કેરિયર: તમારી કારકિર્દીનું મૂલ્યાંકન જરૂરી છે, કારણ કે…

-કીર્તિશેખર
તમારી પાસે એક એવી જોબ છે જેમાં તમને સારું વળતર મળે છે અને તમે કામ પણ સારી રીતે કરો છો, પરંતુ તો પણ તમને લાગતું હશે કે ક્યાંક કશુંક ખૂટે છે. તમારી જોબ તમને ચેલેન્જિંગ નથી લાગી રહી અથવા તો એમ લાગે કે કેરિયરમાં કાંઈ બાધા આવે છે, આગળ નથી વધી શકાતું. તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે બધાના જ કેરિયરમાં એવો સમય આવે કે જેમાં એવું લાગે કે ગાડી પાટા પરથી ઊતરી ગઈ છે.
એક અણગમતી કારકિર્દીમાં રહેવું એ પણ એક સમસ્યા છે. ઘણાનું તો એમ પણ માનવું છે કે, આ એક સક્રિય કારકિર્દી જીવનનો અંત છે અને આના આંતરિક અને બાહ્ય કારણ હોય છે,પરંતુ આ વાત સાચી નથી. ખોટી કારકિર્દીમાંથી નીકળવાના ઘણા સફળ રસ્તા છે. જો તમને એવું લાગતું હોય કે તમે પણ આવી પરિસ્થિતિમાં છો તો નીચે આપેલાં સૂચનોથી લાભ લઈ
શકો છો.
તમારી કારકિર્દીનું મૂલ્યાંકન કરો – સૌથી પહેલા તમારે તમારી કારકિર્દી મૂલ્યાંકન કરવાનું છે. મૂલ્યાંકન એટલે તમારી વર્તમાન કારકકિર્દી તમારી ક્ષમતા અને વ્યકિતગત યોગ્યતા અનુસાર છે? એવું તો નથી ને કે તમારી સાથે કોલેજમાં ભણતા કે પછી તમારી ઓફિસમાં તમારા પછી જોડાયેલા તમારી આગળ તો નથી નીકળી ગયા ને? અને જો આવું હોય તો આવું શું કામ છે ?
તમે કયાં હિસાબે પાછળ રહી ગયા છો? તમારી પ્રગતિ શું કામ નથી થઈ રહી? આ બધા જ પ્રશ્નોના જવાબ તમને સાચું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે. એના જવાબને આધારે તમે આગળની યોજનાઓ બનાવી શકો.
વાસ્તવિક લક્ષ્યો નિર્ધારિત કરો – તમે તમારી કારકિર્દીમાં જ્યા પહોંચવા માગતા હોય તેના નાનાથી મોટા લક્ષ્ય નક્કી કરો કે જેને વાસ્તવિક રૂપે પ્રાપ્ત કરી શકવાનું સંભવ હોય. વિશેષજ્ઞોનું કહેવું છે કે, લક્ષ્ય એવાં હોવાં જોઈએ જે સાકાર થઈ શકે. તેથી જ લક્ષ્ય નક્કી કરતા સમયે પોતાના ઉદ્યોગ અને સંસ્થાના સંદર્ભોને ધ્યાનમાં રાખો.
જેમકે જો તમારી કંપની લોસમાં હોય તો તમે પ્રમોશનની આશા ન રાખી શકો. સાથે સાથે તે પણ જરૂરી છે કે, પોતે નક્કી કરેલાં લક્ષ્યોને ઘ્યાનમાં રાખી નિયમિત રૂપે પોતાની પ્રગતિનું મુલ્યાંકન કરવું.
