ઉત્સવ

કવર સ્ટોરી : `ચીને આપણી અમુક જમીન પચાવી પાડી છે’ એ મુદ્દે… કેન્દ્ર સરકાર હકીકત છુપાવે છે કે પછી વિપક્ષો પુરાવા વગર માત્ર આક્ષેપો કરે છે?

પાડોશી દુશ્મન દેશ ચીને ભારતની જમીન પચાવી પાડી હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી પૂર્વ લશ્કરી જનરલ નરવણેના પુસ્તકનો હવાલો આપીને કહે છે કે કેન્દ્ર સરકાર આ મુદ્દે કેટલીક હકીકત છુપાવે છે… આમાં કોણ સાચું- વિપક્ષો કે સરકાર એ વાત જનતા સમક્ષ આવવી જ જોઈએ, કારણ કે આમાં રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન છે…

  • વિજય વ્યાસ

લોકસભામાં આજકાલ એક નવા જ પ્રકારની ગરમાગરમ બહસ ચર્ચા ચાલી રહી છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આપણા ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ મનોજ નરવણેએ નિવૃત્તિ પછી લખેલા એક પુસ્તકનો મુદ્દો ચગાવ્યો છે અને એ સાથે જ ચીને ભારતની જમીન પચાવી પાડી હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં છે. રાહુલ ગાંધીએ જનરલ નરવણેના પુસ્તકનો હવાલો આપીને ચીન મુદ્દે વડા પ્રધાને હાથ અધ્ધર કરીને કાયરતા બતાવી હોવાનો આક્ષેપ પણ કર્યો છે તેના કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય જંગ પણ જામી ગયો છે.

કૉંગ્રેસનું કહેવું છે કે, નરેન્દ્ર મોદી સરકાર જનરલ નારવણેનું પુસ્તક પ્રકાશિત નથી થવી દેતી કેમ કે આ પુસ્તક પ્રકાશિત થાય તો વડા પ્રધાની જે નીડર મર્દાના હોવાની ઈમેજ છબી છે એ બહુ ખરાબ રીતે ખરડાઈ જાય…ચીને ભારતની જમીન પચાવી પાડી એ વાત પર કેન્દ્ર સરકાર ઢાંકપિછોડો કરે છે તેનો પણ ભાંડો ફૂટી જાય. આ કારણે સરકાર પેલું પુસ્તક પ્રકાશિત નથી થવા દેતી. એટલું જ નહીં, પણ લોકસભામાં ય આ પુસ્તકના અંશ વાંચવા નથી દેતી…

રાહુલનું તો કહેવું છે કે, ચીને 2020માં ભારત પર કરેલા હુમલો વખતે ભૂતપૂર્વ લશ્કરી વડા મનોજ નરવણેએ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે થયેલી વાતચીતનો આ પુસ્તકમાં ઉલ્લેખ હોવાથી ભાજપને ઇમેજનું ધોવાણ થવાનો ડર લાગે છે. રાહુલે તો સવાલ પણ કર્યો છે કે, ચીને હુમલો કર્યો ત્યારે મોદી તથા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની 56 ઇંચની છાતી ક્યાં ગઈ હતી?

રાહુલે તો ડોકલામમાં ચીને ભારતના 20 સૈનિકોની હત્યા કરી પછી ચીન સતત આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહ્યું હોવાનો દાવો કરીને આક્ષેપ કર્યો છે કે, સરકાર ઘૂસણખોરીને રોકી શકતી નથી એ હકીકત છુપાવીને દેશવાસીઓ સાથે પણ ગદ્દારી કરી રહી છે.

બીજી તરફ, ભાજપે પોતાના બચાવ રૂપે જનરલ મનોજ નરવણેનો 2020નો વીડિયો પણ બહાર પાડ્યો છે,જેમાં જનરલ નરવણેએ કહ્યું હતું કે, ભારતની એક ઇંચ જમીન પણ ચીનના કબજામાં ગઈ નથી. ભાજપે તો 1962ના યુદ્ધમાં ભારત ચીન સામે હારી ગયેલું અને અરુણાચલ પ્રદેશની ત્રીજા ભાગની જમીન ગુમાવી હતી એ વાતને યાદ કરીને કટાક્ષ પણ કર્યો છે કે, અમે નહેરુના યુગને ઘણો પાછળ છોડી દીધો છે. નહેરુની નીતિઓના કારણે ભારતે તિબેટ પરનો અંકુશ ગુમાવવો પડયો હતો અને ચીનની દાદાગીરીને છૂટો દોર મળી ગયો હતો. હવે નહેરુની પાર્ટીના નેતા મોદી સરકાર પર કયા મોઢે આક્ષેપ કરે છે?

