ઉત્સવ

કેનવાસ: સ્ક્રોલિંગનો જમાનો ને પ્રેમની મોસમ!

  • અભિમન્યુ મોદી

આમ તો પ્રેમની મોસમ તો બારેમાસ હોવી જોઈએ , પણ ફેબ્રુઆરીમાં ગુલાબના ફૂલ, ફુગ્ગાઓ, હાર્ટ શેપની કેક અને લાલ રંગ વધુ દેખાય છે. વસંત કુદરતને ખીલવે છે. પ્રેમીઓ પોતાના દિલના તંરગોને ખીલવવા માટે વસંતોત્સવની રાહ જોતા હશે? ખબર નહીં. પણ આ `રાહ’ શબ્દ પણ પ્રેમના સેંકડો સમાનાર્થી શબ્દોમાંનો એક છે.

પ્રેમ એટલે?' આ એક સવાલ ઉપર કવિઓ અને લેખકો અને ઘણીવાર ગુરુઓ પણ પોતાની અડધી કારકિર્દી ચલાવી લેતા હોય છે. પ્રેમમાં ઇંતજાર તો સદીઓથી રહ્યો છે. જ્યારે ઘૂંટણભેર બેસીને હાથમાં ગુલાબ લઈને પ્રપોઝ કરવાની ફેશન ન હતી ત્યારે પણ પોતાના ગમતા વ્યક્તિની રાહ જોવાતી અને એ રાહ જોવી પણ ગમતી. પ્રેમનાપ્ર’ માં નીચે જે પાંખીયું છે એમાં રાહ ઇંગીત થયેલી છે. પ્રતીક્ષાના પાયા ઉપર પ્રેમ ટકેલો છે. સુમસામ રેલવે સ્ટેશન પર મોડી પડેલી ટે્રનની રાહ જોવી, બપોર વચાળે ટપાલીની સાયકલનું ટ્રીન ટ્રીન સંભળાય એના માટે કાન સરવા રાખવા, કેન્ટિનમાં એક ઝલક જોવા મળી જાય એના માટે કલાસ બન્ક કરવા, આખી રાત ગરબા ગાતા ઝૂમવું તો રાતે એને ઘરે મુકવા જઇ શકાય – આ બધામાં રાહ જોવાનું બાય ડિફોલ્ટ છે. પ્રેમ વડની વડવાઈ જેવો હોય. ધીમે ધીમે એવો મજબૂત થાય કે ટીંગાઈને ઝૂલી શકો, પણ પ્રેમ હવે નોટિફિકેશન છે.

ફોન વાઈબ્રેટ થાય તો દિલના ધબકારા વધી જાય, નોટિફિકેશનમાં એનું નામ હોય તો વીજળીક વેગે એનું ચેટબોક્સ ખુલી જાય, એની સ્ટોરી ચાર સેક્નડમાં લાઈક થઈ જાય અને ગમે તેટલા માણસો વચ્ચે પણ પોતાના ફોનમાં જ ચોરી કરતા હોઈએ એમ ચુપકે ચુપકે રિપ્લાય પણ અપાઈ જાય અને પછી હોઠ મરકી ન ઉઠે એનું ધ્યાન પણ રાખવું પડે. પ્રેમ એકાંતમાં ખડખડાટ હસાવે ને જાહેરમાં સ્માઈલને દબાવે. અજબ રસાયણ છે આ. એ એક ગ્રીન ડોટ, એ એકનું જ ઓનલાઈન હોવું, એ એકનું ટાઈપિંગ ટાઈપિંગ લખેલું આવવું, એ એકનો લાંબો મેસેજ, હજારો રીલ વચ્ચે એની એકની જ તસવીરનું બેસ્ટ લાગવું, એ એકનો વીડિયો કોલ જો ભૂલથી આવી ગયો તો સ્ક્રીનમાં ઘુસી જઈને એને ચૂમી લેવાનું મન થવું, મનમાં વિચાર એના અને આંગળીઓ સ્ક્રોલ કરતી ફરતી રહે, આંખો સ્થિર ન રહે પણ ધ્યાન એક જગ્યાએ જ સ્થિર હોય. પ્રેમની પરિભાષાઓ ડિજિટલ છે પણ કેટલી સટીક અને ચોક્કસ છે. સોફ્ટવેરના સમયમાં પણ અભિવ્યક્તિ અને ઈચ્છાઓ દ્રઢ રહે છે.

આપણાં દાદાજીઓ અવાજના પ્રેમમાં પડતા. નવલકથાકારો લખતા કે રૂપાની ઘંટડી જેવો અવાજ, કાનમાં મધ રેડાતું હોય એવો સુમધુર કંઠ. આપણે લોકો પ્રેમમાં કાનનો થોડો ઓછો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. અવાજને બદલે બે-પાંત્રીસનું લાસ્ટ સીન વધુ યાદ રહે છે. ત્યારે પ્રેમપત્રો સાચવીને તિજોરીમાં રખાતા. હવે ચેટ આર્કાઈવ થાય છે. ગૂગલ ડ્રાઇવમાં મેમરીઝ સચવાય છે. શક્ય હોય તો વોલપેપર પર પ્રેમની સજાવટ થાય છે. એ સમયે પ્રેમને અભિવ્યક્ત કરવા માટે લાંબા લેટરો હતા તો હવે લાંબી ઇન્સ્ટા સ્ટોરી છે. આ ઇન્કથી લઈને ઈન્ટરનેટ સુધી પ્રેમ તો એ જ રહ્યો અને એની અનુભૂતિ પણ તીવ્ર રહી પણ કઈંક બીજું બદલાયું.

