અભિનંદન ગુજરાત: ‘છારીઢંઢ-ક્ધઝર્વેશન રિઝર્વ’ ગુજરાતની પાંચમી રામસર સાઈટ…

ટ્રાવેલ પ્લસ – કૌશિક ઘેલાણી
પંખીઓ સૃષ્ટિનાં આરંભથી જ આ ધરાને ‘વસુધૈવ કુટુંમ્બક્મ’ની ભાવનાથી જોતા આવ્યા છે અને એ ક્રમ આજ દિન સુધી ચાલતો આવ્યો છે. યુરોપિયન દેશોમાંથી ભારત આવતા વિવિધ પક્ષીઓની મુસાફરીનું વિજ્ઞાન અચરજ પમાડે તેવું હોય છે. આ સૃષ્ટિના સમગ્ર જમીની વિસ્તાર, સમુદ્ર અને આકાશ પર લાખો વર્ષોથી લઈને આજની ઘડી સુધી પક્ષીઓ રાજ કરતાં આવ્યાં છે. વસંત ઋતુ ખીલે કે આ પક્ષીઓ મુસાફરની માફક ધરતીના એક છેડેથી બીજા છેડા સુધી લાંબી મુસાફરીનો આરંભ કરે છે અને પતઝડની મોસમ બેસતાં જ ફરી એ જ રસ્તે પરત ફરે છે, જેનું એક માત્ર કારણ છે પોતાના જીવનના અસ્તિત્વને ટકાવી રાખવું.
જીવનનાં દરેક પાસાઓનો ખૂબ જ ઓછા સમયમાં અનુભવ કેળવીને કોઈ પણ જાતના સ્વાર્થ વિના બધી જ હકારાત્મક અને નકારાત્મક શક્યતાઓને તેઓ પોતાની આગલી પેઢીને શીખવે છે. આ જ પક્ષીઓ સરળ અને સફળ લાંબી એટલે કે હજારો માઈલની મુસાફરી માટેની વ્યૂહરચનાને દરેક સાથીદારોના મગજમાં ઠસ્સાવી દે છે અને સઘળાં પક્ષીઓ એક સાથે મુસાફરી આદરે છે. મારા પપ્પા ખેતરમાં ઊંચે નજર માંડીને કહેતા કુંજડાં આવવાનાં શરૂ થઇ ગયાં એટલે હવે શિયાળો બેઠો સમજો.
આ કુંજ ગજ્જબના મુસાફર જીવડાં હો ભાઈ. શિયાળાનું પાકું એંધાણ જ આ પક્ષીઓ આપે. આપણા પ્રદેશમાં શિયાળુ મોંઘેરા મહેમાન કુંજનાં આગમનની શરૂઆત થઇ ચૂકી છે. સદીઓથી પક્ષીઓ આ સૃષ્ટિ પર રાજ કરતા આવ્યા છે. પક્ષીઓનાં માઈગ્રેશન રૂટ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો મહત્ત્વનો હિસ્સો ગુજરાતમાંથી પસાર થાય છે એટલે હવે અવનવા પક્ષીઓ મુસાફર બનીને ગુજરાત આવે છે. પંખીઓનાં આવા વિશ્વને શ્રી ધ્રુવ ભટ્ટે અદ્ભુત શબ્દો આપ્યા છે.
પાંખમાં ભરીને ચલો આખું આકાશ કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ
ભાંગતા કિનારાનું ભાંગે એકાંત એવી કલબલતી કોઈ વાત બોલીએ
માળાનો હોય નહીં આપણને સાદ સાવ ટૂંકા રોકાણ છીએ આપણે
યાયાવર ગાન છીએ આપણે…
-ધ્રુવ ભટ્ટ
શિયાળો બેસે કે ગુજરાત અને રાજસ્થાનના રણ વિસ્તાર, ઘાસિયાં મેદાનો અને સરોવરોની આસપાસનાં ખેતરોમાં કુંજનો કલરવ ગુંજવા માંડે. વહેલી સવારે ઊંચે આકાશમાં નજર માંડો કે એકમેકની પાછળ શિસ્તબદ્ધ શેપમાં ઉડાન ભરતા નજરે ચઢે. દેખાવે આકર્ષક લાગતા કુંજ મોટા ભાગનો સમય ખોરાક શોધવામાં જ વિતાવતા હોય છે. પોતાની લાંબી અને મજબૂત ચાંચનો ઉપયોગ કરીને જમીનમાં ઉગેલા ઝાંખરાઓનાં મૂળ ખોદીને તેઓ ખાતા હોય છે. આ સિવાય ખેતરમાં જમીનમાં રહી ગયેલાં મૂળિયાઓમાંથી અને રણ વિસ્તારનાં ઝાંખરાંઓમાંથી તેઓ ખોરાક મેળવતા હોય છે.
