કેનવાસ: કાતિલ ઓગસ્ટ…અળખામણો ઓગસ્ટ…!

- અભિમન્યુ મોદી
ઓગસ્ટ એટલે રજાઓનો મહિનો. ખુશીઓનો મહિનો. તહેવારોના ઢગલા…. જૂનમાં નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થાય પછી દિવાળી પહેલાનું પ્રથમ મીની-માઈક્રો વેકેશનનો મહિનો. આનંદી ઓગસ્ટ, પણ દુનિયા માટે જબરદસ્ત હલચલ મચાવનાર મહિનો એટલે ઓગસ્ટ…
આ મહિનાના સમાચારો ઉપર એક નજર ફેરવો. વિશ્વ આખામાં એક કરતાં વધુ દેશમાં હિંસા ભભૂકી રહી છે. સિઝનલ માંદગી તેની ટોચ પર છે. રશિયા-યુક્રેઇન બોર્ડર હોય કે ઇઝરાયલ-ગાઝા કે બાંગ્લાદેશની આંતરિક સ્થિતિ … બધે જ વધુને વધુ ભીષણ સંજોગો આકાર લઇ રહ્યા છે. અરબ દેશોથી લઈને ચાઈના સુધી બધે ઊથલપાથલ મચી રહી છે. અમેરિકાના ટ્રમ્પે શરૂ કરેલા ‘ટૅરિફ પે ટૅરિફ’ની આ પરાકાષ્ઠાનો મહિનો છે ઓગસ્ટ. ઓગસ્ટ છે માટે જ વિશ્વમાં શાંતિ નહિ રહેવાની.
કોઈ મહાન આદમીએ કહ્યું છે કે કોઈ પણ દેશની પ્રગતિનું અનુમાન કરવું હોય તો તે દેશ કેટલું સલ્ફ્યુરિક એસિડ-H2SO4 વાપરે છે તે તપાસો. ઓગસ્ટ મહિનાની તવારીખ પર એક નજર કરીએ તો કહેવું પડે કે કોઈ પણ દેશ કેટલો ખમતીધર અને તાકાતવર છે તે જોવું હોય તો તે દેશના પાછળના ઓગસ્ટ મહિનાઓનો ઈતિહાસ તપાસો.
ઓગસ્ટ મહિનો લોહિયાળ છે. યુદ્ધ હોય કે કુદરતી આપત્તિ. વ્યક્તિગત જીવન હોય કે રોગચાળો. ઓગસ્ટ આવે અને વૈશ્વિક સ્થિરતાના પાયા હચમચાવીને ચાલ્યો જાય.
ભલે સત્તાવાર રીતે જુલાઈમાં શરૂ થયેલું પ્રથમ વિશ્વયુદ્ધે પણ આ જ- ઓગસ્ટ મહિનામાં ‘વિશ્વયુદ્ધ’ કહી શકાય એવો રંગ પકડ્યો અને બીજા વિશ્વયુદ્ધના અંત સમાન બે ભસ્માસુર અણુબોમ્બ પણ જાપાન ઉપર આ જ માસમાં મરણતોલ રીતે પટકાયાં.
અત્યારે આખા એશિયા ખંડ પર પોતાની આણ ફેલાવી રહેલા ચાઈનાની રાજધાની બેઇજીંગ (ત્યારનું પેકિંગ) ઉપર 1900માં અમેરિકા, રશિયા, જાપાન, ઇટાલી, ફ્રાન્સ, બ્રિટન જેવા આઠ દેશના સૈનિકોએ સાથે મળીને ચાઈનાની આપખુદી સામે હલ્લો કરી એને પાઠ ભણાવેલો તો આ જ મહિનામાં સૌથી પહેલી વાર, ઈમર્જન્સીમાંથી જીવ બચાવવા માટેનો મેસેજ SOS-Save Our Soul બ્રોડકાસ્ટ થયેલો! 11 ઓગસ્ટે જગતના કોઈ ખૂણેથી SOS નો સંદેશો પ્રસારિત થાય છે તો એના એકઝેટ 6 દિવસ પછી 17 તારીખે આપણે ક્રાંતિકારી મદનલાલ ઢીંગરાની જાન બચાવી શકતા નથી. એમને પારકા દેશ લંડનમાં ફાંસી અપાય છે અને આપણે જોતા જ રહીએ છીએ.
1910માં પાંચ ઓગસ્ટે જાપાનના ટોક્યોમાં પૂર આવે છે તો વર્ષો પછી 1979માં આપણા મોરબીમાં જ 11 તારીખે હૃદયદ્રાવક જળહોનારત થાય છે જેના પડઘા વિશ્વ આખામાં પડે છે. આ જ મહિનામાં 1910માં રશિયાવ્યાપી કોલેરાનો રોગચાળો હજારો લોકોનો ભોગ લે છે તો બરાબર એક વર્ષ પછી આ જ મહિનામાં દરેક વિશ્વનાગરિકની અસ્મિતા સમાન પ્રિય કૃતિ દ વિન્સી ભાઈની ‘મોનાલિસા’ની ચોરી થાય છે!
બીજી તરફ, કરોડો લોકોને હસાવનાર ચાર્લી ચેપ્લિન માટે પણ ઓગસ્ટ મહિનો ‘આંસુ વહેવડાવનારો’ બને છે. ડિવોર્સ થાય છે એ અવ્વલ કલાકારના.1927ના જમાનામાં પણ એમણે કુલ મળીને 8,25,000 ડૉલર્સમાં સેટલમેન્ટ કરવું પડે છે….
