કેનવાસ: નવી પેઢીનો લેટેસ્ટ વાયરસ: સૈયારા | મુંબઈ સમાચાર

કેનવાસ: નવી પેઢીનો લેટેસ્ટ વાયરસ: સૈયારા

  • અભિમન્યુ મોદી

‘સૈયારા’ ફિલ્મ ને એના જુવાળ ને ટાબરિયાઓના રિએકશન વિશે બધાને ખબર છે, પણ ચાલો , આજે ‘સૈયારા’ જોઈને ટીનેજરની આજની જનરેશન સ્ક્રીન ઉપરનો ઉપરછલ્લો પ્રેમ જોઈને કેમ રડે એ આપણાં જેવડી પેઢી જાણવા-જોવા જાય છે કે આ બધાં કેમ રડે છે અને પછી એ ફિલ્મ જોઈને રડે છે ને સરવાળે સૌ રડે છે.

ઘણાને વાંધો વેવલાવેડાનો છે, પણ આમાંના કોઈને ય ત્યારે વાંધો નહોતો જ્યારે ‘આદિપુરુષ’ રિલીઝ થઈ ત્યારે થિયેટરમાં હનુમાનજી માટે એક સીટ રિઝર્વ રાખવામાં આવેલી. હકીકતમાં રામકથામાં હનુમાનજીને આસન આપવાની પ્રથા છે તો એની જ બેઠી કોપી ફિલ્મમાં કરવાની? એ વેવલાવેડા નહોતા?

‘કાશ્મીર ફાઇલ્સ’ જોઈને પરજા ગાંડી થયેલી ને રડતી-ચિચિયારીઓ પાડતી. અમુક તો એક ખાસ ધર્મને ભારતમાંથી હાંકી કાઢો એમ કહેતી. અમુક લોકો પોસ્ટર પાસે ઊભા રહીને ઊતરેલા ડાચે ફોટોઝ પડાવતા. હા, માન્યું કે એ ફિલ્મ એક વાસ્તવિક કરુણાન્તિકા પર હતી, જેના માટે સંવેદના જ હોય, પણ માઈન્ડ ઇટ, આ સંવેદનાની આડમાં નફરતનું સિંચન હતું.

બાકી ફિલ્મ ‘બોર્ડર’ પણ સત્યઘટના પર હતી, પણ અંતમાં સર્જક એનો પોતાનો સ્ટેન્ડ લઈને ગીત ‘મેરે દુશ્મન મેરે ભાઈ’ મૂકીને કહે છે, કે ‘જંગ તો ચંદ રોઝ હોતી હૈ, જિંદગી બરસોં તલક રોતી હૈ’ અહીં ઉપરોક્ત મૂવીમાં કડવી, નગ્ન વાસ્તવિકતા બતાવવાના કારણે કદાચ આજ જેવું એ વખતે નહીં આવ્યું હોય?

પાંચ-છ મહિના પહેલાં જ ‘છાવા’ જોઈને સાવ નાનાં નાનાં બાળકો શૌર્યતા અને નફરતના રિએક્શન થિયેટરમાં આપતાં હતાં એમાં કોઈને ય વેવલું ન લાગ્યું. એ પણ સત્ય હતું અને વાસ્તવિકતા હતી, પણ એટલે સદીઓ જૂની ઘટનાનું ઝેર કુમળા માનસ પર નાખવાનું? પછી એ જ બાળક મોટું થશે ને ફિલ્મમાં કોઈક ને પ્રેમ કરતાં જોવે તો રડશે કેમ કે એમના આસપાસના લોકોએ એમને પ્રેમ કરતાં તો શીખવ્યું જ નથી.

ખેર, આપણે લાગણીશીલ પ્રજા છીએ ને એ કંઈ આજકાલનું નથી. જેમને ધંધો કરવો છે એ આપણને સારી રીતે જાણે છે, તો એ તો એમનું કામ કરવાના… આપણે એક કાલ્પનિક સંતોષી મા ને ય માતાજી બનાવી દઈએ ને રામાનંદ સાગરની ‘રામાયણ’ આવે તો ટીવી સામે દીવા- બત્તી ય કરીએ. તો પછી યુવાનો નફરત કે હિંસા સ્ક્રીન પર જોઈને ચીસો પાડે કે સ્ક્રીન પર પ્રેમ જોઈને રડે એ યોગ્ય કેમ નથી?

