ક્લોઝ-અપ: અવનવાં ફિલ્મ મ્યુઝિયમ્સમાં એક રોચક લટાર…

જગતભરમાં અનેક સંગ્રહાલયો પથરાયેલાં પડ્યાં છે એમાંથી સાવ અલગ તરી આવતાં કેટલાંક અનોખા મ્યુઝિયમમાં ડોકિયું કરવા જેવું છે…
- ભરત ઘેલાણી
*પેરિસનું ‘સિનેમાથેક ફ્રાંસે’ને વિશ્વનું શ્રેષ્ઠ ફિલ્મ મ્યુઝિયમ કહી શકાય.
*ઈટાલીના મશહૂર દિગ્દર્શક ફેડરિકો ફેલિની મ્યુઝિયમમાં એની ફિલ્મો-એની મૂળ શૂટિંગ સ્ક્રિપ્ટ ફિલ્મોમાં લગતી કે વપરાયેલી સામગ્રી,ઈત્યાદિ- ઈત્યાદિ, પ્રદર્શિત કરવામાં આવી છે.
*મુંબઈના ‘નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમા’
હમણાં વીતી ગયેલા નવેમ્બર મહિનાની બે ઘટના સદા યાદગાર રહેશે. એક , આપણી મહિલા ક્રિકેટ ટીમ સર્વ પ્રથમવાર વિશ્વવિજેતા બની.
બીજી ઘટના છે વિશ્વના સૌથી વિશાળ મ્યુઝિયમનો ઈજિપ્તમાં પ્રારંભ થયો. આપણી વિશ્વવિજેતા મહિલા ક્રિકેટ ટીમ વિશે બહુ લખાયું છે અને હજુ પણ એ ઐતિહાસિક સિદ્ધિ વિશે કંઈને કંઈ લખાઈ રહ્યું છે.
બીજી તરફ , આ એક અજબ ડૉલર – આશરે 830 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ‘ગ્રાન્ડ ઈઝિપ્શિયન મ્યુઝિયમ (GEM)’ના સંગ્રહાલયમાં દુર્લભ એવી 56 હજારથી વધુ પ્રાચીન કલાકૃતિ છે . એટલું જ નહીં, ઈજિપ્તના આ તાજા સંગ્રહાલયમાં ત્રણ હજાર વર્ષ જૂનો તૂતનખામનની કબર અને એનો દુર્લભ ખજાનો પણ દર્શકોને જોવા મળે છે આના વિશે થોડા દિવસ પૂર્વે આ કોલમમાં આપણે વાત કરી ગયા છીએ . ( 16 નવેમ્બર -25 )
આ બધા વચ્ચે આપણે ત્યાં ફિલ્મચાહકોનો એક વિશેષ વર્ગ છે. એમને ફિલ્મનિર્માણની પરંપરાગતથી લઈને આધુનિક પદ્ધતિ સુધી અને વિશ્વની નમુનેદાર ફિલ્મો વિશે પણ જાણવા -જોવામાં વિશેષ રસ છે. આવા ફિલ્મવિશ્વનો ચિતાર દર્શાવતા કેટલાંક સિને-મ્યુઝિયમ જાણીતા છે. એમાનાં કેટલાંકની ઝલક જોઈએ તો સહેજે છે કે હોલિવૂડ સર્વપ્રથમ યાદ આવે.
લોસ એન્જિલિસમાં આવેલા આ મ્યુઝિયમમાં 10 હજારથી વધુ ફિલ્મો તેમ જ ત્યાંના ટેલિવિઝન ઉદ્યોગની ચુનંદી સ્મૃતિઓનો ઈતિહાસ તાદ્રશ્ય કરવામાં આવ્યો છે. સેક્સી મેર્લિનમનરોથી લઈને ખૂનખાર માફિયાનો યાદગાર રોલ ભજવનારા માર્લોન બ્રાન્ડો તેમ જ અન્ય અદાકારોએ એમની યાદગાર ભૂમિકા દરમિયાન ધારણ કરેલાં વસ્ત્રો સુદ્ધાં અહીં પ્રદર્શિત કરવામાં આવ્યાં છે.