તેઓનું દિશા જ્ઞાન અચરજ પમાડે તેવું છે. જે રૂટનો ઉપયોગ કર્યો હશે એ જ રસ્તેથી તેઓ પરત ફરે છે અને એ જ પ્રક્રિયા વર્ષોવર્ષ સુધી ચાલ્યા જ કરે છે. તેઓ નવી પેઢીનાં પક્ષીઓને રસ્તા અને રસ્તા પર આવતા સંકટ વિષે માહિતગાર કરતા હશે. મોટાભાગે તેઓ 2500 મીટર કરતા વધારે ઊંચાઈ વાળા વિસ્તારો પરથી ઉડવાની પ્રક્રિયાને ટાળતા હોય છે જેથી યોગ્યતા માત્રામાં હવાની મદદ મળી રહે અને શક્ય એટલા ઓછા સમયમાં યોગ્ય સ્થળે વિરામ માટે ઉતરાણ પણ કરી શકાય.
યુરોપિયન દેશોમાં વધુ માત્રામાં જોવા મળતું આ પક્ષી ભારતમાં રાજસ્થાન અને ગુજરાતને પોતાનું શિયાળુ આવાસ બનાવે છે. કચ્છનાં મોકળા બન્નીનાં ઘાસિયાં મેદાનો તેઓ માટે સ્વર્ગ છે. નળ સરોવર આસપાસનાં ખેતરોમાં, કાઠિયાવાડનાં ભાલ વિસ્તારના મગફળીનાં ખેતરોમાં, કચ્છનાં નાના રણનાં ખુલ્લાં મેદાનોમાં આ પક્ષીઓ ખૂબ જ મોટા સમૂહમાં ઊતરે છે. આ પક્ષીઓની ઉડાનને જોઈને જાણે પળવાર માટે જગ વિસરી જવાય એવો એનો નાદ હોય છે અને અનન્ય પ્રકારની ઉડાન જોવા મળે છે.
અસંખ્ય પક્ષીઓ એક સાથે ઝડપથી ઉડતા હોવા છતાં એકમેક સાથે એવો તાલમેળ જાળવે છે. તેઓ એકબીજાને મદદ કરીને સુરક્ષિત રીતે હજારો કિમી જેટલી મુસાફરી દિવસ દરમ્યાન સતત ઉડાન ભરીને પાર પાડે છે અને રાત થતા જ સુરક્ષિત વિસ્તાર પસંદ કરીને આરામ કરે છે અને દિવસની શરૂઆત થતા જ ફરી ઉડાન શરૂ કરે છે. પરત ફરતી વખતે ગુજરાતથી નીકળીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને છેલ્લે કઝાકિસ્તાન પહોંચે છે અને ફરી પાછા ગુજરાતનાં નળ સરોવર સુધી પરત ફરે છે.
કુંજ માત્ર દિવસે જ ઉડાન ભરે છે અને રાત્રે યોગ્ય સ્થળે આરામ કરે છે, એમ કરતા કરતા તેઓ 10-12 દિવસમાં આશરે 4500 કિમી સુધીની મુસાફરી કરીને ગુજરાત અને રાજસ્થાનમાં ઉતરાણ કરે છે. કુંજ પક્ષીઓમાં મોટા ભાગે વડીલ કુંજ હોય જ છે જે માર્ગદર્શક બની રહે છે. અફઘાનિસ્તાન વિસ્તાર પર પસાર થતી વખતે તેઓ ખાસ સાવચેતી રાખીને ઓછામાં ઓછો વિશ્રામ કરીને પસાર થાય છે.
નખત્રાણા તાલુકામાં ફુલાય ગામ પાસે આવેલ અલિપ્ત વિશ્વમાં એક સમયે વિશ્વ વિખ્યાત પક્ષી વિદ ડો. સલીમ અલીએ અસંખ્ય પ્રજાતિઓની ઓળખ કરી હતી. કચ્છનાં છારી ઢંઢનાં વિશાળ મેદાનો પંખીઓ માટે સ્વર્ગ સમાન છે. આ અદ્ભુત સ્થળ સદીઓથી પ્રકૃતિનો વારસો સાચવીને બેઠું છે. આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ, છારીઢંઢની રામસરમાં સમાવેશ થયો એ પ્રકૃતિનાં જ આશીર્વાદ અને રાજ્ય સરકારના સંરક્ષણની દિશામાં કરવામાં આવતા અવિરત પ્રયત્નો જ છે. 300 થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ અહીં મહેમાન બનીને પોતાનાં જીવનનું અસ્તિત્વ ટકાવી રાખે છે.
