ એ પેઢી ગંભીર છે પર્યાવરણ માટે.
એમને મન ઍન્વાયરમેન્ટ એટલે ઍવરીથિંગ-ઘણું બધુ. પ્રદૂષણ પર અંકુશથી લઈને પર્યાવરણની રક્ષા સુધી. જો કે, એમને મન પર્યાવરણ એટલે માત્ર વૃક્ષારોપણ કે વૃક્ષનું જતન જ નહી. નવી પેઢી ધરતીને વધુ ને વધુ લીલીછમ્મ બનાવવા ઈચ્છે છે. છાતી ફાડીને જેમ એ પ્રેમ કરી જાણે છે તેમ પર્યાવરણ સુરક્ષાની પાઠશાળા પણ ચલાવી જાણે છે!
આજનું આ યંગિસ્તાન ‘ઈલ ુઈલુ’ એટલે કે ‘આઈ લવ યુ..આઈ લવ યુ’ના ડેટિંગ મેસેજમાં પણ પ્રેમની સાથે પર્યાવરણને પણ લીલુછમ્મ બનાવવાના સંદેશની આપ-લે કરે છે.
સભાનતા સાથે થતી આ પ્રવૃત્તિ આજે ‘કલાઈમેટ એકટિવિઝમ’ના નામે પણ ઓળખાય છે. આ પ્રકારની કામગીરીમાં અમેરિકાની પેલી તરુણી ગ્રીટા થમ્બર્ગનું નામ પણ સંકળાયેલું છે. ડોનલ્ડ ટ્ર્મ્પ 2017માં પ્રથમ વાર અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા ત્યારે એમની વિવાદાસ્પદ પર્યાવરણની નીતિ-રીતિ સામે તમને યાદ હોય તો સ્વિડનની આ તરુણી ગ્રીટા થમ્બર્ગે પ્રથમ વાર ટ્ર્મ્પ સામે રીતસરની જબરી ઝુંબેશ ઉપાડી હતી. તરુણ-તરુણીઓમાં ખાસ્સી લોકપ્રિય એવી આ ગ્રીટાને પગલે ‘ઓકે ક્યુપિડ’ જેવી બહુ જાણીતી ડેટિંગ ઍપ પર્યાવરણની રક્ષા કરનારાની ચળવળને ‘થમ્બર્ગીંગ’ ના હુલામણા નામથી ઓળખાવે છે.
પર્યાવરણની આ ઝુંબેશને બીજી અનેક જાણીતી ડેટિંગ ઍપ્સ ‘ગ્રીન લવ’ તરીકે પણ ઓળખાવે છે. એ બધી જ ડેટિંગ ઍપની દરેક યુવાનો સાથે પૂર્વ શરત એ જ હોય છે કે તમે ઉન્માદભર્યો રોમાન્સ ભલે કરો, પણ એની સાથે શુધ્ધ પર્યાવરણનોય પ્રચાર ને પ્રસાર કરો!
તરુણોને ‘ગ્રીન લવ’ ઝુંબેશ’માં આવા મેસેજની નિયમિત આપ-લે થાય છે, જેમ કે: ‘હું પર્યાવરણ શુધ્ધ રહે એ માટે ઈકો-બાઈસિકલ વાપરું છું. મને કારનો વપરાશ પસંદ નથી. તું પણ આવી સાઈકલ વાપરે તો મને વધુ ગમે..!’
આ બીજો મેસેજ પણ જુવો:
‘તને જો આપણી આ ધરતીને પ્રદૂષણથી ઉગારવામાં રસ ન હોય તો મને પણ તારી સાથે સંબંધ આગળ વધારવામાં જરા પણ રસ નથી!’
આ જ રીતે, કેમિક્લ્સ-રસાયણ રહિત શેમ્પુ-સાબુ-મેકઅપની સામગ્રી વાપરવાની સલાહ પણ પ્રેમી યુગલ એકમેકને આપતાં રહે છે. કેટલાંક યુગલ કોફી કે પબમાં ડેટ પર જવાને બદલે માત્ર વેગન વાનગીઓ પીરસતી રેસ્ટોરાંમાં જવું વધુ પસંદ કરે છે. વૃક્ષારોપણની ઝુંબેશની જેમ ઘણાં યુવા યુગલ એકબીજાના શહેર કે વિસ્તારમાં એકમેકનાં નામ આપીને અનાથ વૃક્ષને અપનાવીને ઉછેરે પણ છે!
