ફોકસ : શું આ વૃક્ષો દુનિયાને ગ્લોબલ વોર્મિંગથી બચાવી શકશે?

- અપરાજિતા
વૃક્ષોને ઓક્સિજનનું કેન્દ્ર માનવામાં આવે છે. આ બહુ જાણીતી અને માનીતી વાત છે. આમ છતાં, આજકાલ એક વાત પર્યાવરણવાદીઓથી લઈને સામાન્ય પ્રજાજનો વચ્ચે વિશેષ ચર્ચાઈ રહી છે કે ‘શું આપણાં વૃક્ષો દુનિયાને ગ્લોબલ વોર્મિંગથી બચાવી શકશે ખરાં?’
આ પ્રશ્નનો જવાબ તાર્કિક રીતે આપી શકાતો નથી. આમ જોઈએ તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા એક ખૂબ જ જટિલ અને ઈકોનોમિકલ સમસ્યા છે. આ સમસ્યાનો ઉકેલ બન્ને રીતે લાવવો પડશે એટલે કે, પર્યાવરણની દ્રષ્ટિએ અને વ્યવહારિક અર્થિક દ્રષ્ટિએ પણ…
ગ્લોબલ વોર્મિંગ એટલે ‘વૈશ્વિક ઉષ્ણતા’… કાર્બન ડાયોકસાઈડ વાયુને કારણે ધરતી પર ગરમાવો ક્રમશ: વધતો રહે છે એને કારણે આપણા અસ્તિત્વ પર જોખમનાં વાદળ મંડરાઈ રહ્યાં છે. આવી ઉષ્ણતા વધવાનું કારણ આપણી ઔદ્યોગિક ક્રાંતિ છે. એને કારણે તાપમાનમાં 1.3 થી 1.4 સેન્ટિગ્રેડ સુધીનો વધારો થયો છે. આટલું જ નહિ, ગ્લોબલ વોર્મિંગ દર વર્ષે વધી જ રહ્યું છે, જેનું મુખ્ય કારણ ત્રણ વાયુ /ગેસ છે, જેમકે, સીઓ2, સીએચ4 અને એન2ઓ.
આ ગેસનું અતિશય ઉત્સર્જન જ ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી મોટું કારણ માનવામાં આવ્યું છે. આ ગેસની અધિકતમ માત્રા પૃથ્વીની સપાટીને સતત ગરમ રાખે છે અને આ ગેસ પાછા વાયુ મંડળમાં જઈ નથી શકતા. આને કારણે આબોહવામાં અસંતુલન થાય છે. આના હિસાબે હિમનદીઓનું પીગળવું સામાન્ય થઇ ગયું છે, સમુદ્રનું સ્તર વધ્યું છે અને હવામાનની આફતોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.
વૈજ્ઞાનિકો – પર્યાવરણ શાસ્ત્રીઓનું માનવું છે કે, કુદરતી સંતુલન માટે વૃક્ષો મોટી ભૂમિકા ભજવે છે. ખાસ કરીને એ પ્રકારનાં વૃક્ષો કે જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા દૂષિત વાયુ શોષી પૃથ્વીને ઠંડી કરવાની મોટી ભૂમિકા ભજવે છે. જયારે વૃક્ષો કાર્બનડાયોક્સાઇડ શોષી લે છે, ત્યારે તે જ પ્રતિક્રિયામાં એ ઓક્સિજન પણ છોડે છે. આના પરથી ખ્યાલ આવે કે વૃક્ષો બન્ને રીતે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા માટે લડે છે.
આ લડાઈમાં વૃક્ષો માત્ર શક્તિશાળી કુદરતી શાસ્ત્રો નથી, પરંતુ તે જીવનને ઊર્જા અને ઉત્સાહ પણ આપે છે. આ વૃક્ષોની પૂરતી સંભાળ લેવાય તો એ આપણને ગ્લોબલ વોર્મિંગથી સંપૂર્ણપણે મુક્ત કરી શકે છે.