બીજી તરફ, ફિલ્મ એપ્રિશીએશન ભણાવવા માટે ભાવિ પત્રકારોના એક ક્લાસમાં સાથી શિક્ષકે કહેલું કે આ છોકરાઓને ગુરુદત્ત કોણ છે એ ખબર નથી એ હજુ ક્ષમ્ય છે, પણ સુનિલ દત્ત કોણ છે એ પણ ખબર નથી એનો કારમો આઘાત કેમ સહન કરી લેવો? વળી આ કિસ્સો આજકાલનો નહીં, પણ દસ વર્ષ પહેલાંનો છે.

હવે વિચારો વાચકબાબુ, આજની પેઢી ક્યાં પહોંચી હશે? જ્યાં પણ પહોંચી હશે ત્યાં પણ આ પૂર્તિનું પાનું એના હાથમાં નથી એ ખાતરી છે. છેલ્લે ક્યા જનરેશન-ઝીના બાળકને હાથમાં છાપાં સાથે જોયેલું? ઇટ ઇઝ ઈમ્પોસિબલ. જોડણી કે શબ્દ ભલે ખોટો હોય, ‘સૈયારા’ ફિલમ જોઈને ભાંગી પડતા અને હિબકે ચડતા આ ઢાંઢા બાળકોની પેઢીને શું ફરક પડે છે? બસ, મજા આવવી જોઈએ અને બધું ઇન્સ્ટા સ્ટોરીમાં ચડવું જોઈએ…બસ…મોક્ષ!

આપણ વાંચો:  બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : પોઝિશનિંગ પેપર પર છે કે અમલમાં?

હવે ફરી ‘સૈયારા’ની વાત પર આવીએ…તો માર્કેટના રિપોર્ટ અનુસાર પચાસ ભાડુતી છોકરા-છોકરીઓને બોલાવીને પબ્લિસિટી સ્ટંટ કરેલો. એમની રીલ વાયરલ થઈ ને એના પછી સ્વયંભૂ ચિનગારી આગ મેં પલટ ગઇ. …આ બધું ફિલ્મના માર્કેટિંગ ગિમિક નો ભાગ હતો જે અણધાર્યો સફળ થયો. તો તો આ નિબ્બા/નીબ્બીની પેઢી વધુ મૂરખ કહેવાય. આટલા કાચા કાનની પેઢી તો ઇતિહાસમાં ક્યારેય આવી જ નથી. પ્રજાને ઝુકાવી શકાય છે આવું સાંભળેલું છે પણ આ છપરી ગેંગ તો મૂર્ખામીમાં આળોટી રહી છે. આ લોકોના ભરોસે સરહદ તો શું ફ્રિજનું બારણું પણ ન મુકાય.

આખો દિવસ રીલ જોતા કે કોન્ટેન્ટ બનાવતા મગજ સંકોચાઈ ગયું છે. એમનો એટેન્શન સ્પાન-ઝીરો. ‘સૈયારા’ પછી તો માઇનસમાં થઈ ગયો લાગે છે, કારણ કે એમનું મગજ ત્રીસ સેકન્ડની રીલ જોવા ટેવાયેલું છે. ત્રીસ સેકન્ડ સરખો એક વીડિયો જોયો ન જોયો એવું તરત સ્ક્રોલિંગ. બીજા ચહેરા… બીજું મ્યુઝિક.. બીજી વાત. એની પંદર વીસ સેકન્ડ પછી એ જ પુનરાવર્તન. આવું કલાક સુધી થાય એટલે ફક્ત મગજ જ નહીં, આંખ – કાન પણ નુકસાન પામે. માનસિક – શારીરિક આદત બદલાઈ જાય.

આ રીલ જોવાની આદત તમારા ઉગઅ બદલી નાખે. આમને આમ દસ વર્ષ પછી એકાદી રિસર્ચ કે સ્ટડી આવશે કે માણસના જીન્સમાં સોશ્યલ મીડિયા અને રીલને કારણે જે મ્યુટેશન આવ્યું-પરિવર્તન આવ્યું એમાં ઘટતા એટેન્શન સ્પાનની ભૂમિકા મુખ્ય હશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button