આ પણ વાંચો…કેરિયર : સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં બનાવો સલામત કારકિર્દી…
પોતાના કૌશલ્યને અપગ્રેડ કરો – એ જ વ્યકિત પ્રગતિ કરે છે જે નિરંતર નવું શીખવાનો પ્રયાસ કરે છે. તેથી જ તમારે માત્ર તમારી એક્સપરટીઝ પર જ ધ્યાન નથી આપવાનું પરંતુ સાથે સાથે પ્રોફેશનલ ટ્રેનિંગ પણ લેવી જોઈએ. જેથી તમે તમારા હરીફોથી હંમેશાં એક પગલું આગળ
રહેશો.
આંખ અને કાન ખુલ્લા રાખવા – આગળ વધવા માટે દુનિયામાં શું ચાલી રહ્યું છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. તમારી કંપની કે તમારી આજુબાજુ જેટલા પણ નવા બદલાવ થાય છે તેની જાણકારી તમને હોવી જોઈએ. તમારે એવા પ્રોેજેક્ટમાં સહયોગ આપવો કે જેનાથી કંપની પર સારો પ્રભાવ પડે.
નેટવર્ક – આજકાલ વ્યવસાયોને જે નવી નવી રીતે ચલાવવામાં આવે છે તેમાં મજબૂત નેટવર્ક હોવું ખૂબ જ જરૂરી છે. અલગ અલગ સામાજિક અને પ્રોફેશનલ નેટવર્કિગ સાઈટ તમને પોતાનું નેટવર્ક વધારવા માટે નવા નવા ચાન્સ આપે છે જેથી કોઈ નવી દિશા મળી શકે.
ચેલેન્જિંગ રોલ કરવા – તમારા ક્ધફર્ટ ઝોનથી બહાર નીકળી ચેલેન્જિંગ રોલ કરવા. આ રીતે તમે નોકરીની વધારાની જવાબદારીઓ સ્વીકારો છો અથવા આંતરિક વિભાગીય સમિતિમાં નિમણૂક પામો છો અને સફળતાની સીડી ચડી શકો.
મદદ લેવી – જો તમને કોઈ કામ ન સમજાતું હોય તો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમે પ્રોફેશનલની મદદ માગી શકો. આજકાલ વ્યવસાય સંબંધી મદદ માટે કેટલી કંપનીઓ છે જે માત્ર તમારું માર્ગદર્શન જ નથી કરતી પરંતુ તે તમારા પ્રોફેશનલ કોચ બની જાય છે.
આ પણ વાંચો…કેરિયર: મોડર્ન કરીક્યુલમ આઉટ ઓફ ધ ક્લાસરૂમ
વિજેતાઓથી શીખવું- પ્રેરણાના સ્રોત બધી જ જગ્યાએ હોય છે. તમારી કંપનીમાં પણ એવા કેટલા લોકો હશે કે જેનું તમે અનુકરણ કરી શકો. વિજેતાઓને પોતાના આદર્શ બનાવો, તેઓ એ જે બેન્ચ માર્ક સેટ કર્યા છે તેમનું અનુકરણ કરો. તેઓ પાસેથી એ શીખવાનું કે કોઈપણ પ્રોજેકટને અલગ રીતે કઈ રીતે કરી શકાય.
જોબ માટે અપ્લાય કરવું- માર્કેટ પર હંમેશાં ધ્યાન રાખવું. જોતા રહેવું કે કઈ ટાઈપની જોબ અવેલેબલ છે. જરૂર લાગે ત્યાં અપ્લાય પણ કરવું . આ એક સારો નુસખો છે તમારી માર્કેટ વેલ્યૂ જાણવાનો. આ રીતે તમને પોતાની ક્ષમતા અને બાહરી વિકાસનો ખ્યાલ આવે છે. તમને તરત ખ્યાલ આવશે કે તમે કયાં છો અને કયાં પહોંચવાનું છે.
પોતા પર વિશ્ર્વાસ રાખવો – સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, તમને તમારી યોગ્યતા પર પૂરેપૂરો ભરોસો હોવો જોઈએ. સંપૂર્ણ વિકાસ માટે તમારો આત્મવિશ્વાસ જ કામ આવશે.