કેન્દ્ર સરકારે તો જનરલ નરવણેના પુસ્તકને પ્રકાશિત થથું સરકાર રોકી રહી હોવાના દાવાને પણ ખોટો ગણાવ્યો છે. રાજનાથ સિંહે દાવો કર્યો છે કે, જનરલ નરવણેનું પુસ્તક અમે અટકાવ્યું હોત તો જનર નરવણે કોર્ટમાં ગયા હોત, પણ એવું થયું નથી તેનો મતલબ એ થયો કે, અમારી સરકારે પુસ્તકનું પ્રકાશન અટકાવ્યું હોવાની વાતમાં દમ નથી. રાજનાથનો આ મુદ્દો કેટલો સાચો છે કે નહીં તેનો જવાબ જનરલ નરવણે જ આપી શકે, પણ જનરલ નરવણેના રહસ્યમય મૌનને કારણે આ કોકડું વધુ ગૂંચવાયું છે.

ભાજપ કૉંગ્રેસના આ વાક્યુદ્ધમાં સંસદની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે અને પ્રજાના પૈસે ભરાતી સરકારી તિજોરીનાં નાણાંનો ધુમાડો થઈ રહ્યો છે, પણ આપણા નેતાઓને તેની કંઈ પડી નથી. તેમને માત્ર ને માત્ર રાજકીય હિસાબ સરભર કરવામાં રસ છે.

આઘાતની વાત પાછી એ છે કે, રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોવા છતાં ના તો સરકાર આ અંગે પ્રજાને જવાબ આપવાની તસદી લઈ રહી કે ના વિપક્ષો સંસદને ચાલવા દઈને ચર્ચા માટે તૈયારી બતાવી રહ્યા. સંસદમાં રાહુલ ગાંધી કે વિપક્ષોને લોકસભાના સ્પીકર કે રાજ્યસભાના ચેરપર્સન બોલવા નથી દેતા. સામે વિપક્ષોએ પણ એવું જ વલણ અપનાવીને મોદીને ના બોલવા દીધા. લોકશાહીમાં મુક્ત ચર્ચા અનિવાર્ય છે, પણ શાસકો અને વિપક્ષોના ગજગ્રાહમાં લોકશાહીના સિધ્ધાંતો સાવ કોરાણે મુકાઈ ગયા છે.

જનરલ નરવણેના પુસ્તકનો વિવાદ લાંબા સમયથી ચાલે છે. નરવણે 2022માં નિવૃત્ત થયા પછી તેમણે આ પુસ્તક લખેલું, પણ કેન્દ્ર સરકારે પુસ્તકના પ્રકાશનને મંજૂરી ના આપતાં વિવાદ શરૂ થયો. સરકારે રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આપીને પુસ્તક પ્રકાશનને મંજૂરી નથી આપી, પણ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જનરલ નરવણેએ એ પુસ્તકમાં સરકારના કાયરતાપૂર્ણ વલણની ઝાટકણી કાઢી હોવાથી પુસ્તકને પ્રકાશિત નથી થવા દેવાતું. રાહુલે આ પુસ્તકની કહેવાતી નકલ મીડિયાને બતાવીને આક્ષેપ કર્યો છે કે, ચીને હુમલો કર્યો ત્યારે જનરલ નરવણેએ વડા પ્રધાનને કોલ કરીને આર્મી શું કરે?' એ પૂછ્યું હતું. ત્યારે જનરલ નરવણેને કહેવામાં આવેલું કે,તમને ઠીક લાગે એ કરો…’ રાહુલનું કહેવું છે કે, સરકારે પોતાની ફરજ બજાવવાના બદલે જવાબદારી આર્મી ચીફ પર ઢોળી દીધી હતી…