‘આપણે જ ખુદ આ છેલ્લી જનરેશન છીએ, જે સતત પ્રદૂષણ સામે લડીને પૃથ્વીને બચાવી શકે..’ એવું દ્રઢપણે માનતી આજની યુવાપેઢી વાતાવરણને દૂષિત કરતાં મૂળ તત્ત્વો પર અંકુશ મેળવવા પ્રયત્નો પણ કરે છે. વધુ ને વધુ કપાતાં જંગલ અટકે એ સાથે નવાં વૃક્ષારોપણને લીધે વન્યસૃષ્ટિ વધુ લીલીછમ્મ થાય, જેથી એ કુદરતી આફતો સામે આપણું સુરક્ષા ચક્ર બની રહે. વૃક્ષોની સાથે વધુ વનસ્પતિ ઉગાડવાના પ્રયાસ સાથે લોકો વધુ સંખ્યામાં વેજિટેરિયન બને અને માંસાહાર ત્યાગી શાકાહાર તરફ વળે એવા પ્રયાસમાં આપણા યુવાનો રહે છે. કેટલાંક ગ્રૂપ સંસ્થાઓ તો પર્યાવરણના રક્ષણ માટે એક અવનવી ફોર્મ્યુલા લઈ આવ્યાં છે, જે Local-Organic-Vegetarian – Eating અર્થાત્ એ LOVEના નામે જાણીતી છે. લોકલ એટલે સ્થાનિક ખોરાક-તાજાં ફ્ળ ખાવ – ઑર્ગેનિક અર્થાત્ કૃત્રિમ ખાતર વગર તૈયાર કરલી વેજિટેરિયન ખાદ્ય સામગ્રી – વાનગી આરોગો. આ ‘લવ’ ફોર્મ્યુલાના ઉપયોગથી પ્રદૂષણ પર અંકુશ મેળવી શકાય છે અને પર્યાવરણનું રક્ષણ પણ શક્ય બને છે.
આવી સમજ સાથે આજની પેઢી એકમેકને સંદેશ પણ આપે છે કે ‘આ પૃથ્વી-ધરતી કંઈ આપણા બાપની કઈં જાગીર નથી. આપણા પછીની પેઢીને આ ધરતી ઓછી દૂષિત અને વધુ સુરક્ષિત આપવાની આપણી નૈતિક ફરજ પણ છે..!’
આવે વખતે વૃક્ષ માટે પેલું ફિલ્મ ગીત યાદ કરવા જેવું છે :
‘અંગ્રેજીમેં કહેતે હૈ : I love you…. ગુજરાતીમાં કહું છું : તને પ્રેમ કરું છું…બંગાલી મેં કહેતે હૈ : આમી તુમાકે ભાલો બાસી…!’
શું છે સિનારિયો આપણા ગુજરાતમાં…?
*બે મહિના પહેલાં 30 ઓગસ્ટના ગુજરાતમાં 76 મો ‘વન મહોત્સવ-2025’ ઉજવાઈ ગયો. એમાં રાજ્યના વન વિસ્તારના 19, 895 હેકટર પર 153.90 લાખ રોપાનું વાવેતર થયું…
*એ જ રીતે ‘એક પેડ મા કે નામ 2.0’ ઝુંબેશ હેઠળ 10.55 કરોડ રોપાનું વિતરણ થયું.
*25 ઓગસ્ટ -25 સુધી ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં 5.56 કરોડ અને શહેરી વિસ્તારમાં 49 લાખ વૃક્ષ વાવવામાં આવ્યા છે…
*રાજયને વધુ લીલુછમ્મ બનાવવાની કામગીરીમાં ઓગસ્ટ 2025 સુધીમાં ગુજરાત 6 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં ત્રીજે ક્રમે છે. જયારે ઉત્તર પ્રદેશ 33 કરોડ વૃક્ષારોપણ સાથે દેશમાં પ્રથમ ક્રમે અને 8 કરોડ વૃક્ષારોપણ સાથે રાજસ્થાન દેશમાં બીજા ક્રમે છે.
આ બધા વચ્ચે, 2025 -26 દરમિયાન 10 કરોડથી પણ વધુ વૃક્ષારોપણનો લક્ષ્યાંક સિદ્ધ કરવાનું ગુજરાત રાજ્ય સરકારનું આયોજન છે…
આપણ વાંચો: કવર સ્ટોરી: ગુજરાતમાં નવું પ્રધાનમંડળ: નવું સોશ્યલ એન્જિનિયરિંગ