ભારતમાં જ નહિં, પરંતુ આખી દુનિયામાં એવા પણ થોડાં વૃક્ષ છે કે જે ઓક્સિજનના કેન્દ્ર તરીકે ઓળખાય છે. આપણા દેશમાં પણ એવાં અમુક વૃક્ષ છે, જેમકે, પીપળો, વડ, લીમડો, વાંસ અને આંબા વગેરેને ઓક્સિજનનું કેન્દ્ર માનવામાં આવે છે. વિદેશમાં પણ યુકેલિપટસ, ઓક, પાઈન અને રેડવુડને પણ ઓક્સિજનનું કેન્દ્ર માનવામાં આવે છે. આમ જોઈએ તો આ બધાં વૃક્ષોની ખાસિયત એ છે કે, એ ઓક્સિજન તો આપે જ છે, પરંતુ ગ્રીન હાઉસ તરીકે ગેસને પણ શોષી લેવાની તાકાત ધરાવે છે.
વૃક્ષોનાં વૈજ્ઞાનિક તથ્યો અનુસાર, એક સ્વસ્થ અને પરિપક્વ વૃક્ષ એક વર્ષમાં 22 કિલોગ્રામ ઓક્સિજન ગેસ ઉત્પન્ન કરે છે. જયારે તે જ વૃક્ષ આખા વર્ષમાં 21 થી 30 કિલોગ્રામ સુધી કાર્બન ડાયોક્સાઇડ શોષે છે. એક એકરનું જંગલ વર્ષે લગભગ અઢી ટન કાર્બન ડાયોક્સાઇડને શોષે છે. આ આંકડોના આધારે એમ કહી શકાય કે, વૃક્ષો માત્ર શ્વાસ માટે જ નહિં, પરંતુ આબોહવાને સમતોલ રાખવા માટે પણ એટલું જ અનિવાર્ય છે.
જોકે, આપણે એ પણ કાળજીપૂર્વક સમજવાની જરૂર છે કે ઓક્સિજનના કેન્દ્ર ગણાતા આ વૃક્ષોની વાસ્તવમાં અવગણના કરીને આપણે ઘણીવાર ભૂલ કરીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગથી બચાવા માટે અમુક પ્રકારનાં જ વૃક્ષો વાવવાં… વાસ્તવમાં તાપમાન ઓક્સિજન ઉત્પાદનથી ઘટતું નથી, પરંતુ જયારે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે એનાથી ઘટે છે… જમીનનો ભેજ જાળવીને એ તાપમાન ઘટાડે છે. તેથી વિશ્વના દરેક અલગ અલગ ઇકોલોજિકલ ક્ષેત્રોમાં વિવિધ પ્રકારનાં વૃક્ષોની જરૂરત છે. ઉદાહરણ તરીકે, રાજસ્સ્થાનના પ્રાદેશિક વિસ્તારોમાં પીપળા, વડ અને લીમડાનાં વૃક્ષો વાવવાથી આ પ્રદેશના લોકપ્રિય ખેજરી અને બબુલના વૃક્ષો વાવવા જેટલા ફાયદા નહિં મળે.
આવી જ રીતે જો દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રી તાપમાન અને તોફાનોથી માણસોની રક્ષા કરે છે તેને મેંગ્રોવ કહે છે. આવી જ રીતે પહાડી ક્ષેત્રોમાં જો પાઇન અને દેવદારનાં વૃક્ષોની જગ્યાએ આપણે આંબા, બરગદ અને પીપળાના વૃક્ષો મોટા પાયે લગાડીએ તો આ વૃક્ષો ગમે તેટલા પણ વધે, પણ એ પાઈન અને દેવદારની જેમ પહાડી જગ્યાની માટીમાં મજબૂતી નહીં આપી શકે કે ન તો કુદરતી ધોવાણ રોકી શકે.
કહેવાનો અર્થ એ નથી કે પર્યાવરણને વિનાશથી બચાવવા માટે આપણને ફક્ત એવા વૃક્ષોની જરૂર છે જે વધારે ઓક્સિજન આપે છે પણ એવાં વૃક્ષોની પણ જરૂર છે જે વિવિધ કારણોસર વિવિધ વિસ્તારો માટે વધુ મહત્ત્વપૂર્ણ છે.
આપણ વાંચો: સ્પોટ લાઈટ: પ્રેક્ષકોનો પ્રેમ-કલાકારનો કુબેરનો ખજાનો