હવે રાહુલની વાતમાં કેટલો દમ છે- કેટલું સત્ય છે એ ખબર નથી, કેમ કે પુસ્તક હજુ બજારમાં આવ્યું નથી ને જનરલ નરવણે આ મુદ્દે મૌન છે. આ સંજોગોમાં રાહુલ ગાંધી અંધારામાં તીર ચલાવીને મોદીને પાડવા મથતા હોય એ શક્ય છે. રાહુલના આક્ષેપો નક્કર આધાર વિનાના છે તેમાં બેમત નથી, પણ સામે ચીન મુદ્દે કેન્દ્ર સરકારની નીતિ અને વલણ પણ શંકાસ્પદ છે. ચીન લડાખ સરહદે મોટા પાયે બાંધકામ કરી રહ્યું છે એવા રિપોર્ટ્સ વિદેશી મીડિયા ગ્રુપ થિન્ક ટેન્ક્સ' દ્વારા વારંવાર અપાય છે. સેટેલાઈટ તસવીરોના કહેવાતા પુરાવા પણ રજૂ કરવામાં આવે છે, પણ સરકાર આ મુદ્દે મૌન જ રહે છે. ભારતીય મીડિયામાં પણ આ દાવાને સમર્થન આપતા રિપોર્ટ પ્રસિદ્ધ થયા જ છે પણચીને એક પણ ઈંચ જમીન નથી પચાવી’ એવી જ રેકર્ડ સરકાર વગાડ્યા કરે છે.

આવા સિનારિયોમાં સરકારે રાહુલના આક્ષેપો અંગે સ્પષ્ટતા કરવાની જરૂર છે, કારણ કે આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષાનો છે. રાહુલ સાચું બોલે છે કે નહીં એ ખબર નથી, પણ રાહુલે લોકોના માનસમાં એક પ્રકારની શંકા તો પેદા કરી જ દીધી છે. સરકારે લોકોની શંકાઓ દૂર કરવી જરૂરી છે. એ માટે સરકારે સંસદમાં ચર્ચા કરી શકે કે પછી લડાખમાં ચીન સાથેની સરહદે સંસદનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ પણ મોકલી શકે.. માત્ર `રાહુલ ગાંધી કે વિપક્ષો જૂઠું બોલે છે’ એમ કહી દેવાથી કે નહેરુના સમયમાં શું થયેલું તેની વાત કરી દેવાથી સરકારની જવાબદારી પૂરી થઈ જતી નથી.
આ દેશની જનતાને જવાબ આપવા સરકાર બંધાયેલી છે અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોઈ બાંધછોડ કે શંકા ના રહેવી જોઈએ.

એ વખતે જનરલ નરવણેએ ચીન સામે સરકારને ચેતવેલી ખરી?

જનરલ મનોજ મુકુંદ નરવણે 2020માં લશ્કરી વડા બન્યા પછી તેમણે આક્રમક વલણ અપનાવેલું. રાજકારણીઓની જેમ ગોળ ગોળ વાતો કરવાના બદલે જનરલે પાકિસ્તાન અને ચીન બંને ભારતનાં દુશ્મન હોવાનો સ્પષ્ટ મત તેમણે પ્રગટ કર્યો હતો. જનરલ નરવણે તો પાકિસ્તાન સામે ડાયરેક્ટ એક્શનના તરફદાર હતા. પાકિસ્તાન આતંકવાદને પોષે છે એ સંજોગોમાં ભારતને આતંકના અડ્ડાઓ પર ત્રાટકવાનો પૂરો અધિકાર છે એવું તેમણે કહ્યું હતું. જનરલ નરવણેએ ચીન સાથેના સરહદના પ્રશ્નો ઉકેલવાની ને શાંતિ સ્થાપવાની વાતો કરી હતી અને ચીન સૌથી મોટો ખતરો હોવાનું પણ કહેલું. એમણે કહેલું કે, આપણે દેશના પશ્ચિમ મોરચે બહુ ધ્યાન આપીએ છીએ, પણ ઉત્તરના મોરચે પણ ધ્યાન આપવાની જરૂર છે. ભારતની પશ્ચિમ સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે ને ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ અને કાશ્મીર એ રાજ્યો પશ્ચિમ મોરચે છે. ઉત્તર મોરચે નેપાળ, ભૂતાન, તિબેટ, ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશો સાથેની સરહદ છે, પણ તેમાં મુખ્ય ચીન છે. જનરલ નરવણેએ ચીનની અવગણના ભારે પડશે એવો ઈશારો એ વખતે જ કરેલો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button