ઢંઢ એટલે રકાબી, ભૌગોલિક રીતે રકાબી જેવો આકાર ધરાવતા આ વિસ્તારમાં આશરે 40 જેટલી ઘાસની પ્રજાતિઓનું વૈવિધ્ય જોવા મળે છે. રકાબી જેવો આકાર ધરાવતા વિસ્તારમાં ચોમાસા દરમ્યાન અઢળક પાણીનો ભરાવો થાય છે અને અહીં એક વિશાળ પ્રાકૃતિક સરોવરનું નિર્માણ થાય છે, જેના કારણે અહીં વિવિધ વનસ્પતિ અને પ્રાણીજાતિઓ માટે અનુકૂળ પરિસ્થિતિતંત્ર વિકસે છે. હજારો પ્રવાસી અને સ્થાયી પક્ષીઓની હાજરીને કારણે આ સ્થળ પક્ષી નિરીક્ષણ અને વન્યજીવ ફોટોગ્રાફી માટે અત્યંત લોકપ્રિય છે. છીછરા મીઠાં અને ખારા પાણીના સરોવરમાં કેટલુંયે જૈવિક વૈવિધ્ય ધરાવતી શેવાળ અસંખ્ય પંખીઓને ખોરાક પૂરો પાડે છે. આ જ પંખીઓ બીજા શિકારી પક્ષીઓને અહીં આકર્ષે છે.
સામાન્ય રીતે માઈગ્રેશન શિયાળાની શરૂઆતમાં થતું હોય છે પણ અહીં તો ચોમાસા બાદ તરત જ ઓગસ્ટ મહિનામાં જ પેસેજ માઈગ્રેશન શરૂ થઈ જાય છે. યુરોપિયન પ્રદેશો, સાઈબિરીયા, રશિયા જેવા ઠંડા પ્રદેશોમાંથી પંખીઓ ધરતીનાં એક ગોળાર્ધમાંથી બીજા ગોળાર્ધ તરફ મુસાફરી આદરે છે, વચ્ચે એકાદ પખવાડિયું આરામ કરવા માટે કોઈ સુરક્ષિત સ્થળે ઉતરાણ કરે છે જ્યાં યોગ્ય માત્રામાં પાણી અને ખોરાક મળી રહે જેથી તેઓ આગળનો પ્રવાસ સરળતાથી ખેડી શકે.
આ પ્રકારનાં ટૂંકા રોકાણને ‘પેસેજ માઈગ્રેશન’ તરીકે ઓળખવામાં આવે છે. યુરોપિયન નાઇટજાર, રૂફસ સ્ક્રબડ રોબિન, રેડ ટેઇલ્ડ શ્રાઇક, ટ્રમપેટર ફિંચ જેવા અસંખ્ય પંખીઓ અહીં પેસેજ માઈગ્રેશન દરમિયાન આવે છે. ત્યાર બાદ શિયાળો બેસતા જ કુંજ, હંજ, ગુલાબી પેણ, રાજહંસ, ગાજહંસ, લટોરો, મસ્કતી લટોરો જેવાં કેટલાંયે પક્ષીઓ યાયાવર ગાન ગાતા ગાતા અહીંના વિશ્વને રંગબેરંગી અને મધુર લયબદ્ધ કરી મૂકે છે. છારી ઢાંઢને વર્ષ 2008થી સંરક્ષણ આરક્ષિત વિસ્તાર (Conservation Reserve) તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને રામસર દરજ્જો મળવાથી કાયદાકીય તથા પર્યાવરણીય સુરક્ષા વધુ મજબૂત બનવાની શક્યતા છે.
રામસાર સાઇટ એવી જળભૂમિને કહેવાય છે જેને રામસર ક્ધવેન્શન હેઠળ આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી માનવામાં આવે છે. આ સંધિ વિશ્વના અનેક દેશો દ્વારા જળ ભૂમિના સંરક્ષણ અને એની પ્રાકૃતિક જાળવણી માટે કરવામાં આવે છે. રામસર માન્યતા મળવાથી આ સ્થળને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે છે, સંરક્ષણ માટેના આર્થિક ભંડોળની શક્યતાઓ વધે છે તેમજ જૈવિક અને વૈજ્ઞાનિક સંશોધન માટેની નવી તકો અવસરો સર્જાય છે, જે લાંબા ગાળે પર્યાવરણીય વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવે છે. આશા રાખીએ કે પર્યાવરણ સંરક્ષણ અને પર્યટન વિકાસ વચ્ચે સંતુલન સાધતા, ભવિષ્યમાં છારી ઢાંઢ એક સમૃદ્ધ અને જીવંત કુદરતી આવાસ તરીકે વિકસશે.