ફિલ્મને લગતાં શ્રેઠ ગણાય એવાં વિશ્વનાં પ્રથમ 10 મ્યુઝિયમની યાદીમાં હોલિવૂડ ફિલ્મ ઉદ્યોગની જેમ ફ્રાન્સ- જર્મન- ઓસ્ટ્રેલિયા-ઈટાલી-ચીન સાથે દુબઈ અરે, યુક્રેન જેવાં દેશનાંય સિને મ્યુઝિયમનો પણ સમાવેશ થયો છે. એ દરેકને પોતાની વિશેષતા છે એની ના નહીં,પણ જ્યાં અનેકવિધ ભાષાઓની ઢગલાબંધ ફિલ્મો નિર્માણ પામે છે એનું પ્રતિનિધિત્ત્વ કરે એવા મુબઈના આપણા નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમા નો ઉલ્લેખ સુધ્ધાં નથી એ દુ:ખદ આશ્ર્ચર્યની વાત છે…
ખેર, આપણે ભારતીય સિનેમા તેમજ વિશ્વ ફિલ્મજગતના વિવિધ પાસાને આવરતા ખબરઅંતર જાણવા હોય તો આ ક્ષેત્રના ખરા અભ્યાસુ -મર્મજ્ઞ એવા અમૃત ગંગરને મળવું પડે. મુંબઈના અમૃતભાઈ સિનેમાના અનેક્વિધ પાસાને આવરતી નવ પરિચય પુસ્તિકા લખી છે. ભારત સરકાર સંચાલિત મુંબઈના ‘નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમા’ના સ્થાપક ક્ધસલટન્ટ ક્યૂરેટર, ક્ધટેન્ટ ડેવલપર-સલાહકાર તરીકે એમણે યશસ્વી કામગીરી બજાવી છે.
મુંબઇ સ્થિત આ રાષ્ટ્રીય સ્તરના મ્યુઝિયમને અમૃતભાઈએ અવતરતાં તેમ જ પાંગરતાં જોયું છે.
દાદાસાહેબ ફાલકે-પૂર્વ અને પશ્ચાતના વિશાળ કાળખંડને આવરનારું દેશનું સૌથી પ્રથમ અને બે મકાનમાં વિસ્તરેલું ફિલ્મ મ્યુઝિયમ છે. એને વિકસાવવાની મુખ્ય જવાબદારી કલકત્તાના ‘નેશનલ કાઉન્સિલ ઑફ સાયન્સ મ્યુઝિયમ્સ’ની હોવાથી અમૃતભાઈને અઢી વર્ષ સુધી કલકત્તા રહેવું પડ્યું હતું.’
અમૃતભાઈ કહે છે તેમ આ મ્યુઝિયમની અનેક વિશેષતા છે. એક તો ક્યૂરેટોરિયલ કલ્પના મુજબ તેમાં ભારતીયતા અને મ્યુઝિયમના મૂળભૂત સિદ્ધાંતનું સિંચન થયું છે.દાખલા તરીકે, મોશન (ગતિ) વિશેના આપણાં પરંપરાગત ઐતિહાસિક ખ્યાલો અને તેને લગતી પરિભાષા. તેને અમે સેંકડો વરસોથી ચાલતી આવેલી પટચિત્રની પરંપરાથી જોડી છે. શબ્દ વ્યુત્પત્તિની રીતે જોઇએ તો ‘ચિત્રપટ’ શબ્દ ‘પટચિત્ર’માંથી આવ્યો છે. આપણી દશ્યકલામાં પણ ચિત્રો અને શબ્દોની સાથે મોશન (ગતિ)નો ભાવ છે.
આ મ્યુઝિયમનું અન્ય રસપ્રદ પાસું છે એની ‘ઇન્ટરેક્ટિવ’ ગોઠવણ .ઉદાહરણ તરીકે, ધ્વનિ વિભાગમાં મુલાકાતી કોઇ પણ ફિલ્મનું એની પસંદગીનું ગીત ગાઇ, તેનું રેકોર્ડિંગ કરીને પાછું સાંભળી શકે છે. સંગીતપ્રિય ભારતીય પ્રજાની આ લાક્ષણિકતાને આ સંગ્રહાલય દર્શાવે છે. એ જ રીતે , અહીં ભાષાઓનું વૈવિધ્ય વગેરે આગવી વિશેષતાઓ પણ છે ,જે તમને વિશ્વના અન્ય ફિલ્મ મ્યુઝિયમોમાં જોવા નહીં મળે.