બાપુ, ચાર્લી ચેપ્લિનનો ય વારો ઓગસ્ટ કાઢે તો આપણા પ્યારા બાપુ બાકી રહે આ મહિનાના ક્રોધથી? ગાંધીબાપુને જવું પડ્યું પહેલા સાબરમતી અને પછી યરવડા જેલમાં. અહિંસાના પૂજારી એવા 1 ઓગસ્ટ 1933ના રોજ જેલમાં જાય છે અને એના 11 દિવસ પછી બારમી તારીખે, આપણા પ્રિય અને આ બંદાના અતિપ્રિય એવા મહાત્માને ‘અર્ધનગ્ન ફકીર’ કહેનારા એવા વિન્સ્ટન ચર્ચીલે પહેલી વખત જાહેરમાં જર્મનીની શસ્ત્રજમાવૃત્તિ વિશે વોર્નિંગ આપીને બીજા વિશ્વયુદ્ધનો અણસાર આપી દીધેલો.
1933માં ગાંધીજી અરેસ્ટ થયા તો એ જ ગાંધીને અનુસરનારા લીજેન્ડ નેલ્સન મંડેલા વર્ષો પછી 1962માં આ જ મહિનામાં સાઉથ આફ્રિકામાં અરેસ્ટ થાય છે અને મંડેલાની ધરપકડ થઇ એ જ દિવસે વિશ્વસુંદરી- સૌન્દર્યસામ્રાજ્ઞી મેરેલીન મનરો દવાઓનો ઓવરડોઝ લેવાના કારણે જગતને અલવિદા કરી જાય છે…
ભારતને આઝાદી મળી એના અનેક પરિબળોમાંનું એક મજબૂત પરિબળ ‘ભારત છોડો આંદોલન’ અને ગાંધીજીનું ‘કરો ય મરો’ સૂત્ર 1942ના ઓગસ્ટમાં જ બહાર આવેલું. એના પછી ધીમે-ધીમે ભારત આઝાદ થશે તેવી આશા બંધાવા લાગી હતી…
જોકે, ભારત આઝાદ થાય ન થાય એ પહેલાં 1946માં સાયન્સ ફિક્શનના પિતામહ એવા મહાન સાહિત્યકાર એચ.જી.વેલ્સ 13 ઓગસ્ટે અવસાન પામે છે. એના મૃત્યુના ત્રણ દિવસ બાદ કલકત્તામાં કોમી તોફાનો ફાટી નીકળે છે અને પૂરા દસ હજાર લોકો કમોતે મરે છે.
ભારત આઝાદ થાય છે. (ના, ભારત આઝાદ થાય છે એ કઈ દુખદ ઘટના નથી, પણ દુખદ ઘટના જે એ જ દિવસે બની એ આ કૌંસના તરત પછી બહાર વાંચો.) આઝાદીના સમયે દિલ્હીમાં જેની હાજરી આવશ્યક નહિં પણ અનિવાર્ય ગણાય એવા આપણા રાષ્ટ્રપિતા કલકત્તામાં ભગ્નહૃદયે સૂઈ જાય છે. જે વ્યક્તિએ આઝાદી માટે પોતાની આખી જિંદગી આપી અને સૌથી વધુ લોકોને પ્રભાવિત કર્યા એ જ વ્યક્તિ ભારતની ભાગલાસભર આઝાદી વખતે દુ:ખી હતી- એ જરૂર એક દુખદ ઘટના જ છે, અને એ દુખદ ઘટનાનો મહિનો? એ જ અણીયાળો ઓગસ્ટ.!
ભારત-ચીનનું યુદ્ધ ભલે 62માં થયું પણ એનો પાયો 1959માં ચીનના અટકચાળાથી મંડાયો હતો. અને મહિનો હતો ઓગસ્ટ. 1975માં આપણા સ્વાતંત્ર્ય દિને જ બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબર રહેમાનની હત્યા થઇ. અત્યાર સુધી હિન્દુસ્તાનના જેટલા પણ વડા પ્રધાન આવ્યા છે એમાંથી નેહરુ પછી એક પણ વડા પ્રધાન ઓગસ્ટ મહિનામાં સત્તા પર નથી આવ્યા. બધા જ વડા પ્રધાનોમાંથી ઓગસ્ટમાં જન્મેલા એકમાત્ર વડા પ્રધાન સૌથી યુવાન રાજીવ ગાંધીની હત્યા થાય છે એ પણ એક કડવો જોગાનુજોગ છે …
જમૈકા, પાકિસ્તાન, ભારત, ઇન્ડોનેશિયા, સ્વીત્ઝરલેન્ડ, અફઘાનિસ્તાન, બન્ને કોરિયા, સિંગાપોર જેવા 23 દેશોને આ જ મહિનામાં આઝાદી મળી તો આ જ મહિનો દુનિયામાં ઊથલપાથલ માટે નામચીન છે, પણ સામાજિક રીતે ધાર્મિક રીતે આપણે સારું છે : રક્ષાબંધન, સાતમ-આઠમ અને હવે પર્યુષણ…. રજાઓ, તહેવારો, ખુશીઓ, આનંદ જ આનંદ.
આવતા વર્ષના ઓગસ્ટને ‘વેલકમ’ કહેવું કે નહિ એ તો હમણાં ખબર નથી, પણ તમને આ અળવીતરો ઓગસ્ટ ગમ્યો કે નહીં? સાચું કહેજો!
આપણ વાંચો: સ્પોટર્સ વુમનઃ દિવ્યા દેશમુખ: ભારતીય મહિલા ચેસને મળી નવી દિવ્ય દૃષ્ટિ