એ શું? મનુષ્યનું ધ્યાન. પ્રેમ નામના રસાયણમાં રાહ જોઈએ એમ ધ્યાન પણ જોઈએ. ફોકસ દોસ્ત ફોકસ. ધ્યાન અપાય છે તો આદર મળે છે એમ સમજવું. આદર વિના પ્રેમ શક્ય નથી. લાંબા સમય સુધી એકધારું અપાતું ધ્યાન એટલે પ્રેમ જ ને. પણ આજે એ લાંબો સમય કેટલી ક્ષણો સુધી સીમિત થયો છે? ત્રીસ સેક્નડ? નેવું સેક્નડ? સ્ક્રીનની લાઈટ ફેડ આઉટ થઈ જાય કે ટાઈપિંગ લખેલું આવતું બંધ થઈ જાય ત્યાં સુધી?

માણસને મહત્તમ બેધ્યાન કરી શકે એવો સમય માનવ ઇતિહાસમાં ક્યારેય આવ્યો ન હતો જે વર્તમાન લાવ્યો. માણસને ખાસ કશું યાદ રહેતું નથી, કારણ કે એ યાદ રાખવાનો પ્રયત્ન કરતો નથી કારણ કે એની પાસે એના વતી યાદ રાખી શકે એવું ડિવાઇસ છે અને તેના થકી જ એ એના પ્રિયજનના સંપર્કમાં રહી શકે છે, પણ ધ્યાન ઈલ્લે … ! એટેન્શનનો પન્નો ટૂંકો પડે છે. એક સમયે ગુફા અને શિકાર સિવાય ખાસ બીજું કરવાનું ન હતું. પછી ખેતરથી ઓરડીને ત્યાંથી સ્કૂલ સિવાય ખાસ કશું ન હતું. એના પછી વર્ષે દહાડે એકાદી ફિલ્મ કે નાટક કે મેળાથી વિશેષ કશું ન હતું. આજે સ્થિતિ એ છે કે એ સમયે માણસ એના આખા વર્ષમાં જેટલી મનોરંજક પ્રવૃત્તિ કરી શકતો એનાથી વધુ મનોરંજન આજનો માણસ એક જ દિવસમાં સ્ક્રોલ કરીને ક્નઝ્યુમ કરી લે છે. દુનિયાનું સર્જન જ એ રીતે થઈ રહ્યું છે કે દરેક માણસનું ધ્યાન કેવી રીતે ખેંચવું? ચાર રસ્તે ઉભા કરી દેવામાં આવેલી એલઇડી સ્ક્રીનથી લઈને સરકારની નીતિઓ સુધી બધું પબ્લિકનું ધ્યાન ખેંચવા માટે થાય છે. આ ટુકડાઓમાં વહેંચાઈ ગયેલા આપણાં ધ્યાન સાથે એવો પ્રેમ કરવાનો આવે છે જેમાં ખુદ વેંચાઈ જવાનું છે, સમર્પિત થઈ જવાનું છે, પણ આજુબાજુની દુનિયા એ થવા દે છે?

મારી તમારી પાસે ઓપ્શનો ચિક્કાર છે. સ્ક્રોલિંગ અનલિમિટેડ છે. કરવા જેવું, જોવા જેવું, માણવા જેવું પુષ્કળ છે. માધ્યમો અગણિત છે. વિકલ્પો બેસુમાર છે. એમાં રાહ જોવાની વાત જ અવ્યવહારુ લાગે છે આ દુનિયાને. ઢોલ- નગારા વચ્ચે શાંતિથી વાગતા માઉથ ઓર્ગનનો અવાજ સાંભળવાની ટે્રનિંગ સ્કૂલમાં અપાતી નથી. પરિણામે લગભગ બધાનો પહેલો પ્રેમ તૂટે છે ને છેલ્લે પ્રેમ લગ્ન પછી થાય છે. લગ્નજીવન તો ડામાડોળ રહે જ છે એ ઓપન સિક્રેટ છે. પસંદગીઓની વિપુલતા આપણને મુક્તિ આપવી જોઈએ એને બદલે દિલ પેરેલાઈઝ થતું જાય છે. પહેલા મા-બાપ એના બાળકો માટે બેહતર બાયોડેટાની તલાશમાં રહેતા હવે એના છોકરાઓને જ બ્રેક-અપ પછીની બીજી કલાકે બેટર પ્રોફાઈલ મળી જાય છે.

આજના સમયમાં રોમિયો કે જુલિયેટ કે હિર કે રાંઝાનો પ્રેમ મહાન થઈ ગયો હોત એમ? રોમિયોને બીજી એલિઝાબેથ મળી ગઈ હોત અને હિરને અલતાફ, કારણ કે આખી કાયનાત માણસનું સતત ધ્યાન ખેંચવા માટે પ્રયત્નશીલ છે ત્યાં માણસ ફક્ત એક જ વ્યક્તિ ઉપર સતત પોતાનું ધ્યાન આપી શકે એવી શક્યતા કેટલી? તો પણ આટલા બધા ડિસ્ટે્રક્શનના જમાનામાં જો કોઈ સંપૂર્ણ સમર્પણથી એના પ્રિયજનનું થઈ જાય તો એ ચોક્કસપણે ઇતિહાસના મહાન નામી પાત્રો કરતા મોટો પ્રેમી છે.

થયો છે તમને આવો પ્રેમ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button