‘વિશ્વનું શ્રેષ્ઠ ફિલ્મ સંગ્રહાલય કયું અને એની વિષેશતા શું?’ એવું તમે જાણાવા માગો તો એના જવાબમાં અમૃતભાઈ કહે છે કે 1936માં સ્થપાયેલું પેરિસનું ‘સિનેમાથેક ફ્રાંસે’ને શ્રેષ્ઠ કહી શકાય. 2019માં આપણું મ્યુઝિયમ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં જ મેં ત્રણેક વખત એની મુલાકાત લીધી હતી. આ મ્યુઝિમના સ્થાપક વડા હેન્રી લેંગ્લોઆ જગતમાં એકમાત્ર વ્યક્તિ છે, જેમને ફિલ્મ સંગ્રહાલયની પ્રવૃત્તિ માટે ‘ઑસ્કર’ ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વ્યક્તિગત રીતે મને અનેક દેશો તરફથી લેક્ચર માટે તેમજ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરી- સભ્ય તરીકે આમંત્રણ મળે છે.પરિણામે મને ફ્રેંચ, ડેનિશ, પોલિશ, હંગેરિયન, ઇરાનિયન, સ્વીડિશ સિનેમાના મ્યુઝિયમ જોવાંની તક મળી છે, પણ સૌથી વધારે રસપ્રદ પેરિસનું ‘સિનેમાથેક ફ્રાન્સે છે.સિનેમાને અદ્ભુત રીતે અન્ય કલાઓ સાથે સાંકળતી કલ્પના – ગોઠવણ માટે મને એ સર્વોત્તમ લાગ્યું છે અને એ સૌથી જૂનું પણ છે…’
આવો અભિપ્રાય છે વર્લ્ડ સિનેમા સાથે સંકળાયેલા અમૃત ગંગરનો…
આમેય મ્યુઝિયમની દુનિયા અનેરી છે. ફિલ્મ ઉપરાંત જાતભાતનાં સંગ્રહાલય છે. એમની અજાયબ વાત આપણને ચકિત કરી મૂકે તેવી છે. ઉદાહરણ તરીકે, ઑસ્ટ્રિયાના પાટનગર વિયેનાના મ્યુઝિયમમાં અનેક પ્રાચીન શિલ્પ પેન્ટિગ્સ છે, જે જોનારને પહેલી નજરે ભલે અશ્ર્લીલ લાગે,પણ એક કલાકૃતિ તરીકે એનું આગવું મહત્ત્વ છે. હવે વિયેના મ્યુઝિયમને તક્લીફ એ છે કે આવી વસ્તુનાં ફોટોગ્રાફસ ફેસબુક-ઈન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મીડિયાવાળાએ પ્રતિબંધ મૂક્યો હોવાથી એના પર આવી ઐતિહાસિક ક્લાકૃતિનો પ્રસાર પ્રચાર થતો નથી. આને કારણે વિયેના જેવાં બીજાં કેટલાંક મ્યુઝિયમોએ એમની વીરલ કૃતિઓ એડ્લ્ટ સાઈટ- પુખ્તવયના માટેનાં વિવિધ મીડિયામાં વહેતી કરી રહ્યા છે !
પોતાના સમસ્ત ફિલ્મ ઉદ્યોગને આવરી લેતાં સંગ્રહાલયો અનેક દેશમાં છે,પરંતુ કોઈ એક ફિલ્મ સર્જકની સિને કૃતિઓને લઈને એક વિશષ મ્યુઝિયમ કોઈ રાષ્ટ્રીય કક્ષાએ તૈયાર થાય એવી અપવાદરૂપ ઘટના ઈટાલીમાં બની છે. વિશ્વ જેને સલામ કરે છે એવા ઈટાલીના મશહૂર દિગ્દર્શક ફેડરિકો ફેલિની અલગારી આદમી હતા. એમની ફિલ્મો ચીલાચાલુ કરતાં હંમેશા અલગ તરી આવતી. જગતના આ એક માત્ર એવા સર્જક હતા કે એમની સર્જક કળાને વણર્વા માટે ’ઑક્સફર્ડ’ ડિકશનેરીમાં મ્‘ ફેલિનિસ્ક્યૂ’ શબ્દ ખાસ ઉમેરવામાં આવ્યો છે !
આવા દિગ્ગજ દિગ્દશર્કના અનોખા મ્યુઝિયમ પાછળ ઈટાલીની સરકારે છેલ્લાં બે વર્ષમાં 12 મિલિયન યુરો (આશરે 1 અબજ રુપિયા)નો ખર્ચ કર્યો છે. હજુ મ્યુઝિયમમાં બીજા વિભાગ વધશે -વધુ આધુનિક થશે એમ વધુ રકમ ઈટાલીની સરકાર પૂરી પાડશે..
ફેલિનિના જન્મ સ્થળ રિમિની સિટીમાં બે માળની ઈમારતમાં વિસ્તરેલા આ મ્યુઝિયમમાં ફેલિનિની ફિલ્મો-એની મૂળ શૂટિંગ સ્ક્રિપ્ટ ફિલ્મોમાં લગતી કે વપરાયેલી સામગ્રી,ઈત્યાદિ- ઈત્યાદિ, પ્રદર્શિત કરવામાં આવી છે. એક દેશ એના બહુમુલા સર્જેકની સ્મૃતિને કઈ રીતે યાદગાર બનાવી શકે એનું ચોટદાર ઉદાહરણ પણ અહીં જોવાં મળે છે. પાંચ પાંચ ઍકેડેમિ અવૉર્ડસ એટલે કે પ્રતિષ્ઠિત ‘ઓસ્કર’ પુરસ્કાર વિજેતા આ સર્જકના મ્યુઝિયમની નજીક આવેલા વિશાળ પાર્કથી લઈને શહેરની મોટા ભાગની સ્ટ્રીટને ફેડરિકો ફેલિનીની યાદગાર ફિલ્મોનાં નામ સુદ્ધાં આપવામાં આવ્યાં છે..!
આ જાણીને આપણા સિને- ચાહકોને અચૂક ઈર્ષા જાગે એ સહેજે છે. આમ છતાં, આપણા ખુદના મુંબઈના ‘નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમા’ની અનેક વિશેષતા વિશે પણ આપણે વાત કરીશું બહુ જલદી..!



